મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પહેલી બે સિઝનમાં ધમાકા કરનાર ગુજરાત ટાઈટન્સ આ વર્ષે કેમ ફૂસ્સ થઇ ગયા?

- ટાઈમ આઉટ કોઇપણ રમત હોય હાર-જીત તો થતી રહેતી હોય છે. હાર અને જીત જે રીતે

શતરંગ / પહેલી બે સિઝનમાં ધમાકા કરનાર ગુજરાત ટાઈટન્સ આ વર્ષે કેમ ફૂસ્સ થઇ ગયા?

- ટાઈમ આઉટ

કોઇપણ રમત હોય હાર-જીત તો થતી રહેતી હોય છે. હાર અને જીત જે રીતે કોઈ ટીમ અને ખેલાડી માટે મહત્વનો ભાગ છે એવી જ રીતે કોઈ ટુર્નામેન્ટમાં સારો કે ખરાબ દેખાવ કરવો એ પણ ટીમ અને ખેલાડી માટે એટલું જ મહત્વનું છે. પોતાની ડેબ્યુ સિઝન જીતીને અને પછીની સિઝનમાં છેક છેલ્લા દડે ફાઈનલ હારીને ગુજરાત ટાઈટન્સે ધમાકો કરી દીધો હતો. 

આ પ્રકારની સિદ્ધિ IPLમાં બહુ ઓછી ટીમોને મળી છે. પરંતુ આ વર્ષે ટાઈટન્સ સાવ ફૂસ્સ થઇ ગયા. આવું કેમ થયું? જે ટીમ પહેલા બે વર્ષે આટલું સારું રમી હોય તે અચાનક જ કેમ આટલું ખરાબ રમી? આ લખાય છે ત્યારે ટાઈટન્સ IPL પોઈન્ટ્સ ટેબલ પર આઠમા નંબરે છે અને જો પંજાબ કિંગ્સ તેમની અંતિમ મેચ જીતી જશે તો ટાઈટન્સ છેવટે નવમા નંબરે સિઝન પૂર્ણ કરશે. 

બે સિઝનથી ટાઈટન્સ 10-10 મેચો જીતીને આરામથી પ્લેઓફ્સમાં ક્વોલીફાય કરી જતા હતા પરંતુ આ વર્ષે તેઓ ફક્ત પાંચ જ મેચો જીત્યા અને છેલ્લી બે મેચો વરસાદને કારણે ધોવાઈ ગઈ. આમ IPL 2024ના અંતે ગુજરાત ટાઈટન્સને 12 પોઈન્ટ્સ મળ્યા. 

એવું થવું સામાન્ય છે કે એક વર્ષ કોઈ ટીમ ચેમ્પિયન બને અને પછીના વર્ષે તે સાવ નિષ્ફળ જાય. આ વર્ષે ગુજરાત ટાઈટન્સનો દેખાવ કેમ આટલો બધો સામાન્ય રહ્યો તે પાછળના કારણોની તપાસ થવી જરૂરી છે. તો ચાલો આપણે જાણીએ એ કારણો.

હાર્દિક પંડ્યા અમે મોહમ્મદ શામીની ગેરહાજરી

કોઈ અગમ્ય કારણોસર બે વર્ષ સફળ કેપ્ટન્સી કરવા છતાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ છોડી દેવું યોગ્ય લાગ્યું. એક કેપ્ટન તરીકે ગુજરાત માટે હાર્દિક પંડ્યા એ કરોડરજ્જુ સમાન હતો. બંને સિઝન હાર્દિકે ફક્ત અફલાતૂન કપ્તાની જ નથી કરી પરંતુ બેટિંગ અને જરૂર પડ્યે બોલિંગ દ્વારા પણ ટીમને જીતાડી હતી. આ વખતે તેની ગેરહાજરી ટાઈટન્સને જરૂર સાલી છે.

આવી જ રીતે મોહમ્મદ શામીની ગેરહાજરી પણ ટાઈટન્સ માટે ખરાબ સમાચાર લઈને આવી હતી. વર્લ્ડ કપ દરમ્યાન જ ઈજાગ્રસ્ત થયેલા શામીને ઓપરેશન કરાવવું પડ્યું અને તેને કારણે તે IPLમાં ભાગ લઇ શક્યો નહીં. ગઈ બંને સિઝનમાં ટાઈટન્સ વતી બોલિંગ કરતાં શામી મોટેભાગે પાવરપ્લેમાં એક કે બે વિકેટો લઈને ટીમને સુંદર શરૂઆત કરાવતો. આ વખતે તે ન હોવાથી ટાઈટન્સને બોલિંગ ડીપાર્ટમેન્ટમાં ઘણું સહન કરવાનું આવ્યું.

બિનઅનુભવી શુભમન ગિલ 

કદાચ ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે હાર્દિક પંડ્યાના અચાનક જતા રહેવાથી શુભમન ગિલને લાંબાગાળાના રોકાણ તરીકે કેપ્ટન બનાવ્યો હશે. ગિલ માટે કપ્તાની કરવી નવો અનુભવ હતો અને તે દેખાયું પણ હતું. તેના અમુક નિર્ણયો ઘણા આઘાત પમાડે તેવા હતા. એક મેચમાં જે ખેલાડી મેન ઓફ ધ મેચ થયો હોય તેને પછીની જ મેચમાં ન રમાડવો અથવાતો બોલિંગ જ ન આપવી જેવા નિર્ણયો ટાઈટન્સને નડી ગયા. 

ખોટા સમયે મેચો હારી જવી

ગુજરાત ટાઈટન્સ ભલે 12 પોઈન્ટ્સ પર પોતાની સિઝન પૂરી કરી રહ્યા હોય પણ તેને બે મેચો ખોટા સમયે હારી જવાનો અફસોસ જરૂર થશે. એક મેચ તો પોતાના ઘર આંગણે જ પંજાબ સામે તેઓ હારી ગયા, જ્યારે મેચ ઓલરેડી તેમના ખિસ્સામાં આવી ગઈ હતી. બીજી મેચ દિલ્હીમાં દિલ્હી સામે જે મેચ તેઓ 4 રને હારી ગયા. જો આ બંને મેચો ટાઈટન્સ જીત્યા હોત તો અત્યારે કદાચ તેઓ પ્લેઓફ્સ માટે આશા કરી રહ્યા હોત. 

બહુ મોડા જાગ્યા

જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમો એટેકીંગ ક્રિકેટ રમી રહી હતી ત્યારે ટાઈટન્સ એજ જૂની સ્ટાઈલથી રમ્યું હતું. મેથ્યુ વેડ જેવો આક્રમક વિકેટ કીપર બેટર સ્કવોડમાં હોવા છતાં આઉટ ઓફ ફોર્મ રીદ્ધિમાન સાહાને લાંબો સમય સુધી રમાડવાથી ટીમ ઉપર તો દબાણ આવ્યું જ પણ શુભમન ગિલ પણ પોતાની કુદરતી રમત ન રમી શક્યો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જ્યારે તેમણે સુધારો કર્યો અને ગિલ અને સાઈ સુદર્શને જે આક્રમક બેટિંગ દેખાડી ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું.

ગઈ બે સિઝન જેવું જોશ જોવા ન મળ્યું

ગઈ બે સિઝન જે ટાઈટન્સના તમામ ખેલાડીઓ માટે સાવ નવું વાતાવરણ હતું ત્યારે કદાચ કોઇપણ દબાણ વગર તેઓ ગમે તે સ્કોરને ચેઝ કરી લેતા અને ગમે તેટલા ઓછા સ્કોરને ડીફેન્ડ પણ કરી લેતા. આ ઉપરાંત પહેલી બંને સિઝનમાં દરેક જીતમાં એક નવો જ મેન ઓફ ધ મેચ જોવા મળતો જે કારણ બન્યું હતું ટાઈટન્સના ટીમ વર્કનું. આ વર્ષે આવું કોઈ જ જોશ ન જોવા મળ્યું અને ટીમ આખી શુભમન ગિલ ઉપર જ નિર્ભર થઇ ગઈ હોય એવું લાગ્યું. શરૂઆતની એકાદ મેચ હાર્યા બાદ જાણેકે ટીમમાં ઉત્સાહ જ ન રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

- સિધ્ધાર્થ છાયા

આ સમાચાર શેર કરો