મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / વાંચે એને જ સઘળી વ્યથા!

- નોન-ફિલ્ટર્ડ અલગ અલગ ભાષા, સંસ્કૃતિ, ધર્મ કે પોલિટિકલ આઈડોલોજીમાં વહેંચાયેલી દુનિયાને જો ફક્ત બે જ ભાગમાં વર્ગીકૃત કરવી હોય

શતરંગ / વાંચે એને જ સઘળી વ્યથા!

- નોન-ફિલ્ટર્ડ

અલગ અલગ ભાષા, સંસ્કૃતિ, ધર્મ કે પોલિટિકલ આઈડોલોજીમાં વહેંચાયેલી દુનિયાને જો ફક્ત બે જ ભાગમાં વર્ગીકૃત કરવી હોય તો એ છે –

૧. વાંચન પ્રિય લોકો : જેઓ વાંચવા માટે જ જીવે છે!
૨. વાંચન વેરી લોકો : જેઓ જીવે છે!

એક વાંચન પ્રિય વ્યક્તિ તરીકે હું વર્ષો સુધી અઠંગ વાંચન વેરી વ્યક્તિઓની વચ્ચે સર્વાઈવ કરતી આવી છું અને મારા અવલોકનોના અનુભવે હું કહી શકું છું કે તેઓ ઓવર ઑલ વાંચતા લોકો કરતાં વધારે સુખી હોય છે. કઈ રીતે?

  • વાંચન માટે કલ્પનાશક્તિની જરૂર હોય છે અને વાંચન તમારી કલ્પના ખીલવે છે. તમે જેમ જેમ વાંચતા જાઓ છો તેમ તેમ એ કાલ્પનિક દુનિયામાં ખોવાતા જાઓ છો – કાં લેખકે બનાવેલી કાં તમારી પોતે બનાવેલી. એ દુનિયાનું ખેંચાણ તમને વધુ વાંચવા પ્રેરે છે ને તમે વધુને વધુ એ દુનિયામાં ઊંડા ઊતરતા જાઓ છો. પછી એને છોડીને વાસ્તવિક દુનિયામાં પાછું ફરવું મુશ્કેલ બની જાય છે. જ્યારે વાંચન વેરી લોકોના પગ હંમેશા વાસ્તવિકતાની ધરતી પર ટકેલા રહે છે. તેઓ વધુ વિચાર્યા વગર જીવનને જેમ છે એમ સ્વીકારી શકે છે.
  • વાંચન તમને લાગણીશીલ બનાવે છે. વાંચતા લોકોએ પ્રેમ હોય કે પીડા, આંસુ હોય કે હાસ્ય, સંતોષ હોય કે જિજ્ઞાસા – એટલી તીવ્રતાથી અનુભવ્યા હોય છે કે એમના શરીરનો એક એક કોષ સંવેદનામાં પરિવર્તિત થઈ ચૂક્યો હોય છે. એમના માટે લાગણીઓથી મુક્ત રહીને વિચારવું કે આચરવું લગભગ અશક્ય બની જાય છે. આનાથી ઊંધું, ઓછું કે નહિવત્ વાંચતા લોકો વધારે પ્રેક્ટિકલ રહી શકે છે. નકામા વેવલાવેડામાં લાઈફ વેડફતા નથી.
  • વાંચનઘેલા લોકો કોઈ પુસ્તક અધૂરું નથી મૂકી શકતા. પણ એ આદત ફક્ત પુસ્તક પૂરતી ન રહેતા જીવનમાં વણાઈ જાય ત્યારે અઘરું પડે. અધૂરું રહી ગયેલું કામ, અધૂરી કોઈ વાત કે અધૂરા સંબંધો એમને ગૂંગળાવી નાખી છે. ‘છોડી દેવું’ એમને ગોઠતું નથી ને ‘પૂરું કરવું’ હંમેશા શક્ય નથી બનતું. પછી એ અધુરપનો આફરો આખી જિંદગી છાતીમાં ભરાઈ રહે છે. પુસ્તકના બે પાનાં વાંચીને ઊંઘે ચઢતા લોકો પૂર્ણતાને પામવાની હઠ પકડી નથી રખતા ને એટલે જ 'રાત ગઈ બાત ગઈ!' કહીને ‘નવી સવાર’ ને સ્વીકારી શકે છે.
  • વાંચન જેટલું વધારે, વિચારશીલતા એટલી વધારે. પછી ‘એક એક્ટર દસ ડાયરેક્ટર’ની જેમ પ્રોબ્લેમ સમયે અનેક શક્યતાઓ વચ્ચે ઘેરાયેલો વાચક મોટેભાગે ઓવરથીન્કીંગનું ય ઓવરથીન્કીંગ કરતો રહે છે ને મૂળ પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે એના કાલ્પનિક પ્રોબ્લેમમાં ગુંચવાઈને રહી જાય છે. ઓછુ વાંચતા વિચારતા લોકો લાંબુ દોડાવ્યા વગર કાં તો પ્રોબ્લેમ સોલ્વ કરવાના કોઈ એકાદ રસ્તા પર ફોકસ કરી શકે છે કાં એને કંપ્લીટલી ઇગ્નોર કરીને આરામથી ખાઈ પીને સૂઈ શકે.
  • દુનિયામાં એટલું બધું સાહિત્ય છે કે વાંચતા લોકોને સમય હંમેશા ખૂટે. ગમે તેટલું વાંચો, મન ધરાય જ નહી. કેટલીય વાર કોઈ પુસ્તક પતાવવાની લ્હાયમાં ખાવા પીવાનું કે ઊંઘવાનું છોડવું પડે! કેટલીય વાર થાય કે ક્યાંક ફરવા જવા કરતાં કે કોઈ ફંક્શનમાં જવા કરતાં એક બુક વધારે પતાવી શકું તો સારું! વાંચનના ઔરંગઝેબને છે એવી કોઈ ચિંતા? તેઓ તો ગમે ત્યારે સોફા પર ફેલાઈને કલાકો સુધી ટીવી પર સિરિયલ કે મેચ જોઈ શકે અથવા કોઈ જંગલમાં જઈને ઝાડે ઊંધા લટકી શકે છે.
  • અઠંગ આદર્શવાદી લેખકોને વાંચી પચાવી ગયેલા ભોળા ભાવિકો સતત સત્ય - અસત્ય, મૂલ્યો અને નૈતિકતાના આદર્શોમાં અટવાયેલા રહે છે. લેખકોના ઉછીના આદર્શોને જ આદેશ માનીને તેઓ સીધી લીટીના માણસ બનીને જીવતા જાય છે. ફક્ત ચોપડિયા જ્ઞાનને બદલે અનુભવોથી શીખતા શિષ્યો આડી, અવળી, ત્રાંસી રેખાઓની મજા વધુ લઈ શકે છે.
  • વાંચતા લોકો જજ બહુ કરે. તમે વાચક છો, તો કોને વાંચો છો એના પરથી જજ કરે. તમે કઈ બુક વાંચો છો એના પરથી જજ કરે. તમારા ફેવરિટ લેખક પરથી જજ કરે. તમે કયા લેખક વિશે નથી જાણતા એ પરથી જજ કરે. તમે કઈ ભાષા વાંચવાની પ્રિફર કરો છો એના પરથી જજ કરે. તમે કયા પ્રકારનું સાહિત્ય વાંચો છો એના પરથી જજ કરે. ને તમે વાંચતા નથી તો તો તમે છો જ કેમ આ ધરતી પર? જ્યારે વાંચતા ન હોય એમના માટે તો સહુ જીવ સમાન છે આ પૃથ્વી પર.
  • લાસ્ટ બટ નોટ લીસ્ટ, તમે કશું વાંચો છો ને તમને મજા નથી આવી કે ટપ્પા નથી પડ્યા, પણ તમે એ ખુલીને કહી નથી શકતા કારણકે એ પુસ્તક કે લેખક ક્લાસિક છે, જગતભરમાં વખણાયેલ છે. કે પછી કોઈ એવા પોપ્યુલર પુસ્તક કે લેખકને તમે વાંચ્યા જ નથી એવું સ્વીકારી શકાય જાહેરમાં? ‘લોગ ક્યાં કહેંગે’ નો ડર અહીં એક દીકરીના મા-બાપ કરતા વધારે હોય છે! વાંચતા જ ન હોય એમને હોય એવી કોઈ શરમ?

- કૃતિ શાહ

આ સમાચાર શેર કરો