મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પરમાત્માને સૌથી પ્રિય કોણ?

- ગીતા Talks આપણે રોજ સવારે ઉઠીને વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરીને દુનિયાને જ્ઞાન આપતા હોઈએ પણ ખરેખર દુનિયામાં જ્ઞાનીઓ એટલા જ ની

શતરંગ / પરમાત્માને સૌથી પ્રિય કોણ?

- ગીતા Talks

આપણે રોજ સવારે ઉઠીને વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરીને દુનિયાને જ્ઞાન આપતા હોઈએ પણ ખરેખર દુનિયામાં જ્ઞાનીઓ એટલા જ નીકળે જે જેટલું શાકમાં નમક હોય.

વિનોબા ભાવે એમના ‘ગીતા પ્રવચનો’માં એક સુંદર વાત લખે છે કે, “જ્ઞાનીને બધે જ ઈશ્વર તત્વ દેખાય છે. એનાથી અપાર સુખ મળે છે, આ જે દિવ્ય અને ભવ્ય દર્શન છે એને ભ્રમ કહો તો ભ્રમ, પણ એ ભ્રમ પણ અગાઢ સુખનો રાશી છે. ગંભીર સાગરમાં એને ઈશ્વરનો વિલાસ દેખાય છે, ગાયમાં તેને ઈશ્વરની વત્સલતા અનુભવાય છે, પૃથ્વીમાં તેને તેની ક્ષમતા દેખાય છે, નિરભ્ર આકાશમાં એને સર્જનહારની નિર્મળતા દેખાય છે. રવિચંદ્રતારામાં તેનું તેજ અને ભવ્યતા પમાય છે તો ફૂલોમાં તેની કોમળતા અનુભવાય છે. ”હવેનું વાક્ય ધ્યાન આપજો, “દુર્જનમાં તે પોતાની કસોટી કરનારા ઈશ્વરનું દર્શન કરે છે, આમ એક પરમાત્મા સર્વત્ર રમી રહ્યો છે, એમાં જોવાનો જ્ઞાનીનો અભ્યાસ કાયમ ચાલુ રહે છે. અને એવો અભ્યાસ કરતો કરતો એક દિવસ એ ઈશ્વરમાં ભળી જાય છે.”

વિનોબા ભાવે આ વાત ગીતાને જે શ્લોકને અનુલક્ષીને લખે છે એ શ્લોક છે:

उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् |

आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ||7.18||

સાતમાં અધ્યાયનો(જ્ઞાન- વિજ્ઞાન યોગ) ૧૮મો શ્લોક છે, આ પહેલા આ જ અધ્યાયના સોળમાં શ્લોકમાં કૃષ્ણએ સમજાવ્યું કે સારા કર્મ કરનાર એવા ચાર પ્રકારના લોકો મને ભજે છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની... ૧૭માં શ્લોકમાં કૃષ્ણ એનાથી આગળ કહે છે કે, એ ચારેયમાંથી જે જ્ઞાની છે એ મને અને હું એને અત્યંત પ્રિય છીએ. પછી આ ૧૮માં શ્લોકમાં કૃષ્ણ પોતાના જ્ઞાની ભક્તનું અદભૂત ગૌરવ કરે છે.

કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે, ”એ ચારેય પ્રકારના ભક્તો ઉદાર છે, સારા છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારુ સ્વરૂપ જ છે. એવો મારો મત છે, કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર એ જ્ઞાની ભક્ત ઉત્તમ ગતિ પામીને મારામાં સ્થિત છે.” 

‘૩ ઇડીયટ’ મુવી જોયું છે ને! એમાં દિલ્લીની જે એંજીન્યરીંગ કોલેજ છે, એ ICEનાડીરેક્ટર વીરુ સહસ્ત્ર બુદ્ધે (બોમન ઈરાની) ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને પહેલા દિવસે સ્પીચમાં એક એસ્ટ્રોનટ પેન બતાવીને કહે છે કે, “જ્યારે હું સ્ટુડન્ટ હતો, ત્યારે એક દિવસ અમારી ઇન્સ્ટીટ્યુટના ડીરેક્ટરે મને બોલાવીને આ પેન આપીને કહ્યું હતું કે, this is for you, thispenis the symbol of excellence... જ્યારે તને ભવિષ્યમાં કોઈ એવો એક્સ્ટ્રા ઓર્ડીનરી સ્ટુડન્ટ મળે ત્યારે આ પેન એને આપી દેજે...” પછી વીરુ સહસ્ત્ર બુદ્ધે કહે છે, “૩૨ વર્ષથી હું નેક્સ્ટ વીરુ સહસ્ત્ર બુદ્ધેની રાહ જોઉં છું, શું આ બેચમાં કોઈ છે જે આ પેન લઇ જાય?” 

બધા સ્ટુડન્ટ હાથ ઊંચા કરે છે. એમાં એક સ્ટુડન્ટ છે કે જે પેન લેવા નહિ પણ એક પ્રશ્ન સુજે છે એ પૂછવા હાથ ઉચો કરે છે. એ છે રેંચો... રણછોડદાસ ચાંચડ. એ કોલેજમાં સૌ કોઈ ભણવા આવ્યા છે, એમાં રાજુ એટલે શર્મન જોશીનું જે કેરેક્ટર છે એવા આર્ત ય છે, જે દુઃખી ને ડરી ડરીને ભણે છે, ચતુર રામલિંગમ જેવા પણ છે જેના માટે ઘર - પૈસો - ગાડી જ મહત્વનું છે એવા અર્થાર્થી ય છે, ફરહાન જેવા કોઈના પ્રેશરથી આવેલા ય છે. પણ એ બધામાં એક રેંચો જ એવો છે જેને જ્ઞાન, જેને excellenceજોઈએ છે. છેવટે એ રેન્ચોમાં જ વીરુ સહસ્ત્ર બુદ્ધેની ૩૨ વર્ષ બાદ બીજા વીરુ સહસ્ત્ર બુદ્ધેની શોધ પૂરી થાય છે. એ પેલી એસ્ટ્રોનટ પેન રેન્ચોને જ આપે છે.

બાકીના સ્ટુડન્ટ પણ હોંશિયાર જ છે, અને એટલે જ તો એ કોલેજ માટે આવેલી ચાર લાખ લોકોની એપ્લીકેશનમાંથી માત્ર એટલા સિલેક્ટ થયા છે, પણ એમાં જે આર્ત, અર્થાર્થી કે માત્ર જિજ્ઞાસુ નહિ પણ જે જ્ઞાની છે, એમાં વીરુ સહસ્ત્ર બુદ્ધેને પોતાનું રૂપ દેખાય છે. 

અમારે સ્કુલમાં બધા સર દરેક ક્લાસમાં પોતપોતાનો વિષયના પ્રતિનિધિ બનાવતા. સર ન આવ્યા હોય ત્યારે એ પ્રતિનિધિએ ક્લાસ સંભાળવાનો હોય. આમ તો શિક્ષક માટે બધા વિદ્યાર્થી સરખા જ હોય પણ છતાં દરેક શિક્ષક એવા વિદ્યાર્થીને પોતાનો પ્રતિનિધિ બનાવવા પસંદ કરે જેમાં એને પોતાનું રૂપ થોડું ઘણું દેખાતું હોય.

કૃષ્ણ એ જ વાત શ્લોકમાં સમજાવે છે, મને ભજતા એ ચારેય પ્રકારના લોકો ઉદાર છે જ, પણ એમાંથી જે જ્ઞાની એ તો મારું જ સ્વરૂપ છે.

ગીતા વિચાર:

રૂમીની એક નાનકડી કવિતા છે, ‘રોકસ્ટાર’ મુવીમાં પણ એ લેવાઈ હતી કે “पता है , यहाँ से बहुत दूर, गलत और सही के पार, एक मैदान है... मैं वहां मिलूंगा तुझे...”  એ મેદાન જ્ઞાનનું - wisdomનું મેદાન છે. ત્યાં પહોચી શકાય તો એ મળે છે.

- મિલી મેર

આ સમાચાર શેર કરો