શતરંગ / સ્ત્રી-પુરુષના સંભોગમાં કોને વધુ આનંદની અનુભૂતિ થાય છે?
- એય, સાંભળે છે? સ્ત્રી-પુરુષના સબંધો અંગે હજારો વર્ષો બાદ સિગ્મંડ ફ્રોઈડ કે ઓશો જેવા લોક

- એય, સાંભળે છે?
સ્ત્રી-પુરુષના સબંધો અંગે હજારો વર્ષો બાદ સિગ્મંડ ફ્રોઈડ કે ઓશો જેવા લોકોએ જે વિષયોને ખોલ્યા એ વિષયોને
તો મહર્ષિ વેદવ્યાસે ત્યારે કેટલી અદભૂત રીતે મહાભારતમાં વણી લીધા છે!
મહાભારતનાં અઢાર પર્વોમાં સૌથી મોટું પર્વ 'શાંતિપર્વ' છે. શાંતિપર્વ આમ તો મહાભારતનું યુદ્ધ પૂરું થયું એ બાદ કુરક્ષેત્રમાં શરશૈયા પર સૂતેલા ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેનો વાર્તાલાપ છે. કોઈ જ એવો વિષય નથી કે જેને મહર્ષિ વ્યાસે મહાભારતમાં સ્પર્શ ન કર્યો હોય. ‘શાંતિપર્વ’ તો અઢળક વિષયોનાં જ્ઞાન અને સમજણનાં વારસાનું હસ્તાંતરણ છે. હજારો વર્ષો બાદ સિગ્મંડ ફ્રોઈડ કે ઓશો જેવા લોકોએ જે વિષયોને ખોલ્યા એ વિષયોને તો મહર્ષિ વેદવ્યાસે ત્યારે કેટલી અદભૂત રીતે મહાભારતમાં વણી લીધા છે.
શાંતિપર્વમાં યુધિષ્ઠિરના સંખ્યાબંધ પ્રશ્નો અને પિતામહ ભીષ્મના જ્ઞાનસભર ઉત્તરો છે. એમાં યુધિષ્ઠિર એક પ્રશ્ન કરે છે કે, "હે રાજન્, સ્ત્રી તથા પુરુષના સંયોગમાં કોને અધિક વિષયસુખની અનુભૂતિ થાય છે? સ્ત્રીને કે પુરુષને? આ સંશય આપ યથાવત રૂપથી બતાવવા કૃપા કરો."
પિતામહ ભીષ્મ તો આજીવન બ્રહ્મચારી રહ્યા છે, તો પણ દાદા ભીષ્મ એક ઉપાખ્યાન દવારા પૌત્રના પ્રશ્નનો ઉત્તર આપે છે. એ ઉપાખ્યાન એવું છે કે:
******
ભંગાશ્વન નામનો એક રાજા હતો. આ રાજાને પુત્ર ન હતા. એટલે તેણે અગ્નિષ્કૃત નામનો યજ્ઞ કર્યો. આ પછી તેને સો પુત્ર થયા. આ યજ્ઞમાં ઇન્દ્રની પ્રધાનતા ન અપાઈ, એટલે ઇન્દ્રને આ રાજા પ્રત્યે રોષ થયો. ઇન્દ્ર રાહ જોવા લાગ્યો કે આ રાજા કોઈ દોષમાં આવે. છેવટે આ રાજાને માયાથી આકર્ષી એક માયાવી સરોવર પાસે લઈ જાય છે. રાજા આ સરોવરમાં સ્નાન કરતાં જ સ્ત્રીભાવને પ્રાપ્ત થાય છે. રાજા સ્ત્રી થઈ જાય છે.
હવે રાજા પોતાની આ પરિસ્થિતિ અંગે એ ભારે લજ્જા અનુભવે છે. એ પોતાના સો પુત્રોને કહે છે : ‘તમે પ્રેમથી આપસમાં રહી રાજ્યવ્યવસ્થા ચલાવો. હું વનમાં જાઉં છું.’
હવે ભંગાશ્વન રાજા સ્ત્રી અવતારમાં તાપસી રૂપે વનમાં જાય છે. વનમાં કોઈ તાપસના આશ્રયે રહે છે અને તાપસ સાથેના સંયોગથી એ બીજા સો પુત્રોને જન્મ આપે છે. એ સો પુત્રોને પણ પોતાના રાજ્યમાં લઈ જઈ આગલા સો પુત્રોને સોંપતાં કહે છેઃ 'હું પુરુષરૂપે હતી ત્યારે તમે જન્મ્યા હતા; હું સ્ત્રી રૂપમાં છું ત્યારે આ પુત્રો જન્મ્યા છે. તમે સૌ સાથે મળીને ભ્રાતૃભાવ રાખી રાજ્યનો ઉપભોગ કરો.' અને ખરેખર, આ બસો પુત્રો અપૂર્વ સંપથી રાજ્ય કરવા લાગ્યા. આ જોઈને ઇન્દ્ર વધારે ભડકી ઊઠ્યો. એને થયું કે પોતાનો શાપ તો ભંગાશ્વન રાજા માટે જાણે આશીર્વાદ પુરવાર થયો છે એટલે એ આ બસો પુત્રો વચ્ચે ફૂટ પડાવે છે.
ભંગાશ્વનના પુત્રો અને તાપસના પુત્રો વચ્ચે યુદ્ધ થાય છે અને તેમાં બસોએ બસો પુત્રો મૃત્યુ પામે છે. આ સમાચાર સાંભળી તાપસીને બહુ દુઃખ થાય છે અને એ રડે છે, ત્યારે ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને તેની પાસે આવે છે અને કહે છે કે, 'તેં યજ્ઞ મારા આવાહન વિના પૂર્ણ કર્યો તેનું વેર લેવા માટે મેં આ નિર્ણય લીધો છે. પણ હવે હું તારા પર પ્રસન્ન છું. હું તારા સો પુત્રોને જીવિત કરીશ. તું કહે, તેં સ્ત્રી તરીકે જેને જન્મ આપ્યો છે એ પુત્રો જીવતા થાય કે પુરુષ તરીકે જે તારાથી જન્મ્યા છે એ પુત્રો જીવતા થાય?'
તાપસી કહે છેઃ ‘દેવેન્દ્ર, મેં સ્ત્રીરૂપે જેને જન્મ આપ્યો છે એ પુત્રો જીવતા થાય.'
ઇન્દ્રને નવાઈ લાગે છે. એ કહે છે, એ પૂછે છે: 'તને આ પુત્રો તરફ આગલા કરતાં વધુ સ્નેહ શા માટે છે? ' તાપસી કહે છેઃ ‘માને પુત્ર પર વધુ પ્રેમ હોય છે. એટલે મેં મા તરીકે જેને જન્મ આપ્યો છે એ પુત્રો મને વધુ વહાલા છે.' ઇન્દ્રે પ્રસન્ન થઈ તાપસીના બધા જ પુત્રોને જીવિત કર્યા. છેવટે ઇન્દ્રે પૂછ્યું : ‘હજી હું તને એક વધુ વરદાન આપું છું. તું સ્ત્રી તરીકે રહેવા માગે છે કે ફરી વાર પુરુષ થવા માગે છે?’ ત્યારે તાપસી કહે છેઃ
"સ્ત્રીત્વમેવ વૃણે શક્ર પ્રસન્ને ત્વયિ વાસવ."
અર્થાત ‘હે ઇન્દ્ર, હું સ્ત્રીત્વનું વરણ કરું છું; મારે સ્ત્રી જ રહેવું છે, મારે પુરુષ થવું નથી.’
ઇન્દ્રને આશ્વર્ય થાય છે. પુરુષ થવાની (મૂળ રાજવી ભંગાશ્વનના રૂપમાં આવવાની) તક મળવા છતાં આ સ્ત્રી તાપસી રૂપે કેમ જીવવા માગે છે? એનું સ્વયં ઇન્દ્રને કુતૂહલ થાય છે, એ સ્ત્રી આ ઉત્તર આપે છેઃ
“સ્ત્રિયાઃ પુરુષસંયોગે પ્રીતિરભ્યધિકા સદા.”
સ્ત્રી થઈ ગયેલો રાજા ભંગાશ્વન કહે છે કે, "સ્ત્રીનો પુરુષ સાથે સંયોગ થાય ત્યારે સ્રીને જ પુરુષ કરતાં અધિક વિષયસુખ પ્રાપ્ત થાય છેઃ આ કારણે હું સ્ત્રીત્વનું વરણ કરું છું."
******
એક સૂક્ષ્મ અને નાજુક વિષયને આમ બ્રહ્મચારી ભીષ્મ પિતામહે કેટલી અદભૂત રીતે ઉકેલી આપ્યો છે.
હોંકારો:
હવે તમે વિચાર તો કરો કે 85 વર્ષ જેટલી ઉમરનો પૌત્ર એવો યુધિષ્ઠિર જે પોતે 'ધર્મરાજ'ની ખ્યાતિ પ્રાપ્ત છે, એ પોતાના દાદાને આ પ્રશ્ન કરે છે, જે દાદા પોતે આજીવન બ્રહ્મચારી રહ્યા છે. અને દાદા કેટલો સરળ રીતે સાચો ઉત્તર આપે છે. આજે આ કૉલમ વાંચીને કોઈનું નાકનું ટીચકું ચડતું હોય તો એને બસ એટલું જ કહેવાનું કે આપણે આવા સહજ અને સુંદર સંવાદની પરંપરા અને ભૂમિમાંથી આવીએ છીએ!
- કાનજી મકવાણા








