મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

જ્યાં મૌન પણ ચીસ પાડે: યાતના અને વેદનાની એક અનોખી કથા

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક ''ત મે જયુસ આપી જશો ?'' જાણે કરગરતી હોય એમ સુધા બબડી, ખાનગી હો

જ્યાં મૌન પણ ચીસ પાડે: યાતના અને વેદનાની એક અનોખી કથા
આ સમાચાર સાંભળો

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક

''ત મે જયુસ આપી જશો ?'' જાણે કરગરતી હોય એમ સુધા બબડી, ખાનગી હોસ્પિટલના જનરલ વોર્ડમાં ચાર પલંગ હતા. ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. હજુ એક બેડ ખાલી હતી. સુધાએ પલંગ પર સૂતેલા પોતાના પુત્ર ચિંતન સામે નજર કરી, જાતજાતની નળીઓ એે સાત વર્ષના બાળકના શરીરમાં લગાડેલી હતી. એના ઉપરથી નજર હટાવીને એણે દયામણી નજરે પતિ સામે જોયું. ''ત્યાં ગેટની બહાર જ જ્યુસની લારી છે.''

''તને પગ નથી આપ્યા ?'' દિનેશે ચિડાઈને છણકો કર્યો. ઓફિસ જવાનું મોડું થાય છે એ તને નથી દેખાતું ? નોકરી કરું છું, મારા બાપની પેઢી નથી સંભાળતો, તારે અહીં બેસીને બીજું કંઈ કામ તો હોતું નથી.મને ઓર્ડર કરતાં શરમ નથી આવતી ? આટલું કહી ને ઝડપથી પગ ઉપાડીને મનસુખ જતો રહ્યો.

''સાહેબનો મિજાજ બહુ તેજ લાગે છે'' બાજુના ખાટલાના દર્દી સાથે જે માજી હતા એમણે સાહાનુભૂતિથી સુધા સામે જોયું. 

''તેજ..?''  સુધાએે ચિડાઈને કહ્યું તમે સાથે રહેતા હો તો ખબર પડે, આ તો હું સહન કરું છું. બીજી હોય તો ક્યારની ભાગી ગઈ હોય.

વોર્ડબોય સ્ટ્રેચરમાં પાંચ વર્ષના બાળકને લઈને અંદર આવ્યો. નવા દર્દીના પ્રવેશથી બધાનું ધ્યાન એ તરફ.ખેંચાયું. શુ થયું છે છોકરાને ?માજીએ જિજ્ઞાસાથી એ બાળકના પિતાને પૂછ્યું.  ઝાડા-ઉલટી થઈ ગયા હતા. હવે સારું છે. ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાનો છે.

કઈ વાંધો નહીં આવે, ભાઈ ! ભગવાન સૌનું સારું કરશે. માજીએ બાળક સામે જોઈને હૈયાધારણા આયી. ચારેક મિનિટ પછી રઘવાટમાં બાળકની મમ્મી આવી. આવીને સીધી જ પુત્રના પલંંગ પર બેસી ગઈ. આજુબાજુ જોવાની એને સુધ જ નહોતી.

એના ચહેરા સામે તાકી રહેલી સુધાની આંખ ચમકી. હળવે રહીને એ ઊભી થઈ. પાછળ પેલીના ખભે બંને હાથ મૂકી દીધા.પેલીએ ચોંકીને ગરદન ઘૂમાવીને સુધા સામે જોયું. માનવામાં ના આવતું હોય એમ આશ્ચર્યથી એ તાકી રહી. સુધાડી?.એ ઊભી થઈ ગઈ. તું અહીં ક્યાંથી ?

ચેતનને કમળો થઈ ગયો છે. પલંગ તરફ આંગળી ચીંધીને ધૂ્રજતા અવાજે સુધા બબડી. મીનકી, કેટલાં વર્ષે મળ્યાં ? એ પણ આવી જગ્યાએ.

પેલી ડોશી આશ્ચર્યથી બંનેની સામે તાકી રહી હતી. 

એક નર્સેઆવીને મીના અને એના પતિને કહ્યું કે કે ડાક્ટર બોલાવે છે, બે મિનિટ માટે આવી જાવ. એ બંને ગયાં કે તરત પેલી ડોશી ઊભી થઈને સુધાની પાસે આવી. તમારી બેનપણી છે?

બેનપણી નથી, સગી માસીની દીકરી બેન છે.સુધાએ સમજાવ્યું, વર્ષો અગાઉ સંબંધોમાં અટંસ પડી ગયેલી એટલે મારી બા અને એની બા વચ્ચે બોલવાનો વ્યવહાર પણ નહોતો રહ્યો, એટલે અમારે પણ સંબંધ નહોતો રહ્યો, પણ આજે અહીં ભટકાઈ ગયા એટલે રહેવાયું નહીં, સુધાએ નિખાલસતાથી ઉમેર્યું. વડીલોની કડવાશનો વારસો જાળવીને આવી રીતે  અબોલા રાખીને ક્યાં સુધી જીવવાનું ? આવા સમયે ભેગા થઈએ ત્યારે બધા વેરઝેર ભૂલી જવાના.

સાચી વાત છે. શું લાવ્યા હતા અને શું લઈ જવાના ? ડોશીએ સુધાની સમજદારી બિરદાવી. 

વારાફરતી નર્સ-ડોક્ટરોની આવ-જા આ રૂમમાં ચાલુ રહી. રાત્રે નવવાગ્યે મીનાનો પતિ રોકાઈ જવા આગ્રહ કરતો હતો. મીનાએે એને સમજાવીને રવાના કર્યો. સુધા આ દ્રશ્ય જોઈ રહી હતી.

રાત્રે બંનેના દીકરાઓ સ્વસ્થતાથી ઊંઘી ગયા પછી બંને મસિયાઈ બહેનો રૂમની બહાર બાંકડા પર બેઠી. સુધાડી, માથે રાત જેવું ધાબું છે, જરાય ખોટું નહીં બોલું. મીનાના ભીના અવાજમાં સાચી લાગણીનો રણકાર હતો. આઠ-નવ વર્ષ અગાઉ આપણા મા-બાપ વચ્ચે કંઈક ઝઘડો થયો અને સંબંધો સાવ કપાઈ ગયા, એ છતાં હું તને કાયમ યાદ કરતી હતી. એક શેરીમાં સાથે રમતાં હતાં અને એક થાળીમાં સાથે જમતાં હતાં એ દિવસો કઈ રીતે ભૂલાય ? આજે મને કેટલો આનંદ થાય છે  એ હું બોલી નથી શકતી. સુધાડી,  આપણે બંને તો ચોવીસેય કલાક સાથે રહેતાં હતાં, એ બધું એક ઝાટકે ખતમ થઈ ગયેલું... લગ્નમાંય અમને કોઈને આમંત્રણ નહોતું. એ દિવસે હું એકલી એકલી ખૂબ રડેલી. 

મીના બોલતી હતી અને આંખમાં ઝળઝળિયાં સાથે સુધા સાંભળતી હતી. 

તું રડે છે ? એના બંને હાથ પોતાના હાથમાં જકડીને મીનાએ પૂછ્યું.

આ તો હરખના આંસુ છે, ગાંડી! સુધા ફિક્કું હસી આટલા ંવર્ષોથી મનમાં ભાર લઈને જીવું છું. આજે અનાયાસે તું મળી ગઈ એટલે વાતો કરીશું તો પીડાનું પોટલું થોડુંક હળવું થશ..બોલતી વખતે સુધા ડૂસકું ભરીને રડી પડી.

હું છું ને તારી પાસે. સુધાડી, તારો ઊતરેલો ચહેરો જોઈને જ ખ્યાલ આવી ગયેલો કે કંઈક ગરબડ છે. તારા માટે હું હજુ મીનકી જ છું. પહેલાં એકબીજાને મનની વાત કહેતા હતા એ તું ભૂલી ગઈ ? જરાય સંકોચ વગર મનનો ભાર હળવો કરી નાખ, મારી બેન!

બાપાનું કોઈ ભવમાં ભલું નહીં થાય. આંખમાં આંસુ સાથે સુધા ધૂ્રજતા અવાજે બોલતી હતી. પોતાની દીકરીને કૂવામાં નાખવાનું કોઈ ડાહ્યો માણસ વિચારે પણ નહીં, તોય બાપાયે મૂર્ખામી કરી. પૂરી તપાસ કર્યાં વગર મને કસાઈ ખાને ધકેલી દીધી! ઘર કેવું છે ? માણસો કેવા છે? એની જાણકારી મેળવ્યા વગર લગ્ન નક્કી કરી નાખ્યા સાવ ભિખારી જેવા ઘરમાં મને પરણાવી દીધી... સહેજ અટકીને સુધાએે મીના સામે જોયું. મીનકી, તને યાદ છે ? રોજ બે ગ્લાસ દૂધ ગટગટાવી જતી હતી એટલે તમે બધા મશ્કરીમાં મને સુધાડી બિલાડી કહેતાં હતાં. મીનકી, તારી આ બિલાડીએ સાસરે આવ્યા પછી એક ચમચી દૂધ પણ નથી પીધું  !.. સાસરામાં પગ મૂક્યા પછી સુખનો એક છાંટોય નસીબમાં નથી. સાચું કહું? આ છોકરાનું વળગણ ના હોત તો ક્યારનીય આપઘાત કરીને મરી ગઈ હોત. એના તીણા અવાજમાં આક્રોશ ભળ્યો. નખ્ખોદ જજો મારા બાપનું ! એમણે મારી જિંદગી ધૂળધાણી કરી નાખી.. આ મનસુખ જાણે દુનિયાનો છેલ્લો પુરુષ હોય એમ પરણાવી દીધી એની સાથે ! એ મૂવાનું અગાઉ એક જગ્યાએે લગભગ નક્કી હતું ને એમાં કંઈક વાંધો પડયો અને આ પથરો મારા લમણે વાગ્યો. આ ત્રણ દિવસથી હોસ્પિટલમાં હું કઈ રીતે રહું છું એની પણ એ હલકટને પરવા નથી. જાણે ફરજ નિભાવતો હોય એમ સવારે દસ મિનિટ ઊભો ઊભો આવીને જતો રહે છે. આવી વાતનું ટેન્શન નહીં રાખવાનું. મીનાએ સમજાવ્યું. પુરુષને નોકરી-ધંધાના હજાર પ્રોબ્લેમ હોય અને અહીં છે એટલે એને બીજી કોઈ ચિંતા ના હોય.

મીનકી, એનો મોટો કારોબાર હોય તો તારી વાત સાચી, પણ તું જ કહે.. જિલ્લા પંચાયતના પટાવાળાના માથે એવી કઈ જવાબદારી હોય ?

એ પટાવાળા છે? મીનાએ આશ્ચર્યથી પૂછ્યું.

મારો વર મેટ્રિક પાસ પટાવાળો મૂવો છે. સુધાની આંખોમાં અને અવાજમાં હડહડતો ધિક્કાર ઊભરાતો હતો. એ ગ્રેજ્યુએટ છે અને સરકારી નોકરીમાં કારકૂન છે એવી વાત કહેલી. લગ્નના દોઢ વર્ષ પછી લાલદરવાજા બસ સ્ટેન્ડમાં મારું પર્સ ચોરાઈ ગયું એટલે દોડીને એની ઓફિસમાં ગઈ ત્યારે એ નાલાયકનો ભાંડો ફૂટયો !  એ સાંજે બહુ મોટો ઝઘડો થયો. નફ્ફટની જેમ એણે કહી દીધું કે પ્રમોશન આવશે ત્યારે કારકૂન બનીશ, પણ આ સરકારની પોલિસી એટલી ખરાબ છે કે સારા માણસોની કદર જ નથી થતી ! મીનકી, એ વખતે આ ચિંતન પેટમાં હતો. બે દિવસ ભૂખી રહીને રડતી રહી તોય એ હરામીને જરાયે પરવા નહોતી.. 

એના અવાજનો ધિક્કાર વધુ તીવ્ર બન્યો. બાપાના રુંવાડે રુંવાડે કીડા પડજો.. પૂરી તપાસ કર્યાં વગર આ પટાવાળા જોડે પરણાવી દીધી.. ગળે ડૂમો ભરાયો એટલે એ લગીર અટકી.


એ દિવસ મેં માની લીધું કે બાપા મરી ગયા છે. એક દિવસ માટે પણ પિયરમાં પગ નથી મૂક્યો.. એ ડોસો રિબાઈ રિબાઈને મરશે..દીકરીના નિ:સાસા એનું ધનોતપનોત કાઢી નાખશે.. મીનકી, સાસુ અડધી ગાંડી છે, મોટી નણંદ વાંઢી છે અને બધા ઉપર એ જ હુકમ ચલાવે છે અને વર પટાવાળો ! તું જ કહે આમાં સુખ ક્યાંથી મળે ?

તારે સાસરામાં સુખ નથી એવી ઊડતી વાત સાંભળેલી, પણ પરિસ્થિતિ આટલી ખરાબ હશે એની કલ્પના નહોતી.. મીનાએે સહાનુભૂતિથી કહ્યું.  ખરેખર દુ:ખ થાય છે તારી દશા જોઈને.

રોજ રાતે રોતી રોતી બાપને શાપ આપું છું. મને નરકમાં નાખીને એ કઈ રીતે સુખથી જીવે છે એ સમજાતું નથી.. અહનશ મારો કકળતો આત્મા એમને શ્રાપ આપે છે તોય એે ઘોડા જેવો છે. એણે મીનાના હાથ જકડી લીધા. મીનકી, ભગવાનનું આ ગણિત મગજમાં નથી ઉતરતું.. હું રાત દિવસ શ્રાપ આપું છું તોય એનેકેમ કઈ થતું નથી? આ ખેલ સમજાતો નથી. આટલું કહીને સુધાએ હતાશાથી માથું ધૂણાવ્યું.

એ લગીર અટકી. એનો અવાજ વધુ ગંભીર બન્યો. સુધાડી, તારા માટે લાગણી છે, પૂરેપૂરી સહાનુભૂતિ છે. મારી વાત સાંભળીને ખોટું ના લગાડતી. હકીકતમાં એ વખતે આ મનસુખલાલ જોડે મારા લગ્નની વાત ચાલતી હતી.  એણે હવા એવી ચલાવી હતી કે ગ્રેજ્યુએટ મુરતિયો અને કાયમી સરકારી નોકરી !  એ સાંભળીને તારા મા-બાપને ઈર્ષા થઈ અને એમણે મેલી રમત રમીને લગભગ નક્કી થયેલી વાતને તોડાવી નાખી અને તારું સગપણ ત્યાં કરાવી નાખ્યું ! આ મુદ્દે જ મારા મા-બાપે તમારી સાથેના સંબંધ કાપી નાખેલા ! એ પછી તો તારા સંસારની ઊડતી વાતો સાંભળીને હું રોજ તારા બાપાનો આભાર માનું છું અને એમના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું કે એમણે મારી જિંદગી બચાવી લીધી... ! સુધાડી, તારા શ્રાપ ને મારી શુભેચ્છા વચ્ચે એ હજુ અડીખમ છે....

મીના બોલતી હતી. સુધા સ્તબ્ધ બનીને સાંભળતી હતી.

(શીર્ષક પંક્તિ : લેખક)

આ સમાચાર શેર કરો