મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જયારે રોટલો મળે પણ ઓટલો ન મળે!

- સિંગલ સ્ક્રિન खुद को बिखरते देखते हैं कुछ कर नहीं पाते हैं फिर भी लोग ख़ुदाओं जैसी बातें करते हैं

શતરંગ / જયારે રોટલો મળે પણ ઓટલો ન મળે!

- સિંગલ સ્ક્રિન

खुद को बिखरते देखते हैं कुछ कर नहीं पाते हैं  फिर भी लोग ख़ुदाओं जैसी बातें करते हैं - इफ़्तिख़ार आरिफ़         1948માં આવેલી ઇટાલિયન ફિલ્મ બાયસિકલ થિવ્સ જોઈ છે? બાપ દિકરો સેકન્ડ વર્લ્ડ વૉર પછી અર્થતંત્ર પડી ભાંગ્યું છે અને નોકરી બચાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે! બંને એકબીજાને હિંમત આપતા રહે છે અને મહામુલી બચત માંથી ખરીદેલી સાયકલ ચોરાઈ ગઈ છે એ શોધવામાં પરસેવો પાડી રહ્યા છે! સાયકલ તો મેટાફર છે પણ બેઝિકલી, ખોવાયેલી કિસ્મતને જ શોધી રહ્યા છે. 1953 માં બિમલ રોય આ બાઇસિકલ થિવ્સથી પ્રેરણા લઈને રવિન્દ્રનાથ ટાગોરની કવિતા પર થી એક ફિલ્મ બનાવે છે જે આજે પણ સિનેફાઇલ્સ વારંવાર જોવે છે! 'દો બિઘા ઝમીન'. 2006 માં ઇટાલિયન ડિરેક્ટર ગેબ્રિયલ મુકિનો 'પરશ્યુટ ઑફ હેપ્પિનેસ' બનાવે છે! એ જ સ્ટ્રગલ, જિંદગીથી હાર્યા વગર બસ લડતા રહેવાની વૃત્તિ! કોઈ વિકલ્પ જ નથી, સર્વાઇવ કરો અથવા કાયરતા થી આત્મહત્યા કરી લો!         2017માં તમિલનાડુનાં શિવગંગાથી આવેલા એક દિગ્દર્શક ચેઝિયાન એક ફિલ્મ બનાવે છે અને વર્લ્ડ લેવલે 30 થી વધુ એવોર્ડ્સ લઈને આવે છે! ફિલ્મ ભારતમાં થિયેટરનું મોં ફેબ્રુઆરી 2019 માં જુએ છે! ફિલ્મનું નામ આપણે દર રવિવારે છાપાઓમાં વાંચીએ છીએ! 'ટુ લેટ' એટલે કે 'ભાડે આપવાનું છે!'. 2007માં ચેન્નાઈમાં આઇટી સેક્ટરની તેજીનો પરપોટો એટલો સ્ટ્રોંગ કે નોન આઇટી સેક્ટરનાં લોકોને ઘર ભાડે મળવાનાં રીતસર ફાંફા! અને વર્કિંગ કલાસ પોતાનું ઘર મેટ્રો સિટીમાં લઇ શકે એવું તો સપનું જોવાનું પણ અલાઉડ નથી. ત્યારે એક કપલ અને એમનુ એક બાળક ભાડે રહે છે, અને મકાનમાલિક ધોંસ જમાવીને 30 દિવસનું અલ્ટીમેટમ આપે છે, ઘર ખાલી કરો અથવા નીકળો!          ફિલ્મનો નાયક મોપેડ ચલાવે છે, દિકરો સ્માર્ટ છે - હોંશિયાર છે અને શાળામાં હોંશથી ભણે છે! ભાડાનું મકાન હોવાથી દિવાલો પર ચિત્રો દોરે અને માર પણ ખાય! પત્ની ઘરનો હિસાબ રાખે, એક એક ખર્ચો લખે, રાત્રે રડે! ઢોંસો બનાવે અને ઉખડે નહીં તો સ્ટ્રેસમાં આવીને તાવેથાનો ઘા કરે. પતિ બધું ચુપચાપ જોયા કરે, સંડાસની ગટર ચૉક અપ છે, રોજ્જે પાણી કાઢવું પડે છે, ઈલેક્ટ્રીસીટીનાં ધાંધિયા છે અને રાત્રે મીણબત્તી પણ સળગે! પતિ સ્ક્રિપટ રાઇટર છે અને આવક અનિયમિત છે, ઓવરટાઈમ કરીને પોતે ડબિંગ આર્ટિસ્ટનું પણ કામ કરે છતાં ભાડાનું મકાન લેવા માટે આપવી પડતી ડિપોઝીટનાં પૈસા ભેગા ન થઇ શકે ત્યારે પત્ની પર હાથ ઉપડી જાય અને પછી બંને રડી પડે!         દિકરો એનિમિક છે, ચૂપચાપ બધું જોયા કરે. સિગ્નલ પર એસી કારમાં એક છોકરી રમતી જોઈને પણ એ મોઢું ફેરવી લે એવી કરુણ સાવ ખરબચડી વાસ્તવિકતા! ફર્નીચરનાં પૈસા અને મંજૂરી તો હોય જ નહિ એટલે જેમ તેમ કપડાં અને સામાન ગોઠવેલા છે, ગમે ત્યારે લોકો ઘર જોવા આવે, પત્ની એકલી હોય અને ક્યારેક કોઈ કબાટ ખોલીને જુવે તો આંતરવસ્ત્રો અને સેનિટરી પેડ્સ નીચે પડી જાય અને પત્ની રડી પડે કે આ કેવી જિંદગી અને લાચારી! સાહેબ, ભાડાનાં મકાનમાં રહેલી એક એક વ્યક્તિને આ લાચારી અનુભવાઈ જ હશે! પાંચમી તારીખ પહેલા ભાડાની રકમ આપો, ઘરમાં ખિલ્લી સુધ્ધા તમારી મરજી થી મારી ન શકો! મકાનમાલિક કહ્યા વગર ઘરે ગમે ત્યારે ટપકી પડે!         અમદાવાદથી ચેન્નાઇ સુધી બધે હવે માંડ 11 મહિનાનું જ એગ્રીમેન્ટ બને છે પછી 10 થી 15% નો ભાડા વધારો! અહીં દિકરો આદર્શ ઘર અને પરિવારનું 'કુદરતી દ્રશ્ય' દોરી દિવાલ પર લગાડે છે, તુમાખીમાં મકાનમાલિકની પત્ની એ ફાડી નાખે છે અને દિકરો અંતમાં એક જગ્યા એ ભાડાનું મકાન મળવાની આશામાં એ ફાટેલા કાગળને ઈસ્ત્રી કરે છે! ત્રણેય જણ રવિવારે ચેન્નાઇની અંધારી અને સાંકડી ગલીઓમાં ઘર જોવા જાય, કોઈ શાકાહારી અને માંસાહારીની પત્તર રગડે તો કોઈ પૈસા વધુ કહે, કોઈ જ્ઞાતિની પૂછપરછ કરે તો કોઈ આઇટી સેક્ટરમાં છો તો જ આપીએ કહી ધક્કો મારી દે! 2007 માં નોકિયાનો જૂનો પુરાણો ફોન અને સિગ્નલ પણ વિક! ફિલ્મને અંતે ટનલમાં જેમ સૂર્યનું કિરણ દેખાય એમ આશા બંધાય છે પણ છેવટે પણ શહેરથી દુર કોઈ ઠેકાણે માંડ માંડ કિક મારી મારીને ચાલુ થતાં ન થતાં મોપેડમાં એ કુટુંબ કોઈ આશામાં નીકળી પડે છે અને ફિલ્મ સન્નાટા સાથે પુરી થઇ જાય છે!         પતિ તો રાત્રે પણ થાકીને કામ ન કરતાં રિમોટને પછાડીને પણ રશિયન ફિલ્મો જુવે! ગોવાનાં ફિલ્મ ફેસ્ટિવલનો થેલો પકડીને ઓફિસ જાય! જિંદગી બહુ કઠિન છે, સુવિચારો અને સિદ્ધાંતો કામ નથી આવતાં! છત મળવી મુશ્કેલ છે સાહેબ, તમારું પોતાનું ઘર અગર તમારી પાસે છે તો તમારા જેવું નસીબદાર આ દુનિયામાં કોઈ નથી! પેલા પતિ પત્ની રાત્રે એક વાર વાત કરતાં કહે છે, દિકરા ને મોટ્ટો થઇ ને કરિયર અને છોકરી તો જાતે જ પસંદ કરવા દઈશું! જુઓ, વિચારોની મોકળાશ અને કેટલું ધનવાન હોવુંને કોઈ સંબંધ ખરો?         રસ્તે ફુટપાથ પર કોઈ ચુલો સળગતો જુઓ ત્યારે વિચાર કરી જોજો, એ લોકો કોણ હશે, કેવી રીતે ટાઢ તાપ વરસાદમાં જીવતા હશે? તમે ક્યાં છો, ક્યાં નથી અને શું કરી શકો છો, તમે નસીબદાર છો એવું તમે માનો છો?    જીવ શિદને ફરે છે ગુમાનમાં, તારે રહેવું રે ભાડાનાં મકાનમાં!  અડધું આયખું ટીવીમાં ગ્યું ને તારું અડધું ફોનમાં,  મનમાં તો ગીતડાં ફિલમનાં વાગે તારા કહેવાતા મૌનમાં।  તારે પડવું નથી એનાં ધ્યાનમાં, એમ હરિ મળતાં નથી ગામમાં,  તું તો દર્શન માંગે દુકાનમાં... તારે રહેવું રે ભાડાનાં મકાનમાં!   - નિરેન ભટ્ટ  ***** - ભાવિન અધ્યારુ

આ સમાચાર શેર કરો