મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જ્યારે જાવેદ અખ્તરે કહ્યું, ‘એ પોતાના છેલ્લા ગીતથી હિન્દી સિનેમાને લાફો મારી ગયા!’

- પન્ના પલટીએ રાહુલ દેવ બર્મન, ઉર્ફ RD બર્મન ઉર્ફ પંચમ દા

શતરંગ / જ્યારે જાવેદ અખ્તરે કહ્યું, ‘એ પોતાના છેલ્લા ગીતથી હિન્દી સિનેમાને લાફો મારી ગયા!’

- પન્ના પલટીએ

     રાહુલ દેવ બર્મન, ઉર્ફ RD બર્મન ઉર્ફ પંચમ દા... આ નામ કોઈ ઓળખાણની મોહતાજ નથી. પ્રયોગાત્મક અને તાજગીસભર સંગીતથી પંચમે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર બે દાયકા સુધી રાજ કર્યું. જ્યારે ફૉલિ સાઉન્ડનો કોઈનો પરિચય પણ નહોતો ત્યારે પંચમ  બિયરની ખાલી બોટલો, કાંચકો, તૂટેલું ટીન જેવી 'નકામી' વસ્તુઓમાંથી અચરજ પમાડે તેવું સંગીત પેદા કરતા. હીરો, બેતાબ, શોલે, રોકી, આંધી, દિવાર, સત્તે પે સત્તા, સાગર, ગોલમાલ, ઈજાઝત જેવી અનેક ફિલ્મોના ગીતો તેમના સંગીતથી સજીને લોકોના કાનોમાં કાયમ માટે ગૂંજતા થઈ ગયા. પણ હવે જો એવું કહેવામાં આવે કે, આવી અદ્વિતિય પ્રતિભાનો ધની માણસ એક સમયે બેરોજગાર થઈ ગયેલો તો શું માનવામાં આવે?! વિશ્વાસ ન થઈ શકે પણ પ્રોફેશનલ અને મતલબી ગણાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યાં એક સમયે પંચમ દાનો પડઘો પડતો હતો તે જ ઈન્ડસ્ટ્રીમાં તેમને કોઈ કામ આપવા રાજી નહોતું. 

     યુવરાજ સિંહની લાઈફ ઈન્શ્યોરન્સવાળી એડ યાદ છે? જેમા એ કહે છે, 'જબ તક બલ્લા ચલ રહા હૈ ઠાઠ હૈ...નહીં ચલા ઉસ દિન...' RD બર્મન એટલે કે પંચમ દા પર પણ આ લાઈન એકદમ ફિટ બેસે છે. ત્રિપુરાના રાજઘરાનામાં મૂળિયા ધરાવતા RD બર્મનના પિતા સચિન દેવ બર્મન પણ ખૂબ જાણીતા સંગીતાકાર હતા. RD ને પણ પોતાના પિતાની જેમ જ સંગીતની સાધના કરવી હતી. નાનકડી ઉંમરમાં જ તેમણે પિતાને કેટલાક કમ્પોઝિશન બનાવીને આપ્યા, જેણે પિતાએ 'નજરઅંદાજ' કરી દીધા. થોડા વર્ષો પછી સચિનદેવે એક ફિલ્મમાં પોતાના દીકરાની ધૂન 'ચોરી' કરી એક ગીત બનાવ્યું. અહીંથી RDની પ્રતિભા બહાર નીકળીને આવી. તે સમયના કોઈ મોટા ડિરેક્ટર-પ્રોડ્યૂસર કે મ્યૂઝિક કંપની સાથે તેમણે કામ ન કર્યું હોય તેવું ભાગ્યે જ બને. પંચમનું યુનિક મ્યૂઝિક તમામ સીમાડાઓ ઓળંગી લોકપ્રિયાની હદો વટાવી રહ્યું હતું. 'મહેબૂબા મહેબૂબા', 'યમ્મા યમ્મા', 'કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ તો...', 'જહાં તેરી યે નઝર હૈ' જેવા ગીતો અને તેનું મ્યૂઝિક લોકોમાં આજે પણ ફેમસ છે.

     જોકે, સમય બદલાતા વાર નથી લાગતી. પંચમ દા પણ સમયના આ ક્રૂર ચક્રનો ભોગ બન્યા. મ્યૂઝિક રેકોર્ડ કંપની અને જાણીતા પ્રોડ્યૂસર્સને તેઓ આઉટડેટેડ લાગવા માંડ્યા. પોતાની દરેક ફિલ્મનું પંચમ પાસે જ તૈયાર કરાવનાર નાસિર હુસૈને પણ 'કયામત સે કયામત તક' વખતે તેમની સાથે છેડો ફાડી લીધો. સમય એવો આવ્યો એક વખતે શ્વાસ ન લઈ શકે એટલું કામ લઈ બેઠેલો માણસ સાવ નવરો થઈ ગયો. પંચમ કામ શોધતા પરંતુ લોકો તેમને સપ્રેમ ના પાડી દેતા કાં તો 'કહીશું...' જેવા જવાબ આપી ટાળી દેતા. 

     જેનો તારો ધ્રૂવની જેમ ચમકતો હતો તે પંચમ દા હવે અંધકારમાં ખોવાઈ ચૂક્યા હતા. જે ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી માટે અનેક સુપરહિટ ગીતો બનાવ્યા તે ઈન્ડસ્ટ્રી હવે પંચમને એક તક આપવા માટે પણ તૈયાર નહોતી. ઈતિહાસમાં ઘણા બધી મહાન વિભૂતિઓની વિદાય ગુમનામીઓમાં થઈ છે અને કદાચ પંચમ સાથે પણ એવું બન્યું હોત પણ કિસ્મતે તેમના માટે એક ભવ્ય વિદાયનો પ્લાન કરી રાખ્યો હતો! 1990ની શરૂઆતમાં વિધુ વિનોદ ચોપરા પોતાની મ્યૂઝિકલ ફિલ્મ '1942: અ લવ સ્ટોરી' બનાવી રહ્યા હતા. તેમણે પંચમ દાને ફિલ્મના સંગીતનું કામ સોંપ્યું. પંચમે કેટલીક ધૂન બનાવી વિધુને આપી પણ વિધુને તે પસંદ ન આવી. વિધુએ પંચમ દાને આદરપૂર્વક ના પાડતા કહ્યું કે, 'મારે આ મ્યૂઝિક નથી જોઈતું.' આ ક્ષણે પંચમની આંખોમાં આંસુ ઝમી આવ્યા, તેમણે પૂછ્યું, 'હું આ ફિલ્મ કરી રહ્યો છું ને?' વિધુ ચોપરાએ કહ્યું કે, 'એક વર્ષ લઈ લો પણ એવું મ્યૂઝિક બનાવો કે લોકો વખાણ કરતા થાકે...!' આના પછી જે થયું તે ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. '1942: અ લવ સ્ટોરી' આજે પણ હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી મ્યૂઝિકલ હિટમાંની એક છે અને એના ગીતો ક્યારેય જૂના થતા નથી. પણ દુર્ભાગ્ય જુઓ... જ્યારે આ ફિલ્મના સંગીત માટે પંચમને ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેઓ આ દુનિયા છોડી જઈ ચૂક્યા હતા. આ વખતે જાણીતા ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે એક વાક્ય કહેલું કે, '1942: અ લવસ્ટોરીના સંગીત વડે પંચમ હિન્દી સિનેમાના ગાલ પણ એક જોરદાર તમાચો મારીને ગયા છે.'  ખેર, અઢળક નામ-કામ, શોહરત પછી હતાશા-નિરાશા, લાચારી અને છેવટે ફરી સફળતા... આ પંચમના જીવનનો સાર હતો, કદાચ જીવનના છેલ્લા દિવસોમાં સાહિર સાહેબના ગીત 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ...' એ ગાતા રહેતા હશે એવું અનુમાન છે.

- આગંતુક 

આ સમાચાર શેર કરો