શતરંગ / 'મને એ ગમે છે' પણ એને 'હું નથી ગમતો/ગમતી' તો શું કરું? ભાગ - 1
- ચાલ જિંદગી મારી સાથે કોઈ આપણને ગમે અને આપણે કોઈને ગમીએ ‘વાહ’.

- ચાલ જિંદગી મારી સાથે
કોઈ આપણને ગમે અને આપણે કોઈને ગમીએ ‘વાહ’... આ કેવી અદ્ભુત લાગણી છે. ગમવું એ પ્રથમ પગથીયું છે પ્રેમ તરફનું... કોઈને જોઇને જ આપણા મોઢા પર smile આવી જાય કે પછી માત્ર કોઈના અવાજથી આપણો આખો દિવસ બની જાય. કોઈના વિચાર માત્રથી હૃદયમાં એવો થનગનાટ ઉત્પન્ન થાય કે જાણે કોઈ લાગણીઓ ધોધ ના વહી રહ્યો હોય... કોઈના ફોનની રાહ જોવી, કોઈના મેસેજની રાહ જોવી, કોઈ ઓનલાઈન છે એટલું જોતા જ રોમાંચ અનુભવાય જાય, કોઈનો ફોન આવશે એ વિચારીને ફોન હાથમાં પકડી રાખવાનું મન થાય.. કોઈ સાથેની વાતોમાં ક્યાં રાતથી સવાર પડી જાય એ ખબર જ ના પડે... કોઈનું આપણી સાથે ના હોઈને પણ સતત આપણી સાથે જ રહેવું. ભલે એ આપણા સંપર્કમાં હોય કે ના હોય, ભલે આપણે એને જોઈ શકીએ કે ના જોઈ શકીએ, ભલે મહિનાઓ સુધી એને મળી પણ ના શકીએ પણ એનું બસ જીવનમાં કોઈ પણ રીતે હોવું એટલી વાત માત્રથી તમને જીવવાનું, ખુશ રહેવાનું મોટીવેશન મળી જાય આ જ તો છે કોઈનું આપણને ગમવું અને કદાચ પ્રેમ તરફનું પ્રયાણ....
પણ ધારો કે કોઈ તમને ગમતું હોય પણ તમે એને ના ગમતાં હોય તો અથવા કોઈ આજે તમારી સાથે હતું પણ હવે એને તમારી સાથે નથી રહેવું તો? તો શું? સપનાંઓનો મહેલ કકડભૂસ થઇ જાય તો શું? કાલે જે કલાકો વાતો કરતાં હતા એમની સાથે આજે એક શબ્દ ની આપ લે ના થાય તો શું? કોઈ જે તમને બધું જ કહેતું હતું, બધું જ પૂછતું હતું એના માટે હવે તમે અજાણ્યા બની ગયા છો તો શું? જેના સપનાં તમે તમારી આંખમાં સજાવ્યા હતાં એ જ હવે આંસુનું કારણ બની ગયા છે અથવા એ તમારી આંખોમાં રાહ બની ગયા વસી ગયા છે તો શું? અને એ ક્યારેય નહિ આવે એ પણ તમને ખબર પડી ગઈ છે તો શું?
બધા એ સૌથી પહેલા એ સમજવું પડે કે ગમવાનાં કારણો ના હોય... એટલે આવો સમય બધાના જીવનમાં આવે જ છે કે કોઈ અચાનક તમે એકલા હોય ને મળે અને ક્યારે તમારા જીવનનો ભાગ બની જાય એ તમને પણ ખબર ના પડે..કોઈની ગમવાની ઘટના એ માણસના હાથમાં નથી હોતી.. કોઈ વગર કારણે ગમી જાય અને કોઈ વર્ષો સાથે રહીને પણ અણગમો ઉત્પન્ન કરાવે. અને ગમ્યા પછી ધીમે ધીમે એ વ્યક્તિ સાથે વાત કરવી, મેસેજ કરવા, મળવું, આખા દિવસમાં શું શું થયું એની ચર્ચાઓ કરવી, મૂંઝાયા હોય તો એનું માર્ગદર્શન માંગવું, એમ લાગવું કે એ જ છે તો છે એ જગ્યા જ્યાં બધા પ્રશ્નોના જવાબ મળી જશે. ‘એક વિલન’ ફિલ્મનું એક સુંદર ગીત છે “કોઈ મુજકો યુ મિલા હૈ જૈસે બંઝારે કો ઘર” એ માણસ માટે આપણને એવું જ લાગવા લાગે..આપણી લાગણીઓનું મુકામ કોઈ બની જાય..અને એ પણ વ્યક્તિ પણ જે રીતે તમે વર્તતા હોય એમ જ વર્તે. એ પણ તમારી જેમ જ તમને એના વિષે બધું કહેવા લાગે, બધું પૂછવા લાગે, તમને સ્પેશ્યલ ફિલ કરાવે, એ કમ્ફર્ટ ઝોન આપે કે જેનાથી એને કંઈ પણ કહેવામાં તમને ખચકાટ ના થાય...અને એક દિવસ એ અચાનક જ વાત કરવાની બંધ કરી દે અને તમે વિચારમાં પડી જાઓ કે એવું થયું શું કે આ જેની સવાર મારાથી પડતી હતી ને સાંજ મારાથી થતી હતી એ આજે અચાનક આમ અજાણ્યા જેવું વર્તન કરે છે. એ તમારા કોલનો કે મેસેજનો જવાબ ના આપે.. એ ઓનલાઈન હોય તો પણ તમે જોયા ના જોયા કરે, તમે એક- બે નહિ પણ અનેક ફોન કરો તો પણ એ સતત કાપે અથવા આન્સર ના કરે, અથવા મેસેજ આવે તો પણ એમ કહે કે એ બીઝી છે...તમે સતત હાથમાં ફોન લઈને બેસી રહો કે હમણાં એનો ફોન આવશે હમણાં એનો મેસેજ આવશે, એ ઓનલાઈન છે કે નહિ? એણે તમારો મેસેજ જોયો કે નહિ એ સતત ચેક કર્યા કરો, તમારી જૂની ચેટ વાંચ્યા કરો, એનું dp કે એના ફોટા જોતા રહો, ક્યારેક તો તમે સેલ્ફ ડાઉટમાં પણ આવી જાઓ છો કે, “ક્યાંક મેં જ તો કંઈ એવું નથી કરી નાખ્યું કે એ મારી સાથે આવું વર્તન કરે છે?” તમારી જાતને કોસવા લાગો છો. અફસોસ કર્યા કે કરો કે એ એકવાર ફોન ઉપાડી લે તો પૂછી લઉં કે થયું છે શું? અને એ રાહમાં ને રાહમાં ના તમને ઊંઘ આવે ના તમને ભૂખ લાગે ના કોઈ કામમાં મન લાગે, ના કશામાં રસ પડે...બસ થાય કે કંઈક થાય ને એ આવી જાય અથવા એનો ફોન કે મેસેજ આવી જાય પણ ના એ આવે, ના એની ખબર આવે, ના તમારા પ્રશ્નોના જવાબ મળે શું કરશો ત્યારે?
આવી પરિસ્થિતિમાં ઘણી વાર કોઈ એક ફોન ના ઉપાડે તો વારે ઘડીએ ફોન કરવાનું મન થાય, એક મેસેજનો જવાબ ના આવે તો બહુ બધા મેસેજ કરવાનું મન થાય, ક્યારેક તો એવું પણ થાય કે એ વ્યક્તિ જ્યાં હોય ત્યાં જતા રહેવાનું મન થાય, સતત એ શું કરે છે, ક્યાં છે? એના જીવનમાં શું ચાલી રહ્યું છે? એના જીવનમાં કોઈ આવી તો નથી ગયું ને આ બધી અસુરક્ષાની ભાવનાથી આપણું મન ભરાઈ જાય છે. આપણને પોતાને લાગવા લાગે છે કે આપણે એવું કંઈ વર્તન કરી રહ્યા છે જે આપણે છીએ જ નહિ...આપણને સમજાતું બધું હોય છે પણ આપણી જાત પર આપણો કાબુ જ નથી રહેતો..કોઈની તરફનો પ્રેમ, પ્રબળ લાગણી કે આકર્ષણ તમને લાચારીનો અનુભવ કરાવે છે. તો શું કરવું જયારે પરિસ્થિતિ પર આપણો કાબુ ના હોય અને આપણા મન પર પણ આપણો કાબુ ના હોય?
સૌથી પહેલા આપણે કરવો પડશે સ્વીકાર કે આપણે સામેવાળા પાત્રને નથી ગમતાં... બહુ અઘરી વસ્તુ છે આ... જેને આપણે રીજેકશન કહીએ છીએ. રીજેકશન બહુ અઘરું હોય છે જેને પચાવતાં પચાવતાં માણસ અંદરથી સાવ ઓગળી જાય છે. પણ પચાવવા સિવાય કોઈ રસ્તો નથી હોતો... સ્વીકારવું પડે છે કે એને ફોન નથી ઉપાડવો એટલે એ નથી ઉપાડતાં, સ્વીકારવું પડશે કે એ એટલા વ્યસ્ત નથી કે તમને સમય ના આપી શકે પણ એ આપવા નથી માંગતા, સ્વીકારવું પડશે કે એમને જવાબ નથી આપવો એટલે એ તમારા મેસેજ નથી જોતા... સ્વીકારવું પડશે કે એ જાણી જોઇને જ તમને ટાળી રહ્યા છે. સ્વીકારવું પડશે કે જે હતું એ હવે નથી અથવા નહી રહે..સ્વીકારવું પડશે અને એ પણ સ્વીકારવું પડશે કે આ સ્વીકારતા તમને સમય લાગશે એટલે પોતાની જાતને સમય પણ આપવો પડશે. આવા સમયે વ્યક્તિ કાચના વાસણ જેવો થઇ જાય છે...એ એવી એવી હરકતો કર બેસે છે કે જેને સારી ના કહેવાય પણ એનાથી એ વ્યક્તિ ખરાબ નથી થઇ જતો... કારણ કે કોઈ માણસ ખરાબ નથી હતો... પણ આપણે બધા જ માત્ર માણસો છીએ કે જે જીવનમાં ક્યારેક ને ક્યારેક કંઈક ખરાબ કરી બેસતા હોઈએ છીએ.
આ એક સર્વસામાન્ય સમસ્યા છે... બધાના ભાગે થોડું ઘણું ભોગવવાનું આવે છે પણ તો આવી પરિસ્થિતિમાં શું કરવું અને કેવી રીતે આમાંથી બહાર નીકળવું? એના વિષે આપણે આવતા અઠવાડીએ જોઈશું...ત્યાં સુધી પોતાની જાતને સાચવજો અને તમારા કોઈના ધ્યાનમાં આવા લોકો છે તો એમને ઉપદેશ આપવાની જગ્યા એ શક્ય હોય તો એમને સમજજો પણ “તારે આવું કરવું જોઈએ અને આવું ના કરવું જોઈએ” એની શિખામણો ના આપતાં અને એટલું યાદ રાખજો કે, ‘જેના પર વીતે એને જ ખબર પડે છે’ એટલે બની શકો તો Be Nice Them...
- અર્ચના તેજસિંહ ચૌહાણ








