મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માણસની સાચી સુંદરતા એટલે શું? ભાગ: 2

- કાગળ પરના પંખી ટહુક્યાં ગયા અઠવાડિયે આપણે જોયું કે સ્ત્રીઓની સુંદરતાના ચોક્કસ માપદંડ છે અને એ માપદંડમાં જે બં

શતરંગ / માણસની સાચી સુંદરતા એટલે શું? ભાગ: 2

- કાગળ પરના પંખી ટહુક્યાં

ગયા અઠવાડિયે આપણે જોયું કે સ્ત્રીઓની સુંદરતાના ચોક્કસ માપદંડ છે અને એ માપદંડમાં જે બંધ ના બેસે એ બધા સુંદર નથી. સુંદરતાના ધારાધોરણો છે અને સ્ત્રીઓ માટે એ ધારાધોરણમાં ખરું ઉતરવું ફરજીયાત છે નહિતર તરત જ એક નિર્ણય સંભળાવામાં આવે જે નિર્ણય હોય કે તમે સુંદર નથી. જેનો ભોગ દરેક સ્ત્રી એના જીવનમાં ક્યારેક ને ક્યારેક બની જ હોય છે આજે ફરી એક એવું બીજું એક ઉદાહરણ જોઈએ.

વાચાનું વજન એના જન્મ સમયે તો એકદમ બરાબર જ હતું એને તંદુરસ્ત બાળકમાં ગણી જ શકાય એમ હતું પણ જેમ-જેમ એ મોટી થઈ એનો બાંધો પાતળો જ રહ્યો. 18 વર્ષની વાચા 14-15 વર્ષ જેવી લાગે. જો કે એના પિતા પણ જયારે એની ઉંમરના હતા તો એમનો બાંધો પણ એવો જ હતો પણ  ‘જનીન’ નામની એક વસ્તુ હોય અને ‘વારસાગત’ નામનો એક શબ્દ હોય એ બધા ભૂલી જાય છે અને તરત જ કહેવા માંડે છે કે આ તો જાડી છે, આ તો પાતળી છે, આ તો કાળી છે, આની તો આંખો નબળી છે, આનો ચેહરો બેડોળ છે વગેરે વગેરે ..વાચા સાથે પણ આવું જ થયું..વાચા જે જગ્યાએ જાય બધા સંબંધીઓ, ઓળખીતા, પડોશીઓ એને એક જ વાક્ય પૂછે કે, “તારી મમ્મી તને જમાડતી નથી કે શું?” અને દર વખતે વાચાની સાથે એની મમ્મીને પણ આ બધી વાતોનું ભોગ બનવું પડતું. કોઈક કહેતું, “બોડી ચેક અપ કરાવી લો ક્યાંક કંઈ પ્રોબ્લેમ ના નીકળે” અને કોઈક કહે કે, “ડાયેટીશયનને રાખી લો બાકી આમ તો આખી જિંદગી કુપોષિત જ રહી જશે.” હવે હકીકતમાં ના વાચાને કોઈ બીમારી હતી અને ના વાચા  કુપોષિત હતી પણ માણસોના વિચારો એટલી હદના કુપોષિત હતા કે જેને કોઈનું અપમાન કરીને જ જાણે પોષણ મળતું હોય. વાચા માટે બહુ અઘરું થઇ ગયું હતું. ધીમે ધીમે આ બધી વાતોની વાચાના મન અને મગજ પર અસર થવા લાગી. એના મનમાં એ બેસી ગયું કે એ સુંદર નથી. એણે ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું કરી નાખ્યું. સ્કુલમાં રજાઓ પાડવા લાગી. મિત્રો ઓછા કરી નાખ્યા અને અંતે એ લઘુતાગ્રંથીમાં સરી પડી. એને થેરાપીઓ અપાવવી પડી. એની દવાઓ કરાવવી પડી પણ તેમ છતાંય એના મનમાંથી એ વાત નીકળતી જ નહોતી કે એ સુંદર નથી. વાચા જેવી અનેક દીકરીઓ  હશે જે આનો ભોગ બનતી હશે ને આપણે જોઈ પણ હશે પણ આપણે તેમ છતાંય આનો વિરોધ કરવાની જગ્યા એ બીજી કોઈ જગ્યા એ આપણે પણ બીજા કોઈનું બોડી શેમીંગ કરવા માંડીએ  છીએ.

આપણે આ વિષય પર અનેક ફિલ્મો પણ જોઈ જેમ કે દમ લગા કે હઈશા, ડબલ એક્સેલ...પણ એને જોઇને પણ આપણામાં કોઈ ફેર આવ્યો? કોણ નક્કી કરશે કે સ્ત્રી એ કેવું દેખાવું જોઈએ? કેમ આજે પણ આપણે એવી ઘેલછા રાખીએ છીએ કે 40 વર્ષના હોઈએ તો પણ 20 ના લાગીએ? ચેહરા પરની કરચલીઓનો ભાર કેમ આટલો બધો વર્તાતો હોય છે? કેમ કોઈને ગમે એવા કપડાં પહેરવાં, વજન નથી ઉતરતું તો કોઈ શું કહેશે એના માટે સર્જરીઓ કરાવવા સુધી કેમ આવી જવું પડે છે? શ્યામ રંગના કૃષ્ણને આપણે દેવતા બનાવીને પૂજવું છે પણ એ જ શ્યામ રંગ જયારે કોઈના ચેહરા પર હોય છે કેમ સ્વીકાર્ય નથી? શારીરિક બાંધા માટે ઘણાં બધા પરિબળો જવાબદાર છે તો કેમ એવી ફરજ છે કે એક વ્યક્તિ જેવું લાગે, બીજું પણ એવું જ લાગે? પૃથ્વી પર રહેલા  બે પથ્થર પણ એક જેવા નથી હોતા તો બે માણસો એકસરખા કેવી રીતે હોય? વજન વધી ગયું છે? ખાવાનું ઓછું કરી નાખો, બિલકુલ સુગર ના લેતા, રોજ પાંચ કિલોમીટર ચાલો, જીમ જોઈન કરો, કાળા રંગના કપડા પહેરો એટલે થોડા પાતળા લાગો. અરે, આટલું ઓછું હોય એમ સ્ત્રીઓની કમરના માપથી ઉપર આવીને હવે તો સ્ત્રીઓના સ્તનના માપ શું હોવા જોઈએ એની પણ ચર્ચા પર આવી ગયા છે બધા.

એક પરફેક્ટ બોડી હોય એવું સ્વપ્ન બધાનું હોય પણ ધારો કે નથી તો so what? ભગવાન એ દરેકને એક ખૂબી સાથે મોકલ્યા છે ધરતી પર. એક માણસમાં નહિ હોય એ બીજામાં હશે અને બીજામાં નહિ હોય એ ત્રીજામાં હશે. તો શા માટે કોઈને એના રંગ, વજન, આકાર ના કારણે  મૂલ્યાંકન કરવું? શા માટે એનામાં રહેલી ખૂબીઓ ના જોઇને માત્ર એનો બાહ્ય દેખાવ જ જોવો. શું હોય છે સાચી સુંદરતા કે તમે ફોટામાં કેવા લાગો છો? 

કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને જોઇને તમારા મનમાં એને મદદ કરવાની સંવેદના જાગે તો એ સુંદર બાબત નથી? કોઈક રોતા માણસને તમે હસાવી શકો છો તો શું તમે સુંદર નથી? કોઈ મુસીબતમાં છે અને નિ:સ્વાર્થ એની વાત સાંભળી એને ભેટીને એમ કહી દેવું કે, “ચિંતા ન કર બધું સારું થઇ જશે એ સુંદર નથી? કોઈના આંસુ લુંછવા અને કહેવું કે, “હું છુ તારી સાથે” એ સુંદર નથી? એક જ રોટલી હોય અને કોઈક ભૂખ્યાને જોઇને એમાંથી અડધી રોટલી આપી દેવી શું એ સુંદર નથી? જગતમાં અનેક વસ્તુઓ સુંદર છે પણ આપણને એટલે નથી દેખાતી કારણ કે સુંદરતા માણસમાં નહિ જોનારની આંખમાં હોય છે તો હવે જયારે કોઈ આપણને સુંદર ના લાગે તો એમ ધારજો કે એ વ્યક્તિ સુંદર નથી એમ નથી પણ આપણી આંખ એને જોઈએ નથી શકતી તો એ તકલીફ આપણી છે. કારણ કે સાચી માણસની સાચી સુંદરતા એટલે શું? માણસની સાચી સુંદરતા એટલે, 

“કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર, 

કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઇસી કા નામ હૈ.”

- અર્ચના ચૌહાણ

આ સમાચાર શેર કરો