શતરંગ / સારી સ્ત્રી-છોકરી એટલે શું?
- કાગળ પરના પંખી ટહુકયાં આપણને સૌ માણસ એટલે કે ભગવાન દ્વારા બનાવવામાં આવેલી એ

- કાગળ પરના પંખી ટહુકયાં
આપણને સૌ માણસ એટલે કે ભગવાન દ્વારા બનાવવામાં આવેલી એક એવી કૃતિ કે જેનો સ્વભાવ બની ગયો છે દરેક વસ્તુ કે વ્યક્તિનાં બે પાસાં શોધવાનો અને એમાંય જયારે વાત સ્ત્રી એટલે કે દીકરીની આવે તો પછી પૂછવું જ શું?
જન્મતાંની સાથે જ માતા-પિતા અથવા કહેવાતા સમાજે એના માટેની લક્ષ્મણ રેખા બનાવી દીધી છે. જેને ઓળંગવાના અથવા તો એ રેખા વિષે પ્રશ્ન પણ પૂછવાની હિંમત દાખવે તો કહેવાતો સભ્ય સમાજ એને શંકાની નજરે જુએ છે. કારણ કે એ લક્ષ્મણ રેખા એટલે સારી છોકરી/સ્ત્રીની વ્યાખ્યા.
સારી સ્ત્રી/છોકરી એટલે શું? જે ઓછું બોલે, જેની નજર નીચી હોય, રાત્રે બહાર ના જાય, જેના છોકરા/પુરુષ મિત્ર ના હોય, જે હંમેશા ટ્રેડીશનલ કપડાં પહેરે, જે મોટાઓને માન આપે, જે માન મર્યાદામાં રહે એટલે કે માસિક, ગર્ભાશય, સ્તન આ બધી વાતો વડીલો કે મોટાઓ સામે ના કરે. ભલે પછી એને કોઈ શારીરિક તકલીફ જ કેમ ના હોય? જેને ખબર હોય કે ઘરના નિર્ણય હંમેશા મોટાઓ એટલે કે પુરુષો જ લે. જે કેટલું ભણશે, ક્યારે લગ્ન કરશે? કોની સાથે લગ્ન કરશે? ક્યારે બાળકને જન્મ આપશે અને બાળકમાં પણ ફરજીયાત દીકરાને જન્મ આપશે, એ બધું જ સમાજે અને પરિવાર એ નક્કી કર્યું છે એ પ્રમાણે જ વર્તે. ૨૨ સુધીમાં લગ્ન, ૨૫ સુધીમાં પહેલું બાળક, 30 સુધીમાં બીજું બાળક અને ખાસ નોંધ દીકરો તો જોઈએ જ. આ બધા લક્ષણો છે એક સારી સ્ત્રી /છોકરીના. પણ આ મુજબ અને વય-મર્યાદા પ્રમાણે ના વર્તે તો એવી સ્ત્રી/ છોકરીને શું કહેવાય? એના માટે ખાસ નામો અને સંબોધન છે. “આને એના માં-બાપ એ બહુ છુટ આપી દીધી છે”, “આ હવે કોઈના કહ્યામાં નથી”, “આ તો એકદમ રખડેલ છે”, “આ તો ભટકતી ફરે છે” વગરે વગરે...હવે આવી છોકરી / સ્ત્રી ખરેખર કેવી હોય છે એ જરા ઉદાહરણ સાથે સમજીએ.
રીટાનો પતિ અમીત કામ ધંધો ના કરે એને મારે, દારૂ પીવે. બંનેના અરેન્જ મેરેજ. લગ્નના એક જ વર્ષમાં દીકરીનો તાન્યાનો જન્મ થયો. પછી પરિવાર એ આગ્રહ કર્યો કે એક દીકરો તો હોવો જ જોઇયે પણ રીટા એ નિર્ણય લીધો કે એક દીકરી કે જેનું ભવિષ્ય જ ધૂંધળું લાગે છે તો એવામાં બીજા બાળકને લાવીને ક્યાં એનું જીવન પણ સંઘર્ષમય બનાવી દેવું? પણ રીટા આ નિર્ણય લેતાં પહેલા ભૂલી ગઈ કે એ તો સ્ત્રી છે અને સ્ત્રીને આવા નિર્ણય લેવાની સત્તા ખરી? રીટા એ નિયમ તોડ્યો એ દીકરીની માં તો હતી પણ દીકરાને જન્મ ના આપ્યો અને શરુ થઇ વાતો કે, “અરે રે, રીટાનું તો નખ્ખોદ વળી ગયું”, “એના પતિ એ બીજા લગ્ન કરી લેવા જોઈએ”, “દીકરા વગર વંશ આગળ કેવી રીતે વધશે?”, “એ પોતાના ઘરને અને પતિને દીકરો ના આપી શકે એ સ્ત્રી શું કામની?” રીટા સારી સ્ત્રી નથી.
આવો જ બીજો કિસ્સો એટલે પ્રતિમા. 30 વર્ષની ઉંમરે વિધવા થયેલી પ્રતિમાએ નિર્ણય લીધો કે એ માત્ર સફેદ સાડી નહિ પહેરે. એ એના જીવનમાંથી રંગોને બાદ નહિ કરે. પણ વિધવા સ્ત્રી એ આમ રંગીન કપડાં પહેરાય? આ રીતે ચાંદલો લગાવાય? અને હાથમાં બંગડી તો પહેરાય જ શાની? પણ પ્રતિમાએ પહેર્યા. એટલે પ્રતિમા સારી સ્ત્રી નથી.
રીન્કુ એ પ્રેમલગ્ન કર્યા હતા. પરિવાર રાજેશ સાથે લગ્ન કરવાના વિરોધમાં હોવા છતાંય એણે એની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો પણ સમય જતાં રાજેશના રંગ દેખાયા અને જે રીન્કુને પ્રેમ કરતો હતો એ જ હવે બીજી કોઈ સ્ત્રીને પણ પ્રેમ કરવા લાગ્યો. રીન્કુ પાસે બે જ વિકલ્પ હતા કે કાં તો સહન કરે, કાં તો રાજેશને એની સાથે વિશ્વાસઘાત કરવા માટે છુટાછેડા આપી દે. અને રીન્કુએ બીજો વિકલ્પ પસંદ કર્યો. પણ રીન્કુ એ તો કેટલા બધા નિયમ એક સાથે તોડ્યા..એક તો પોતાની મરજીથી લગ્ન કર્યા અને એ પણ પ્રેમ કરીને અને એ પણ પરિવારની ઈચ્છા વિરુદ્ધ અને આટલું ઓછું હોય એમ એના છુટાછેડા પણ થઇ ગયા. અને આ બધા તો ઘોર અપરાધ. “જે સ્ત્રી પોતાનો પરિવાર અને પતિને ના સાચવી શકે એના જ છુટાછેડા થાય ને”. વર્ષોથી ધારાધોરણો નક્કી જ છે કે, “જે સ્ત્રી સક્ષમ ના હોય ને તો જ એનો પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે”. “પતિને સુધારવો અને સાચા રસ્તે લાવવો એ તો સ્ત્રીનું કામ છે” અને જો એ સાચા રસ્તે ના આવ્યો તો એની ગુનેગાર તો સ્ત્રી જ.” અને રીન્કુ પણ આવી જ સ્ત્રીઓમાંની એક હતી. એટલે રીન્કુ એક સારી સ્ત્રી નહોતી.
પ્રિયાને દોડવીર બનવું હતું. એ દોડતી તો બધાની નજર ના હટતી પણ પ્રિયા સમાજે બનાવેલ નિયમોની દોડમાં પાછળ ના રહી જાય એટલે 20 વર્ષે એના લગ્ન નક્કી થયા. પ્રિયા એ ઘરનાને બહુ સમજાવ્યા કે, “મારે દોડવું છે એટલું કે હું દોડી રહી છુ કે ઉડી રહું છુ એ જ ખબર ના પડે”. પણ આવું થોડી હોય? જ્યાં દોડવાની પરવાનગી ના હોય ત્યાં ઉડવા જેવા સપનાં જોનાર છોકરી પ્રિયા સારી છોકરી નથી.
રૂપા એ મીકેનીકલ એન્જીન્યરીંગનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. ફિલ્ડ જ એવું કે છોકરીઓ કરતા છોકરાઓનું પ્રમાણ વધારે એટલે મિત્રોમાં પણ છોકરાઓનું પ્રમાણ વધારે. રૂપાને બહાર કેફેમાં બેસી રહેવું કે બહાર બહુ હળવું મળવું ના ગમતું એટલે એ બધા મિત્રોને ઘરે જ બોલાવતી...અને ઘરે આવતા રૂપાના પુરુષ મિત્રોને જોઇને પાડોશીઓમાં રૂપા ચર્ચાનો વિષય બની ગઈ કે, “કેવી છોકરી છે? આટલા બધા મિત્રો તે હોતા હશે? અને આની માં પણ કેવી છે કે આટલા બધા છોકરા સાથે મિત્રતા રાખવા દે છે અને ઘરમાં પણ આવવા દે છે? રૂપા અને એની મમ્મી બંને સારી છોકરી/સ્ત્રી નથી.
આ તો અમુક જ ઉદાહરણ છે. આવા તો અનેક ઉદાહરણ છે કે જે આ વ્યાખ્યામાં બંધ બેસતાં નથી એટલે એ સારી છોકરી / સ્ત્રી નથી.
આવતા અઠવાડિયે આવા બીજા અમુક ઉદાહરણ પણ હજી જોઇશું કે હજી કોણ કોણ આ સારી છોકરી / સ્ત્રીની વ્યાખ્યામાં નથી આવતા અને એની સાથે એ પણ જોઈશું કે સારી છોકરી / સ્ત્રી એટલે કેવી સ્ત્રી/ છોકરી?
ત્યાં સુધી તમે વિચારો કે તમે અને તમારા આજુબાજુ કે તમારી સાથે જોડાયેલ સ્ત્રીઓ કે દીકરીઓ આ સારી છોકરી / સ્ત્રીની વ્યાખ્યામાં બંધ બેસે છે કે નહિ?
TO BE CONTINUED...
- અર્ચના ચૌહાણ








