મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

ગુજરાત ભાજપની હાલત: લડ કાં તો લડનારો દે, કોંગ્રેસમાં જોર નથી તો પોતાની સામે લડવા પોતાનાંને જ ઉભાં કર્યાં!

જુની કહેવતોની મજા જ એ છે કે એ વરસો પછી પણ ગમે તે સિચ્યુએશનો ઉપર ફીટ થઈ જાય છે : આજકાલની ચૂંટણી સિઝનમાં પણ કહે

ગુજરાત ભાજપની હાલત: લડ કાં તો લડનારો દે, કોંગ્રેસમાં જોર નથી તો પોતાની સામે લડવા પોતાનાંને જ ઉભાં કર્યાં!

જુની કહેવતોની મજા જ એ છે કે એ વરસો પછી પણ ગમે તે સિચ્યુએશનો ઉપર ફીટ થઈ જાય છે : આજકાલની ચૂંટણી સિઝનમાં પણ કહેવતોના કેવા કેવા રંગ ખૂલે છે...

મારું તે મારું, ને તારું-મારું સહિયારું 

વિરોધ પક્ષના ગઠબંધનની આ જ હાલત છે, બંગાળમાં મમતા બેનરજી કહે છે કે અહીં એકપણ સીટ નહીં આપું! છતાં બીજાં રાજ્યોમાં સીટો માગે છે : આવું જ આમ આદમી પાર્ટી, એનસીપી, સીપીએમ વગેરે કહી રહ્યા છે... 

લડ, કાં તો લડનારો દે 

આ હાલત ગુજરાત ભાજપમાં છે : સામે ટક્કર આપનારી કોંગ્રેસમાં જોર નથી રહ્યું તો હવે પોતાના જ પક્ષના અમુક જુથોને ઉભાં કર્યાં છે, પોતાની જ સામે લડવા માટે ! બોલો. 

નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન 

આમાં પણ ભાજપ સલવાયું છે! એક બાજુ 'ચારસો પાર' નું ઊંચું નિશાન લઈને મંડ્યા છે, પણ બીજી બાજુ એક નેતાથી બોલવામાં ‘નિશાનચૂક’ થઈ ગઈ એમાં હવે ‘માફી’ નથી મળતી! બોલો, કેવી હાલત છે, નહીં? 

વચનેષુ કિમ દારિદ્રયમ્ 

સદીઓ જુની આ સંસ્કૃત કહેવત તો દર ચૂંટણીએ સાચી સાબિત થાય છે, કે ભઈ, વિચન જ આપવું છે તો એમાં કંજુસાઈ શું કરવી ? જુઓને, રાહુલબાબાએ તો એક જાહેર સભામાં કહી દીધું કે 'એક ઝટકે મેં ગરીબી હરા દેંગે!' હવે આ ઝટકો કોને લાગશે એની તો વાત જ ક્યાં છે ?

ઝાઝા હાથ રળિયામણા 

આ કહેવત ભાજપે બરોબરની પચાવી લીધી છે : દેશને કોંગ્રેસમુક્ત કરવાની નવી ફોર્મ્યુલા એ છે કે 'હાથ'ની નિશાનીવાળા નેતાઓના જ ‘ખેસ-પલટા’ કરાવી નાંખવાના !

ભાગતા ભૂતની ચોટલી ભલી 

બિચારી પ્રજાની આ જ હાલત છે ! આપણને ખબર છે કે નેતાઓ વોટ લઈને પાંચ વરસ માટે ભાગી જ જવાના છે, છતાં જે પંદર દહાડા એમની ચોટલી ઝાલી રાખવા મળે તેની વ્યર્થ કોશિશ કરીએ છીએ. 

- મન્નુ શેખચલ્લી

આ સમાચાર શેર કરો