મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / દિવ્યદ્રષ્ટિ એટલે શું?

- સ્વાંત: સુખાય મારો અનુભવ છે કે કેટલીક વાતો અલગ પરિપ્રેક્ષ્યમાં વિચારવાથી જે વિસ્મય, આનંદ અને રોમહર્ષણનો અનુભવ થાય છે એ નવી ઉર્જા

શતરંગ / દિવ્યદ્રષ્ટિ એટલે શું?

- સ્વાંત: સુખાય

મારો અનુભવ છે કે કેટલીક વાતો અલગ પરિપ્રેક્ષ્યમાં વિચારવાથી જે વિસ્મય, આનંદ અને રોમહર્ષણનો અનુભવ થાય છે એ નવી ઉર્જા પણ આપે છે. વર્ષો પહેલાં શ્રી શિવ ખેરાનું એક પુસ્તક બહુ પ્રખ્યાત થયું હતું જેની ટેગલાઇન હતી: “સફળ માણસો કોઈ અલગ કામ નથી કરતાં હોતા પણ એ જ કામ અલગ રીતે કરતાં હોય છે.” હું આજ વાતને એમ સમજ્યો છું કે સુખી માણસો કોઈ અલગ જિંદગી નથી જીવતા હોતાં પણ અલગ રીતે જીવે છે. સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીએ એક વખત સરસ વાત કરી હતી કે યુવાનો જેમ પોતાને ગમતાં ફિલ્મી નાયકોએ ગાયેલાં ગીતો ગણગણે છે અને આનંદ પામે છે એ જ રીતે યુગનાયક શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતાના શ્લોકો પણ યુવાનો ગણગણવા લાગે તે જરૂરી છે. ત્યારથી ગીતાના શ્લોકો વાંચતી વેળાએ એમ જ વિચાર આવે છે કે ક્યારેક આ જ શબ્દો શ્રી કૃષ્ણના અવાજમાં હવામાં વહેતા થયા હશે. આજે પણ સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણથી દ્વારિકા સુધીના પ્રદેશમાં ઊભા રહી એ વાતે રોમાંચ અનુભવું છે કે આ જ જમીન પર શ્રી કૃષ્ણના પદ ચિન્હો પણ અંકિત થયા હશે, આમ દરેક વાત, વિચાર કે ઘટનાને નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવા કે મૂલવવાથી નવી અર્થછાયાઓ પ્રગટે છે અથવા એનો સાચો અર્થ સમજાય પણ છે.

ચાલો આજે એક વાત આવી કોઈક નવી જ રીતે વિચારીએ. આપણી પાછલી પેઢીઓના જીવન પર નજર નાખીએ તો એક વાત તો આપણે તારવી શકીએ જ કે માનવીની સુખસુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. સવારે બ્રશ કરવાથી શરૂ કરીને રાત્રે એસી ચાલુ કરીને પથારીમાં પડતાં સુધીની દૈનિક જિંદગીમાં સગવડતાઓ સતત વધી રહી છે. આ વાત પર વિચારવલોણું ચાલુ થયું ત્યાં જ ક્યાંક વાંચ્યું કે મનુષ્યની વર્તમાન પેઢી એ માનવજાતના હજારો વર્ષના ઇતિહાસની લગભગ એક લાખમી પેઢી છે. કોઈ એવી દલીલ પણ કરી શકે કે ના આ દોઢ લાખમી પેઢી છે. પણ આપણે એ આંકડાઓની સચ્ચાઈ વિષે કોઈ વિવાદમાં નથી પડવું. પણ એ વિચાર માત્ર રોમાંચિત કરે છે કે આપણે જે જૈવિક પરંપરાના (ડીએનએ) વાહક છીએ એમાં આ હજારો કે લાખો વર્ષની સ્મૃતિઓ સંઘરાયેલી છે. એનો અર્થ એમ કે આપણે આજે જે જીવન વ્યવસ્થામાં અને સુવિધાઓમાં જીવી રહ્યા છીએ એના માટે લાખો વર્ષ સુધી આપણાં અગણિત પૂર્વજોએ, જેમના નામ પણ આપણે નથી જાણતા, એમણે કરેલાં વૈચારિક સંઘર્ષ અને પ્રગતિના ફળો આપણે ચાખી રહ્યા છીએ. એક ક્ષણ માટે વિચાર કરો કે આપણાં જેવા જ ચહેરામોહરા વાળા આપણાં કોઈ પૂર્વજે ક્યારેક ગુફામાં નિવાસ કર્યો હશે કે જંગલી પ્રાણીઓ સામે બાથ ભીડી હશે કે પાંદડા પહેરી જંગલમાં ભટક્યા હશે કે પ્રચંડ ગરમીમાં શેકાયાં હશે કે પ્રાકૃતિક આપત્તિઓની સામે ઝઝૂમ્યાં હશે. પરિવર્તનની આ અનંત પ્રક્રિયાનો હિસ્સો બનેલી માનવજાત ક્યાંથી ક્યાં પહોંચી એ વિચારે જ રોમાંચિત થઈ જવાય છે. કેટલાય લોકોની મથામણ પછી માનવે દાતણ છોડી ટૂથબ્રશ પકડયું હશે. કેટલીય મહિલાઓની આંગળીઓ દાઝયા પછી તાવીથો કે ચીપિયો કોઇકે શોધ્યો હશે એ વાત અત્યારે આ સાધનો વાપરતી વખતે ભૂલવી ન જોઈએ. ક્યારેક કોઈ ટેકરીના ઢોળાવ પર દડદડતો ગોળ પથ્થર વિસ્મયથી જોનાર આદિમાનવથી લઈ ચક્ર સ્વરૂપે પૈડું શોધનાર માણસ સુધીના સૌ આપણાં જ પૂર્વજ હતાં એ વાત આપણાં દ્વિચક્રી કે ચારચક્રી પર બેસતી વખતે સ્મરણમાં રાખવી જોઈએ.

આ વિચારવલોણાંમાંથી જે નવનીત મળ્યું એ પણ ચાલો હવે વહેંચી જ દઉં. આ વિચારોથી પ્રેરાઈ થોડા દિવસથી એક પ્રયોગ કરું છું. સુખસુવિધાના કોઈ પણ સાધનનો ઉપયોગ કરતાં પહેલાં પળવાર માટે એ વસ્તુ આપણાં સુધી પહોંચાડનાર એ સૌ પ્રત્યે આદર વ્યક્ત કરી મનોમન આભાર માનું છું. આ ટેવને કારણે મનોમન હું ઋણમુક્તિનો અનુભવ કરું છું. સાથે સાથે એ ભ્રમણાંનું પણ નિરસન થાય છે કે હું સુખી છું એ માત્ર મારી મહેનતનું પરિણામ છે. મારું જીવન સરળ અને સુવિધાયુક્ત બનાવવામાં વીતી ગયેલી લાખો પેઢીઓનું પણ યોગદાન છે એ સમજણ જ મને અને તમને વધુ સંવેદનસમૃધ્ધ બનાવશે. આમ, દરેક ઘટના, વિચાર કે વ્યક્તિને યથાર્થ સ્વરૂપે જોવાની સમજણ એટલે જ દિવ્ય દ્રષ્ટિ. સૌને આવી દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત હો જેનાથી આ જગત આવનારી પેઢીઓ માટે વધુ રળિયામણું બનાવી શકીએ.

-પ્રણવ ત્રિવેદી

આ સમાચાર શેર કરો