મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સારી સ્ત્રી / છોકરી એટલે શું? – 2

- કાગળ પરના પંખી ટહુકયાં ગયા અઠવાડિયે આપણે સારી સ્ત્રી/છોકરી એટલે શું? એની એક સર્વસામાન્ય વ્યાખ્યા જોઈ જે વર

શતરંગ / સારી સ્ત્રી / છોકરી એટલે શું? – 2

- કાગળ પરના પંખી ટહુકયાં

ગયા અઠવાડિયે આપણે સારી સ્ત્રી/છોકરી એટલે શું? એની એક સર્વસામાન્ય વ્યાખ્યા જોઈ જે વર્ષોથી આપણે એક કે બીજી જગ્યા એ સાંભળી કે જોયું હશે... કે જે ઓછું બોલે, જેની નજર નીચી હોય, રાત્રે બહાર ના જાય, જેના છોકરા / પુરુષ મિત્ર ના હોય, જે હંમેશા ટ્રેડીશનલ કપડાં પહેરે, જે મોટાઓને માન આપે, જે માન મર્યાદામાં રહે એટલે કે માસિક, ગર્ભાશય, સ્તન આ બધી વાતો વડીલો કે મોટાઓ સામે ના કરે. ભલે પછી એને કોઈ શારીરિક તકલીફ જ કેમ ના હોય? જેને ખબર હોય કે ઘરના નિર્ણય હંમેશા મોટાઓ એટલે કે પુરુષો જ લે. જે કેટલું ભણશે, ક્યારે લગ્ન કરશે? કોની સાથે લગ્ન કરશે? ક્યારે બાળકને જન્મ આપશે અને બાળકમાં પણ ફરજીયાત દીકરાને જન્મ આપશે, એ બધું જ સમાજે અને પરિવાર એ નક્કી કર્યું છે એ પ્રમાણે જ વર્તે. ૨૨ સુધીમાં લગ્ન, ૨૫ સુધીમાં પહેલું બાળક, 30 સુધીમાં બીજું બાળક અને ખાસ નોંધ દીકરો તો જોઈએ જ. આ બધા લક્ષણો હોય એ કહેવાય એક સારી સ્ત્રી /છોકરી.

આપણે કહીશું કે ના ના આજનો જમાનો બદલાઈ ગયો છે. હવે સ્ત્રીઓની સ્થિતિ પહેલા જેવી નથી રહી. ‘આજની નારી તો બધા પર ભારી છે’. વાત તો સાચી સ્ત્રીઓ ભણી, વિચારશીલ બની, કમાતી થઇ, પોતે પણ આગળ વધી અને પોતાની સાથે બીજા ને પણ હાથ ખેંચીને આગળ વધારતી ગઈ. આ બધું તો ખરું જ પણ આપણે અહીં વાત કરીએ છીએ કે શું એ બધી સ્ત્રીઓ સારી સ્ત્રી/ છોકરીની શ્રેણીમાં આવે કે નહિ? ગયા અઠવાડિયે થોડા ઉદાહરણ આપણે જોયા હતા અને એક પ્રશ્ન મુકીને પણ હું ગઈ હતી કે તમારી આજુબાજુ કે તમારી સાથે જોડાયેલ સ્ત્રીઓ કે દીકરીઓ આ સારી છોકરી / સ્ત્રીની વ્યાખ્યામાં બંધ બેસે છે કે નહિ એ ચકાસજો...અને હું માનું છુ ત્યાં સુધી બધાને થોડા ઘણાં ઉદાહરણ તો મળ્યા જ હશે પણ ના મળ્યા હોય તો આજે હું બીજા થોડા ઉદાહરણ અહીં મુકીશ સારી સ્ત્રી/ છોકરી ના હોવાના.

કિંજલ ૨૮ વર્ષે પહોચી ગઈ હતી. કોલેજમાં પ્રોફેસર હતી. ઘરના એના માટે સારા મુરતિયાની શોધમાં પણ હતા. પણ કોઈનો અભ્યાસ ઓછો હોય તો કોઈની સાથે વિચારો ના મળતાં હોય પણ કોઈકને કોઈ રીતે કિંજલ ના લગ્ન હજી થઇ શક્યા નહોતા. કોઈ સામાજિક પ્રસંગ હોય કે પારિવારિક મેળાવડો દરેક જગ્યા એ એક જ વાત. “હાય હાય, હજી કિંજલનું સગું નથી થયું?” જે હોય આવીને કિંજલને એક જ વાત સમજાવતું કે, “તારી ઉમરમાં તો અમે બે બાળકોની માઁ બની ગયા હતા. એમ પણ લગનમાં કોઈ દિવસ આપણે વિચારીએ એવી પરફેક્ટ વ્યક્તિ તો ના મળે એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેવાનું. આમ ને આમ બેસી રહેશો તો પછી કોઈ નહિ મળે.” પણ કિંજલ એ વિચાર્યું કે કોઈ નહિ મળે એના ડરથી કોઈ પણ મળે એની સાથે લગ્ન કરી લેવાના? કોઈ પરફેક્ટ ના હોય એ તો બરાબર પણ મન ના મળે તો પણ લગ્ન કરી લેવાના કારણ કે આપણા લગનની ચિંતા આપણા કરતા સમાજને વધારે છે? મારી ડીગ્રી, ભણતર આ બધાનું કોઈ મુખ્ય નથી? હું આર્થિક રીતે સ્વત્રંત છુ, પ્રોફેસર છું પણ એની કોઈ ગણતરી નથી? આવા અનેક પ્રશ્નો કિંજલને ઘેરી વળતા પણ કિંજલ ભૂલી ગઈ કે આવા પ્રશ્નો એને ના થવા જોઈએ. પણ આવા પ્રશ્નો એના મનમાં થયા એટલે કિંજલ સારી છોકરી/સ્ત્રી નથી.

કરૂણા અને પ્રીતેશના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા બંનેને ઘરમાં એક સુંદર દીકરી હતી. આઠ વર્ષની દીકરીના બાપ હોવા છતાંય પ્રીતેશને બીજી વાર પ્રેમ થયો. એણે કહ્યું કે હું કરુણા સાથે અન્યાય નહિ કરું. એણે કરૂણા ને કહ્યું કે, “ હું તારી સાથે પણ રહીશ અને જેને પ્રેમ કરું છુ એની સાથે પણ રહીશ. હું તમને બંનેમાંથી કોઈને નહિ છોડુ.” પણ કરૂણાની અંદર આ સાંભળીને જાણે કંઈક તૂટી ગયું. એણે નક્કી કર્યું કે એ આ રીતે એક વૈકલ્પિક વ્યવસ્થા બનીને નથી રહેવા માંગતી. એણે નક્કી કર્યું કે એ પ્રીતેશથી અલગ થશે અને એની દીકરી ને એકલે હાથે ઉછેરશે. પણ પ્રીતેશ ના માન્યો. એણે કહ્યું કે દીકરી તો મારી પાસે જ રહેશે. અને છેવટે બંને જણ દીકરીની કસ્ટડી માટે કોર્ટ એ ચઢ્યા. લોકો વાતો કરવા લાગ્યા કે, “કરૂણા એ આ ખોટું કર્યું. પ્રીતેશ કહેતો તો હતો કે એ બંનેને સાચવશે તો કરૂણા એ પણ થોડું સમજવું જોઈએ ને. પુરુષ તો તાંબાનો લોટો હોય.. ઘસે ઘસે ઉજળો પણ સ્ત્રીનું જીવન તો સફેદ ચાદર જેવું હોય ડાઘ પડી ગયો એટલે પડી ગયો...એમ પણ છોકરી ની કસ્ટડી રાખીને એ શું કરી લેશે? છોકરી તો થોડા વર્ષો પછી એના ઘરે બારે થઇ જશે પછી કરુણા શું કરશે? પછી એને ખબર પડશે કે એ પ્રીતેશની સાથે રહી હોત તો સારું.” પણ કરૂણા પ્રીતેશની સામે કસ્ટડીનો કેસ લડી પણ ખરી અને જીતી પણ ખરી અને દીકરીની કસ્ટડી એને મળી. કરૂણા એ આ પગલું ભર્યું એટલે કરૂણા સારી સ્ત્રી/ છોકરી નથી.

ચાંદની 50 વર્ષે વિધવા થઇ. દીકરો વિદેશ સેટલ થયો અને દીકરી પણ પરણીને સાસરી ગઈ. અને એવામાં સામેના ફ્લેટમાં રહેવા માટે 58 વર્ષના પરેશભાઈ આવ્યા. પત્ની ગુજરી ગઈ હતી અને એક જ દીકરી હતી એ પરણીને એના સાસરે હતી. બંનેના મન મળ્યા અને બંનેએ નક્કી કર્યું કે લગ્ન કરવા છે અને સમાજ તૂટી પડ્યો કે, “આ તો કોઈ ઉમર છે લગ્ન કરવાની? હવે 50 વર્ષે આને શું સુજ્યું હશે? શરમ આવવી જોઈએ ચાંદની ને.” પરેશ અને ચાંદનીને સમજણ જ નહોતી પડતી કે એ લોકો એ ભૂલ શું કરી છે? સામાજિક રીતે લગ્ન કરવાનો જ તો નિર્ણય લીધો છે તો એમાં શું પાપ કરી નાખ્યું પણ ચાંદની ભૂલી ગઈ કે સમાજના બનાવેલા નીતિ નિયમોની બહર ડગ માંડવું એનાથી મોટું પાપ બીજું કયું? ચાંદની સારી સ્ત્રી/છોકરી નથી.

રીયા ૩૮ વર્ષે પહોચેલી સફળ સી.એ હતી. એની સી.એ. તરીકેની પ્રેક્ટીસ સારી ચાલતી હતી. રીયા એ પહેલા એકવાર પ્રેમ કરેલો પણ નિષ્ફળતા મળી એટલે દુધનો દાઝેલો છાસ પણ ફૂંકીને પીવા લાગ્યો. બહુ બધા છોકરા જોયા પણ ક્યાંય મન ના મળ્યું અને ક્યાંય આંખ ના ઠરી અને અંતે હરિત એનો ગમ્યો. ૨૬ વર્ષનો હરિત એનાથી 12 વર્ષ નાનો હતો. બંને એ નક્કી કર્યું કે બંને લગ્ન કરશે અને શરુ થયું ઘમાસાણ..બધા રીયા પર થું થું કરવા લાગ્યા કે, “કેવી બેશરમ છે પોતાનાથી ૧૨ વર્ષ નાના છોકરા સાથે લગ્ન કરવાનું કહે છે?” કેટલાક એ તો અતિશયોક્તિમાં એમ પણ કહી દીધું કે, “પોતાના છોકરાની ઉમરના છોકરા સાથે લગ્ન કરતા લાજ ના આવી? રીયા ભૂલી ગઈ કે અહીં લગ્ન માટે , પસંદગી માટે. પ્રેમ માટે, જીવન જીવવા માટે, ખુશ રહેવા માટે એક રુલ બુક(નિયમોની પુસ્તિકા) છે. અને એ રુલ બુક સિવાય જો તમે પગલું ભર્યું એટલે તમે ગુનેગાર અને રીયા એ આ ગુનો કરી દીધો હતો પોતાનાથી 12 વર્ષ નાના છોકરા સાથ લગ્ન કરીને. રીયા સારી છોકરી/સ્ત્રી નથી.

આમ આપણે ને આપણો સમાજ જે સારી સ્ત્રી/છોકરી નથી એનાથી ઘેરાયેલો છે. જો કે આમાં ઘણી બધી સારી છોકરીઓ/ સ્ત્રીઓ પણ છે જ જે ક્યારેક પ્રશ્ન નથી પૂછતી. જેના વિચારોમાં પણ પ્રશ્ન ના આવતા હોય. જે પરફેક્ટ દીકરી, પરફેક્ટ બેન, પરફેક્ટ પત્ની, પરફેક્ટમાં પરફેક્ટ કાકી, મામી, ભાભી હોય, જેના માથા પરથી ક્યારેય પલ્લું નીચે ના પડતો હોય અને જેની નજર ક્યારેય ઉંચી ના થતી હોય... જે વળીને જવાબ ના આપતી હોય અને જે સપના ના જોતી હોય... જેને પ્રેમ એટલે શું ખબર ન હોય અને પોતાના મનથી પ્રેમ કરી શકાય એ ખબર ન હોય. જો તમે ઉપરની બધી શરતોને પરિપૂર્ણ કરો છો તો તમે એક સારી સ્ત્રી/છોકરી છો અને નથી તો પછી નથી... હવે વિચારજો કે તમે કઈ શ્રેણીમાં આવો છો? તમે સારી સ્ત્રી/છોકરી છો કે નહિ?

- અર્ચના ચૌહાણ

આ સમાચાર શેર કરો