મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કોઈ કૃષ્ણ તરફ પ્રેમપૂર્વક જાય ત્યારે કૃષ્ણ એને શું આપે?

- ગીતા Talks કૃષ્ણ કહે છે, “તું માત્ર ભજે એનાથી કામ નહીં બને, પણ તારે

શતરંગ / કોઈ કૃષ્ણ તરફ પ્રેમપૂર્વક જાય ત્યારે કૃષ્ણ એને શું આપે?

- ગીતા Talks

કૃષ્ણ કહે છે, “તું માત્ર ભજે એનાથી કામ નહીં બને, પણ તારે બુદ્ધિયોગ પામવો છે, મને પામવો છે એ ભજવામાં, ચિંતનમાં પ્રીતિ તો જોઈશે જ...”

અર્જુન બાળપણમાં ગુરુ દ્રોણના ગુરુકુળમાં હતો ત્યારે રાત્રે અંધારામાં જમતા-જમતા વિચારે છે કે, "અંધારામાં જો કોળીયો મોંમાં જતો હોય તો અભ્યાસથી અંધારામાં તીર કેમ નિશાના પર ન લાગી શકે...?"અને એ અભ્યાસ શરુ કરે છે. અર્જુન ‘ગુડાકેશ’ કહેવાય છે, એણે નિદ્રા પર વિજય મેળવી લીધો હતો. ગુરુ દ્રોણ એને રાતના અંધારે ય પ્રેમપૂર્વક અભ્યાસમાં લાગેલો જુવે છે ત્યારથી અર્જુન એમનો પ્રિય શિષ્ય બની જાય છે, અર્જુન પ્રીતિપૂર્વક સતતયુક્ત રહીને શીખે છે એટલે દ્રોણ અર્જુનને પોતાની પાસે જે કંઈપણ છે એ બધું એને શીખવે છે, બધું જ આપે છે.

ઈશ્વર પણ જ્યારે કોઈ વ્યક્તિ સત્વમાં, ભક્તિમાં કે પોતાના કામમાં આમ પ્રેમપૂર્વક સતત રત જુવે છે ત્યારે ઈશ્વર એ વ્યક્તિને શું આપે છે? ગીતાના દસમાં અધ્યાયના દસમાં શ્લોકમાં કૃષ્ણ આ પ્રશ્નનો જવાબ આપે છે. શ્લોક છે: 

तेषांसततयुक्तानांभजतांप्रीतिपूर्वकम्।
ददामिबुद्धियोगंतंयेनमामुपयान्तिते॥10.10॥

આ શ્લોકનો સરળ ભાવાનુવાદ જોઈએ તો ‘વિભૂતિયોગ’ના આ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કહે છે: "જે સતત મારામાં લિન રહીને મને પ્રીતિપૂર્વક ભજે છે એને હું બુદ્ધિયોગ આપું છું, જેનાથી એ મને પ્રાપ્ત કરે છે."

આ શ્લોકના ત્રણ મહત્વના શબ્દો જેવા કે ૧) સતતયુક્તાનામ...સતતએનામાંલાગેલુંરહેવું, ૨) પ્રીતિપુર્વકમ...પ્રેમપૂર્વકલાગેલુંરહેવું, અને૩) બુદ્ધિયોગ...આ શબ્દોને અને એના ભાવને આપણે ગયા આર્ટિકલમાં વિગતે સમજયાં હતાં, આજે આ શ્લોકને માત્ર ભક્તિના નહીં પણ આપણાં રોજ બેરોજના જીવનના સંદર્ભમાં થોડા ઉદહારણોથી સમજીએ...

ઈશ્વર કે ભક્તિની વાત એકબાજુ રાખીને આ શ્લોકને આજની આપણી લાઈફમાં પ્રેક્ટીકલી જોઈએ તો ય જેને જે કામનું પેશન છે એમાં એ સતત લાગેલો જ રહેતો હોય છે. કોઈ સાયન્ટીસ્ટ લેબમાં કે એના ડેસ્ક પર હોય ત્યારે જ કામ કરતો હોય છે એવું નથી હોતું...એ હાલતા-ચાલતા-નહાતા-ડ્રાઈવ કરતા ય માઈન્ડથી-વિચારોથી એના કામમાં જ યુક્ત રહેતો છે. આર્કિમીડીઝે એક મહત્વનો સિધ્ધાંત પબ્લિક બાથરૂમમાં બાથટબમાં નહાતા-નહાતા શોધી કાઢેલો. નહાતા એ સિદ્ધાંત સુજ્યો તો આર્કિમીડીઝ ખુશીમાં એમ જ નિવસ્ત્ર બહાર આવીને 'યુરેકા...યુરેકા.." એમ બુમો પાડવા લાગ્યા. દરેક માણસ જે પોતાના કામને કે પેશનને પ્રેમ કરે છે એમાં કામ સિવાયના સમયમાં મનમાં એક ખૂણે તો એમાં સતતયુક્તાનામ જ હોય છે. 

કોઈપણ રાઈટર લખતો હોય ત્યારે જ કામ કરે છે એવું નથી, કોઈ પ્રોફેસર ભણાવે છે ત્યારે જ કામ કરે છે એવું નથી. એવી જ રીતે સ્ટુડન્ટ પણ એના અભ્યાસને પ્રેમ કરતો હશે ત્યારે એ માત્ર ટેક્સ્ટબુક વાંચે છે ત્યારે જ ભણે છે એવું નથી હોતું...એ કંઈપણ કરતા સતત ભણતો હોય છે. અને એમ હોય ત્યારે એ વ્યક્તિ બીજા બધા કરતા એના કામમાં કૈક જુદો બુદ્ધિયોગ મેળવે છે. ‘થ્રી ઈડિયટ’નો પેલો રેંચો યાદ છે 'ઓલ ઈઝ વેલ' સોંગ ગાતા ગાતા અચાનક એના મનમાં પેલા ડ્રોનનું સોલ્યુશન સુઝે છે, એ દોડીને એ પ્રોજેક્ટને ફાઈનલ ટચ આપે છે. એ સોંગ ગાતા-મસ્તી કરતા પણ રેંચો એના કામમાં રત રહી શકે છે, કેમ કે એ કામને પ્રેમ કરે છે. આ જ પ્રીતીપુર્વકમ...!

મને બહુ ગમી એ આ શ્લોકની એ વાત છે કે કૃષ્ણ કહે છે તું માત્ર ભજે એનાથી કામ નહીં બને, પણ તારે બુદ્ધિયોગ પામવો છે, મને પામવો છે એ ભજવામાં, ચિંતનમાં પ્રીતિ તો જોઈશે જ... બાકી તો ઈશ્વરની કઠોરમાં કઠોર આરાધના તો દાનવોએ પણ કરી છે. પુરાણોમાં ઢગલો દાખલાઓ છે જેમાં દાનવોએ આકરી તપશ્વર્યા કરી છે. પણ એ તપ કરીને એમણે જે વરદાન માંગ્યા છે એ જ બતાવે છે કે એમનું ભજવું પ્રીતિપૂર્વક નહોતું. હરિણક્ષિપુ આકરૂ તપ કરીને કેવુ માંગે છે કે, “દિવસે ન મરું રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માનવથી ન મરું, પ્રાણીથી ન મરું...” હવે ગમે તેવું  સતતયુક્ત રહીને તપ કર્યું હોય પણ એના ફળરૂપે વ્યક્તિ આવું માંગે એ જ બતાવે કે ઈશ્વર માટે એ તપમાં પ્રીતિ નહોતી...બાકી તો આવું માંગે જ નહીં. 

ગીતા વિચાર: 

બીજી બાજુ એ જ હરિણક્ષીપુનો દીકરો પ્રહલાદ એણે તો એવું કઠોર તપ ય નથી કર્યું...એ તો સરળ રીતે વિષ્ણુને આરાધે છે, પણ એની આરાધનામાં પ્રેમ છે. તો એ ઈશ્વરને પામે છે. ખાસ એના માટે વિષ્ણુએ નરસિંહ બનીને આવવું પડે છે.  ભગવાન નરસિંહ હરિણક્ષીપુનો વધ કરે પછી પ્રહલાદને માંગવા કહે છે ત્યારે નાનકડો બાળક શુ માંગે છે કે, “મને સંસારમાં રહીને ય કોઈ કામના જ ના થાઓ.”

- મિલી મેર

આ સમાચાર શેર કરો