મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હિન્દી ફિલ્મજગતના અજબગજબ કિસ્સાઓ...

- છલકાયે જામ અમિતાભ બચ્ચન જ્યારે પોતાની કારકિર્દીમાં સુપરસ્ટાર બની અને ટોચ પર હતા ત્યારે એક મધરાત્રે શૂટિ

શતરંગ / હિન્દી ફિલ્મજગતના અજબગજબ કિસ્સાઓ...

- છલકાયે જામ

અમિતાભ બચ્ચન જ્યારે પોતાની કારકિર્દીમાં સુપરસ્ટાર બની અને ટોચ પર હતા ત્યારે એક મધરાત્રે શૂટિંગ પછી ઘરે આવ્યા ત્યારે એમણે પોતાના ઘર સામેના મેદાનમાં ઉભેલી એક બસમાં આગ જોઈ, આગ જોઈને તરત ઘરે જઈને ફાયરવિભાગમાં ફોન કર્યો અને બંબાઓ આવી ગયા, બસ બચી ગઈ!

એ બસના માલિક હેમુભાઈએ જ્યારે જાણ્યું કે અમિતાભ બચ્ચને ફોન કરીને મધરાત્રે એમની બસ બચાવેલી એટલે તેઓ અમિતાભ બચ્ચનને મળવા એમના ઘરે ગયા અને આભાર માન્યો. એ ઉપરાંત અમિતાભ પાસેથી પ્રોમિસ લીધું કે તેઓ જ્યારે નવી બસ ખરીદશે ત્યારે એ બસનું ઉદ્દઘાટન અમિતાભ એમના હાથે કરશે, અમિતાભ કબૂલ થયા અને ખરેખર હેમુભાઈએ નવી બસ ખરીદી ત્યારે બસને હાર પહેરાવીને ખુદ અમિતાભ એ બસ ચલાવીને ઉદ્દઘાટન કર્યું હેમુભાઈના પરિવારની હાજરીમાં રાત્રે બે વાગ્યે!

*****

તાજેતરમાં ગુજરી ગયેલા વોઇસ ઓફ મુકેશ કહેવાતા ગાયક કમલેશ અવસ્થિ જ્યારે સ્ટેજ કાર્યક્રમો કરતા ત્યારે એમની સંગીત ટીમના એક વાદકની નાનકડી દીકરી ગંભીર બીમારીમાં ફસાઈ ગઈ અને એ બીમારી દૂર કરવા માટે કરવા પડેલા ઓપરેશનમાં 11લાખ રૂપિયા ચેકથી કલાકાર અજય દેવગણે ચૂકવેલા, ફક્ત એક કલાકારની મદદ કરવા, કોઈ ઓળખાણ પણ નહીં હોવા છતાંય!

*****

ભાવનગરની દિવ્યાંગ બાળકોની સ્કૂલના શિક્ષક નેહલ ગઢવી જ્યારે દિવ્યાંગ બાળકોને મુંબઈ ફરવા લઈ ગયેલા ત્યારે શાહરૂખ ખાનના ઘરની સામે ઊભા રહીને બાળકોને ઘર બતાવતા હતા એ શાહરૂખ ખાને પોતાના ઘરમાંથી જોયું એટલે ચોકીદાર ને મોકલીને બધા બાળકોને ઘરની અંદર બોલાવ્યા, રમાડ્યા, ગિફ્ટ આપી, ખુદ શાહરૂખ બાળકો સાથે રમ્યો!

*****

જ્યારે આર.ડી.બર્મનને નસીરહુસેનની ફિલ્મ ‘તીસરી મંઝિલ’માં સંગીત આપવું હતું ત્યારે આર.ડી એ નાસિરહુસેન પાસે રજુઆત કરી અને નાસિરહુસેન એ કહ્યું કે હીરો શમ્મીકપૂર માની જાય તો તમે સંગીત આપજો, બાકી શમ્મીના કહેવાથી જ સંગીતકાર શંકર જયકીશનને રાખવાના છે! એ સાંભળી આર.ડી સીધા શંકર જયકીશન પાસે પહોંચ્યા અને પોતાની મુલાકાત શમ્મીકપૂર સાથે કરાવવા અને એમની બનાવેલી ધુનો શમ્મીકપૂર ને સંભળાવવા માટે વિનંતી કરી અને આર.ડીની મુલાકાત શમ્મીકપૂર સાથે શંકર જયકીશને કરાવી દીધી અને આર.ડી.બર્મનને ‘તીસરી મંઝિલ’ ફિલ્મનું સુપરહિટ સંગીત આપવાની તક મળી ગઈ!

*****

પ્યારેલાલ શ્રીવાસ્તવ મૂળ નામ અને મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા, મુંબઈ હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો પી.એલ.સંતોષી નામથી અને જબરદસ્ત સફળતા મેળવી પચાસથી સાઈઠના દાયકામાં. ડિરેકટર, લેખક, ગીતકાર અને પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. શહનાઈ, હમ એક હૈ, હમ પંછી એક ડાલ કે, ઓપેરા હાઉસ, સરગમ, દિલ હી તો હૈ જેવી અનેક ફિલ્મો બનાવી અને એમનું લખેલું એક ગીત આજે પણ જાહેરાતમાં આવે છે, ‘મેરી જાન આના સન્ડે કે સન્ડે..’

એ વખતમાં હિન્દી ફિલ્મજગતમાં સૌથી વધારે પૈસાદાર અને સફળ લોકોમાંના એક આ પી.એલ.સંતોષી હતા. હાસ્ય કલાકાર મહેમુદ આ પી.એલ.સંતોષીના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા! આગળ જતાં મહેમુદના સિતારા ચમકી ઉઠ્યા અને પી.એલ.સંતોષી ફેંકાઈ ગયા અને કમાયેલા બધા પૈસા પણ ખલાસ થઈ ગયા ત્યારે હિન્દી ફિલ્મોમાં હીરો કરતા વધારે ફી વસુલતા હાસ્ય કલાકાર મહેમુદે પોતાના સ્ટાફમાં પી.એલ.સંતોષીને રમૂજી પ્રસંગો અને જોક્સ લખવા માટે નોકરી આપી!આજે આ પી.એલ.સંતોષીના દીકરા રાજકુમાર સંતોષીનું હિન્દી ફિલ્મ ડિરેકટર તરીકે મોટું નામ છે.   

હિન્દી ફિલ્મજગતમાં આવા તો અઢળક કિસ્સાઓ અને પ્રસંગો ઇતિહાસની ગર્તામાં પડેલા છે.

- હકીમ રંગવાલા

આ સમાચાર શેર કરો