મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નિકલ પડેંગે કે કર ઝોલા, ગપગોળા ને બરફ ગોલા!

- વટથી, હકથી ને હુકમથી ગયા અઠવાડિયે આપણે અમદાવાદ કે એની જેવા બીજા શહેરોમાં ગોલ

શતરંગ / નિકલ પડેંગે કે કર ઝોલા, ગપગોળા ને બરફ ગોલા!

- વટથી, હકથી ને હુકમથી

ગયા અઠવાડિયે આપણે અમદાવાદ કે એની જેવા બીજા શહેરોમાં ગોલાને બરફ કહેવામાં આવે છે એ જ્ઞાન મેળવ્યું, ત્યારબાદ એને બરફ શા માટે કહેવામાં આવે છે એ જ્ઞાન પણ મેળવ્યું, હવેથી આપણે એને બરફ જ કહીશું એ પણ સ્વીકાર્યું ને બીજા લોકો પણ એને બરફ જ કહેતા રહે એ પ્રયત્ન આજના લેખમાં કરીશું? કેવી રીતે? બરફ અને ગોલાનો ભેદ સમજાવીને.   ભેદ ભાંગવા ભરમ નહિ, કાંડ કરવા કરમ નહિ!!   આવા નવા નિયમો, રત્નકણિકા, પંક્તિઓ, કુછાંદસ, કહેવતો વગેરે વગેરે તમને મળતા રહેશે જેથી ભવિષ્યમાં તમે તમારા બાળકોના બાળકોને આવી અમૂલ્ય વાતો વિશે મારા નામ સહિત જણાવી શકો. અને બાળકોને બરફ તથા ગોલા વચ્ચેની પાતળી નહિ જાડી-પાડી ભેદરેખા ભેદઅમિતાભ ને ભેદજયા પણ શીખવજો.   શું છે ને કે રાજા મહારાજના જમાનામાં ગોલા નામની આઇટમનું અસ્તિત્વ નહોતું, બાકી લોકોએ હીરા મોતી વાળા ગોલા પણ સ્વીકાર્યા હોત!! રામ જાણે કોણે એવું મનમાં ઠસાવી દીધું છે કે સળી વાળો કે પ્લેન ચાસણી નાંખેલો હોય એને ગોલો કહેવાય ને જો કોઈ ટોપિંગ એડ કર્યા હોય તો એને રજવાડી ગોલો કહેવાય. ઠીક છે એને રજવાડી ગોલો નહિ ભાઈ કવિશ્રી મધુસૂદન પટેલનું આખું રજવાડું કહેવાય એ તમને નહિ સમજાય ને સમજાવવાનો મૂડ પણ નથી. ગોલા સાદા હોય કે રજવાડી એ તો પછીની વાત છે, પહેલી વાત એ છે કે એ ગોલા છે નહિ કે બરફ.   ખુદ ગોલા પરિવારે આ જાહેર કર્યું છે કે હમ ઉન મેં સે નહિ હૈ, હમે ઉનકે સાથ મત ધકેલિયે. હમ ગોલા પરિવાર સે હૈ, બરફ વાલો મેં સે નહિ!! જેઓ બરફ બનાવે છે, વેંચે છે એમને બરફ છીણવામાં પણ સમય જોઈએ છે ને પછી એક મોલ્ડમાં એને નાંખીને બરફને આકાર આપવામાં પણ! આમાં ગોલા ક્યાંથી ગઠબંધન કરે આમની જોડે. પપ્પુ પાસ થાય પણ બરફ કાશ ગોલા થાય એવું શક્ય જ નથી.   ગોલા કોને કહેવાય? એ ને હિમાલયના શિખર પર બિરાજમાન મહાકાલ હોય ને એની માથે રહેલી ગંગાની ધારથી ભરેલા માટલાંના પાણીને જમાવીને જે બરફ બન્યો હોય ને સ્વર્ગની અપ્સરા કરતાં ય ધોળું ધોળું એનું છીણ કરવામાં આવે આહા. પૂર્ણ વિરામ લેવા માટે આહા મૂક્યું છે બાકી તો અસ્ખલિત વર્ણન થાય ગોલાનું પણ પછી તમારા બધાના મોઢામાં પાણી કે થૂંક આવે ને એ મોબાઈલમાં પડે તો ગંધારું લાગે ને જીવનમાં અંધારું એટલે સીટ(બસની)ની જેમ વાક્ય કાપ્યું. એ રૂપાળા રૂપાળા બરફના ભુક્કા પર કોઈ માશૂકાના ગાલ પર પડતાં શેરડા જેવી મધમીઠી શરબત કે ચાસણીની ધાર હોય ને મેઘધનુષ્ય પણ ઝાંખું પડે એવા એના રંગ હોય ઓહો. હા ઉપર વાળું પૂર્ણવિરામ વાળું વાક્ય પાછું અહીં વાંચી લેવું. બરફ, છીણ અને પછી એમાં ભળતી ચાસણી જાણે લશ્કરમાંથી મહિનાઓ બાદ આવતા પતિ અને એને પોતાનું સર્વસ્વ સોંપતી પત્નીના મિલન જેવું ન ભાસે તો તમતમારે થાય ઈ કરી લેવું બાપ!!   હજુ તો આ મિલન અર્ધપૂર્ણ અવસ્થામાં હોય ને ત્યાં બનેન્ના સહિયારા ઉત્પાદનથી જે ડ્રાયફ્રુટ નામના બાળ જન્મે કે ટુટીફુટી (અમે ટુટીફુટી જ કહીએ, તમે જે કહો તે) નામની ઢીંગલી ઉપરવાળો આપે એમ ગોલા વાળો/વાળી નાંખે ને પછી થોડો સુખરૂપી માવો કે ખુશી સ્વરૂપ કોપરાનું છીણ કે વિદેશી વ્હાલ જેવી ચોકલેટ કે ચોકલેટ ચિપ્સ ને પછી જિંદગીમાં રહેલા સગ્ગા વ્હાલાઓ માફક વધારાની વસ્તુઓ પડે ને જે વાનગી નહિ પણ આખો પર્વત તૈયાર થાય એને ગોલા કહેવાય બાપ, ગોલા કહેવાય.    છોરું કછોરું થાય પણ ગોલા કગોલા ન થાય. એને બરફ નામની વાનગીની છાંટ પણ ન જોઈએ જીવનમાં. પાણી પહેલા પાળ બંધાય, બરફને ગોલો કહે તો ગાળ ય ગંધાય. કપાળ જોઈને ચાંદલો કરાય, ગોલા ન ખાય એને માંદલો કરાય. કીધે કુંભાર ગધેડે ન ચડે એમ સીવે જો સુથાર તો કંઈ ગોલો ન જડે!! જાગ્યા ત્યાંથી સવાર, ગોલા ન ખાધા એ ગંવાર. કાજિયાનું મોં કાળું, ઊઠીને ગોલાનું મોં ભાળું. લાલો લાભ વિના ન લોટે, ગોલા વગર જીવ ન ચોંટે.   બરફ નહિ, ગોલા ખાવ; વટથી, હકથી ને હુકમથી..   - સ્નેહલ તન્ના  

આ સમાચાર શેર કરો