લેખમાળા / એ સપનું અમે સાથે જોયું હતું
પોતાનું મકાન લેવાનું સપનું મેં અને રાજુએ સાથે જોયું હતું. અમારા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનું અને સારું જીવન આપવાનું સપનું અમે જોય

પોતાનું મકાન લેવાનું સપનું મેં અને રાજુએ સાથે જોયું હતું. અમારા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનું અને સારું જીવન આપવાનું સપનું અમે જોયું હતું ...
'લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ પુટ યોર હેન્ડ ટુગેધર ફોર ઉમા તાઈ. આપણા શહેરની, આપણા સમાજની એક એવી વોરિયર લેડી જેણે સ્થિતિ સામે, પરિસ્થિતિ સામે, સમાજ સામે સંઘર્ષ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી. પોતાના બંને સંતાનોને અભ્યાસ કરાવ્યો અને એક એવી એનજીઓની શરૂઆત કરી જે તરછોડાયેલી અને એકલવાયી સ્ત્રીઓનો આધાર બનવાનું કામ કરે છે. વી આર વોરિયર સંસ્થાના સ્થાપક અને છેલ્લાં વીસ વર્ષમાં ૩૦,૦૦૦થી વધારે મહિલાઓને પગભર થવામાં મદદ કરનારા ઉમા તાઈને આજે સમાજ ગૌરવ પુસ્કારથી સન્માનવામાં આવે છે.' - એન્કરની જાહેરાત સાથે જ અમદાવાદના ટાગોરહોલમાં ભેગી થયેલી માનવમેદનીએ તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. ઉમા તાઈ આગલી હરોળમાંથી ઊભા થઈને સ્ટેજ ઉપર આવ્યા અને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ લઈને પોતાની વાત રજૂ કરવા માટે પોડિયમ સુધી પહોંચ્યા ત્યાં સુધી સતત તાળીઓ ગુંજતી રહી.
'સમાજે આખરે મને સમજી ખરી. સમજ આવી ત્યારથી સમાજે અળગી રાખી હતી અને હવે ત્રણ દાયકા બાદ મારો સમાજ એટલો પુખ્ત થઈ ગયો કે એક પછાત જાતિની અબળાને આજે પોતાનું ગૌરવ માનવા લાગ્યો છે.' - ઉમા તાઈએ ચાબખાં માર્યા અને ફરી એક વખત સમગ્ર હોલ તાળીઓથી ગુંજવા લાગ્યો.
'રાજુ તને શું લાગે છે, આપણે ભાગી જઈશું તો તારું માવતર આપણને હારે રેવા દેશે...' - કાંકરિયાની પાળે બેઠેલા અને પાંચ રૂપિયાની ખારી સિંગની જયાફત ઉડાવતા બે યુવા પ્રેમી યુગલ વચ્ચે વાતની શરૂઆત થઈ.
'જો ઉમલી... તારા માવતરે તો લગનની ના પાડી દીધી છે. હવે મારું માવતર ના પાડશે તો આપણે ભાગીને લગન કરીશું જ અને અલગથી સંસાર માંડશું... તું ચિંતા ના કર. આ તારો રાજુ છેલ્લા શ્વાસ સુધી તારી હારે જ રેશે.' - રાજુએ રજનિકાંતની જેમ ઉંચે સિંગ ઉડાડીને મોઢામાં નાખી અને ઉમલીના ગાલ ઉપર પ્રેમથી ચૂટલો ખણ્યો.
'રાજુ. માવતર રાખે કે નો રાખે પણ તું મારી હારે રેજે. આપણે હારે રેસુ તો આખો ભવ પાર થઈ જશે... તારી ઉમલી પણ છેલ્લા શ્વાસ સુધી રાજુની પડખે રેશે.' - ઉમલીએ રાજુનો હાથ દાબતા કહ્યું.
રાજુ અને ઉમલી અલક-મલકની વાતો કરતા કરતા અને પ્રેમના સપનાં જોતા જોતાં રાતે છૂટા પડયા. બીજા દિવસે તો બંનેનો પરિવાર લાકડીઓ, તલવારો ને પથરાં લઈને સામસામે આવી ગયો. બંનેએ ઘરમાં લગનની વાત કરી હતી અને એનો જ ડખો થયો. પરિવારનો વિરોધ અને હિંસા જોઈને બંને એ જ રાતે નાસી ગયા.
બે મહિના પછી રાયપુર દરવાજા પાસે આવેલી ચાલીમાં બંનેએ ભાડે મકાન રાખ્યું. રાજુ વ્યાજે પૈસા લઈને રિક્ષા લઈ આયો અને ઉમલીએ આસપાસ પોળમાં ઘરકામ કરવા જવાનું શરૂ કર્યું. બંનેએ સંઘર્ષ સાથે સંસાર શરૂ કર્યો. રાજુએ ખૂબ મહેનત કરી અને રીક્ષાનું બધું જ દેવું પૂરું કરી દીધું. ઉમલીએ પણ ઘરઘાટી તરીકે કામ કરીને જે રકમ ભેગી કરી હતી તેમાંથી ચાલીમાં જ એક ખોલી ખરીદી લીધી. બંને હવે સ્વતંત્ર રીતે રહેતા હતા. કોઈ તેમને ઘરમાંથી કાઢી મૂકે અથવા તો ધંધામાંથી હાંકી કાઢે તેવું નોતું.
બંનેનો સુખી સંસાર સરસ જતો હતો. પાંચ વર્ષના લગ્નજીવનમાં બંનેના ઘરમાં દીકરો અને દીકરીનો જન્મ થયો હતો. ચારેય માણસ ખુશ રેતા તા ત્યાં જ ઈશ્વરની નિયતીએ પાનું ફેરવ્યું. રાજુને કમળો થયો અને તેમાંથી કમળી થઈ ગઈ. તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પંદર દિવસ સારવાર ચાલી પણ અંતે રાજુએ દેહ છોડી દીધો. ઉમલીનો રાજુ પાંચ જ વર્ષના લગ્ન જીવન બાદ તેને મૂકીને કાયમ માટે ચાલ્યો ગયો. ઉમલી ઉપર તો આભ તૂટી પડયું. સાસરીયા મેણા મારવા લાગ્યા કે મારા છોકરાનો જીવ લીધો. બીજી તરફ પિયરિયા રાખવા કે બોલાવવા તૈયાર નહોતા કારણ કે તેમની મરજી વિરુદ્ધ બીજી જાતમાં લગન કર્યા હતા.
મહિનો તો ક્યાંય પસાર થઈ ગયો. ઘરકામ કરતી હતી ત્યાં જવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી. એટલી રકમથી છોકરા ભણાવવા અને ઘર ચલાવવું શક્ય નહોતું. ઉમલીએ આખરે હિંમત કરી અને છેલ્લાં બે મહિનાથી ચાલીના ખૂણામાં પડેલી રીક્ષા સાફ કરી અને જાતે જ રીક્ષા ચલાવવાનું શરૂ કરવાનું નક્કી કર્યું. રાજુના એક મિત્ર સંતોષને બોલાવ્યો અને પોતાને રીક્ષા ચલાવતા શિખવવાનું કહ્યું.
સંતોષે દર રવિવારે ઉમલીને રીક્ષા ચલાવવાનું શીખવવાનું શરૂ કરી દીધું. બે મહિનાની મહેનત પછી ઉમલી રીક્ષા ચલાવવા લાગી. બીજા ચાર મહિનાની મહેનત ભેગી કરીએ તો તેણે છ મહિનામાં તો લાઈસન્સ પણ મેળવી લીધું અને અમદાવાદની જાણીતી રીક્ષાવાળી બની ગઈ. ગીતામંદિર, કાલુપુર, મણિનગર જેવા મોકાના સ્થળોએ મોડી રાતે અને વહેલી સવારે મહિલા પેસેન્જરો માટે આવનજાવનનું સુરક્ષિત સાધન એટલે ઉમલી રીક્ષાવાળી.
ઉમલીએ મહેનત કરીને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા તેમને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મુક્યા. તે દિવસરાત રીક્ષા ચલાવતી અને રવિવારે રજા રાખતી. દર્દીઓ, સગર્ભાઓ માટે ઉમલીની રીક્ષા કાયમ હાજર અને ફ્રી રહેતી હતી. ઉમલી ધીમે ધીમે સમગ્ર અમદાવાદમાં જાણીતી થવા લાગી. દૂર દૂર સુધી તેને વર્ધી મળતી હતી અને મહિલાઓ સાથે તેની દોસ્તી થવા લાગી હતી.
એક સાંજે ઉમલી પોતાના ચાલીના મકાનની બહાર ખાટલા પર બેઠી બેઠી ચા પીતી હતી ત્યાં ચાર યુવતીઓ આવી. તેમણે પોતાની સ્થિતિ વિશે વાત કરી. ઉમલીને પોતાનું બે વર્ષ પહેલાંનું જીવન યાદ આવી ગયું. ચારેય નાની ઉંમરે વિધવા થયેલી હતી. ઉમલીએ તેમાંથી બે યુવતીઓને ઘરઘાટી તરીકે નોકરી અપાવી અને બાકીની બે છોકરીઓને રીક્ષા શીખવવાનું શરૂ કર્યું. ઉમલીએ બે વર્ષમાં પૈસા ભેગા કરીને પોતાની ખોલી મોટી કરી દીધી હતી. તેણે બાજુની ખોલીમાં ચારેય મહિલાઓને સસ્તા ભાડે રહેવાની વ્યવસ્થા કરી દીધી.
ઉમલીમાં પોતાની જેવી દુખીયારી મહિલાઓ માટે સેવાભાવ જાગ્યો અને તેણે બીડું ઝડપી લીધું. નાત-જાત, ઉંચનીચ, બધું જ નેવે મૂકીને સમાજથી પીડાતી મહિલાઓને ઠેકાણે પાડવાનું અને તેમને સાચો રસ્તો બતાવવાનું કામ શરૂ કરી દીધું. ઉમલીની દીકરી પણ માતાની સેવામાં મદદ કરતી. તેણે ઉમલીને એક સંસ્થા શરૂ કરાવી અને તેને વી આર વોરિયર નામથી રજિસ્ટર કરાવી.
ઉમલીની રીક્ષા અને સમાજ સેવા સમગ્ર શહેરમાં પૂરપાટ ચાલવા લાગ્યા. રીક્ષા તો દૂર જઈ શકતી નહોતી પણ તેની સેવાની સફર ગુજરાતભરમાં ફેલાતી ગઈ. ગુજરાતભરમાંથી તરછોડાયેલી, વિધવા થયેલી કે પછી પતિથી છૂટી પડી ગયેલી ગરીબ અને ઓછું ભણેલી મહિલાઓ તેની પાસે આવતી ગઈ અને તે દરેકને કામ શીખવા મોકલતી અથવા તો દિશા ચિંધતી રહી. સમય પસાર થતો હતો અને ઉમલીની પાસે પાંચ હજારથી વધારે મહિલાઓ ધરાવતી સંસ્થા થઈ ગઈ હતી.
ઉમલીએ ધીમે ધીમે રીક્ષા ચલાવવાનું ઓછું કરી દીધું પણ જે કમાણી કરી હતી તેનાથી એક મકાન બનાવ્યું અને તેનો ઉપરનો માળ સંસ્થાની ઓફિસ અને નીચે પોતાનું ઘર તેવા બે ભાગ પાડી દીધા. ધીમે ધીમે આખું મકાન સંસ્થા બની ગઈ અને ઉમલી કાંકરિયાની જ એક પોશ સોસાયટીમાં રહેવા જતી રહી. હવે તે ઉમલી નહીં પણ વીસ હજાર દીકરીઓ, બહેનોની ઉમા તાઈ હતી. સમાજ માટે પણ હવે તે ઉર્મિલા બેન બની ગઈ હતી. ઉમા તાઈ તો આ દીકરીઓ અને બહેનોએ આપેલું એક ઉપનામ હતું બાકી આજે પણ ઉમા તાઈ તો એ જ ઉમલી છે જે પોતાના રાજુને મનમાં ધબકતો રાખીને સમાજ માટે જીવે છે.
'ખરેખર કોઈ સ્ત્રીનું સન્માન કરવું હોય તો દીકરીને હિંમતવાન બનાવજો. તેને સાહસ કરતા શીખવજો. તેને સાહસ કર્યા બાદ તેના પરિણામને સ્વીકારતા શીખવજો. તમારા પરિવારની દીકરી કોઈ ભુલ કરે તો તેને માફ કરતા પણ શીખજો. સમાજ ૩૬૪ દિવસ સ્ત્રીની સામે આંગળીઓ ચિંધે છે અને એક દિવસ માટે તેને સન્માનવાના, નારાયણી ગણાવવાના અને બીજા કેટકેટલા નામ અને કહેવા ખાતર આકાશે બેસાડવાના દંભ કરે છે. આ દંભ છોડવા પડશે. સમાજ બગડયો છે તો તેના માટે કારણભૂત સમાજ પોતે જ છે અને સમાજ સુધરશે તો તેના માટે પણ સમાજે જ કારણભૂત બનવું પડશે. ઉમાતાઈ પોતાની પીડાને જોઈને આગળ વધી એટલે બીજાની પીડા સમજી શકી અને અનાથ દીકરીઓની માતા બની. બાકી ઉમલીને તો આજે પણ તેનો પરિવાર સ્વીકારતો નથી અને કદાચ સ્વીકારશે નહીં.
પોતાનું મકાન લેવાનું સપનું મેં અને રાજુએ સાથે જોયું હતું. અમારા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનું અને સારું જીવન આપવાનું સપનું અમે જોયું હતું તો મેં પૂરું કર્યું અને સમાજની હજારો ઉમલીઓને આ સપનું જોતા અને તેને પૂરું કરતાં પણ શીખવ્યું. સ્ત્રી જાતે જ પોતાનું ગૌરવ જાળવીને પોતાના માટે કંઈક કરતી થશે ત્યારે તેને પોતાની જાત માટે આપોઆપ ગૌરવ અનુભવાશે અને સમાજના દંભી સન્માનોની જરૂર નહીં રહે. સરકારે મારી સેવાને બિરદાવી તે મારા માટે ખૂબ જ ઉત્તમ ક્ષણ છે પણ આ સમાજે તો સ્વાર્થ માટે જ ઉમલીને ઉમા તાઈ બનાવી છે તે મને આજીવન યાદ રહેશે.' - ઉમાતાઈએ પ્રવચન પૂરું કર્યું અને સમગ્ર હોલમાં ફરી વખત તાળીઓ ગુંજતી રહી.








