મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નરેન્દ્ર મોદી 2024: હમે તો અપનોને લૂંટા!!

- જોગીજ્ઞાન આજે યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ભાજપમાંથી એક જ અવાજ આવી રહ્યો છે- ગદ્દાર, ગદ્દાર અને

શતરંગ / નરેન્દ્ર મોદી 2024: હમે તો અપનોને લૂંટા!!

- જોગીજ્ઞાન 

આજે યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ભાજપમાંથી એક જ અવાજ આવી રહ્યો છે- ગદ્દાર, ગદ્દાર અને ગદ્દાર... ભાજપના લગભગ બધા જ નેતાઓ એકબીજાને આ વિશિષ્ટ શબ્દ પ્રયોગથી નવાજી રહ્યા છે.  યુપીમાં ભાજપ 33 સીટો પર આવી ગયું છે, જ્યાં 80માંથી 75 જીતવાના સપના જોવાતા હતા. સમાજવાદી અખિલેશ રેકોર્ડબ્રેક 37 સીટો જીતી ગયા છે. કોંગ્રેસ 6.. યુપી તો હિંદુત્વનું એપિસેન્ટર ગણાય છેલ્લા દસકાથી. એટલે અને ખાસ તો અયોધ્યાની સીટ પર પણ હાર્યા પછી મોદી શાહે એક તપાસ કમિટી બનાવી, જેમાં હારના કારણોનું મનોમંથન કરવાનું હતું. પણ મનોમંથનને બદલે તડાફડીઓ થઈ.

હારના કારણોમાં સીધો આરોપ યોગી આદિત્ય નાથ પર નાખી દેવામાં આવ્યો. કે, સંગઠન એક જ માણસના જોરે ચાલતું હતું. હિંદુ મુસ્લિમ પોલરાઈશન હદ વટાવી ગયેલું. બુલડોઝરે માઝા મૂકી દીધેલી. દલિતો અને મહા દલિતોને કિનારે કરીને હિંદુત્વને બદલે સવર્ણોની એક ચોક્કસ જ્ઞાતિને જ મહત્વ આપવામાં આવેલું. સામાન્ય કોન્ટ્રાક્ટ બેઝ સરકારી નોકરીમાં ભરતીથી માંડીને યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને વાઇસ ચાન્સસેલરોની પોસ્ટ સુધી...

તો સામેં યોગીજીએ પણ અમિત શાહના એક ખાસ અધિકારીને પોતાની તરફ લઈને રાતોરાત એને સીએમઓમાં ગોઠવી દીધો. પછી તો જંગ ઔર જામ્યો. રાજભર કે અનુપ્રિયા પટેલ કે સંજય નિષાધ જેવા મોદી શાહના ખાસ નેતાઓએ યોગી પર ખુલ્લેઆમ આરોપ મુક્યા. પણ યોગીજીએ પણ સ્પષ્ટ મેસેજ આપી દીધો કે, મને વિશ્વાસમાં લઈને અમિત શાહે ટિકિટ વિતરણ કર્યું નથી. બધું જ દિલ્હીથી નક્કી થયેલું હતું. અને હા, હું ફલાણા કે ઢીંકણા મુખ્યમંત્રી નથી કે રાજીનામું આપી દઉં. હા, તમે પાર્ટીમાંથી બરતરફ કરી દો, બસ. 

પછી તો સંઘના સર્વેસર્વા મોહન ભાગવતે ગોરખપુરમાં બંધ બારણે એક જ દિવસમાં બે વાર અડધો કલાકની મિટિંગ કરી. એ મિટિંગ માં શું રંધાયું એ તો ખબર નથી, પણ એ ઓછી તરત જ અયોધ્યામાં જમીન કૌભાંડોમાં ધડાધડ રિપોર્ટ્સ બહાર આવવા માંડ્યા. એમાં મોદીના કે શાહના નહિ પણ, યોગીના ખાસ મંત્રીઓએ, અધિકારીઓએ કેટલી કેટલી જમીનો લીધી ને કેવા ગોટાળા થયા એ બાબતે ઘણી સાચી ખોટી વાતો છે. પણ અચાનક પછી "ગુજરાત લોબીના" શેરને માથે સવા શેર માફક દોઢ ગણા કૌભાંડો બહાર આવ્યા. દેખીતું છે કે પ્રચાર દરમિયાન કે એ પછી પણ અયોધ્યાની જમીન કૌભાંડો બાબતે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી બન્ને ચૂપ જ રહ્યા છે. વળી, કોઈ ખોજી પત્રકાર કદાચ મોદી-યોગીનું કોલ્ડવોર ગરમાગરમ થઇ જાય એની રાહ જોઇને જ બેઠો હશે, એ પણ કોઈના ઈશારે. હવે એ ઈશારો કોનો હશે એ સમજુ વાચકોને સમજાવવું પડે એમ નથી. યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં તો આ મામલો ધૂમ મચાવે છે, પણ નેશનલ મીડિયામાં ત્યારે જ પહોંચશે જ્યારે યોગી આદિત્યનાથ બેકફૂટ પર હશે. 

રાજસ્થાનમાં કિરોડીલાલ મીણા, જે પોતે સિનિયોરિટી પ્રમાણે 2023માં મુખ્યમંત્રી બનવાને લાયક હતા. એમને સાઈડલાઇન કરીને ભજનલાલ શર્મા આવ્યા. અને પરિણામ  એ આવ્યું કે કોંગ્રેસ હજી હમણાં તો હાર્યું હતું. પણ ત્યાં જે અશોક ગહેલોત પોતાના દીકરાને ના જીતાડી શક્યા એને બદલે કોંગ્રેસ 2019માં ઝીરોમાંથી આઠ સીટ સુધી પહોંચી ગઇ. તરત જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દોડતા પહોંચ્યા વસુંધરા રાજેને મળવા. વળી, બાજુના જ હરિયાણા રાજ્યમાં તો ભાજપના કાર્યકર્તાઓએ જ ક્રોસ વોટિંગ કોંગ્રેસ તરફી કરાવ્યું ને મુખ્યમંત્રીઓને જિલ્લા અધ્યક્ષોએ સીધા પત્રો લખ્યા. એ પણ ક્યારે? જ્યારે નરેન્દ્ર મોદી કન્યાકુમારી મૌન વ્રતની સાધના કરવા જવાના હતા ત્યારે. સમજો ચતુર નાગરિકો સમજો!

મહારાષ્ટ્રમાં ભાજપ માત્ર 9 સીટો પર ગગડી પડયું. હવે ત્રણ ચાર મહિના પછી ત્યાં વિધાન સભાની ચૂંટણીમાં પણ જો આ જ વોટિંગ પેટર્ન રહી તો બીજેપી તો સમજ્યા, નરેન્દ્ર મોદી શું કરશે? અત્યારે તો એ હાલત છે કે મહારાષ્ટ્રના નેતાઓ દિલ્હી સરકારને કરગરી રહ્યા છે કે આ પવાર બવારને કાઢો બાકી આપણો ફરીથી સત્યાનાશ થઈ જશે. એકવાર થયેલો તો તાજો જ છે. અધૂરામાં પૂરું , કર્ણાટક ભાજપાના એક દલિત ચૂંટાયેલા સાંસદે તો મીડિયા સામે કહી દીધું કે, ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. બોલો દસ વર્ષમાં કોઈની એવી હિંમત હતી? 

ખૈર, દસ વર્ષમાં તો સંઘે પણ મોદી વિરુદ્ધ એક વિરોધનો સુર નથી બહાર કાઢ્યો. પણ બન્ને જૂનો જંગ તો જાણનારાઓ જાણે છે. અને ન જાણનારાઓ ક્યારેય સ્વીકારવાના નથી. સંઘે મણિપુર, અહંકાર, ચૂંટણી લડવાની મર્યાદાઓ બાબતે ઘણા કટાક્ષ કરી લીધા છે. હવે મોદીની કસોટી એ છે કે એકબાજુ આંતરિક વિદ્રોહથી બચવાનું છે તો બીજી તરફ વિપક્ષના 234 "ઇન્ડિયા બ્લોક" થી પણ છાશ ફૂંકી ફૂંકીને પીવાની છે. જો કે મોદી સટાઇલ ઓફ પોલિટિક્સ જોતા એમનો સ્ટ્રેસ  બોડી લેંગ્વેજ ના જાણકાર સિવાય કોઈ ના કહી શકે. 

એની વે, વિશ્લેષણો અને આરોપો તો ચાલ્યા કરશે. પણ એક વાત સ્પષ્ટ છે કે પશ્ચિમ યુપીમાં લાગેલા એ પ્રચંડ નારાઓ મોદી-શાહ ક્યારેય ભૂલવાના નથી- યોગી તુજસે બૈર નહિ, મોદી તેરી ખૈર નહિ...અગેઇન, રિપીટ, અગેઇન, સમજો ચતુર રીડરો અને આખો ખેલ પામો...

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો