મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

સતરંગ / જિંદગીમાં રંગ આપણે પૂરતા નથી

'બિટ્ટુડા. માન્યું કે જિંદગીનું કેનવાસ અત્યાર સુધી કોરું રહ્યું છે. જિંદગીએ તેમાં રંગ ભરવાની તક આપી છે તો મારી ઈચ્છા છે કે, આપણ

સતરંગ / જિંદગીમાં રંગ આપણે પૂરતા નથી

'બિટ્ટુડા. માન્યું કે જિંદગીનું કેનવાસ અત્યાર સુધી કોરું રહ્યું છે. જિંદગીએ તેમાં રંગ ભરવાની તક આપી છે તો મારી ઈચ્છા છે કે, આપણે સેકન્ડ ઈનિંગ રમી કાઢીએ.'

'અ રે, સુરા આપણી ખડકી તો જરાય બદલાઈ નથી. હા થોડાક મકાનો નવા અને પાકા બન્યા છે બાકી ખાસ ફેરફાર થયો નથી. બધાએ પોળના જીવને જાળવી રાખ્યો છે.' - સંધ્યાકાળે પખાલીની પોળમાં આવેલા ભીમા બામણની ખડકી પાસેના નિલકંઠ મહાદેવની આરતી પૂરી થયા પછી મંદિરના ઓટલે બેઠેલા બે વૃદ્ધ મિત્રોએ વાત શરૂ કરી.

'બિટ્ટુડા તું ચાળીસ વર્ષે પાછો આવ્યો છે. આ તો નસીબ છે કે, તારું ઘર હું ઉપયોગમાં લેતો હતો એટલે આજદીન સુધી સચવાયેલું છે બાકી તો ક્યારનુંય ખંડેર હાલતમાં આવી ગયું હોત. આ તો હવે તું લેખકડો થઈ ગયો એટલે આવી સુફિયાણી વાતો કરે છે.' -સુરેશ ત્રિવેદી ઉર્ફે સુરાએ પોતાના બાળપણના મિત્ર બિંદુશકંર ભટ્ટ ઉર્ફે બિટ્ટુને ઠુંહો મારતા કહ્યું.

'તારી વાત તો સાચી છે સુરીયા... મારે સૌથી પહેલાં તો આભાર તારો માનવો જોઈએ કે પપ્પાના ગયા પછી પણ છેલ્લાં બે દાયકાથી તે ઘર સાચવ્યું છે અને તારા પોતાના ઘરની જેમ જ સાચવ્યું છે. સૌથી મોટો આભાર તો એ વાતનો છે કે, તે મકાન વેચી નથી માર્યું...' - બિટ્ટુએ પણ વળતો ઠુંહો મારીને કહ્યું અને તાળી પાડીને હસી પડયો.

'બિટ્ટુડા તું પાછો આવ્યો એ મને ગમ્યું. મને એ પણ ખબર છે કે, તું તારી સ્વીટુડી માટે પણ પાછો આવ્યો છે. હવે સ્વીટુડી અહીંયા રહેતી નથી. તે સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે તેણે બનાવેલા સેકન્ડ ઈનિંગ હોમમાં રહે છે. અહીંયા તેનો ભાઈ ચિન્ટુ તેના પરિવાર સાથે રહે છે. સ્વીટુડી વાર તહેવારે જ અહીંયા આવતી હોય છે. હવે હોળી ઉપર આવશે. એ પહેલાં તારે મળવું હોય તો ત્યાં જવું પડશે. હોળીને હજી પંદર દિવસની વાર છે.' - સુરીયાએ કહ્યું. 

'કાલે સવારે ઘરે આવજે આપણે સાથે નાસ્તો કરીશું. હું કિશોરને કહીશ તો એ તને સ્વીટુડીની સંસ્થામાં મૂકી જશે. સવારે પહેલાં લક્ષ્મીનિવાસના ફાફડાની મિજબાની કરીશું. યાદ છે ને પહેલાં કેવા ફાફડા ઝાપટી જતા હતા.' - સુખદેવે કહ્યું અને બધા મિત્રો છૂટા પડયા.

બિંદુશંકર ઘરે આવ્યા અને મકાનના ખુલ્લા પરસાળમાં બાંધેલા હિંચકા ઉપર ગોઠવાયા. થોડુઘણું ભોજન કરીને હિંચકા ઉપર જ ઉંઘી ગયા. ઘરનો કેર ટેકર છોકરો મંગેશ કામ પાતવીને પોતાના ઓરડામાં જતો રહ્યો હતો. 

સવારે બિંદુશંકર તૈયાર થઈને સુરાના ઘરે પહોંચી ગયા. ગરમાગરમ ફાફડા અને ચા મિત્રોની રાહ જોતા હતા. બંનેએ નાસ્તો કર્યો અને પછી કિશોર બિંદુશંકરને લઈને વિકસિત અમદાવાદના વિશાળ રસ્તા ઉપર નીકળી પડયો. કોટ વિસ્તારનું બદલાયેલું કલેવર અને અમદાવાદીઓનું બદલાયેલું ફ્લેવર જોતા જોતા બંને સેકન્ડ ઈનિંગ્સ હોમ પહોંચી ગયા. બિંદુશંકર બહાર જ ઉતરી ગયા અને કિશોર પોતાની ઓફિસ તરફ જવા નીકળી પડયો. 

બિંદુશંકર અંદર ગયા તો રિસેપ્શન કાઉન્ટર ઉપર એક છોકરી બેઠી હતી. બિંદુશંકરે તેની પાસે જઈને ઓળખાણ આપી તો છોકરીએ કહ્યું, 'અંકલ તમે અહીંયાથી બહાર નીકળીને આ બગીચાને સમાંતર પગદંડી ઉપર પાછળની સુધી ચાલ્યા જજો. આન્ટી ત્યાં બેઠા છે. તમારી જ રાહ જુએ છે.' બિંદુશંકર તેની વાત સાંભળીને તરત જ ઉતાવળે જવા લાગ્યા. જીવનની સાઈઠીએ પહોંચેલો બિંદુશંકર અચાનક બિટ્ટુની જેમ ઝડપ પકડવા લાગ્યો હતો. બિંદુશંકર પાછળ પહોંચ્યા ત્યારે સ્વીટુ તેમની રાહ જોતી એક ખુરશીમાં બેઠી હતી. સરસ મજાની મોટી છત્રી નીચે બે ખુરશી ગોઠવેલી હતી અને વચ્ચે ટેબલ પડયું હતું. 

'આવ બિટ્ટુ... ઓહ સોરી... સોરી... પધારો બિંદુશંકર રેવાશંકર ભટ્ટ. જિંદગીના ઉત્તરાર્ધમાં તમને મારી યાદ આવી બહુ કહેવાય. હવે જતી જિંદગીએ ફરીથી જિંદગી માણવા નીકળ્યા છો કે પછી એકલતાના એટિટયૂડને ભૂતકાળની ચાદર લેપેટીને પોતાની જાતને જ સાંત્વના આપવા અમદાવાદ પાછા આવ્યા છો.' - સ્વીટુનો અવાજ જરાય સ્વીટ નહોતો.

'સ્વીટુ તારી નારાજગી હું સમજી શકું છું. જિંદગીમાં ઘણી વખત એવા નિર્ણયો કરવા પડે છે જેના કારણે બધું જ એકાએક બદલાઈ જાય છે. ભાવવિશ્વ કરતા વાસ્તવિકતા વધારે કપરી અને આકરી હોય છે. મારી પાસે ત્યારે શહેર છોડીને જતા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. હું જરાય ઈચ્છતો નહોતો કે, મારા કારણે બાપુજીની તબિયત લથડે અથવા તો તારી જિદ તને પોતાના અથવા તો તારા ઘરના કોઈને નુકસાન પહોંચાડે.' - બિટ્ટુએ કહ્યું.

'બિટ્ટુ આ તારા શબ્દો નથી પણ સમયની થાપટો ખાઈને પરિપક્વ થઈ ગયેલા લેખક બિંદુશંકરની વાતો છે. જિંદગીને રંગીન બનાવવાની વાતો માત્ર કલમ થકી કાગળ ઉપર કરી શકાય છે બાકી જો ગમતું પાત્ર સાથે ન હોય અથવા તો સાથે રહેલું પાત્ર ગમતું ન હોય તો જિંદગીમાં ક્યારેય કોઈ રંગ પુરાતા જ નથી. કલ્પનાઓનું કેનવાસ કોરુકટ જ રહી જાય છે.' - સ્વીટુનો અવાજ વધારે ધારદાર થયો.

'મને ખબર છે કે હું ખોટો હતો. મેં જે ભુલ કરી હતી તે હવે જિંદગીના ઉત્તરાર્ધમાં સમજાઈ છે. તેને જ સુધારવા હું પાછો આવ્યો છું. મારી એન્ગ્રી યંગમેન જેવી સ્વીટુડી આટલી શાંત અને સમજુ કેવી રીતે થઈ ગઈ તે સમજાતું નથી. મને એક તક તો આપ. બરાબર ૪૦ વર્ષ પછીની હોળી આપણા જીવનમાં નવા રંગ ભરી શકે છે. તું ઈચ્છે તો... આ કોરા રહી ગયેલા કેનવાસ પીડાથી પીળા પડવા લાગ્યા છે. તું કહીશ તો એમાં સ્નેહના સાત રંગો પૂરીને જતી જિંદગીને મેઘધનુષી કરી શકીશું.' - બિટ્ટુએ કહ્યું અને સ્વીટુનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.

'બિટ્ટુ. તારા ગયા પછી સ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી. મારી કોલેજ પૂરી થઈ ત્યાં જ પપ્પાનું અચાનક હૃદયબંધ પડી જવાથી અવસાન થયું. મમ્મી પાસે આવકનો કોઈ સ્ત્રોત નહોતો. ચિંટુ અને સીમાને ભણાવવા માટે અને ઘર ચલાવવા માટે મેં નોકરી શરૂ કરી દીધી. પહેલાં સમાજે લગ્ન કરવા દીધા નહીં અને પછી સામાજિક જવાબદારીઓએ લગ્ન કરવાની તક આપી નહીં. હવે આગળ વધીશ તો સમાજ સ્વીકારી શકશે નહીં. મારું કેનવાસ કોરું જ બરાબર છે.' - સ્વીટુએ કહ્યું અને એક પોઝ લીધો. આ દરમિયાન રિસેપ્શન ઉપર બેઠેલી છોકરી બે ચા અને ગરમાગરમ ગોટાની ડિશો મુકી ગઈ. બિટ્ટુએ ગોટા સામે એક નજર કરીને સ્મીત વેર્યું અને ચાનો કપ મોઢે માંડયો.

'સ્વીટુ આ પ્રેમ જ છે કે આજે પણ તને ખબર છે કે મને વધારે આદુવાળી ચા ભાવે છે અને તેની સાથે ગોટાની જુગલબંધી એટલી જ પ્રિય છે. આ પ્રેમનો જ સચવાયેલો રંગ છે.' - બિટ્ટુ બોલ્યો.

'બિટ્ટુ તને ખબર છે જ્યારે જાતિવાદના હિરણ્યકશ્યપુએ આપણા પ્રેમના પ્રહલાદને હોળીના દિવસે જ ચિતા ઉપર ચડાવ્યો હતો ત્યારે જ સમજાઈ ગયું હતું કે, ચાહનાની ચુંદડી રક્ષણ કરી શકવાની જ નથી. તે દિવસે બધું જ ભસ્મીભૂત થઈ ગયું હતું. હવે એ રાખમાંથી ફરીથી ઊભા થવાની મારામાં તાકાત નથી. હું ફિનિક્સ નથી. તું આવતો રહેજે અને મળતો રહેજે. હું ઘરે આવીશ ત્યારે તને મળવા ચોક્કસ આવીશ પણ બીજી આશા છોડી દે હવે.' - સ્વીટુએ કહ્યું અને આંખનાં ખૂણે બાઝેલી ઝાકળને આંગળીથી હડસેલી દીધી.

'જેવી તારી ઈચ્છા. આજીવન તારા માટે કોરું રહેલું મારું કેનવાસ અને પ્રેમની પીંછી તો તારી રાહ જોયા જ કરશે.' 

- બિટ્ટુ ઊભો થયો અને તેણે સ્વીટુનો હાથ ફરીથી પોતાના હાથમાં લીધો તેના ઉપર એક ચુંબન કર્યું અને સેકન્ડઈનિંગ હોમની બહારની તરફ ચાલવા લાગ્યો. આ વાતને પંદર દિવસ પસાર થઈ ગયા. હોળીનો તહેવાર પણ પૂરો થઈ ગયો છતાં સ્વીટુ પોળમાં દેખાઈ નહીં. બિટ્ટુને સમજાઈ ગયું હતું કે, સ્વીટુ હવે કદાચ પાછી નહીં આવે. રાત્રે હોળી પૂજન દરમિયાન ભડકે બળતી હોળીને તાકી રહેલા બિટ્ટુના મનમાં પણ અગ્નિ ભડકે બળતો હતો. આ અગ્નિને શાંત પાડી શકે તેવું કશું જ નહોતું.

'એ બિટ્ટુડા દરવાજો ખોલ. ઘરમાં શું સંતાઈ રહ્યો છે. હજી પણ રંગથી રમતા ડરે છે. ફટ્ટુસ. બહાર નીકળ.' - ઘરના કમાડની બહારથી આવતો અવાજ સાંભળીને બિંદુશંકરે દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાની સાથે જ કોઈએ મુઠ્ઠીભરીને ગુલાલ તેના મોઢા ઉપર માર્યો.

'સ્વીટુડી જંગલી. હજી પણ લોકોના મોઢા ઉપર રંગ ફેંકવાની તારી આદત ગઈ નથી.' - બિટ્ટુએ હર્ષની લાગણી સાથે બુમ મારી.

'બિટ્ટુડા. માન્યું કે જિંદગીનું કેનવાસ અત્યાર સુધી કોરું રહ્યું છે. જિંદગીએ તેમાં રંગ ભરવાની તક આપી છે તો મારી ઈચ્છા છે કે, આપણે સેકન્ડ ઈનિંગ રમી કાઢીએ. સેકન્ડ ઈનિંગ રમવા તારે મારા ઘરે આવવું પડશે હું તારા ઘરે નહીં આવું. કોણ કહે છે કે, જિંદગીમાં રંગ આપણે નથી પૂરતા. આપણી જિંદગીના રંગ આપણે જ પૂરવા પડે છે. જલદી ચાલ ભાભીએ ગરમાગરમ ભજીયા બનાવ્યા છે. સુરીયાની વાઈફ ઠંડાઈ પણ લાવી છે. હેપ્પી હોલી બિટ્ટુડા.' - સ્વીટુએ કહ્યું અને બિટ્ટુડાને હાથ પકડીને બહાર લઈ આવી.

'હેપ્પી હોલી મારી સ્વીટુડી' - સ્વીટુના હાથમાંથી જ ગુલાલ લઈને તેના ચહેરા ઉપર લગાવતા બિટ્ટુ બોલ્યો.

આ સમાચાર શેર કરો