સતરંગ / વેસ્ટ ક્રાઈસિસ : વર્ષે 270 કરોડ ટન કચરાનાં ગંજ ખડકાતા સર્જાયેલો પડકાર
જે કચરાને આપણે જ્યાં-ત્યાં ફેંકી દઈએ છીએ એના નિકાલ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે,

જે કચરાને આપણે જ્યાં-ત્યાં ફેંકી દઈએ છીએ એના નિકાલ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાંય દુનિયાને હજુ સુધી વ્યવહારુ ઉકેલ મળ્યો નથી.
આપણે ઘર કે ઓફિસમાંથી કચરો ફેંકી દઈએ ત્યારે સમજી લઈએ છીએ કે એનો નિકાલ થઈ ગયો, પરંતુ ખરેખર એવું બનતું નથી. એ કચરો માત્ર જગ્યા બદલે છે. ઘર કે ઓફિસનો કચરો વાયા ડસ્ટબિન કચરાના મોટા ઢગલામાં જઈને ભળે છે. એને નિકાલ થયો ન કહેવાય. કચરાનો નિકાલ ત્યારે થયો કહેવાય જ્યારે એનું સંપૂર્ણપણે વિઘટન થાય. પ્રકૃતિને નુકસાન ન કરે એ રીતે ફરી પાછો પ્રકૃતિમાં ભળી જાય એ કચરો વિઘટિત થયો કહેવાય. માનવસર્જિત કચરો - મળ-એંઠવાડ વગેરેનું વિઘટન થાય છે. અમુક સમયે એ સડી-ગળી જાય છે.
સદીઓ પહેલાં આદિમાનવને જ્યારે કચરાના નિકાલની જરૂરિયાત પડી હશે ત્યારે કોઈ એક ખૂણે કચરો એકઠો કરવાનું શરૂ થયું હશે. સમયાંતરે એ કચરો સડીને ગળી જતો ને પાછો પ્રકૃતિમાં એકાકાર થઈ જતો. એનાથી પ્રકૃતિને એટલું નુકસાન પણ થતું ન હતું. કારણ કે એ કચરામાં મળ-મૂત્ર-વધેલા ખોરાક સિવાય ભાગ્યે જ કંઈ હતું. વરસાદ થાય ત્યારે એ વહી જતો.
આમ, આપણી મૂળભૂત જરૂરિયાતમાંથી જે કચરો બનતો હતો એના નિકાલની જૂની વ્યવસ્થા હતી - ઉકરડો. ગામને પાદરે કે મકાનના પાછળના ઓછા વપરાતા ભાગમાં બનેલા ઉકરડામાં ગાય-ભેંસના છાણથી લઈને મળ, એંઠવાડથી લઈને બગડી ગયેલી ચીજવસ્તુઓ નાખવામાં આવતી. એ ઉકરડો વરસ દોઢ વરસ પડયો રહેતો ને એકાદ વરસાદ પછી એ ખાતર બની જતો. ખેતર માટે એ ખાતર શ્રેષ્ઠ ગણાતું.
સદીઓ સુધી એ વ્યવસ્થા માણસે જાળવી રાખી. હજુય ગામડાંમાં છાણમાંથી ખાતર બનાવવાના ઉકરડાં હોય છે, પરંતુ શહેરોની જેમ હવે એવા વિસ્તારોમાં પણ પ્લાસ્ટિક સહિતનો કચરો એટલો વધ્યો છે કે એનો પણ સંપૂર્ણ નિકાલ થતો નથી. હવે ગામડે ગામડે કચરો એકઠો કરવા માટે વાહનો ફરવા થયા છે ને જ્યાં કચરો મોટી સમસ્યા ન હતો ત્યાંય હવે એની સમસ્યા દિવસે દિવસે વકરી છે.
ને શહેરોની તો વાત જ જવા દો! દુનિયાભરના શહેરોમાંથી જે કચરો પેદા થાય છે એના નિકાલ માટે અબજો રૂપિયાનું આંધણ કરવા છતાંય કોઈ વ્યવહારુ ઉકેલ મળતો નથી. આટ-આટલા વૈજ્ઞાાનિક સંશોધનો, આટલી ટેકનોલોજી છતાં કચરાના સંપૂર્ણ નિકાલનો કોઈ વિકલ્પ હજુ સુધી હાથવગો થયો નથી.
શહેરી વસાહતો, કમર્શિયલ અને પબ્લિક સર્વિસ પ્રોવાઈડર્સ દર વર્ષે ૨૭૦ કરોડ ટન કચરો પેદા કરે છે. એમાં ખોરાકથી લઈને પેકેટ્સ, ઈલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક્સનો સમાવેશ થાય છે.
'આટલો કચરો એક વર્ષમાં? બહુ કહેવાય!' એવો જો વિચાર આવ્યો હોય તો... રૂકો ઝરા, સબર કરો! આ આંકડો અધૂરો છે. દુનિયાના ૨૭૦ કરોડ લોકો તો જાતે કચરો ઠાલવવાની વ્યવસ્થા કરે છે ને એ કેટલો કચરો ઠાલવે છે એનો કોઈ હિસાબ નથી. કારણ કે આટલા લોકો પાસે પાલિકા, નગરપાલિકા, પંચાયતો કે કોઈપણ સરકારી બોડીના વાહનો કચરો કલેક્ટ કરવા પહોંચતા જ નથી. બીજી રીતે કહીએ તો યુએન બે અઢી અબજ ટન કચરો દર વર્ષે પેદા થાય છે એવો જે અંદાજ બાંધે છે એ આંકડો બમણો હશે. જગતની વસતિ ૮૦૦ કરોડે પહોંચી છે એમાંથી ૨૭૦ કરોડ લોકો કેટલો કચરો ક્યાં ઠાલવે છે એની કોઈ ચોક્કસ જાણકારી નથી એ જ સૌથી મોટું આશ્વર્ય હોવું જોઈએ.
અચ્છા, જે કચરો વર્ષે ભેગો થાય છે એમાંથી ૬૦ ટકા કચરો સરકારી તંત્ર નિયંત્રિત કરે છે. નિયંત્રિત કરે છે એનો અર્થ એવો કે નિકાલ થાય છે અથવા તો નિકાલ ન થાય ત્યાં સુધી સચવાય છે. તે સિવાયનો કચરાનો મોટો હિસ્સો કચરો બનીને જ્યાં-ત્યાં રઝળતો રહે છે. જો પેકેજિંગની ટકાઉ પદ્ધતિનો ઉપયોગ યુદ્ધના ધોરણે ન થયો અને પ્લાસ્ટિકનો વપરાશ તુરંત ઘટાડી ન શકાયો તો ૨૦૫૦ સુધીમાં દર વર્ષે ૩.૮થી ૪ અબજ ટન કચરો પેદા થતો હશે. કચરામાં જેટલું ઠલવાય છે એમાંથી ૪૩ કરોડ ટન તો પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ છે. સરેરાશ દરેક વ્યક્તિ દર વર્ષે પાંચ કિલો કપડાં કચરામાં ફેંકે છે. ઓનલાઈન શોપિંગના કારણે આ એવરેજ દશકાના અંતે ૧૦ કિલો થઈ જશે.
આપણે વાપરીએ છીએ એમાંથી અડધો અડધ એવી પ્રોડક્ટ હોય છે કે જે કલાકોમાં કચરો બની જાય છે. દા.ત. કોઈ સસ્તું રમકડું ખરીદ્યું હોય તો બાળક ૨૪-૪૮ કલાકમાં એને તોડી-ફોડી નાખે છે ને એ કચરો બની જાય છે. અથવા તો પાંચ-પચ્ચીસ રૂપિયામાં ખરીદેલા ખાદ્યપદાર્થનું પ્લાસ્ટિકનું પેકેટ ગણતરીના સેકન્ડમાં કચરો બની જાય છે ને એ લાંબાંગાળે મોટી સમસ્યા બની જાય છે.
દર વર્ષે વિશ્વની બધી જ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ જેટલો કચરો એકઠો કરે છે એમાંથી જો પેકિંગ બનાવવામાં આવે તો પૃથ્વીના ગોળાને ૨૫ વખત લપેટી શકાય! એના પરથી અંદાજ લગાવી શકાય કે વર્ષે કેટલો મોટો કચરાનો ગંજ ખડકાતો હશે. ટોટલ કચરાના ગંજમાંથી માંડ ૭ કરોડ ટન કચરો રિસાઈકલ થાય છે. અઢી કરોડ ટન કચરાનો સંપૂર્ણ નિકાલ થાય છે. અઢી અબજ ટનમાંથી અઢી કરોડ ટન કચરાનો સંપૂર્ણ નિકાલ થતો હોય એનો અર્થ એ કે અબજો ડોલરનું વેસ્ટ મેનેજમેન્ટ ખરેખર તો મિસમેનેજમેન્ટ ગણાય!
૧૮મી સદી મધ્યાહને તપતી હતી ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તેના પરિણામે રોજગારીનું સર્જન થયું. શહેરીકરણને ઉત્તેજન મળ્યું. દૂરદર્રાજના વિસ્તારોમાં રહેતા લોકો રોજગારી માટે શહેરોમાં આવતા થયા. અથવા તો જ્યાં રોજગારીની તકો સર્જાઈ કે કારખાના બન્યાં ત્યાં શહેરો બની ગયા. મોટી સંખ્યામાં લોકો શહેરોમાં રહેતા થયા. સદીઓથી ગામડાંમાં રહેતા લોકોએ કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ શહેરમાં એ વ્યવસ્થાનો કોઈ અર્થ રહ્યો નહીં. શહેરોમાં રહેવાની જ માંડ વ્યવસ્થા થતી હોય ત્યાં કચરાના નિકાલની ચિંતા કોણ કરે?
શહેરીજનો માટે કચરો ઠાલવવાની વ્યવસ્થા કરવાના ભાગરૂપે મોડર્ન વેસ્ટ મેનેજમેન્ટ ઉદ્ભવ્યું. ૧૮મી સદીમાં લંડનમાં વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવાઈ. તેના પગલે યુરોપના અન્ય શહેરોમાં પણ સરકારી તંત્રએ માનવસર્જિત કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવા માંડી. ૧૯મી સદીની શરૂઆતમાં યુરોપ-અમેરિકામાં ગટરો બનવા લાગી. વસાહતોનો કચરો કોઈ એક સ્થળે એકઠો થાય એવી વ્યવસ્થા ગોઠવાઈ. ૧૮૭૫માં બ્રિટિશ પાર્લામેન્ટમાં પબ્લિક હેલ્થનું બિલ પસાર થયું એમાં શહેરના સરકારી તંત્રને કચરો એકઠો કરવાની જવાબદારી સોંપવામાં આવી ને નિકાલ માટે સ્વતંત્રતા અપાઈ. એ જ ગાળામાં અમેરિકામાં કચરો બાળવા માટે ભઠ્ઠીઓ બની.
૨૦મી સદીમાં વેસ્ટ મેનેજમેન્ટ વિકસ્યું એમ કચરો ક્યાં ઠાલવવો ને ક્યાં ન ઠાલવવો એની અવેરનેસ પણ આવી. ૧૯૩૪માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગટરનું ગંદુ પાણી અને શહેરોમાંથી એકઠો થતો કચરો દરિયામાં ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો. એ નિર્ણય બહુ અગત્યનો સાબિત થયો. તેનાથી એક તરફ કચરાનો નિકાલ પ્રકૃતિને નુકસાન થાય એવી રીતે ન કરવાની જાગૃતિ આવી તો બીજી તરફ કચરાના નિકાલનો વ્યવહારુ ઉકેલ શોધવાની મથામણ શરૂ થઈ.
૨૦મી સદીની શરૂઆતમાં પ્લાસ્ટિકની પેટન્ટ નોંધાવા લાગી હતી. વિશ્વયુદ્ધ પછી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીને વેગ મળ્યો. સસ્તી પ્લાસ્ટિક પ્રોડક્ટ દુનિયાભરમાં બેહદ પોપ્યુલર થઈ રહી હતી. બધા દેશોમાં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી ધમધમવા માંડી હતી જે ભવિષ્યમાં વેસ્ટ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પડકાર બનવાની હતી. શરૂઆતમાં માણસ માટે કચરાનો નિકાલ એક સાધારણ બાબત હતી. એનું મેનેજમેન્ટ કરવું પડશે એવી કલ્પના પણ ન હતી. કચરાનો પ્રશ્ન સાધારણમાંથી અસાધારણ બન્યો એમ વેસ્ટ મેનેજમેન્ટનું કદ પણ વધ્યું. કચરાના નિકાલનો કોઈ વ્યવહારુ ઉપાય ભલે ન મળ્યો, પરંતુ વેસ્ટ મેનેજમેન્ટ આજે એક વિશાળ બિઝનેસ છે.
૨૦૨૩માં ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ માર્કેટ ૧૩૫૫ અબજ ડોલરે પહોંચ્યું હતું. ૨૦૩૦ સુધીમાં ૨૦૦૦ અબજ ડોલરને પાર થશે. કચરાના ઢગ ખડકાઈને દિવસે દિવસે મોટાં થઈ રહ્યા છે એટલે વેસ્ટ મેનેજમેન્ટ, વેસ્ટમાંથી બેસ્ટનો બિઝનેસ ૬-૭ ટકાના દરે વિકસી રહ્યો છે.
વેલ, અબજો રૂપિયાનું પાણી કરવા છતાં કચરો માનવજાત માટે માથાનો દુખાવો બન્યો છે. વેસ્ટ મેનેજમેન્ટ નિષ્ફળ નીવડયું છે. દુનિયા સામે નવો પડકાર સર્જાયો છે - વેસ્ટ ક્રાઈસિસ. કચરા જેવી એક સાધારણ બાબતે ૨૧મી સદીની ટેકનોસજ્જ માનવજાતને નાકે દમ લાવી દીધો છે. આજે આ માંદગી એવી મહામારી બની ચૂકી છે કે અબજોના ધુમાડા છતાં એની વેક્સિન મળી નથી!
એક વાત તો ખરી, માણસની મૂળભૂત જરૂરિયાતમાંથી જે કચરો ઉત્સર્જિત થાય છે એનો નિકાલ કંઈ કર્યા વગર થઈ જાય છે, પરંતુ માણસની અમર્યાદિત જરૂરિયાતના કારણે જે કચરો ઉત્સર્જિત થાય છે એના નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ પણ હાંફી ગયું છે.
ઈન્ટરનેશનલ ઝીરો વેસ્ટ ડે
સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૨૨માં કચરાની સમસ્યા સામે જાગૃતિ લાવવા માટે ઝીરો વેસ્ટ ડેનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. એ પછી ૨૦૨૩માં પહેલી વખત ૩૦મી માર્ચે ઈન્ટરનેશનલ ઝીરો વેસ્ટ ડેએ કચરાના સંદર્ભમાં ચેતવણી આપીને જાગૃતિ ફેલાવાઈ હતી. ૨૦૨૪માં ગઈકાલે બીજો ઝીરો વેસ્ટ ડે હતો. યુએને દુનિયાભરના દેશોને ૨૦૩૦ સુધીમાં ઝીરો વેસ્ટનો લક્ષ્યાંક આપ્યો છે. એટલે કે ૨૦૩૦ સુધીમાં બધા દેશો એવી સ્થિતિમાં આવી જાય કે વર્ષે જેટલો કચરો પેદા થાય છે તેનો પ્રકૃતિને નુકસાન કર્યા વગર યોગ્ય નિકાલ થાય. દેખીતી રીતે આ ટાર્ગેટ અચિવેબલ નથી. જેમ કાર્બન ઉત્સર્જન ઘટાડવા કે વૈશ્વિક તાપમાન ઘટાડવાના જે લક્ષ્યાંકો માત્ર ગ્લોબલ સમિટમાં ચર્ચાય છે ને પછી ભૂલી જવામાં આવે છે તેમ આ ટાર્ગેટ પણ એક દિવસ પૂરતી ચર્ચા કરીને ભૂલી જવા માટે છે.
વર્ષે છ કરોડ મેટ્રિક ટન ઈ-વેસ્ટ
સંયુક્ત રાષ્ટ્રસંઘ આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન અને ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિએશન સંયુક્ત રીતે દર વર્ષે વૈશ્વિક અહેવાલ ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર તૈયાર કરે છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે વિશ્વમાં એક જ વર્ષમાં ૫.૯થી ૬ કરોડ મેટ્રિક ટન ઈલેક્ટ્રોનિક્સ કચરો પેદા થયો હતો. એશિયન દેશો દર વર્ષે ૨૫ મેટ્રિક ટન ઈ-વેસ્ટ ઠાલવે છે. તો અમેરિકા ૧૩થી ૧૪ મેટ્રિક ટન ઈ-વેસ્ટ સર્જે છે. યુરોપમાંથી ૧૨ મેટ્રિક ટન ઈ-વેસ્ટ પેદા થાય છે. સસ્તી પ્રોડક્ટ આપીને કમાણી રળી લેવા ચીન બધા જ નિયમો નેવે મૂકીને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ બનાવે છે. એની આડઅસર રૂપે ચીન વર્ષે દહાડે ૮.૧ મેટ્રિક ટન ઈ-કચરો ઠાલવે છે. ગંભીર બાબત એ છે કે કુલ ઈ-કચરામાંથી માત્ર ૨૦ ટકાનો જ નિકાલ થાય છે. વિશ્વમાં ઈ-વેસ્ટમાં ૧૦ ટકાના દરે વધારો થઈ રહ્યો છે અને વિશ્વને તેનાથી અંદાજે પાંચ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.








