મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હિંદુઓ જાગો! ભારત મુસ્લિમ દેશ બની જશે!

- અર્થ અને તંત્ર તાજેતરમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે જ વડા પ્ર

શતરંગ / હિંદુઓ જાગો! ભારત મુસ્લિમ દેશ બની જશે!

- અર્થ અને તંત્ર

     તાજેતરમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે જ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે તેનું વસ્તીલક્ષી વિશ્લેષણ એક અભ્યાસપત્રમાં જાહેર કર્યું. તે મુજબ ભારતમાં ૧૯૫૦થી ૨૦૧૫ વચ્ચે ભારતમાં હિંદુઓની વસ્તી દેશની કુલ વસ્તીમાં ૭.૮૨ ટકા ઘટી અને મુસ્લિમોનું પ્રમાણ ૪૩.૧૫ ટકા ઘટ્યું. આ આંકડો સાચો હોવા છતાં ચૂંટણી ટાણે જ આ આંકડો બહાર પાડવામાં આવ્યો તેનું કારણ ભારતમાં હિંદુઓમાં ભય ફેલાવવાનું છે અને હિંદુઓનું કહેવાતું રક્ષણ કરનારા ભાજપને ચૂંટણીના બાકી રહેલા ચાર તબક્કામાં હિંદુઓના મત મળે તે છે એમાં કોઈ શંકા નથી. 

     કેટલાક હિંદુઓને બીક લાગે છે કે જો દેશમાં મુસ્લિમોની બહુમતી થશે તો તેમનું શું થશે. આવી બીક હિંદુઓને આવાં કેટલાંક કારણોસર લાગે છે: (૧) મુસ્લિમો બહુમતીમાં આવશે તો હિદુઓનું ધર્માંતરણ બળજબરીથી થશે. (૨) મુસ્લિમો બહુમતીમાં આવશે તો ઇસ્લામનો શરિયત કાયદો બધાને લાગુ પાડવામાં આવશે કે જેને ઘણા હિંદુઓ ઘણો ક્રૂર અને પછાત કાયદો સમજે છે. (૩) ભારતમાં જે પ્રદેશોમાં મુસ્લિમો બહુમતીમાં આવશે ત્યાં તેઓ તેમનો અલગ દેશ માગશે, દેશના ટુકડા થશે કારણ કે પાકિસ્તાનનું સર્જન ૧૯૪૭માં એ જ રીતે થયું હતું. 

     આ બધી બીક કેટલી સાચી કે ખોટી તેની ચર્ચા અત્યારે કરવી નથી. પણ હિંદુઓ અને મુસ્લિમોની ભારતીય વસ્તીના સંદર્ભમાં જ ચર્ચા હકીકતોને આધારે કરીએ. ઉપરોક્ત અભ્યાસપત્ર મુજબ ભારતમાં હિંદુઓની વસ્તી ૧૯૫૦માં ૮૪.૬૮ ટકા હતી, ૨૦૧૫માં ઘટીને ૭૮.૦૬ ટકા થઈ; અને મુસ્લિમોની વસ્તી ૯.૮૪ ટકાથી વધીને ૧૪.૦૯ ટકા થઈ. મુસ્લિમોની વસ્તીમાં વધારો કેમ થયો અને જે દરે મુસ્લિમોની વસ્તી વધી છે તેટલા જ દરે હજુ પણ વધશે ખરી?    

     ભારતનો વસ્તી વૃદ્ધિ દર ૨૦૦૧-૧૧ દરમ્યાન ૧.૭૬ ટકા રહ્યો છે. તે પછી મોદી સરકારે ૨૦૨૧માં કરવામાં આવનારી વસ્તી ગણતરી કોરોનાનું બહાનું બતાવીને હજુ સુધી કરી જ નહિ. એટલે ૨૦૧૧-૨૧માં કેટલો વસ્તી વૃદ્ધિ દર રહ્યો તેનો કોઈ અધિકૃત આંકડો છે જ નહિ. એટલે ઉપરોક્ત અભ્યાસપત્રમાં પણ ૨૦૧૧-૧૫ વચ્ચેના આંકડા માત્ર અંદાજો છે અને તે સાચા આંકડા છે જ નહિ. 

     હવે સવાલ: મુસ્લિમોની વસ્તી કેમ ઝડપથી વધે છે? અગત્યનું કારણ એ છે કે મુસ્લિમો સુધી શિક્ષણ અને આરોગ્યની સવલતો યોગ્ય પ્રમાણમાં પહોંચી નથી. આ હકીકત હિંદુઓને પણ લાગુ પડે છે. અનુસૂચિત જાતિઓ(SCs)નો વસ્તી વૃદ્ધિ દર ૧૯૯૧માં ૨૩.૦૮ ટકા, ૨૦૦૧માં ૧૮.૪૦ ટકા અને ૨૦૧૧માં ૧૫.૭૦ ટકા હતો. એટલે કે તે ઘટતો જ ગયો. આદિવાસીઓમાં પણ આ જ વર્ષોમાં વસ્તી વૃદ્ધિ દર અનુક્રમે ૨૪.૩૯ ટકા, ૨૩.૨૫ ટકા અને ૨૧.૩૦ ટકા હતો. જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધ્યું અને આરોગ્યની સવલતો સુધારી તેમ તેમ વસ્તી વૃદ્ધિ દર આ બંને સમુદાયોમાં ઘટતો ગયો. 

     શું આ બાબત મુસ્લિમોને લાગુ પડે છે ખરી? હા. મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિ દર આ જ ત્રણ વસ્તી ગણતરીમાં ૩૨.૯, ૨૯.૫ અને ૨૪.૬ ટકા રહ્યો. એ SCs અને આદિવાસીઓ કરતાં વધારે છે પણ એ ઘટતો તો ગયો જ. ૧૯૬૧માં મુસ્લિમ વસ્તી વૃદ્ધિ દર ૩૨.૫ ટકા અને ૧૯૭૧માં ૩૦.૯ ટકા હતો અને ૧૯૮૧માં એ ૩૦.૮ ટકા હતો. એટલે તે પછી એ ઝડપથી ઘટતો ગયો. આ એક વાસ્તવિકતા છે. 

     હવે બીજી કેટલીક હકીકતો: કેરળમાં મુસ્લિમોનો પ્રજોત્પત્તિ દર, એટલે કે એક સ્ત્રી કેટલાં બાળકોને જન્મ આપે છે તે, ૨૦૧૫-૧૬માં ૧.૮૬ હતો અને ઉત્તર પ્રદેશમાં તે ૩.૧૦ હતો. જો કે, ઉત્તર પ્રદેશમાં હિંદુઓમાં તે ૨.૬૭ હતો. એટલે કે ઉત્તર પ્રદેશની હિંદુ સ્ત્રીઓ કેરળની મુસ્લિમ સ્ત્રીઓ કરતાં વધુ બાળકો પેદા કરતી હતી! આવું કેમ? કારણ કે, કેરળમાં જેટલો સામાજિક વિકાસ થયો છે એટલો ઉત્તર પ્રદેશમાં થયો નથી.  

     દેશમાં કુલ પ્રજોત્પત્તિ દર છેલ્લાં ૫૦ વર્ષમાં ઘટતો જ ગયો. અત્યારે તે લગભગ ૨.૦ છે, ૧૯૯૧માં ૪.૬ હતો. ૨૦૧૯-૨૧ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ હિંદુઓમાં પ્રજોત્પત્તિ દર ૧૯૯૧થી ૨૦૧૫માં ૩.૩થી ઘટીને ૨.૧ થયો અને મુસ્લિમોમાં ૪.૪થી ઘટીને ૨.૬ થયો. આમ, તે હિંદુઓમાં તે ૬૪ ટકા ઘટ્યો અને મુસ્લિમોમાં ૫૯ ટકા ઘટ્યો. આમ, તે બાબતમાં હિંદુઓ અને મુસ્લિમોમાં બહુ તફાવત નથી રહ્યો. એટલે એમ કહેવું કે મુસ્લિમો બેફામપણે વસ્તી વધારે છે અને તેમનો ઉદ્દેશ ભારતને મુસ્લિમ દેશ બનાવી દેવાનો છે એ તો બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવું છે. આમ, સવાલ ખરા સામાજિક વિકાસનો છે, સવાલ ધર્મનો છે જ નહિ. 

     મુસ્લિમોમાં વસ્તી વૃદ્ધિ દર હાલ વધારે છે તેનું એક કારણ એ પણ છે કે તેમનામાં ગરીબી વધારે છે; શિક્ષણ અને આરોગ્યની સવલતો ગરીબ હિંદુઓની જેમ તેમણે પણ મળતી નથી. તેમ છતાં તેમનો વસ્તી વૃદ્ધિ દર ઘટવાનું પ્રમાણ હિંદુઓ કરતાં બમણું છે! ૧૯૬૧-૨૦૧૧ દરમ્યાન હિંદુઓનો વસ્તી વૃદ્ધિ દર ૪.૦ ટકા ઘટ્યો પણ મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિ દર ૭.૮૯ ટકા ઘટ્યો. એનો અર્થ એ કે છેલ્લાં પચાસ વર્ષમાં મુસ્લિમોની વસ્તી જેટલી ઝડપથી અગાઉ વધતી હતી તેટલી ઝડપથી વધી નથી અને હવે વધશે પણ નહિ.  

     જે દરે હિંદુઓની અને મુસ્લિમોની વસ્તી વધે છે તે જ દરે વધવાનું ચાલુ રહે તો પણ ૨૦૫૧માં ભારતમાં હિંદુઓની વસ્તી ૧૩૦ કરોડ થાય અને મુસ્લિમોની ૩૦ કરોડ થાય. સંખ્યામાં હિંદુઓ ત્યારે પણ મુસ્લિમો કરતાં લગભગ ચાર ગણા કરતાં પણ વધારે રહેશે. ‘સંયુક્ત રાષ્ટ્રો’(યુએન)ના અહેવાલ અનુસાર ભારતની વસ્તી ૨૦૬૦માં આશરે ૧૭૦ કરોડ થશે અને તે પછી તે લગભગ સ્થિર થઈ જશે અને પછી તો તે ધીમે ધીમે ઘટતી જશે. 

     આમ, હિંદુઓએ ડરવાનું કોઈ કારણ છે જ નહિ. ૨૦૫૦માં જો હિંદુઓ ૧૩૦ કરોડ અને મુસ્લિમો ૩૦ કરોડ હોય તો દસ જ વર્ષમાં મુસ્લિમોની વસ્તી ૩૦ કરોડથી વધીને ૧૩૦ કરોડ થઈ જાય એ શક્ય જ નથી. વળી, ૩૦ કરોડ મુસ્લિમો ૫૦ કરોડ હિંદુઓને મુસ્લિમ બનાવી દે તો જ બંનેની વસ્તી સરખી થાય. એવું બને ખરું? એક હજાર વર્ષમાં એવું નથી બન્યું તે દસ વર્ષમાં કેવી રીતે બને? આમ, મુસ્લિમો બહુમતીમાં આવી જશે એવો હિંદુઓનો ડર તદ્દન સડેલા મગજની પેદાશ છે અને એવો ડર પેદા કરવો એ ભાજપનો અને RSSનો રાજકીય એજન્ડા છે. જો બહુ જ બીક લગતી હોય તો દરેક હિંદુ સ્ત્રી પાંચ-છ બાળકો પેદા કરે એવો કાયદો કરવા ભાજપે ચૂંટણીના બાકીના તબક્કા માટે વચન આપવું જોઈએ. અને હા, ગરીબ હિંદુઓ તો વધુ બાળકો પેદા કરે જ છે, એટલે ધનવાન હિંદુઓએ એટલે કે આવક વેરો ભરનારા કે જેમણે એ ભરવો જોઈએ પણ  ભરતા નથી એવા હિંદુઓએ વધુ બાળકો પેદા કરીને હિંદુ ધર્મની રક્ષા કરવી જોઈએ.

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો