શતરંગ / પરિધાન સાથે પહોંચી પરંપરાઓ: મેટ ગાલામાં છવાયો નજરનો ટોટકો
- ગ્લેમર ગાઈડ ઇન્ટરનેશનલ ફેશન ઇવેન્ટ મેટ ગાલામાં દેશીઓનો દબદબો, કાળા ટપકાંથી લઈને પારંપારિક

- ગ્લેમર ગાઈડ
ઇન્ટરનેશનલ ફેશન ઇવેન્ટ મેટ ગાલામાં દેશીઓનો દબદબો, કાળા ટપકાંથી લઈને પારંપારિક કળાનો ઉત્કૃષ્ટ નમૂનો.
કહેવાય છે કે આપણી ભારતીય સઁસ્કૃતિ હંમેશા લગાવ અને સંભાળ સાથે સંકળાયેલી છે, જ્યાં અતિ સૌંદર્ય દેખાવું પણ ડરની લાગણીઓને જન્માવે છે કે, 'અરે ક્યાંક નજર ના લાગી જાય', અને એટલે જ આપણી સઁસ્કૃતિમાં દરેક શૃંગારની શરૂઆત અરીસાથી થાય છે પરંતુ એની સમાપ્તિ,હંમેશા કાળા ટપકાં સાથે જ થાય છે. દુલ્હન હોય કે નાનું બાળક, માઁ તેને ખરાબ નજરથી બચાવા કાન પાછળ કે ગાલમાં કાળું ટપકું કરે જ છે.
ઇન્ટરનેશનલ મેગા ફેશન ઇવેન્ટ મેટ ગાલા પર, જયારે ભારતીયો ઉતર્યા ત્યારે આપણી દેશી પરંપરાઓ,તેમના પોશાક અને બોડી લેન્ગવેજમાં ભારોભાર છલકાતી જોવા મળી. એટલું જ નહિ,નજરનો ટોટકો ઇન્ટરનેશનલ મેટ ગાલાના રેમ્પ પર છવાયો.આલિયા ભટ્ટના કાન પાછળ કરેલ નાના કાળા ટપકાંએ દરેકનુ ધ્યાન ખેચ્યું હતું. આલિયા સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલ 23 ફૂટ લાંબી ફ્લોરલ સાડીમાં અત્યંત આકર્ષક લાગતી હતી. હીરા, પન્ના અને સ્ટોન જડિત, મિન્ટ કલરની સાડી, મેટ ગાલાની થીમ સ્લીપિંગ બ્યુટી :રિવોકનિંગ ફેશન'ને આધારે બનાવવામાં આવેલ હતી.એમના લૂકને એક અલગ જ અંદાઝ આપવા કાન પાછળ કાળું ટપકું કરેલ હતું. જે પુરા ઇવેન્ટમાં ચર્ચાસ્પદ બન્યું હતું.
ન્યુયોર્કમાં આવેલ મેટ્રોપોલિટિયન મ્યુઝિયમ ઓફ આર્ટ (મેટ)એ એક કોસચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ છે અને વિશ્વનું ચોથું સૌથી મોટુ મ્યુઝિયમ છે.એમ તો આ ઇવેન્ટ એક ફેશન શૉ જ છે, જ્યાં ઘણા દેશના ડિઝાઇનર પોતાની કળા રજૂ કરે છે. પરંતુ આ ઇવેન્ટની ખાસિયત એ પણ છે કે અહીં જેતે દેશની સંસ્કૃતિ તેમજ સામાજિક, રાજકીય માન્યતાઓ, બદલાતા સમયના અનુસન્ધાને અહીં પહેરવેશ દ્વારા, રેમ્પ પર રજૂ થાય છે. અને એટલે જ, જેતે દેશની કળાને તેમજ માનવ સભ્યતાના વિકાસને સમજવા,દરેક ડ્રેસને અહીંના મ્યુઝિયમમાં સાચવામાં આવે છે.આવાં 35,000પીસ અહીંના મ્યુઝિયમ સચવાયેલ છે. જે લગભગ 600 વર્ષથી સાચવવામાં આવેલ છે.
ઈશા અંબાણીએ ડિઝાઇનર રાહુલ મિસરા દ્વારા તૈયાર કરવામાં આવેલ વૈભવી સાડી-ગાઉન પહેરીને રેમ્પ વૉક કર્યું હતું. જેના પર ઉત્કૃષ્ટ કારીગરના દસ હજાર કલાકોની મહેનતથી ભારતીય પરંપરાગત જરદોઝી, ફરીશા, આરી વર્ક,નક્ષી અને ડાબકા પદ્ધતિ દ્વારા ફૂલો, પતંગિયા ગુથવાંમાં આવ્યા હતાં.જરદોઝી ભરતકામ લગભગ 16મી સદીથી ભારતીય પોષાકોમાં થતી કળા છે.જેને સોય અને દોરા તેમજ સોનાના તાર દ્વારા હાથથી કરવામાં આવે છે. આ પ્રકારની એમ્બ્રોઈડરી માટે ભારતના નાના ગામો માંથી કુશળ કારીગરોની મદદ લેવાઈ હતી. આ રીતે ભારતીય પરંપરાગત કળાનો વારસો ન્યુયોર્ક સિટીના હાઈ પ્રોફાઈલ ફેશન ઇવેન્ટમાં છવાયો હતો. ઈશાના હાથમાં રાખેલ નાનકડા પર્સે તેમના લૂકને અલગ અંદાજ આપ્યો હતો.જે જયપુરના મેનીએચર પેન્ટિંગના સુપ્રસિદ્ધ કારીગર હરિ મરોટીયા દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેના પર નકશી અને પેઇન્ટ દ્વારા મયુર એટલે મોરની રચના કરવામાં આવેલ હતી.
એટલુંજ નહિ પણ બંગાળી ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી પહેલી વાર મેટ ગાલા ઇવેન્ટ પર રેમ્પ વૉક કરનાર એક માત્ર ભારતીય બન્યા.સબ્યસાચીએ મેટગાલામાં રેમ્પ વોક કર્યું , ત્યારે તેનો લૂક , તેમના ડિઝાઇનર માભાદાર દાગીના માટે ખૂબ ચર્ચામાં રહ્યો હતો.તેમના દાગીના મોતી,પન્ના, ટૂરમૈલીન જેવા અનેક રત્નોથી જડાયેલ હતાં.જે એમના કોટન ડસ્ટર કોટ પર ખૂબ જ આકર્ષક લાગતા હતાં.સબ્યસચી ટીન્ટેડ સનગ્લાસ અને બ્રાઉન શૂઝ સાથે એમનો લૂક એકદમ ક્લાસિક દેખાતો હતો.
કહેવાય છે કે જો તમે વિશ્વના સૌથી પ્રસિદ્ધ ફેશન ઇવેન્ટ મેટ ગાલાના રેમ્પ પર છો તો તમે ફેશન જગતના દરેક વ્યક્તિની નજરમાં છો. કેમકે આ ઇવેન્ટ કોઈ સામાન્ય ફેશન પરેડ નથી અહીં તમારી સઁસ્કૃતિને તમે ઇતિહાસમાં સ્થાન અપાવો છો.અને એટલે જ મેટ ગાલામાં ઉતરનાર દરેક વ્યક્તિ, લોકોને આકર્ષિત કરવા અવનવા લૂક અપનાવી વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે. આપણા કારીગરોની મહેનત અને કળાનો વારસો ઇન્ટરનેશનલ સ્ટેજ પર પહોંચે એ દરેક ભારતીય માટે ગર્વ સમાન છે.
- જીજ્ઞા જોગીયા








