મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સ્પર્શ...

- ફેસબુકથી હાર્ટબુક સુધી સાવ સચવાયેલી અને મૂંગી છતાંય ભીની ભાષા જો કોઈ હોય તો એ છે સ્પર્શની ભાષા...સ્પર્શ જેટલું બોલે છે જેટલી વાતો કરે

શતરંગ / સ્પર્શ...

- ફેસબુકથી હાર્ટબુક સુધી

સાવ સચવાયેલી અને મૂંગી છતાંય ભીની ભાષા જો કોઈ હોય તો એ છે સ્પર્શની ભાષા...
સ્પર્શ જેટલું બોલે છે જેટલી વાતો કરે છે જેટલું કહી જાય છે એટલું સામર્થ્ય કોઈ પણ શબ્દો આજ સુધી કેળવી શક્યા જ નથી કદાચ ...
કેટલા પ્રકારના સ્પર્શ હોય છે!
વરસાદની મોસમમાં સાવ અચાનક આંખ પર પડતાં ટીપાંનો સ્પર્શ ! આહ નીકળી જ જાય એટલો આહલાદક....
કોઈની હથેળીમાં તમારું કે પછી તમારી હથેળીમાં કોઈનું એક આંસુ પડે એટલું સૌભાગ્ય પણ જો મળે તો કદાચ એ હથેળી દ્વારા થયેલ સઘળાય પાપ ધોવાઇ જાય!

કામની વ્યસ્તતા વચ્ચે કોઈ પતંગિયું ખભા પર આવીને બેસી જાય ત્યારે મશીન બની ગયેલ માનવજાત ને મળે રંગોનો સ્પર્શ …
ને સમીરની ઠંડી હળવી લહેરખી જાણે પોતાની સાથે લઈને આવતી હોય છે દૂર વસેલા કેટલાય પોતીકા લોકોના સ્પર્શના અહેસાસ અને સરનામા....
ક્યારેક મનમાં કોઈ ખોટ સાથે થતો સ્પર્શ બંદૂકની ગોળી કરતા પણ વધારે કણસાવે છે!
બળાત્કાર માટે ઉઠતો હાથ એ સ્પર્શનું કદાચ એકમાત્ર કલંક કહી શકાય...
સ્પર્શ વિશેનું શિક્ષણ કદાચ નાનપણથી જ આપવામાં આવે તો છોકરીની સલામતી વધી જાય અને રેપ નું પ્રમાણ નહિવત થઇ જાય!
અમુક નાજુક ઉમરે થતાં વિજાતીય આકર્ષણ રૂપી સ્પર્શ કઈ હદ સુધી સ્વીકાર્ય હોવા જોઈએ એનું શિક્ષણ પણ આપવું જ જોઈએ! સનાતન સત્યોની પણ સાબિતી માગતા બાળકો આ મોર્ડન સમયમાં જન્મે છે ત્યારે આજની આ તાતી જરૂરિયાત બની રહી હોય એવું મને લાગી રહ્યું છે! આકર્ષણથી શરૂ થઈને બેડ સુધી પહોંચી , કોન્ડમ પર પૂર્ણ થઈ જતાં સંબંધોને લાગણી અને પ્રેમના સ્પર્શની ભાષા સમજાય એ અત્યંત જરૂરી છે!

પ્રેમનું આલિંગન એટલે એક આગવી હૂફનો સ્પર્શ...
દોસ્ત પાસેથી મળેલી જાદુ ની જપ્પી એટલે સાવ નિસ્વાર્થ અને દુનિયાનો કદાચ સૌથી વધારે પવિત્ર સ્પર્શ... સ્પર્શ બધું જ કહી દેતો હોય છે! નજીકના મિત્ર સાથે થતું હસ્તધૂનન અને બોસ સાથે થતું હસ્તધૂનન (hand shake) બંને માં જમીન આસમાનનો તફાવત જોવા મળે! જે હાથ તમારા ગજવા ની પહોંચ ના કારણે લંબાય અને જે હાથ મદદ કરવા એ બંનેની પરિભાષા અલગ હોય છે...
કારણકે સ્પર્શ એ હદયની લાગણીનો સંદેશાવાહક હોય છે! જે લાગણી મુક રીતે જ વ્યક્ત થઈ જતી હોય છે! કયા સ્પર્શમાં સ્વાર્થ ને સ્થાન છે અને કયા સ્પર્શમાં લાગણીને એ આપણે કશું કર્યા વગર સાહજિક રીતે જ પારખી જતા હોઈએ છીએ અને જો પારખી ના શક્યા હોય તો પારખતા શીખવું જોઈએ !

ભલેને કઈ પણ હોય! જમાનો બદલાઈ ગયો હોય તોય એક હસતી રમતી કુદતી સ્વતંત્ર અને સાહજિક સ્ત્રીને પણ ક્યારે હસ્તમેળાપ વખતે પ્રિયનો સ્પર્શ થાય ત્યારે ધ્રુજારીનું ઘોડાપૂર આવી જતું હોય છે એ જ રીતે સિંદૂર પૂરવા માટે આગળ વધેલા હાથનો સ્પર્શ ધબકાર ચુકાવી દેતો હોય છે!
એ જ રીતે પ્રેમમાં પડેલી સ્ત્રીને ઉતેજના અપાવતા સ્પર્શ કરતા વધારે પ્રિય સ્પર્શ હૂફ , વહાલ અને સલામતીનો હોય છે ! 
કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાના પ્રિય પુરુષના માથા પર વહાલથી હાથ ફેરવે ત્યારે એ સ્પર્શ ખરેખર પૌરુષત્વને વહાલ કરતા શીખવતો હોય છે કે પછી કોમળતા બક્ષતો હોય છે! ત્યારે કદાચ એને પોતાની માં જ દેખાતી હોય છે!
સ્પર્શની ભાષા શ્લોકથી પણ વધારે વિસ્તૃત અને પવિત્ર છે સ્પર્શ એટલે પૂજા! જે સ્પર્શમાં શાંતિ હોય , હૂફ હોય , સલામતી હોય , પ્રેમ હોય , વ્હાલ હોય , આનંદ હોય ત્યારે એમાં ઈશ્વરનો સાક્ષાત વાસ હોય છે!
એ જ રીતે જે સ્પર્શમાં માત્ર અર્થ વગરની ઉતેજના હોય,
લાભ હોય કે સ્વાર્થ હોય એવા સ્પર્શ "સ્પર્શની ભાષા" ને બદનામ કરવામાં સિંહફાળો પ્રદાન કરતા હોય છે જે કદાચ આપણે અત્યારે સૌથી વધારે જોઈ શકીએ છીએ!
આજ ના સમયનાં , જનરેશન ગેપની વચ્ચે , સ્પર્શ એ કદાચ સૌથી વગોવાયેલ શબ્દ હોય તો એ સાહજિક રીતે સમજી શકાય પણ સ્વીકારી ના શકાય!
ચાદરના જે ભાગમાં ડાઘ હોય એને કાપીને ફેંકી દેવો સારો ચાદર વગોવાય તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી સમજદારીની નિષ્ફળતા ને પણ વાજતગાજતે સ્થાન મળતું હોય છે!

તમને બધાને હુંફ , વ્હાલ અને પ્રેમથી તરબોળ સ્પર્શ મુબારક

- પ્રેરણા દવે

આ સમાચાર શેર કરો