મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ટીનુ આનંદઃ સત્યજીત રાયના શિષ્ય, સિધ્ધાર્થના અંકલ

- ફિલ્મગાથા 'દુનિયા મેરી જેબ મેં' ફિલ્મમાં અમિતાભ બચ્ચન કામ કરવાના હતા પણ… આ

શતરંગ / ટીનુ આનંદઃ સત્યજીત રાયના શિષ્ય, સિધ્ધાર્થના અંકલ

- ફિલ્મગાથા

'દુનિયા મેરી જેબ મેં' ફિલ્મમાં અમિતાભ બચ્ચન કામ કરવાના હતા પણ…

આમ જૂઓ તો અમિતાભ બચ્ચનના ત્રણ આઇકોનિક ડાયલોગ છે: ડોન કો પકડના મુશ્કિલ હી નહીં, નામમુકિન હૈ (ડોન, ૧૯૭૮), હમ જહાં ખડે રહેતે હૈ, લાઈન વહીં સે શુરૂ હોતી હૈ (કાલિયા, ૧૯૮૧) અને રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ (શહેનશાહ, ૧૯૮૮).

આ ત્રણ પૈકીની બે ફિલ્મો કાલિયા અને શહેનશાહના ડિરેકટર એક જ છેઃ ટીનુ આનંદ. ટીનુ આનંદની ઓળખાણ આજની પેઢીને આપવી હોય તો એમ અપાય કે શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મના ડિરેકટર સિધ્ધાર્થ આનંદના તેઓ ભાઈજી થાય. સિધ્ધાર્થના પિતા બિટ્ટુ આનંદ ટીનુ આનંદના નાના ભાઈ થાય. જો કે આ આખું ખાનદાન જ ફિલ્મ કનેકશન ધરાવનારું છે. રાજકપૂરની 'આગ'થી કમલ હાસનની 'એક દૂજે કે લીએ' અને ‘સંગમ’થી ‘શહેનશાહ’ સુધીની બાસઠ ફિલ્મો લખનારા ઈન્દર રાજ આનંદ ટીનુ-બિટ્ટુના પિતા થાય. ટીનુ આનંદે શહેનાઝ સાથે પ્રેમલગ્ન કર્યા (તેમને ઈશા-દીક્ષા નામની બે દીકરી છે) હતા. આ શહેનાઝ પ્રસિદ્ધ અભિનેતા આગાના પુત્રી. એ રીતે જોઈએ તો જલાલ આગા ટીનુ આનંદના સાળા થાય.

હિન્દી સિનેમામાં ટીનુ આનંદ ખાસ તો અમિતાભ સાથે કરેલી શહેનશાહ, કાલિયા, મેજરસા’બ અને મૈં આઝાદ હું જેવી ફિલ્મોથી જ વધુ યાદ રહેવાના છે પણ ખરેખર તો તેમના નામ સાથે સિનેમાનું એક પ્રચંડ નામ પણ જોડાયેલું છે: સત્યજીત રાય.

વિદેશમાં ભારતીય સિનેમાની સૌથી પહેલી ઓળખ બનેલાં સત્યજીત રાયને ટીનુ આનંદ આસીસ્ટ કરતા હતા. રાયની સીમાબધ્ધ, પ્રતિદ્વંદી, ગોપી ગાએ, બાઘા ગાએ જેવી ચાર ફિલ્મોમાં ટીનુ આનંદે તેમના શિષ્ય (આસીસ્ટન્ટ ડિરેકટર) તરીકે કામ કર્યું હતું અને એ પછી હિન્દી ફિલ્મ 'દુનિયા મેરી જેબ મેં (૧૯૭૯)' થી ડિરેકટર તરીકેની તેમની કારકિર્દીની શરૂઆત થઈ. જો કે ટીનુ આનંદની અભિનય યાત્રા તો એ પહેલાંથી શરૂ થઈ ગઈ હતી અને હજુ (તેમણે ૧૯૨ ફિલ્મોમાં નાનામોટા પાત્રો ભજવ્યાં છે) ચાલી રહી છે પણ પહેલી ફિલ્મ 'દુનિયા મેરી જેબ મેં' વખતે ગજબની ઘટના બની હતી.

આ ફિલ્મ બિટ્ટુ આનંદે પ્રોડયુસ કરી હતી. મોટો ભાઈ ટીનુ આનંદ એ ડિરેકટ કરવાનો હતો. આનંદ ફેમિલી કપૂર પરિવાર સાથે અંગત સંબંધ ધરાવતું હતું એટલે દોસ્ત બિટ્ટુની ફિલ્મમાં ઋષિ કપૂર પૈસા લીધા વગર કામ કરવાનો હતો. તેણે ટીનુ આનંદને કહ્યું કે ફિલ્મમાં મારા મોટાભાઈ તરીકે અમિતાભ બચ્ચનને લો તો ફિલ્મની વેલ્યૂ વધી જશે. વાત પણ સાચી હતી એટલે ટીનુ આનંદ અમિતાભ બચ્ચનને મળવા 'પ્રતિક્ષા' બંગલે ગયા. અમિતાભ બચ્ચન 'શોલે'ના શૂટિંગ માટે બેંગ્લોર જઈ રહ્યા હતા એટલે જાતે સામાન પેક કરતાં-કરતાં તેમણે કહ્યું કે શૂટિંગમાંથી પાછા ફરીને આપણે ફરી મળીએ. એ વખતે બધું (કોન્ટ્રાકટ, તારીખ, પૈસા વગેરે) નક્કી કરી લઈશું.

વાત સ્ટેન્ડ બાય મોડ પર આવી ગઈ. દરમિયાન ઋષિ કપૂરને અંગત લોકોએ સલાહ આપી કે 'દુનિયા મેરી જેબ મેં' ફિલ્મમાં અપાહિજનો રોલ કરીને અમિતાભ બચ્ચન એકટિંગમાં તને ખાઈ જશે... હવે ઋષિ કપૂર ઈચ્છતાં હતા કે ફિલ્મમાં અમિતાભ બચ્ચનની બદલે કોઈ બીજા અભિનેતાને લેવામાં આવે. આખરે કાકા શશી કપૂરનું નામ પણ તેણે જ સૂચવ્યું. શશી કપૂર ભત્રીજા ઋષિ કપૂરના(ફિલ્મી) ભાઈ બનવા તૈયાર થયા પરંતુ તેમની એક જ શરત હતી: તેઓ દરરોજ માત્ર સવારે સાતથી નવનો, બે કલાકનો સમય જ શૂટિંગ માટે આપશે...

એ જમાનામાં શશી કપૂર દરરોજ ચાર-પાંચ ફિલ્મના શૂટિંગ કરતા અને બધાને બે-બે કલાક જ ફાળવતાં. શરત મંજૂર રાખ્યા વગર છૂટકો નહોતો. સામા પક્ષે ઋષિ કપૂરની વાત કલિયર હતી કે હું સવારે દશ પછી જ શૂટિંગ કરવા આવીશ... ટીનુ આનંદ તો ડિપ્રેશનમાં આવી ગયેલાં કારણકે સત્યજીત રાય સાથે કામ કરતી વખતે તેમણે જોયલું કે, શૂટ હોય કે ન હોય, શૂટિંગ વખતે બધા કલાકારોએ સેટ પર જ રહેવું પડે એવી સત્યજીત રાય બાંહેધરી લેતા હતા. તેમની ફિલ્મના શૂટિંગ વખતે આખી સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહેતી જયારે 'દુનિયા મેરી જેબ મેં' ફિલ્મમાં બે ભાઈઓ બનેલાં અભિનેતા એકસાથે સેટ પર ભેગા થતા જ નહોતા. આ કારણે જ ટીનુ આનંદની ફિલ્મ લગભગ ચાર વરસે પૂરી થઈ હતી. ('શોલે' ૧૯૭૫ માં રિલીઝ થઈ હતી અને 'દુનિયા મેરી જેબ મેં' ૧૯૭૯માં રિલીઝ થઈ).

“મને મારા ડિપ્રેશન અને મુસીબતમાંથી વિરૂ દેવગન (અજય દેવગનના પિતા) એ બહાર કાઢેલો!' એક ઈન્ટરવ્યુમાં ટીનુ આનંદે કહેલું. ફાઈટ માસ્ટર વિરૂ દેવગને જ તેમને કહેલું કે સત્યજીત રાયને ભૂલી જાવ. આ હિન્દી ફિલ્મો છે. અહીં આ રીતે જ કામ થાય. તમે બન્ને અભિનેતાના ડુપ્લીકેટની પીઠ દેખાડીને શૂટિંગ કરી લો.

- અને એ જ રીતે 'દુનિયા મેરી જેબ મેં' ફિલ્મ પૂરી થઈ. એ જ ટીનુ આનંદ કાલિયા-શહેનશાહ પછી અમિતાભ સાથે 'મૈં આઝાદ હું' બનાવી જે, સદંતર ફલોપ ગયેલી પણ તેઓ પોતાના પૌત્ર-પૌત્રીને એમ જ કહે છે કે કાલિયા-શહેનશાહ નહીં જૂઓ તો ચાલશે પણ 'મૈં આઝાદ હૂં' જૂઓ. એ ફિલ્મ માટે મને ગૌરવ છે. 'મૈં આઝાદ હું' એક આર્ટ મૂવીની જેમ બનાવવામાં આવેલી. તેમાં અમિતાભ બચ્ચન એંગ્રી યંગમેન નહોતા, પણ લાચાર પાત્રમાં હતા. નક્કી એવું થયેલું કે આ ફિલ્મને મુંબઈમાં માત્ર એક જ થિયેટરમાં રિલીઝ કરવી અને માઉથ પબ્લિસીટી પછી વધુ સ્ક્રીન પર મૂકવી પણ...

પ્રોડયુસરો માન્યા નહીં. તેમણે 'મૈં આઝાદ હું' એકસાથે મુંબઈના ત્રીસ થિયેટરમાં રિલીઝ કરી. પરિણામે? ફિલ્મનો ધબડકો થયો હતો.

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો