મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ટિફિન ટોળી

- નાગણ નોકરી નાગણ નોકરી કરતા કરતા ને બૂમ બરાડા પાડતા પાડતા જીવતી કર્મચારીઓની જમાત રજાઓ સિવાયની મઝા શોધી લેવા માટે ટિફિન ને લંચ બ્ર

શતરંગ / ટિફિન ટોળી

- નાગણ નોકરી

નાગણ નોકરી કરતા કરતા ને બૂમ બરાડા પાડતા પાડતા જીવતી કર્મચારીઓની જમાત રજાઓ સિવાયની મઝા શોધી લેવા માટે ટિફિન ને લંચ બ્રેકના સહારે હોય છે. સવારે પંચ કરે ત્યારથી લઈને બપોરના લંચની રાહમાં હોય. બહુ સીધું ગણિત છે. આઠ કલાક કામ કરતા કર્મચારીઓ સવારે એન્ટ્રી મારે ત્યારે ચા કૉફીની રાહમાં હોય. એ પતે એટલે જમવાની રાહ. જમ્યા પછી તો બસ હમણાં છૂટ્યા!   ટિફિન ટોળી પર તો એક લેખ નહિ, અલાયદી કોલમ થાય! દુનિયાભરની ઑફિસમાં ટિફિનના ડબ્બાઓ ખૂલે ને જે વાનગીઓનો રસથાળ મળે એ મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટને છોભીલા પાડવા માટે પૂરતો હોય છે. તમે ખાલી એ નઝારો જુઓ ને તો સાત, આઠ કે દસ લોકો ત્રણ ચાર કે પાંચ ડબ્બા સાથે બેસે. દરેકના ડબ્બામાંથી અલગ અલગ શાક ને એ શાકમાંથી અલગ અલગ જગ્યાએથી નીકળતું તેલ ભેગું થાય ને તો એકાદ ઉઝબેકિસ્તાન વાળા કૂવો ભરી શકે!!   થોડી વાર થાય ત્યાં સફેદ રૂમાલમાંથી ઢંકાયેલી રોટલીની થપ્પી એમ બહાર આવે જાણે હોસ્પિટલમાં તાજુ જન્મેલું બાળક બહાર આવે. એને હાથમાં ઊંચકતા જીવ ન ચાલે!! એમ થાય વીટીને પાછી મોકલી દઈએ, આટલા પ્રેમથી ભરાયેલી રોટલીને મોઢામાં થોડી નખાય બાપ! પછી વિચાર આવે કે આવી ફિલોસોફી કરવા બેસીએ એના કરતા મોંઘા માંયલી કિલો કૉફી ખરીદી શકીએ એટલા રૂપિયા કે પગાર જોઈશે એટલે આ રોટલી મોઢામાં મૂકીએ કે ન મૂકીએ, પેટમાં પધરાવી દેવી આવશ્યક છે!!   થોડી વાત જે સુગંધ પ્રસરી જાય ઑફિસમાં જો કોઈ અત્તર વાળો આવે તો હોશમાં રાખવો અઘરો થઈ જાય!! ગુજરાતીઓની ઑફિસના લંચ બ્રેકમાં જાવ એટલે જાતભાતના ફરસાણથી લઈને મીઠાઈ સુધી બધું જ મળી રહે ને સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય જાવ તો છપ્પન ભોગ મળે પણ છાશ ન મળે!! દહીં છાશ સાથે મંગાવીએ તો એવું પૂછે કે દહીં છાશ બેઉ જોઈએ? મેં તો એક વખત કહી દીધું કે ભાઈ/બહેન તું સમજે છે શું? દહીં છાશ બેઉ જોઈએ એટલે શું એમ, જેમ ડાબી જમણી એમ બેઉ આંખો જોઈએ તને એમ દહીં છાશ જોઈએ અમને કાઠિયાવાડી પ્રજાને. બેઉના ગુણધર્મ અલગ છે ને બેઉના સ્વાદ પણ તને નહિ સમજાય!! આ કોઈ ઓપ્શન છે? અમે જમણવારમાં ચાર જાતની છાશ રાખીએ, સાદી મસાલા વાળી ને બીજી બે ચાર ને તને દહીં છાશ બેઉ સરખા ભાસે છે?   બીજી એક છોકરી આવીને કહે કે લે તમે તો રોજ છાશ પીઓ છો!! અરે ડફોળ ડાકણ, હું કંઈ દારૂ ઢીંચુ છું? રોજ નહિ સવાર, બપોર, સાંજ અને રાત ચાર ટાઈમ છાશ હોય અમારે ત્યાં!! અમે તને પૂછ્યું કે તું રોજ ચાના કપમાં ઇન્જેક્શન કેમ લે છે?!!   ટિફિન ટોળી એટલી સ્માર્ટ હોય છે કે છેલ્લે જે કંઈ વધ્યું હોય એની વાનગી બનાવીને એને ભેળનું નામ આપે. એ ખાવામાં જે સ્વાદ આવે, આહા. કોઈનું શાક વધ્યું હોય તો કોઈના પાપડ, મમરા તો અમારે ફર્સ્ટ એડ કીટ જેવા, ભેગા ને ભેગા હોય ગમે ત્યારે કામ લાગે. લંચ બ્રેકના વધેલા ખોરાકના ઑફિસમાં જેટલા કોદા થાય ને એટલા તો શેર માર્કેટમાં સોદા પણ નહિ થતાં હોય!!    દુનિયાભરના નવા નવા ટિફિન બોક્ષ, ડબ્બાઓ, વાનગીઓ, અલગ અલગ ટાઇપના સિલ્વર ફોઇલ ન વાપરવા માટેના ઓપ્શન્સ (ગરીબ નોકરિયાત યુ નો), છાશની જાત જાતની બોટલ, યુઝ એન્ડ થ્રો ડબ્બાઓ કે ડબ્લીઓનો અમર્યાદિત યુઝ આ બધું જોવું હોય તો નાગણ નોકરી કરતા નિર્દોષ કર્મચારીઓના લંચ બ્રેકને માણવો પડે!! અરે ટિફિનમાં જતી ચમચીઓના ખોવાઈ જવાની ફરિયાદો થાય ને તો એકાદ રાજ્યની પોલિસ ટીમ ટૂંકી પડે! જેટલા પણ પડીકા વાળા ભૂંગળા કે ભૂંગળાના કહેવાતા ભાઈઓ બહેનો, ભૂંગળાના વિદેશી કઝિન ફ્રાઇમ્સ લંચ બ્રેકમાં વેચાતા હશે ને એના હિસાબ રાખવા CA રાખવા પડે!!   મોટાભાગે ટિફિન ટોળીમાં મેનેજર કે બોસ શામેલ નથી હોતા એટલે ટિફિનના શાક બનતું વખતે જેટલો ધૂમાડો ન થયો હોય એટલો બળાપો જમતી વખતે બોસ પર નીકળે!! આને ય વિચારો તો ખરા કે એ જમ જેવો કે કેવી સામે ખાવા સમયે બેસે તો ગળેથી કોળિયો કેમનો ઉતરે!!   એ કેટલા વાગે આવ્યોથી લઈને અટાણે કે કટાણે કોને ખખડાવી રહ્યો છે સુધીની દરેક ખબર ટિફિન ટોળીને જમતી વખતે મળે. મેનેજર કે બોસને ટેબલ પર છાપું પાથરીને એકલા એકલા ખાતો જોઈને કર્મચારીઓની આંતરડી ઠરતી હોય છે કે જો તું આમ એકલો ખાવાને લાયક જ છે!! કેમકે ગરીબ નોકરિયાત બિચારો સાથે મળીને ખાવું, જમવું એ લક્ઝરી છે એવું માનતો હોય છે ને જે પરિવાર સાથે રવિવાર સિવાય મળતી નથી એટલે આસપાસના લોકોમાં પરિવાર શોધીને એ કમનસીબીને ભૂલવાની કોશિશમાં હોય છે.   જેટલી પરાણે નોકરી કરતા હોય એટલા જ ઉત્સાહમાં લંચ બ્રેક માણતાં કર્મચારીઓ જોવા હોય તો આવો કભી ઑફિસ પર!! નોકરી નાગણ નહિ, નાગણને પણ વ્હાલી લાગે નોકરી એવો માહોલ હોય.   - સ્નેહલ તન્ના 

આ સમાચાર શેર કરો