મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આવી રીતે 'ફાધર્સ ડે' ઉજવવાની શરૂઆત થઈ

- પન્ના પલટીએ તાજેતરમાં જ આપણે 'ફાધર્સ ડે'ની ઉજવણી કરી. દર જૂન મહિનાના ત્રીજા રવિવારે આપણે આ દ

શતરંગ / આવી રીતે 'ફાધર્સ ડે' ઉજવવાની શરૂઆત થઈ

- પન્ના પલટીએ 

તાજેતરમાં જ આપણે 'ફાધર્સ ડે'ની ઉજવણી કરી. દર જૂન મહિનાના ત્રીજા રવિવારે આપણે આ દિવસ મનાવીએ છીએ. સોશિયલ મીડિયા પર પિતા સાથેના ફોટોઝ મૂકીને, તેમના માટે કવિતા, લખાણ લખીને, તેમની સાથે સેલિબ્રેશન કરીને આપણે આ તહેવાર દર વર્ષે મનાવતા હોઈએ છીએ. પણ શું આપણે એ જાણીએ છીએ કે, 'ફાધર્સ ડે'ની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?

19મી સદીના છેલ્લા દાયકાની વાત છે. અમેરિકામાં આ સમયે લોકોમાં દારૂનું સેવન અતિશય વધી ગયું હતું. ઘણા બધા ઘરો ઉજડી ગયા હતા. 'એવરીબડી વર્ક્સ બટ ફાધર' જેવા ગીત ખૂબ પ્રચલિત થયા હતા જેમાં દારૂડિયા બાપ અને તેના કારણે ઘર-પરિવારને ભોગવવી પડતી બદહાલીની વાત કરવામાં આવી હતી. આવા જ સમયમાં એક પરિવારમાં વિલિયમ સ્માર્ટ અને તેની બીજી પત્ની એલેન છ બાળકો સાથે રહેતા હતા. 1898માં જ્યારે ઘરની સૌથી મોટી દીકરી સોનેરા 16 અને સૌથી નાનો દીકરો થોમસ 7 સાત વર્ષના હતા, માતા એલેન મૃત્યુ પામી. આ છ બાળકો એલેન અને વિલિયમના હતા. આ ઉપરાંત બંનેને પોત-પોતાના પ્રથમ લગ્નથી ત્રણ-ત્રણ બાળકો હતા. આમ, કુલ એક ડઝન બાળકોની તમામ જવાબદારી એકલા વિલિયમ પર આવી ગઈ. સૈન્યમાંથી સેવાનિવૃત્ત થઈ ચૂકેલા વિલિયમ માટે આ પ્રસંગ અને બોજ દારૂડિયા બની જવા માટેનું શ્રેષ્ઠ બહાનું હતું પરંતુ તેણે એમ ન કરીને બાળકોના જીવનને શણગારવાનો નિર્ણય કર્યો. 

પિતાના અથાક સંઘર્ષ અને મહેનતનું પરિણામ એ આવ્યું કે, સમય જતા તમામ બાળકો પોતપોતાની રીતે સારી રીતે નોકરી-ધંધે વળગી ગયા. સૌથી મોટી દીકરી સોનેરાએ એક કવિ, કલાકાર, ફેશન ડિઝાઈનર અને બિઝનેસવુમન તરીકે જીવનમાં મોટું નામ અને પૈસા કમાયા. તેને એ દિવસ વારંવાર યાદ આવતો જ્યારે તેની માતાને દફનાવામાં આવી હતી અને બધા બાળકો ઉદાસ હતા. આવામાં જ્યારે સૌથી નાનો થોમસ રડતો હતો અને સૂતો નહોતો ત્યારે તેના પિતા વિલિયમે આખી રાતે તેને હાલરડાં ગાઈને શાંત કરી સૂવડાવ્યો હતો. સોનેરા પોતાના પિતાને ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અને મજબૂત માણસ માનતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'તેમની પાસે જવાબદારીઓમાં ભાગી છૂટવાના તમામ બહાના હતા પણ તેમણે એમ ન કરીને પૂરી મહેનતથી પોતાની જવાબદારીઓને પૂરી કરી અને અમને ઉડવા માટે પાંખો પૂરી પાડી.'

અમેરિકામાં 1905ની સાલથી મધર્સ ડેની ઉજવણી શરૂ થઈ. આનાથી પ્રભાવિત થઈને સોનેરાએ સ્થાનીક ચર્ચમાં પોતાના પિતાના સમર્પણની વાત મૂકી અને તેમની યાદ અને માનમાં ફાધર્સ ડેની ઊજવણી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી. પહેલા થોડા વર્ષ સ્થાનીક સ્તરે ઉજવણી થયા બાદ સરકારે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારને 'ફાધર્સ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી.

આપણે જ્યારે આટલા સુંદર દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે તે કોના અને કેવા કાર્યોથી શરૂ થઈ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. વિલિયમ સ્માર્ટ જેવા તમામ પિતાઓ અને સોનેરા જેવી તમામ સંતાનોને મોડેથી હેપ્પી ફાધર્સ ડે.

(ઉપરોક્ત આર્ટિકલના થોડાક અંશ જાણીતા હિન્દી લેખક અશોક પાંડેના એક આર્ટિકલમાંથી લેવામાં આવ્યા છે.)

- આગંતુક 

આ સમાચાર શેર કરો