શતરંગ / જુલાઈમાં જન્મદિવસની જમાવટ કરતા ભારતીય ક્રિકેટના ત્રણ મહાન સ્તંભ
- ફ્રી હિટ એવું બહુ ઓછું બનતું હોય છે કે એક મહિનામાં ત્રણ-ત્રણ મહાન વ્

- ફ્રી હિટ
એવું બહુ ઓછું બનતું હોય છે કે એક મહિનામાં ત્રણ-ત્રણ મહાન વ્યક્તિઓના જન્મદિવસ આવતા હોય. તો ફક્ત ચાર દિવસના ગાળામાં જ ત્રણ મહાન વ્યક્તિઓ જન્મી ગયા હોય એવું તો ક્યારે બને? એવું ત્યારે બને જ્યારે જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું ‘જઉં જઉં’ કરતું હોય અને બીજું અઠવાડિયું ‘આવું આવું’ કરતું હોય.
7, 8 અને 10 જુલાઈ એ ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પોતાની મહાનતા સાબિત કરી ચૂકેલા ત્રણ ક્રિકેટરોના જન્મ દિવસ છે. મજાની વાત એ છે કે જેનો જન્મદિવસ પહેલાં આવે છે એ ઉંમરના હિસાબે સહુથી નાનો છે જ્યારે જેનો જન્મદિવસ સહુથી છેલ્લે આવે છે તે ઉંમરમાં સહુથી મોટા છે.
જી હા! આપણે વાત કરી રહ્યા છીએ મહેન્દ્ર સિંહ ધોની, સૌરવ ગાંગુલી અને સુનીલ ગાવસ્કરની. 7 જુલાઈ એ ધોનીનો બર્થ ડે છે (થાલા ફોર અ રીઝન?), પછી બીજે જ દિવસે એટલેકે 8 જુલાઈએ પ્રિન્સ ઓફ કલકત્તા સૌરવ ગાંગુલીનો જન્મ દિવસ છે અને 10મી જુલાઈએ વિશ્વ ક્રિકેટના મહાનતમ ઓપનીંગ બેટર અને લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરનો જન્મદિવસ છે.
આ ત્રણેયની મહાનતા વિશે શંકા કરવી એ અશક્ય બાબત છે કારણકે આ ત્રણેયે ભારતના ક્રિકેટને અનોખી ઉંચાઈએ પહોંચાડ્યું હતું. ધોનીએ ભારતને બે-બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી, સૌરવ ગાંગુલીએ મેચ ફિક્સિંગના ડાઘ ધોઈને ટીમને લડાયક બનાવી તો સુનીલ ગાવસ્કરે 1983ના વર્લ્ડ કપના બે વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મીની વર્લ્ડ કપમાં સફળ કપ્તાની કરીને ભારતની વિશ્વ ચેમ્પિયનની ઈમેજ પર સિક્કો મારી બતાવ્યો હતો.
ધોની, ગાંગુલી અને ગાવસ્કર આ ત્રણેય કોઈને કોઈ સમયે ટીમ ઇન્ડિયાના કેપ્ટન બન્યા હતા અને ત્રણેયે ટીમને કોઈને કોઈ સિદ્ધિ અપાવી હતી. ધોની અને ગાવસ્કરની સિદ્ધિઓ વિશે આપણે ઉપર વાત કરી લીધી તો ગાંગુલીની કપ્તાનીમાં ભારતે એક સમયનો સહુથી અઘરો વનડે ટોટલ લોર્ડ્સના મેદાનમાં ચેઝ કરી બતાવ્યો હતો.
ધોનીએ ટીમ ઇન્ડિયાની કપ્તાની ત્યારે સંભાળી હતી જ્યારે 2007ના વર્લ્ડ કપનો શોક અને ગુસ્સો ક્રિકેટ ફેન્સમાં તાજો હતો અને ટીમ સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહી હતી. આવામાં સાવ નવી ટીમ અને રેગ્યુલર કોચ વગર ધોનીની કપ્તાનીમાં ભારતે સર્વપ્રથમ T20 વિશ્વ કપ જીતીને ફક્ત એક વર્ષ જૂના આઘાતને આનંદ અને ઉલ્લાસમાં પરિવર્તિત કરી બતાવ્યો હતો.
સૌરવ ગાંગુલીએ એવા સમયે ટીમની કપ્તાની કરી હતી જ્યારે ભારતીય ક્રિકેટને અપમાનિત થવામાં કશું જ બાકી રહ્યું ન હતું. અંગ્રેજીમાં પહેલી કહેવાય છે જે કે Make or Break જેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ હતી. જ્યારે કોઇપણ ટીમનો મોરાલ સહુથી નીચા તળિયે હોય ત્યારે તેમાં લડાયકવૃત્તિ લાવવી તો દૂર તેને બેઠી કરવી ખૂબ અઘરી હોય છે, પરંતુ ગાંગુલીએ એ કામ સફળતાથી કરી બતાવ્યું.
સુનીલ ગાવસ્કરે એવા સમયે ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરી જ્યારે વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ વિશ્વનાં બેટરોના ગાત્રો ધ્રુજાવી રહ્યા હતા. એવામાં વગર હેલ્મેટે આ બોલર્સનો ફક્ત સફળતાપૂર્વક સામનો જ ન કર્યો પરંતુ ગાવસ્કરે મોટાભાગની ટેસ્ટ મેચોમાં ટીમને એ ગેરંટી આપી કે જ્યાં સુધી હું ક્રીઝ પર છું તમારે હારનો ડર રાખવાનો નથી.
બેશક, આ ત્રણેયને તકલીફોમાંથી પણ પસાર થવું પડ્યું હતું. ધોનીને નવી ટીમ બનાવવાની હતી, ગાંગુલીને તેણે જ આમંત્રણ આપેલા કોચના હસ્તે ટીમમાંથી બહાર ફેંકાઈ જવાની નાલેશી ભોગવવી પડી હતી, તો ગાવસ્કરે ટીમમાં રહેલા જૂથવાદનો સામનો કરવો પડ્યો હતો.
પરંતુ, મહાનતા કોને કહેવાય? મહાનતાનો ટેગ એ જ હાંસલ કરે છે જે તમામ મુશ્કેલીઓનો વીરતાથી સામનો કરે છે અને તેમાંથી જીત મેળવે છે. ધોનીએ વછેરાઓની ટીમ બનાવીને બે વર્લ્ડ કપ જીત્યા. ગાંગુલીએ પણ લગભગ નવાસવા ખેલાડીઓને ટીમમાં લઈને અને તેમના પર વિશ્વાસ કરીને ટીમને વિદેશની ધરતી પર લડતી કરી. ગાવસ્કરે જૂથવાદનો સામનો ફક્ત પોતાના બેટથી જ નહીં પરંતુ પોતાની અક્કલથી પણ કર્યો.
આ ત્રણેયમાંથી ફક્ત સૌરવ ગાંગુલી પામતાં-પહોંચતાં પરિવારમાં જન્મ્યા હતા. જો કે એમાં તેમનો વાંક બિલકુલ ન હતો. ધોની અને ગાવસ્કર તો સાવ સામાન્ય પરિવારમાં જમ્યા હતા. અરે! ગાવસ્કર તો કદાચ ક્રિકેટ રમવાને બદલે મુંબઈના દરિયે માછલી પકડતા હોત જો તેમના મામા માધવ મંત્રીએ તેમને જન્મના થોડા દિવસ બાદ ઓળખી કાઢ્યા ન હોત.
આ ત્રણેયે ભારતીય ક્રિકેટની જે સેવા કરી છે એ ભાગ્યે જ કોઈ અન્ય ક્રિકેટરોએ કરી હશે. આ ત્રણેય કેપ્ટન તો બન્યા પરંતુ જ્યારે પણ ભારતીય ક્રિકેટને તેમની જરૂર પડી છે ત્યારે તેમણે બીજી ભૂમિકા પણ ભજવી છે. ગાંગુલી કોરોનાના કપરા સમયે BCCIના પ્રમુખ બન્યા હતા અને સફળ IPLનું આયોજન કરી ચૂક્યા છે. ગાવસ્કરે એક સમયે જ્યારે ટીમ કોચ વિહોણી હતી ત્યારે સેવા આપી ચૂક્યા છે અને ટીમના કન્સલ્ટન્ટની સેવા તો તેમણે વારંવાર આપી છે.
ખરેખર, અમુક જ તારીખોના અંતરે જન્મેલા આ ત્રણેય ક્રિકેટરોની મહાનતા અને તેમણે કરેલી ભારતીય ક્રિકેટની સેવા અદ્ભુત છે.
મહેન્દ્ર સિંહ ધોની, સૌરવ ગાંગુલી અને સુનીલ ગાવસ્કરને આપણે તમામ વાચકો તેમની ક્રિકેટની સેવા માટે ધન્યવાદ કરીએ અને સાથે મળીને તેમને કહીએ Happy Birthday to You All!!
- સિદ્ધાર્થ છાયા








