મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગામમાં એટલા ભૂવા પડ્યા? જેટલા યુવા સૂવા પડ્યા!!

- વટથી, હકથી ને હુકમથી પોણો ઈંચ વરસાદથી ફલાણી જગ્યાએ ચ

શતરંગ / ગામમાં એટલા ભૂવા પડ્યા? જેટલા યુવા સૂવા પડ્યા!!

- વટથી, હકથી ને હુકમથી

પોણો ઈંચ વરસાદથી ફલાણી જગ્યાએ ચાર મોટા ભૂવા પડ્યા ને ઢિકણી જગ્યાએ મોટો ભૂવો પડ્યો. છાશદહીંવારે આવા સમાચાર તમે ટીવીમાં જોતા હશો. આપણે જોતા હોઈશું એવું નહિ કહી શકાય કેમકે અમો આવા સમાચાર જોતા નથી, તમો જુઓ છો તો તમને જ કહેવું પડે ને ભૈસાબ!   ભૂવા પડવાના સમાચારથી વિચલિત થવાની જરૂર નથી. દેશમાં બનતી કોઈપણ ઘટના પાછળ હંમેશા લોજિક હોય છે. એ લગાડવાનું. ન લગાડી શકો તો બામ લગાડવાનું. લમણાજીક કરી હોય તો લગાડવું જ પડે ને! અમારા એક સાહેબ ભણાવતી વખતે કહેતા કે સમજાય તો લોજિક બાકી મેજિક. હું એમને કહેતી કે આ બેમાંથી એકેય ન થાય તો જીકમજીક. મને કહે રાજકારણી થઈશ, પણ જુઓ આ કોળમિસ્ટ થઈ! આ બહુ મોટો ભૂવો પાડ્યો મેં અહીં, અત્યારે પણ કાલે સવારે સમજાઈ જશે.    હા તો, આપણે ક્યાં હતા? પેલા રોડ પર જ્યાં દોઢ ડઝન ભૂવા પડ્યા. કોન્ટ્રાક્ટરે તો કીધું કે સાહેબ રોડ નહિ, ભૂવા બનાવું છું તો સાહેબે કીધું આપ મુંબઈ આ રહે હો. આઈ મીન આપ રાસ્તે બના સકતે હો, આઈલા બિગાડ સકતે હો. ના ના, કોઈ રસ્તા બગાડતું નથી. બિચારો કેટલા સારા રોડ બનાવે છે. હવે જો એમાં કોઈ સાઈકલ લઈને નીકળે તો થોડું ખમી શકાય સિમેન્ટ કે રેતીથી? એ દબાઈ ન જાય! રોડ બનાવતી વખતે કીધું જ હોય છે કે હળવા વહાનોએ છેટું રહેવું બાકી બે રોડ એકબીજાથી છેટા થઈ જશે જેને તમે ભૂવા કહેશો, આમ તો એને ભગા કહેવાય.   વાત એમ હતી કે આપણે લોજિકની વાત કરતા હતા. હવે તમે કહેશો કે ભૂવા પડે એમાં શું લોજિક. છે બાપા છે. લોજિક છે, તમને ને મને હજુ મળ્યું નથી એ અલગ મુદ્દો છે. ચાલો તો આપણે શોધીએ. જેમ અમદાવાદમાં બરફ ગોલા નહિ મળે એમ અહીં લોજિક નહિ મળે એવું નેગેટિવ નહિ વિચારતા. રાજકોટમાં સોડાથી ધોયેલા ગાંઠિયા મળે છે ને? બસ તો પછી ભૂવા પાડવા પાછળ ઉપ્સ ભૂવા પડવા પાછળ લોજિક પણ જડશે જ.    તમને ક્યારેય વિચાર આવ્યો કે આ ભૂવા પાડવા કે પડવા પાછળ કોઈનો હાથ નથી, કોઈનો વાંક નથી. કેમ સૂર્યની ગરમીથી નથી પડતા? થીજી જવાય એવી ઠંડીમાં એક પણ ભૂવો પડે છે? ચોમાસામાં, વરસાદ આવવાથી જ કેમ પડે છે? એનો અર્થ એ કે વાંક વરસાદનો છે, વાંક પાણીનો છે. વાંક એ સિઝનનો છે નામે ચોમાસું. તો શું થઈ ગયું કે અમે રેતી, કપચી, સિમેન્ટ, ડામર કે બીજા કોઈ ઇન્ગ્રેડીયન્ટ વડે રસ્તાઓ બનાવ્યા હોય; અમારા હૃદય જુઓ કેટલા પોંચા છે તો પછી અમારું કામ પણ થોડું ઢીલું તો હોય ને. અમે એવા કઠોર હૃદયના બની જ ન શકીએ કે અમારા રસ્તાઓ, રોડ એટલા મજબૂત બને. તમે મન મજબૂત રાખો ને મનોમન મક્કમ રહો. આવા ભૂવા પડે એમાં કંઈ ગભરાઈ જવાની જરૂર નથી. ભૂવા પડે, તમે પડો પણ અમારો ઈરાદો ઊભો જ રહેશે જે તમને કઠણ બનાવવાનો છે!   જુઓ મિત્રો, આ જીવન છે. જીવનમાં ખાડા ખોદે એ પડે ને ભૂવા કરે એ ચડે. ઉપર ચડે. જેમના બનાવેલા રસ્તાઓમાં ભૂવા પડે એમને એમનું કામ ફરી કરવાનો મોકો મળે. પ્રેક્ટિસ થાય. અનુભવ વધે. આવક.. આવક આવક શું કરો છો એ તો બાય પ્રોડક્ટ્ છે, મૂળ હેતુ તો એક વખત રોડ બની ગયા પછી ફરી એમાં સમારકામ થતું રહેવું જોઈએ એ છે જેથી મજૂરોને મજૂરી મળતી રહે ને એમના જીવનમાં ભૂવા "બુરાતા" (કે બુરા થા!!) રહે.    હવે એકાદ બે ઈંચ જેટલો જાજો વરસાદ પડી જાય તો ભૂવા ય પડે ને. એમાં આટલી હાઈહોઈ ને સમાચાર બનાવી દેવાની શું જરૂર હોય. એક ખાડો જ તો પડે છે. એવા તો અનેક ખાડાઓ છોકરીઓના ગાલમાં પડે છે ને કેટલાય જુવાનિયાઓ એમાં રોજ પડે છે ત્યારે તમે કોને ફરિયાદ કરવા જાવ છો? એ ખાડામાં તો પાણી પણ ન ભરાઈ શકે ને એમાં પડે એ તો પાછા ય નીકળી શકે, અમારા ભૂવામાં એવી ગેરંટી નહિ.   હું તો એમ કહું છું કે કોમ્પિટિશન રાખવી જોઈએ. કોના બનાવેલા ભૂવામાં ઓહ સોરી, કોના બનાવેલા રોડમાં સૌથી મોટા ભૂવા પડે છે ને પચી જુઓ પહેલા નંબર પર કેટલા લોકો વિજેતા બને છે. એ દરેક વિજેતાને ભૂવામાં ભરાતા પાણીથી નવડાવી નવડાવીને સન્માન પણ કરવું જોઈએ. પ્રતિ ભૂવો એક લાખ રૂપિયા ડોલર યુરોન્યુરોપ્યુરો પ્લસ અઢાર ટકા જીએસટી ઉમેરીને કેશમાં ઈનામ આપવું જોઈએ. કાળા નાણાનો કેટલો ઉચિત ઉપયોગ! ગણી જુઓ તો ગામમાં કેટલા ભૂવા પડ્યા? જેટલા યુવા સૂવા પડ્યા!!   - સ્નેહલ તન્ના  

આ સમાચાર શેર કરો