મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માણસ માટે એક જ કિંમતી ઘરેણું છે: સમય

- ચલ કહીં દૂર કેટલીક માન્યતા અનુસાર સમય શબ્દની પરિકલ્પના ગ્રીકથી શરૂ થઈ હોવાની માન્યતા છે. મૂળ

શતરંગ / માણસ માટે એક જ કિંમતી ઘરેણું છે: સમય

- ચલ કહીં દૂર

કેટલીક માન્યતા અનુસાર સમય શબ્દની પરિકલ્પના ગ્રીકથી શરૂ થઈ હોવાની માન્યતા છે. મૂળે ક્રોનોસ શબ્દ હતો જેનો અર્થ થાય છે, ક્રમબદ્ધ આયોજન. સમય સમજવા માણસ પાસે એક જ હથિયાર છે અને એ છે તેનો ભૂતકાળ. માણસ પોતાના સમયને ઓળખવા માટે તેના જીવનમાં બનેલી ઘટનાઓનો સહારો લેતો હોય છે.
 
માણસ માટે પણ સમય એક આશ્ચર્યની ઘટના છે. વિમલ મિત્રાની એક સરસ મજાની નિર્દોષ વાર્તા છે, વાર્તાના પ્રારંભમાં વિમલ મિત્રાએ વાર્તા વિષય પર લંબાણપૂર્વક લખ્યું છે. 
   
તેમના પિતાજી બાળકોને ભેગા કરીને રોજ સમય મળે ત્યારે વાર્તાઓ કહેતા. તેમના પિતાજી કલકત્તામાં નોકરી કરતાં અને શનિવારે ઘરે આવતા તથા સોમવારે સવારે નોકરી પર પરત આવે અને શનિવાર સાંજની તડપ રહેતી જેમાં વાર્તા સાંભળવા મળતી. ઉંમરના એક પડાવ પછી વિમલ મિત્રાએ વાર્તાસંગ્રહ બહાર પાડેલો, પિતા તથા દાદીને ખૂબ યાદ કરેલા. ઇવન તેમની વાર્તાઓ વાંચીએ તો દરેક વાર્તાઓમાં માતા પિતા દાદા દાદી સહિત સંબંધીઓના સ્મરણ જ વંચાય.

આપણે તેમણે કહેલી વાર્તાની વાત કરીએ. એક સાધુ અલગ અલગ ગામોમાં ફરીને જે મળે એ ભોજન કરે અને ઇશ્વરની આરાધના કરે. સાધુને કોઈ સગાવહાલા હતાં નહીં, હોય તો એના વિશે કશું બોલ્યા પણ નથી. પોતાની પાસે મિલકતના નામે એક લોટો હતો, જેમાં ચોખા કે એકાદ બે પૈસા હોય. કોઈ ભિક્ષા આપે તો પણ ખુશ અને ભિક્ષા ન મળે તો પણ ખુશ.

એક દિવસ રખડપટ્ટી કરતાં કરતાં નવો સાથીદાર જોડાયો, સાધુને આશ્વર્ય થયું કે મારી સાથે રહેવાથી આને શું મળશે? પણ તેમનો નવો સાથી જીદ્દી હતોને સાધુ સાથે જ રહેવું હતું. એ નવો સાથી હતો એક કૂતરો.

સાધુએ કૂતરાને સમજાવ્યો પણ માને એ બીજા. સાધુએ કૂતરાને પૂછ્યું કે તું મારી સાથે જ રહેવાનો છે? તો કૂતરાએ હા પાડી.

સાધુએ પાછું પૂછ્યું કે શા માટે તું મારી સાથે રહેવા માંગે છે? કૂતરાએ કહ્યું કે બસ, સાથે રહેવું છે એટલે સાધુએ ચેતવ્યો કે ભાઇ, દિવસો સુધી ભોજન નહીં મળે, રખડપટ્ટી રહેશે. ઠંડી ગરમી વરસાદ સહેવો પડશે. એના કરતાં મને છોડીને ચાલ્યો જા. પણ કૂતરો સાથે જ રહ્યો, સાધુની સેવા કરવામાં લાગી ગયો એટલે એક દિવસ સાધુએ પૂછ્યું કે આપણા વચ્ચે પૂર્વેના કોઈ સંબંધ છે? શા માટે મારી પાસે આવ્યો છે? 

કૂતરાએ જવાબ આપ્યો કે કોઈ સંબંધ નથી અને સાધારણ કૂતરો જ છું પણ મને ભગવાને મોકલ્યો છે. સાધુને આશ્ચર્ય થયું કે સાચે જ ભગવાને મારી પાસે મોકલ્યો છે, શું તેં ભગવાનને જોયા છે? 

કૂતરાએ કહ્યું કે અમને બધાને ભગવાને પોતાના હાથથી બનાવ્યા ત્યારે બધાને સમસ્યાઓ હતી. સાધુને કૂતરાની વાતમાં રસ પડ્યો.

કૂતરાએ કહ્યું કે ભગવાને હાથીને બનાવ્યો, તો હાથીએ કહ્યું કે મારે ભોજન કેવી રીતે કરવાનું? પગ તો એટલા જાડા છે કે એના થકી મોં સુધી ભોજન કેવી રીતે પહોંચે? મને હાથ આપો અને ભગવાને ઉદારતાપૂર્વક સૂંઢ આપી. એ જ રીતે વાઘને ભોજન માટે નહોર આપ્યા. ગેંડાને મજબૂત ચામડી આપી. ગાય, ભેંસ, વાનર, રીંછ, પક્ષીઓ, કીડાને એમની માંગ મુજબ અનુકૂળ ભેટ આપી. ફાઇનલી કૂતરાની વાત આવતા ભગવાનને પૂછ્યું કે અમારા ભોજન માટે શું મળશે? ત્યારે ભગવાને કહ્યું કે જે શક્તિશાળી હોય એની સેવા કરજે, એ જ તને ભોજન આપશે.

કૂતરાને લાગ્યું કે ધરતી પર હાથી સૌથી શક્તિશાળી છે એટલે એની સેવા કરીએ. હાથી સાથે રહેવાનું શરૂ કર્યું પણ એક દિવસ વાઘની ત્રાડ સાંભળીને હાથી ડરી ગયો અને સંતાઇ ગયો. કૂતરાને લાગ્યું કે હાથી કરતાં વાઘ વધારે શક્તિશાળી છે એટલે વાઘની સેવા કરવાનું શરૂ કર્યું. વાઘની સેવા કરવા લાગ્યો અને કોઈ નાનો અવાજ સાંભળીને વાઘ સતર્ક થઈ ગયો અને માણસને જોયો. માણસ શિકાર કરશે એ ડરે ગુફામાં ચાલ્યો જતાં ખબર પડી કે માણસ વધારે શક્તિશાળી છે. આ કારણે માણસની સેવા કરવા સાધુ પાસે પહોંચ્યો.

આખી વાત સાંભળીને સાધુ ખડખડાટ હસી પડ્યો અને થયું કે આ કૂતરાને તો કશી ખબર જ નથી. સાધુએ કૂતરાને કહ્યું કે ભાઇ હાથી વાઘથી ડરે કે વાઘ માણસથી ડરે એ વાત સાચી પણ માણસ કોનાથી ડરે છે એ તારે જાણવું જોઈએ. કૂતરાને આશ્ચર્ય થયું કે સૌથી શક્તિશાળી પ્રાણી માણસ પણ કોઇનાથી ડરે છે? કૂતરાએ સાધુને પૂછ્યું કે માણસ કોનાથી ડરે છે? માણસ જેનાથી ડરે છે એ સૌથી વધારે શક્તિશાળી હશે તો હવે એની સેવા કરવી જોઈએ.

સાધુએ કૂતરાને સમજાવ્યું કે માણસ કોઈ પ્રાણીથી ડરતો નથી, પણ માણસ ડરે છે એક ફક્ત સમયથી. સમયથી બળવાન આ જગતમાં કોઈ નથી.

કૂતરાએ પૂછ્યું કે સમય ક્યાં રહે છે, હું એની સેવા કરવા જઇશ... સાધુએ હસતા હસતા કહ્યું કે મારા સમગ્ર જીવનમાં હું સમયને શોધવા જ નીકળ્યો છું, તું પણ એને શોધ અને તને મળે તો મને જણાવજે. આપણે બંને સાથે તેની સેવા કરીશું.

કુછ સમજે? સમય સૌથી શક્તિશાળી પ્રાણી છે. જે માણસ સમયને સમજી શકે એ આપોઆપ બૌધત્વ પામી ગયો એવું કહેવાય. 

ભારતીય પરંપરામાં સનાતન ધર્મમાં સમય માટે અદભૂત વાત લખવામાં આવી છે. નાસદીય ઋગ્વેદમાંથી લીધેલા શ્લોક કે જેનો ઉપયોગ ભારત એક ખોજ સિરીયલ માટે કરવામાં આવ્યો હતો જેમાં વર્ણવવામાં આવ્યું છે કે સૃષ્ટિના પ્રારંભમાં સત્ય, અસત્ય, દિવસ અથવા રાત્રિ હતી નહીં. આજે પણ કોઈ રચયિતા સમયને જાણે છે કે કેમ એ પ્રશ્ન છે. સમયને ઓળખવો એ અત્યંત મુશ્કેલ છે. સમય એ ધરતી પર સૌથી કિંમતી ઘરેણું છે પણ મફતમાં મળેલા આ ઘરેણાંની કિંમત માણસજાત ક્યારેય સમજી શક્યો નથી. કમસેકમ આપણા સમયનો અંદાજ નથી પણ જે વ્યક્તિને તમે ચાહો છો એના માટે પૂરતો સમય ફાળવીને એની કિંમત કરી શકાય. સમય ક્યારેય કોઇની રાહ જોતો નથી અને સમય જ દરેક ઘટનાઓનો આરંભ અને અંત છે. માનવજીવનનો એકમાત્ર પૂરાવો પણ સમય જ છે. આ બધું માણસજાત જાણતો હોવા છતાં સમય વેડફવાનો એને જન્મજાત શોખ છે. માણસની ટચુકડી જિંદગીમાં સમય જ અસંખ્ય તકો આપે છે, આ કારણે જ માણસે બિનજરૂરી બાબતો માટે ના કહેવાની હિંમત કેળવવી જોઈએ. 

ભારતમાં એક અંદાજ પ્રમાણે પ્રતિદિન 152 મિનીટ રિલ્સ જોવામાં આવે છે.

- દેવલ શાસ્ત્રી

આ સમાચાર શેર કરો