મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મહાન માણસ બનવામાં માલ નથી!

- અસામાન્ય કશુંક પામવા માટે ધર્મગુરૂઓ કે બાવા-બાપુઓ કહે છે એમ નહીં, પણ એનાથી જુદી રીતે જ જીવવું પડશે.

શતરંગ / મહાન માણસ બનવામાં માલ નથી!

- અસામાન્ય

કશુંક પામવા માટે ધર્મગુરૂઓ કે બાવા-બાપુઓ કહે છે એમ નહીં, પણ એનાથી જુદી રીતે જ જીવવું પડશે.

સતત વરસાદનું ધાબળીયું વાતાવરણ હોય તો નેચરલી, સૂર્યપ્રકાશ કે એના તાપની ઝંખના જાગતી હોય છે. તમારી હાજરીનું પણ આવું જ હોય છે. જો તમે સતત અવેલેબલ રહો તો તમારી કિંમત ટીવીના કર્મશિયલ બ્રેક જેવી મહત્વહીન થઈ જાય છે. સતત ઉપલબ્ધ રહેવાથી બીજું નુકશાન એ થાય છે કે લોકો તમારા આંતર ગૂણ કરતાં બાહ્ય ગૂણ-અવગુણની નોંધ વધારે લેતાં થઈ જાય છે. દાખલા તરીકે, તેણે શર્ટ રિપીટ કર્યું છે કે મેડમનું બૅકલેસ બ્લાઉઝ એનું એ જ છે. તેણે દાઢી કરી નથી અથવા આજે બેબી જરા મૂડલેસ છે વગેરે...

ઇન શોર્ટ, તમારું વજન વધારવું હોય તો દૂરી બનાવી રાખવી આવશ્યક છે, એવું રોબર્ટ ગ્રીનની બેસ્ટસેલર બુક '૪૮ લોઝ ઓફ પાવર'માં કહેવાયું છે. રોબર્ટભાઈએ પોતાના આ પુસ્તકમાં ચિક્કાર સંદર્ભો, કૂવોટ, દાખલાઓ આપીને સમજાવ્યું છે કે શક્તિ (કે સફળતા) મેળવવા માટે તમારામાં ક્યા-ક્યા પાયાના ગુણધર્મ હોવા જોઈએ. પહેલો મંત્ર: બોસથી ચડિયાતા દેખાવાનો પ્રયત્ન ન કરો અને બીજો મંત્ર : શત્રુઓ પાસેથી પણ કામ લેતાં શીખો.

તમારે કશું પામવું હોય તો આપણા ધર્મગુરૂઓ કે બાવા-બાપુઓ કહે છે તેમ નહીં, પણ તેનાથી જુદી રીતે જ જીવવું જોઈએ. ઇનફેકટ, આપણે જીવીએ જ છીએ. રોબર્ટભાઈએ તેને માત્ર શબ્દસ્થ કર્યું છે. સેમ્પલ, તમારા ઈરાદા (દાનત કે ઉદ્દેશ) છૂપાવીને રાખો. જરૂર હોય તેનાથી ઓછું બોલો!… તમારા મૌનના કારણે જ બોલી રહેલી વ્યકિતને તમે ઝડપથી 'માપી' શકો છો.

શક્તિ કે સફળતા કયારેય ઊડતાં પક્ષીની જેમ આવીને ડાળે બેસવાની હોતી નથી એ સત્ય જો તમને કબૂલ હોય તો જ તમે શક્તિ કે સફળતાને લાયક હો છો. શક્તિ કે સફળતા એ નસીબનો ખેલ માત્ર નથી. નસીબથી તમે કદાચ, ટીમમાં સ્થાન મેળવો પણ ચૌકા-છક્કા તો તમારે જ મારવા પડે. રહી વાત સિલેકશનની.

તો એ માટે તમે ગમે તે કરી શકો છો.

સફળતાનું આવું જ હોય છે. તમારે લોકોને આકર્ષિત કરવાના પેંતરા શોધતા રહેવા પડે. મુશ્કેલીઓને 'રોકડી' કરતાં શીખવું પડે. વિવાદ ઊભા કરવાની કે ગેરહાજરીમાં ચર્ચા થાય એવું કશુંક તમને આવડવું જોઈએ અને એ બધા માટે… બીજાના કામનો જશ લેતાં શીખો. ઊપયોગી લોકોને સાચવતાં શીખો અને નકામાઓને લાત મારતાં રહેવાની આદત પાડો. મિત્ર થઈને રહો પણ કામ જાસુસની જેમ કરો અને દુશ્મનને નામશેષ કરી દેવાનું ઝનૂન વિકસાવો.

યાદ રાખો, તમે સીધાસાદા થઈને રહેશો તો કોઈ આવીને તમારા ખબરઅંતર પૂછવાનું નથી. સબ કી વાટ લગી હૂઈ હૈ, યાર. તમે તમારું જૂઓ. કોઈની મદદ માંગો ત્યારે તમારી મજબૂરી કે તકલીફ ઓછી, સામેવાળાનો સ્વાર્થ વધારે દેખાડો. લોકોને તમારા વિષે દુવિધામાં જીવવા દો. તમારી વર્તણૂંક કે જવાબ સામેવાળી વ્યક્તિ જાણતી હોય એ કેવું? અનપ્રિડીકટેબલ હોવું એ શક્તિમાન થવા માટેનો મોટો ગૂણ સંસ્કાર છે.

બાય ધી વે, તમને જો એમ લાગતું હોય કે તમે કોઈ અન્ય મહારથી જેવા બનવા માંગો છો તે એ ખ્યાલ દિલમાંથી કાઢી નાખો. કોઈના જેવા થવાનો અર્થ નથી અને મુશ્કેલ છે. સરળ છે, કંઈક જુદો માર્ગ પકડો. એ સહેલું અને તરત નજરે ચડે તેવું ગણાય છે.

- અને એ માર્ગે સફળ થવા માટે જે કરવું પડે તે કરો. લોકોને ફેન્ટસીઓમાં જીવાડીને તમારા કામ કઢાવી લો. લોકોની દુઃખતી રગ શોધીને સમય આવ્યે દબાવી પણ લો. જે મેળવી ન શકો તેનો તિરસ્કાર કરીને તેને નજરઅંદાજ' કરો. જરૂર જણાય ત્યારે ગોવાળને ખતમ પણ કરી નાખો, જેથી તેનું ઘણ તિતર-બિતર થઈ જાય. ન સમજાયું? અરે, રોબર્ટ ગ્રીન એમ કહેવા માંગે છે કે હરીફની મુખ્ય શક્તિ પર પ્રહાર કરો તો તેની આખી સેનામાં અંધાધૂંધી ફેલાઈ જાય. અનિવાર્ય લાગે ત્યારે સામી વ્યક્તિને તેની ઔકાત દેખાડવાની અને એ રીતે ક્રોધિત કરવાની કળા પણ શક્તિમાન થવા માંગતા હોય તેને આવડવી જરૂરી છે.

'૪૮ લોઝ ઓફ પાવર'માં આવી તો અનેક શોકિંગ લાગે તેવી પ્રેકટિકલ વાતો છે. એક મુદ્દો છે: બહુ આદર્શ દેખાવાની જરૂર નથી ! નાની-મોટી ભૂલો સ્વીકારી લેતાં શીખો. ફાયદા બે થશે. એક, માનવીય લાગશો અને બે, ઈર્ષાખોરો હતાશ થશે. આક્ષેપો, બદનામી અને કુશંકાના છાણાં હંમેશા નિટ એન્ડ ક્લિન ઇમેજ ધરાવનારાઓ પર જ થોપવાની મજા લોકોને આવતી હોય છે. હવે સમજાય છે, આખું જગત એમ શા માટે કહે છે કે સફળતા કે શક્તિ મેળવવી એ કંઈ મેકડોનાલ્ડના પિઝા મંગાવવા જેટલી સરળ વાત હરગીઝ નથી. એ માટે ઘણું બધું કરવું પડતું હોય છે!

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો