મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ભારતમાં ક્રિકેટ જેવું Soft Target બીજું એકપણ નથી!

- ટાઈમ આઉટ વૈશ્વિક રેન્કિંગમાં ફૂટબોલમાં ભારતીય ટીમ Top 100માં પણ નથી, વાંક કોનો? ક્રિકેટનો

શતરંગ / ભારતમાં ક્રિકેટ જેવું Soft Target બીજું એકપણ નથી!

- ટાઈમ આઉટ

વૈશ્વિક રેન્કિંગમાં ફૂટબોલમાં ભારતીય ટીમ Top 100માં પણ નથી, વાંક કોનો? ક્રિકેટનો!

ભારતમાં અન્ય સ્પોર્ટ્સના પ્રમાણમાં ક્રિકેટને વધુ મહત્વ આપવામાં આવે છે, વાંક કોનો? ક્રિકેટનો!

ભારતીયો ક્રિકેટ પાછળ ઘેલા છે અને તેને જ પોતાનો ધર્મ બનાવી લીધો છે, વાંક કોનો? ક્રિકેટનો જ સ્તો!

ભારતનું ક્રિકેટ બોર્ડ આટલું બધું ધનવાન છે, વાંક કોનો? ક્રિકેટનો જ અને જ!

ભારતમાં ક્રિકેટ જેવી મોટી બ્રાંડ બીજી એક પણ નથી. ભારતમાં ક્રિકેટ જેટલું વેચાય છે એટલું બીજું કશું જ નથી વેચાતું, રાજકારણીઓ પણ નહીં. ભારતમાં ક્રિકેટને કારણે લાખો લોકો આડકતરી રીતે રોજગારી કમાય છે. ભારતમાં દર ચાર રસ્તે આવેલા પાનના ગલ્લા પર રાજકારણથી પણ વધુ સંખ્યામાં લોકો ચર્ચા કરતા હોય તો તે ક્રિકેટની જ હોય છે. 
તેમ છતાં, ભારતમાં ક્રિકેટ જેવું Soft Target બીજું એક પણ નથી. ભારતમાં ક્રિકેટ ગુજરાતનાં આદરણીય હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડના વનેચંદની જેમ Soft Target બની ગયું છે. જેમ કોઇપણ મેટર હોય વનેચંદ એમાં સામેલ હોય કે નહીં પણ તેની સ્કૂલના પ્રિન્સીપાલ જેમ વનેચંદને જ પહેલા મારવા માંડતા એમ ભારતની કોઇપણ સમસ્યા હોય તો દેશનાં નેગેટીવ લોકો પહેલો વાંક ક્રિકેટને જ આપીને તેને હંકારવા માંડતા હોય છે.

તાજું ઉદાહરણ છે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમે T20 World Cup જીત્યો ત્યારબાદ ટીમ અને કરોડો ક્રિકેટ ફેન્સે તેની કરેલી ઉજવણી. એમાં પણ મુંબઈના મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ પર લાખો ફેન્સ દ્વારા કરવામાં આવેલી સ્વયંભુ ઉજવણીથી આ નકારાત્મક માનવીઓને સખ્ખત ચાટી ગઈ છે. તેમને ભારતમાં ક્રિકેટની સમકક્ષ અન્ય સ્પોર્ટ્સ કેમ આગળ કેમ નથી આવતા તેનું ચિંતન નથી કરવું, કે તેના ઉપર કાર્ય નથી કરવું, તેમને ફક્ત ક્રિકેટને જ નીચું દેખાડવામાં મજા પડતી હોય છે. 

મરીન ડ્રાઈવની ઉજવણી વખતે જ આ લોકોને કારગીલના વીરગતી પ્રાપ્ત સૈનિકો, દેશનાં ગરીબો, દેશની સમસ્યાઓ અને ભીડ સમયની સુરક્ષા વ્યવસ્થાની અચાનક ચિંતાઓ થવા લાગી હતી. જે શબ્દોથી કે જે ભાષા દ્વારા આ ટીકા અથવાતો કહોને બળતરા સોશિયલ મીડિયા પર વ્યક્ત થઇ રહી હતી તેનાથી સ્પષ્ટ હતું કે આ લોકોને ક્રિકેટનો ક પણ નથી ખબર. 

કારણકે જો તેમને ક્રિકેટનો કક્કો ખબર હોત તો તેમને ખ્યાલ આવી ગયો હોત કે 17 વર્ષ બાદ T20 World Cup, 13 વર્ષ બાદ કોઇપણ ફોર્મેટનો વર્લ્ડ કપ અને 11 વર્ષ બાદ કોઇપણ ICC ટ્રોફી જીતવાનો આનંદ, ઉત્સાહ અથવાતો ઉમળકો શું હોય? એમને તો બસ ક્રિકેટની ટીકા કરીને રાત્રે જમીને આરામથી સુઈ જવું હતું અને એક પાશવી આનંદ માણવાનો સંતોષ માનવો હતો. 

આમાંથી અમુકને તો એવી ચિંતાઓ થતી હતી કે મરીન ડ્રાઈવની ભીડમાં ‘કશુંક થઇ ગયું હોત તો?’ કોઈને આવો રાક્ષસી વિચાર પણ કેમ આવે? શું આ લોકો ઘરના પ્રસંગ વખતે આવી કોઈ અપેક્ષા રાખતા હોય છે? ના! તો આ તો દેશનો પ્રસંગ હતો અને દેશ એમ અમારી મંજૂરી વગર કેમ આનંદ માણી શકે? એટલે ચાલો આપણે ખીરમાં મીઠું નાખી દઈએ! બસ આવી જ માનસિકતા તે દિવસે આ બધાની હતી.

બની બેઠેલા મહારાજો અને સંતોના સત્સંગમાં ધક્કામુક્કી થશે તો? એવી અપેક્ષા એ કાર્યક્રમ અગાઉ કેમ કોઈએ રાખી ન હતી? પણ આ તો ક્રિકેટ છે ને? આ તો ભારતે કોઈ વૈશ્વિક સન્માન મેળવ્યું છે ને? એટલે બે-ચાર મરે તો અમારા આર્ટીકલ્સ લખાય, અમારા વિડિયોઝ વાયરલ થાય કે ચારેક દિવસ માટે અમને સોશિયલ મીડિયામાં પડ્યા પાથર્યા રહેવાનું બહાનું મળી જાય.

જે લોકોએ ભીડમાં ‘કશુંક થવાની’ આશા રાખી હતી, તેમણે એ જ ભીડની પ્રશંસા આજ સુધી નથી કરી જેણે મરીન ડ્રાઈવ પર દર્દીને લઈને નીકળેલી એમ્બ્યુલન્સન્સ ફટાફટ રસ્તો કરી આપ્યો હતો. આનો વિડીયો એ ઘટનાની મિનિટો બાદ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ થઇ ગયો છે પરંતુ ધક્કામુક્કીની આશા રાખીને પોતાના રોટલા શેકવાની અપેક્ષા રાખતા લોકોએ આજ સુધી એ સમજુ ભીડની પ્રશંસા કરતાં બે શબ્દો નથી લખ્યા.

દેશ માટે વીરગતી પામનારાઓ માટેનું સન્માન અનોખું હોય છે. એક તરફ ગર્વની લાગણી હોય તો બીજી તરફ મન દુઃખી પણ હોય છે. આવામાં તમે લાખો લોકો વીરગતી પામનારની અંતિમ યાત્રા દરમ્યાન રસ્તાઓ પર ઉતરી આવે એવી અપેક્ષા ન રાખી શકો. શોક એક બહુ પ્રાઈવેટ લાગણી છે જે ફક્ત પોતાની સાથે કે કુટુંબીઓ સાથે વહેંચી શકાય છે. એવા ઘણા લોકો છે જે વીરગતી પ્રાપ્ત થવાના સમાચાર સાંભળ્યા પછી ભોજન પણ નથી કરતા હોતા, પણ એના માટે એમણે ઢોલ પીટવા જરૂરી નથી હોતા. 

પરંતુ એવું પણ નથી જેવો પેલા દુઃખી આત્માઓ દાવો કરતા હોય છે. ભૂતકાળમાં દેશ માટે જીવ આપી દેનારાઓની અંતિમ યાત્રામાં આપણે હજારો અને લાખો લોકોને જોયા જ છે. કારગીલ યુદ્ધમાં વીરગતી પામનાર સૈનિકોના સન્માનમાં દેશભરમાં કારગીલ ચોક કે ખાંભીઓ પ્રસ્થાપિત થયા જ છે. જેમ સફરજનના સ્વાદ અને નારંગીના સ્વાદની તુલના થઇ જ ન શકે એમ બે સાવ અલગ અલગ સ્વભાવની ઘટનાની તુલના કેવી રીતે કરી શકાય એ જ સમજણમાં આવતું નથી. 

એક કાયમી પ્રજાતિ એવી છે જે એવું માને છે કે જે ટુર્નામેન્ટમાં દસ-બાર ટીમો રમતી હોય એને શેનો વર્લ્ડ કપ કહેવાનો? ફરીથી સફરજન અને નારંગીની તુલના જેવી વાત છે. ચાલો દસ-બાર ટીમો સાથે ‘વર્લ્ડ કપ’ રમીને જીતી બતાવતી ટીમ વિશે તમને ટીકા કરવાનું ગમે છે તો દાયકાઓથી દોઢસોથી પણ વધુ દેશો દ્વારા રમાતા વર્લ્ડ કપમાં આપણી ટીમ રમવાનું તો દૂર ક્વોલીફાય કરવાથી પણ કેમ દૂર રહે છે એ વિશે ક્યારેય એ બોર્ડની ટીકા કરવાનું મન તમને થયું છે?

પહેલાં તો એ દલીલ જ ખોટી છે કે ક્રિકેટ ફક્ત દસ-બાર કે પંદર દેશો જ રમે છે. ICCની વેબસાઈટ ફંફોસવાની જહેમત લેશો તો તમારી આ દલીલ ભાંગીને ભુક્કો થઇ જશે. માત્ર અમેરિકામાં જ (અમુક અંશે જાપાનમાં પણ) રમાતી બેઝબોલની રમતમાં પણ ‘વર્લ્ડ સિરીઝ’ રમાય છે એની આ પ્રજાને ખબર છે? આ પ્રજાતિ ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ રમાતી (જે ક્રિકેટ પણ રમે છે હોં!) અને રગ્બી જેવી દેખાતી ફૂટી નામની રમત પાછળ આખો દેશ કેમ ગાંડો છે તે જાણે છે?

ના, કદાચ આવું તેમણે સાવ પહેલીવાર જ વાંચ્યું હશે અને આવું બધું સંશોધન કરવાની મહેનત કોણ કરે ભાઈ? આપણે તો ક્રિકેટને જ બદનામ કરવું છે ને? કારણકે ક્રિકેટ કાયમ આપણું Soft Target છે અને રહેશે!

- સિદ્ધાર્થ છાયા

આ સમાચાર શેર કરો