મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ધ યુવરાજ એન્ડ કૈફ શૉ

- ફ્રી હિટ આમ તો આ મેચ વિશે ખૂબ લખાઈ, વંચાઈ, સંભળાઈ અને જોવાઈ ગયું છે. આ જ કારણોસર આપણે આ મેચ વિશે વધુ વાત નહીં ક

શતરંગ / ધ યુવરાજ એન્ડ કૈફ શૉ

- ફ્રી હિટ

આમ તો આ મેચ વિશે ખૂબ લખાઈ, વંચાઈ, સંભળાઈ અને જોવાઈ ગયું છે. આ જ કારણોસર આપણે આ મેચ વિશે વધુ વાત નહીં કરીએ પરંતુ આ મેચને લીધે ભારતીય ક્રિકેટમાં અને ખાસ કરીને વનડે ક્રિકેટમાં બદલાયેલા એપ્રોચ વિશે વધુ વાત કરીશું. આ ઉપરાંત આ મેચ જીત્યા બાદ દાદાના રિએક્શન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરીશું.

આ એક એવી મેચ હતી જેણે ભારતના વનડે ક્રિકેટને ફરીથી ટ્રેક ઉપર લાવી દીધું હતું. આ એજ મેચ હતી જેને કારણે પછીના વર્ષે સાઉથ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારત છેક ફાઈનલ સુધી આરામથી પહોંચી ગયું હતું. આ એજ મેચ હતી જેણે વનડે ક્રિકેટમાં કોઇપણ સ્કોર હોય પણ તેને ચેઝ કેમ કરી શકાય છે તેનું જ્ઞાન સમગ્ર વિશ્વને આપ્યું હતું.

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 13 જુલાઈ 2002ના દિવસે નેટવેસ્ટ સિરીઝની ફાઈનલ રમાઈ હતી. આ એવો સમય હતો જ્યારે વનડેની ત્રિકોણીય સિરીઝ રમાવી એ સામાન્ય ઘટના હતી. આથી, આ ટુર્નામેન્ટ અગાઉ ભારત કુલ 9 ફાઈનલ મેચો આવી અલગ અલગ ત્રિકોણીય કે તેનાથી વધુ ટીમોની સિરીઝ કે ટુર્નામેન્ટમાં હારી ગયું હતું. 

નેટવેસ્ટ સિરીઝ 2002 ઇંગ્લેન્ડ, ભારત અને શ્રીલંકા સામે રમાઈ હતી. ફાઈનલ સુધી ભારતે સંપૂર્ણ વર્ચસ્વ ધરાવીને 6 માંથી 4 મેચો જીતી લીધી હતી અને તેની એક મેચ ધોવાઇ ગઈ હતી. જ્યારે ઇંગ્લેન્ડે પોતાની 6 માંથી 3 મેચ જીતી હતી અને 2 હારી હતી અને એક ભારત સામેની મેચ ધોવાઇ ગઈ હતી અને તે ફાઈનલમાં પ્રવેશ પામ્યું હતું.

ટુર્નામેન્ટની શરુઆતમાં જ ભારતીય ટીમને સિરીઝ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ અગેઇન, ફાઈનલમાં શું થશે તેની કલ્પના કોઈ કરી શકતું ન હતું. આ ઉપરાંત ઇંગ્લેન્ડના કેપ્ટન નાસર હુસૈન પર ઇંગ્લિશ પ્રેસ ખાસ્સું ગુસ્સે હતું કારણકે હુસૈન ત્રીજા નંબરે બેટિંગ કરી રહ્યો હતો અને તે ખાસ ઉકાળી રહ્યો ન હતો. 

ખૈર, હુસૈને આ જ ફાઈનલમાં ત્રીજા નંબરે આવીને 115 રન્સ બનાવ્યા હતા અને ઈંગ્લીશ પ્રેસને ચૂપ કરી દીધું હતું. જ્યારે હુસૈને સેન્ચુરી કરી ત્યારે તેણે લોર્ડ્સના પ્રસિદ્ધ મિડિયા સેન્ટર તરફ પીઠ ફેરવીને પોતાની જર્સી નંબર 3 પર ઈશારો કરીને છૂપો સંદેશ આપી દીધો હતો કે તે ત્રીજા નંબરે આવીને પણ સેન્ચુરી કરી શકે છે. 

આ મેચે જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ ભારતના વનડે ક્રિકેટ રમવાના સ્વભાવને બદલી નાખ્યો હતો. આ એક એવો રનચેઝ હતો જેની શરૂઆત અદ્ભુત હતી, મધ્ય અત્યંત કંગાળ રહ્યો હતો અને અંત અદ્વિતીય રહ્યો હતો. કેપ્ટન ગાંગુલી અને વિરેન્દ્ર સહેવાગે ફાસ્ટ રમીને મિડલ ઓર્ડર માટે એક એવું પ્લેટફોર્મ ઉભું કરી આપ્યું હતું જેનો ફાયદો લઈને તે સંભાળીને પણ સતત સ્ટ્રાઈક ફેરવીને ટાર્ગેટની નજીક લઇ જવામાં ટીમને મદદ કરી શકતો હતો.

પરંતુ દિનેશ મોંગિયા, સચિન તેન્દુલકર અને રાહુલ દ્રવિડ ખરા સમયે નિષ્ફળ રહ્યા અને સમગ્ર ભાર લોઅર ઓર્ડર પર આવી ગયો જે બિનઅનુભવી હતો. યુવરાજ સિંઘ અને મુહમ્મદ કૈફ નવાસવા હતા, પરંતુ તેમણે એ કામ કર્યું જે મિડલઓર્ડર નહોતો કરી શક્યો. તેમણે શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી અને પછી બોલરોને ફટકારવાના શરુ કર્યા.

યુવરાજની વિદાય થઇ ત્યારે પણ ભારત મેચની લગભગ બહાર જ હતું, પણ પૂંછડીયા બેટરો જેવા કે હરભજન સિંઘ અને ઝહિર ખાને પોતપોતાના મનને શાંત રાખ્યું અને કૈફને મેચ જીતાડવામાં મદદ કરી. 

આ આખી પદ્ધતિ કદાચ રનચેઝ કેવી રીતે કરી શકાય તેની ગીતાના સ્વરૂપમાં જોઈ શકાય છે. હવે તો સાડા ત્રણસો રન્સ પણ વનડેમાં સરળતાથી ચેઝ થઇ જતા હોય છે. પરંતુ તે સમયે આ 326 પણ અધધધ હતા. તેમ છતાં આજે પણ એક સારી અને મજબૂત શરૂઆત, મિડલઓર્ડરની ધીરજ અને લોઅર ઓર્ડરની જો જરૂર પડે તો આક્રમક બેટિંગ દ્વારા ફિનિશિંગ કોઇપણ મોટા ટાર્ગેટને સિદ્ધ કરી શકે છે તે જ આ મેચમાંથી શીખવા મળે છે.

આ મેચ જીત્યા બાદ સૌરવ ગાંગુલી ઉર્ફે દાદાનું જે રિએક્શન હતું તે આજે પણ એટલું જ પ્રસિદ્ધ છે. આ એક ઈમોશનલ રિએક્શન હતું જે આ મેચના અમુક વર્ષ અગાઉ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનેલી ઘટનાને લીધે ઉભું થયું હતું. ભારત સામેની એક ક્લોઝ મેચ જ્યારે ઇંગ્લેન્ડ જીત્યું ત્યારે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ ફ્લિન્ટોફે પોતાનું ટીશર્ટ કાઢી અને તેને હવામાં લહેરાવીને સ્ટેડિયમમાં દોટ મૂકી હતી.

તે સમયના કેપ્ટન ગાંગુલીને ફ્લિન્ટોફનું આ વર્તન ચાટી ગયું હતું અને આથી ઇંગ્લેન્ડ સામે કદાચ આવા જ કોઈ ભવ્ય અને ક્લોઝ મેચમાં મળેલા વિજયની તેઓ રાહ જોઈ રહ્યા હોય અને એ વિજય મળ્યો એટલે તેમણે આ રીતે પોતાનું ટીશર્ટ પણ લહેરાવીને ફ્લિન્ટોફ જે એ સમયે ઇંગ્લેન્ડની હતાશ થયેલી ટીમમાં હાજર હતો તેને દેખાડી દીધું હતું. 

ફ્લિન્ટોફે આવી બીજી સળી પ્રથમ T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંઘને અપશબ્દો કહીને કરી હતી. દાદાને તો એકાદ વર્ષ લાગ્યું હતું ફ્લિન્ટોફની આ સળીનો જવાબ આપવામાં પણ યુવરાજે તો બીજી જ ઓવરમાં સ્ટુઅર્ટ બ્રોડના છ બોલમાં છ સિક્સર્સ મારીને ફિલન્ટોફની સળીનો જવાબ આપી દીધો હતો.

- સિદ્ધાર્થ છાયા

આ સમાચાર શેર કરો