મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગાંધીજી પર હુમલો કરનાર જ પછીથી તેમનો મિત્ર બની ગયો!

- ઇતિહાસ ગાથા ગાંધીજીના આફ્રિકા નિવાસ દરમિયાન તેમના પર થયેલા પહેલા હુમલા વખતે ડ

શતરંગ / ગાંધીજી પર હુમલો કરનાર જ પછીથી તેમનો મિત્ર બની ગયો!

- ઇતિહાસ ગાથા

ગાંધીજીના આફ્રિકા નિવાસ દરમિયાન તેમના પર થયેલા પહેલા હુમલા વખતે ડરબનના પોલીસ વડાના પત્નીએ તેમને હુમલાખોરોથી બચાવેલા. એ સમયે ડરબનના પોલીસ વડાના આગ્રહના કારણે ગાંધીજી પોલીસના વેશમાં ત્યાંથી નીકળી ગયા.  

હુમલામાં તેઓ બચી તો ગયા. પરંતુ પોલીસ વડા ગાંધીજી પ્રત્યે સદ્ભભાવ રાખતા હોવાથી તેઓ હુમલાખોરોને આકરી સજા કરાવવાના આગ્રહી હતા. આથી, તેઓ તથા ત્યાંના સ્થાનિક આગેવાન એસ્કોમ્બે (જે ખુદ ગાંધીજી પ્રત્યે સદ્ભભાવ રાખતા હોવા છતાં સ્થાનિક રાજકારણના કારણે ગાંધીજીના વિરોધમાં ઉતરી આવ્યા હતા) ગાંધીજીને હુમલાખોરોની ઓળખ કરવાનું કહ્યું. જેથી તેઓની સામે કાર્યવાહી થઈ શકે. ત્યારે ગાંધીજીએ કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર પોતાની માતૃભૂમિથી હજારો કિલોમીટર દૂર પરાયી ભૂમિ આફ્રિકામાં એસ્કોમ્બને કહ્યું કે “એ તો પાગલ લોકો છે. અસલમાં જવાબદાર તો નાતાલની સરકાર અને તેના રૂપમાં તમે છો.”

આ નિર્ભયતા અને સત્ય બોલવાની દ્રઢતા ગાંધીને મહાન બનાવે છે. ગાંધીજી જાણતા હતા કે તેમના પર હુમલો કરનાર તો માત્ર એક ટોળું હતું. અને ટોળામાં બુદ્ધિ થોડી હોય? એમને તો જેમ ઉકસાવવામાં આવે એમ જ એ વર્તવાના ને! ગાંધીજી હુમલાખોરોને કોઈ સજા કરાવવા ન્હોતા માંગતા, તેમણે માફ કરવાની અપીલ કરી. ક્ષમા તો વીર જ કરી શકે ને! આ ઘટના વિશે તેમના પુસ્તક 'દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ'માં લખ્યું છે કે, “આ મારો અત્યંત મહત્ત્વનો અનુભવ હતો અને જયારે પણ એ દિવસો વિષે હું વિચારું છું ત્યારે મને લાગે છે કે ઈશ્વર મને સત્યાગ્રહની તાલીમ માટે તૈયાર કરી રહ્યો હતો.”

આફ્રિકાના નિવાસ દરમિયાન જ ગાંધીજી પર બીજો એક હુમલો થયેલો. એ ઘટના વિખ્યાત ઈતિહાસકાર અશોક કુમાર પાંડેએ તેમના પુસ્તક ‘ગોડસેને ગાંધી કો ક્યોં મારા?’માં આલેખી છે. જેનો અનુવાદ વિદ્વાન અધ્યાપક હેમન્તકુમાર શાહે કરેલો છે. તેમાં ઉલ્લેખ કરેલો છે કે, ગાંધીજીના સૌથી અંગત મિત્રોમાંના એક એવા હેન્રી પોલાક, જેમણે ગાંધીજીના અવસાન બાદ તેમના પર પુસ્તક પણ લખ્યું. એ હેન્રી પોલાકના પત્ની મિલી પોલાકે પણ ગાંધીજી વિશે એક પુસ્તક લખ્યું છે. 'મિસ્ટર ગાંધીઃ ધ મેન'. એ પુસ્તકમાં ગાંધીજી પર થયેલા બીજા હુમલાની વાત તેઓ લખે છે-

“જોહાનિસબર્ગમાં મેસોનિક હોલમાં એક ભરચક સભામાં ભાષણ આપ્યા પછી જ્યારે ગાંધી મારી સાથે પાછા નીકળી રહ્યા હતા ત્યારે બહારના દરવાજા પાછળ એક માણસ છુપાયેલો હતો. ગાંધીએ તેને જોયો અને તેની પાસે ગયા અને તેના હાથમાં હાથ નાખીને ધીમા અવાજે થોડી વાર સુધી વાતો કરતા રહ્યા. એ માણસ થોડી વાર માટે અટક્યો પણ પછી ગાંધીની સાથે ચાલવા માંડયો. હું પણ સાથે ચાલવા માંડી. તેઓ બંને એટલા ધીમા અવાજે વાત કરી રહ્યા હતા કે હું કશું સાંભળી શકતી ન્હોતી. શેરીના છેવાડે પહોંચીને તેણે ગાંધીને કોઈક ચીજ આપી અને પછી જતો રહ્યો.

એ જતો રહ્યો ત્યારે મેં ગાંધીને પૂછ્યું કે 'એ શું ઈચ્છતો હતો?' ગાંધીએ કહ્યું: 'હા, એ મને મારવા માંગતો હતો.' 'તમને મારવા માગતો હતો!' હું ફરી બોલી. 'તમને મારવા માગતો હતો! કેટલી ખતરનાક વાત છે! ગાંડો હતો એ?' 'ના', ગાંધીએ કહ્યું: ‘એને લાગતું હતું કે હું લોકો સાથે ગદ્દારી કરી રહ્યો છું, સરકાર સાથે લોકોની વિરુદ્ધ સમાધાન કરી રહ્યો છું અને લોકોના હિતેચ્છુ બનવાનું નાટક કરી રહ્યો છું.“

કોઈ વ્યક્તિ ગાંધીજીની કે કોઈની પણ હત્યા કરવા માંગતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને પોલીસને હવાલે કરી દઈએ. પણ ગાંધીજી માત્ર નેતા નહોતા. એ આર્ષદ્રષ્ટા હતા, સમાજ જીવનના ઘડવૈયા હતા. સજા કરીને સમાજ સુધારવાને બદલે એને અન્ય તક આપીને સુધારવા પર ભાર દેતા હતા. તેમની હત્યા કરવા આવનારને પોલીસે સોંપવાની વાતમાં તેમણે મિલી પોલાકને કહ્યું કે 'એને માટે તમે હેરાન ના થાવ. એને લાગતું હતું કે તેણે મને મારી નાખવો જોઈએ, પણ હકીકતમાં તેનામાં એટલી હિંમત નહોતી. જો હું ખરેખર એ જેટલું ધારતો હતો એટલો બધો ખરાબ હોત તો મારે મરી જવું જોઈતું હતું. હવે આપણે એના વિશે નહિ વિચારીએ. મને નથી લાગતું કે એ મારા પર બીજી વાર હુમલો કરે. જો મેં એની ધરપકડ કરાવી દીધી હોત તો મેં એને મારો દુશ્મન બનાવી દીધો હોત. જે કંઈ થયું એ પછી એ મારો મિત્ર બની ગયો છે.’

આ ગાંધી હતા..... મહાત્મા ગાંધી 

- રક્ષા ત્રાપસિયા  

આ સમાચાર શેર કરો