શતરંગ / શીર્ષક વગરની વાર્તા એટલે મોદીશૈલીની કટોકટી
- અર્થ અને તંત્ર જેને કટોકટીનું નામ આપી શકાય નહિ અને છતાં કટોકટી જેવું લગભગ બધું જ હોય એવી

- અર્થ અને તંત્ર
જેને કટોકટીનું નામ આપી શકાય નહિ અને છતાં કટોકટી જેવું લગભગ બધું જ હોય એવી કટોકટી લાદવાનું કામ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૦૧-૧૪ દરમ્યાન અને ભારતમાં ૨૦૧૪-૨૪ દરમ્યાન કર્યું છે. એટલે દેખીતી રીતે કટોકટી ન લાગે અને છતાં અસંમતિના અવાજને સદંતર ખતમ કરવાનું લક્ષ્ય રાખવામાં આવે એવો વ્યવહાર નરેન્દ્ર મોદીની સરકારનો રહ્યો છે
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે તા.૨૨-૦૬-૨૦૦૪ના રોજ રેડિફડોટકોમ નામના એક ન્યુઝ પોર્ટલને આપેલી એક મુલાકાતમાં એમ કહ્યું હતું કે ગુજરાતમાં “મિની ઇમર્જન્સી” જેવો માહોલ પ્રવર્તે છે. તેમણે એ મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે, “ધારાસભ્યો પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ડરે છે....ગુજરાતમાં ભયનું વાતાવરણ પ્રવર્તે છે.” નરેન્દ્ર મોદીને ગજરાતના મુખ્ય મંત્રી થયે હજુ અઢી વર્ષ માંડ થયાં હતાં, ૨૦૦૨નાં કોમી તોફાનોને માંડ બે વર્ષ થયાં હતાં અને ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી થયાને હજુ તો દોઢ વર્ષ જ થયું હતું ત્યારે અને તે ચૂંટણીમાં ભાજપને ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જ મળી હતી, ૧૫૬ નહિ, ત્યારે કેશુભાઈ પટેલે આ વિધાન કર્યું હતું. કેશુભાઈ તો તે સમયે ભાજપમાં જ હતા.
નરેન્દ્ર મોદી ઓક્ટોબર-૨૦૦૧થી મે-૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા અને તે પછી ભારતના વડા પ્રધાન થયા. તેમના 23 વર્ષના આ સમગ્ર શાસનકાળ દરમ્યાન તેમનું શાસન તાનાશાહી રહ્યું છે એ એક હકીકત છે. નરેન્દ્ર મોદીએ કટોકટી જાહેર કરી નથી કારણ કે મોરારજી દેસાઈની સરકારે ૪૪મો બંધારણ સુધારો કરીને બંધારણની જે કલમ-૩૫૨ હેઠળ ઇન્દિરા ગાંધીએ આંતરિક કટોકટી જાહેર કરી હતી તેમાં સુધારો કરી નાખ્યો હતો. એટલે નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીની જેમ આંતરિક કટોકટી લાદી શકે તેમ છે જ નહિ. જો બંધારણની એ કલમમાં સુધારો થયો ન હોત તો નરેન્દ્ર મોદીએ પણ ઇન્દિરા ગાંધીની જેમ જ દેશની સલામતી જોખમમાં છે એમ કહીને કટોકટી લાદી દીધી હોત અને આખા દેશને વધુ જડબેસલાક જેલ જેવો બનાવી દીધો હોત.
ગુજરાતમાં ૨૦૦૨ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે મુખ્ય મંત્રી એવા નરેન્દ્ર મોદીએ લગભગ ધમકીની ભાષામાં તેમના વિરોધીઓને સંબોધીને એક ચૂંટણીસભામાં એમ કહ્યું હતું કે, “એક એક કો ચૂન ચૂન કે દેખ લેંગે.” હજુ હમણાં જ પતેલી લોકસભાની ચૂંટણી સમયે એક ચૂંટણીસભામાં તા.૨૪-૦૫-૨૦૨૪ના રોજ તેમણે બિહારના નેતા તેજસ્વી યાદવને જેલમાં ધકેલવાની ધમકી આપી હતી. અને જે કોંગ્રેસ લોકસભામાં ૨૦૧૪માં ૨૦૬ બેઠકો ધરાવતી હતી તેનાથી મુક્ત એવા રાજકારણ માટે “કોંગ્રેસમુક્ત ભારત”નો નારો મોદીએ આપ્યો હતો કારણ કે તેમને દેશમાં મજબૂત વિરોધ પક્ષ જોઈતો જ નહોતો. વિરોધીઓને દબાવી દેવા એ મોદીશૈલીની અભિન્ન રાજનીતિ રહી છે. કેટલાંક ઉદાહરણો:
(૧) સંસદનાં બંને ગૃહોમાંથી કુલ ૧૪૬ સભ્યોને મોદી અને ભાજપના વાજિંત્ર જેવા અધ્યક્ષો દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સંસદને લગભગ વિપક્ષ વિનાની બનાવી દેવાઈ હતી. સંસદમાં વિપક્ષી સભ્યોને બોલવા દેવાયા નહિ કે બોલવા માટે તેમને બહુ ઓછો સમય ફાળવવામાં આવ્યો.
(૨) સંસદ સભ્ય અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને એક બદનક્ષી કેસમાં સુરતની સ્થાનિક કોર્ટમાં આવેલા ચુકાદાને આધારે એકદમ ત્વરિત ગતિથી લોકસભાના સભ્યપદેથી અધ્યક્ષ દ્વારા કાઢી મૂકાયા હતા અને તેમનું ઘર પણ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આ બધું એટલું ઝડપથી કરી દેવામાં આવ્યું હતું કે જેથી એમ લાગે કે એ એક વ્યાપક કાવતરાનો ભાગ ન હોય!
(૩) હેમન્ત સોરેન અને અરવિંદ કેજરીવાલ જેવા બે મુખ્ય પ્રધાનો સહિત અનેક વિપક્ષી નેતાઓ સામે ઇડી, સીબીઆઈ અને આવક વેરાના દરોડા પાડવામાં આવ્યા અને કેટલાકને જેલભેગા પણ કરવામાં આવ્યા. જાણે કે ભાજપના નેતાઓ બધા દૂધે ધોયેલા ન હોય.
(૪) દેશની તમામ યુનિવર્સિટીઓમાં લગભગ ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને અધ્યાપકો કે વિદ્યાર્થીઓ કોઈ પણ જાતનો વિરોધ ન કરી શકે તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં પોલિસ દ્વારા વિદ્યાર્થીઓને સખત માર મારવામાં આવ્યો. થોડા મહિનાઓ અગાઉ અમદાવાદમાં એક વિદ્યાકીય સંસ્થાની બેઠક હતી. તેમાં બારેક અધ્યાપકો હાજર હતા. તેમાં એક વરિષ્ઠ અધ્યાપકે યુવાન અધ્યાપકોને સતત સંશોધન કરવા અને લખવા માટે સૂચન કર્યું ત્યારે એક યુવાન અધ્યાપકે એમ કહેલું કે, “સાહેબ, શું લખે. હકીકત એ છે કે બધા ડરી ગયા છે.”
(૫) આશરે ૭૧૫૦ વ્યક્તિઓ સામે મોદી સરકારે દેશદ્રોહના કેસ કર્યા અને તેમને જેલમાં નાખવામાં આવ્યા કે જેથી બીજાઓ ડરી જાય. સરકાર વિરુદ્ધ બોલે તેમને દેશદ્રોહી, અર્બન નક્સલ હિંદુદ્રોહી ગણાવવામાં આવ્યા અને તેમની વિરુદ્ધ ઝેર ઓકવામાં કશું બાકી રાખવામાં આવ્યું નહિ.
(૬) વિરોધ પક્ષોની સરકારો કર્ણાટક, મધ્ય પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં તોડવામાં આવી અને ભાજપની સરકારો બનાવી દેવામાં આવી. અનેક વિપક્ષી નેતાઓને કોઈક હોદ્દાની લાલચ કે જેલનો અને કોર્ટ કેસનો ડર બતાવીને ભાજપમાં સમાવી લેવામાં આવ્યા.
(૭) બજાજ જૂથના અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે તા. ૦૨-૧૨-૨૦૧૯ના રોજ ઉદ્યોગપતિઓની એક સભામાં ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં એમ કહ્યું હતું કે, “અમે જો ખુલ્લંખુલ્લા ટીકા કરીએ તો અમને વિશ્વાસ નથી કે તમે તે ધ્યાનમાં લેશો......અસહિષ્ણુતાની હવા છે...અમે ડરીએ છીએ....કેટલીક વાતો અમે બોલવા માંગતા નથી પણ જોઈએ છીએ કે (દોષિતોને) સજા થતી નથી.” સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું છે એ એક હકીકત છે.
(૮) પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતોએ દિલ્હીની એ રાજ્યોની સરહદ પર આંદોલન કર્યું તો તેમને ખાલિસ્તાની અને દેશદ્રોહી તરીકે ચીતરવામાં આવ્યા અને તેઓ દિલ્હીમાં પ્રવેશે નહિ તે માટે રસ્તા પર અવરોધો ઊભા કરવામાં આવ્યા અને ખીલા પણ ઠોકવામાં આવ્યા.
(૯) એક પણ જાહેર જગ્યા એવી ન હોય કે જ્યાં મોદીના ફોટા સાથેની જાહેરખબર ન હોય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. રેડિયો પર મનકી બાત અને ટીવી ચેનલો પર જાહેરખબરો માટે કરોડો રૂપિયા ખર્ચીને મોદીનો વ્યક્તિગત રાજકીય સંપ્રદાય ઊભો કરવાનો અને તેમનો ભક્ત વર્ગ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
(૧૦) ન્યાયતંત્ર મોટે ભાગે સત્તાધારી ભાજપ પક્ષની સેવામાં હોય એવા જ મોટા ભાગના ચુકાદા આવ્યા. દેશના ઇતિહાસમાં પહેલી જ વાર સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ ભરીને સર્વોચ્ચ અદાલતની કામગીરી સામે અવાજ ઉઠાવ્યો.
(૧૧) ચૂંટણી પંચ મોટે ભાગે ભાજપના નેતાઓના તમામ અયોગ્ય વ્યવહારો સામે ચૂપ રહ્યું અને વિપક્ષી નેતાઓ સામે લાલ આંખ દેખાડતું રહ્યું.
(૧૨) તટસ્થ કે વિરોધી અવાજ રજૂ કરનારા પત્રકારો પોતાની વાત નાગરિકો સમક્ષ મૂકી ન શકે તે માટેના તમામ રસ્તા અપનાવવામાં આવ્યા. એનડીટીવી ચેનલ ગૌતમ અદાણી દ્વારા ખરીદી લેવામાં આવી તે એક જ ઉદાહરણ પૂરતું છે.
આવા તો અનેક દાખલા આપી શકાય તેમ છે અને દરેક મુદ્દા વિષે અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. એ બધું જ એમ બતાવે છે કે દેશમાં એક જ પક્ષ અને એક જ નેતા રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા અને વિરોધના રાજકીય અને નાગરિક અવાજને ગૂંગળાવી મારવામાં આવ્યો. દસ વર્ષનું આ તાનાશાહી મોદી શાસન બંધારણ હેઠળ જાહેર નહિ કરાયેલી કટોકટી જેવું રહ્યું છે. જ્યારે ભાજપ અને મોદી ઇન્દિરા ગાંધીની ૧૯૭૫-૭૭ના ૧૯ મહિનાની કટોકટીને ગાળો દે છે ત્યારે તેમણે તો દસ વર્ષ સુધી દેશને જેલ જેવો બનાવી દેવાની તમામ કોશિશ કરી છે એ હકીકતને વિસારે પાડી શકાય તેમ નથી. કટોકટીનું નામ લીધા વિનાની કટોકટી કેવી રીતે હોઈ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નરેન્દ્ર મોદીની સરકારે ગુજરાત અને ભારતમાં પૂરું પાડ્યું છે.
- હેમન્તકુમાર શાહ








