મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સીટીસીની કહાની, બરબાદ જવાની!

- નાગણ નોકરી CTC એટલે કકળાટ ટૂ કંપની. નાગણ નોકરીમાં જોતરાઈ રહેલા દરેક નરમ જીવ માટે આ નવી વ્યાખ્યા છે. દુન

શતરંગ / સીટીસીની કહાની, બરબાદ જવાની!

- નાગણ નોકરી

CTC એટલે કકળાટ ટૂ કંપની. નાગણ નોકરીમાં જોતરાઈ રહેલા દરેક નરમ જીવ માટે આ નવી વ્યાખ્યા છે. દુનિયા ઊંધી છે. લોકોને સીધી વાત સમજાતી નથી. ઊંધા કાન પકડાવવા એ જગતનો દસ્તુર છે. એટલે કહેના યે ચાહતે હૈ કી પગાર સીધી રીતે મળતો નથી ને ઊંધી રીતે પણ મળતો નથી. પગાર ફક્ત જોઈન કરીએ ત્યારે એક ફરફરીયામાં આભાસી દુનિયા માફક દેખાય છે જે છે છતાં નથી અને નથી એ તો નથી જ.

હમણાં એક વીડિયો જોયો કે IIM પાસ કરેલ એક વ્યક્તિને નોકરી મળી જેનું CTC હતું પિસ્તાલીસ લાખ રૂપિયા. એણે મહિને ચાર લાખ લેખે ગણતરી માંડીને સપના જોઈ લીધા ને પહેલો પગાર હાથમાં આવ્યો એ મુજબ વર્ષના બાવીસ લાખ થતાં હતા!! આ છે સીટીસીની કહાની, બરબાદ જવાની!!   લોભામણી જાહેરાતો અને લલચામણી યોજનાઓના મૂળમાં આ પગારના ચોચલા હશે જેને કોસ્ટ ટૂ કંપની જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. નોકરી લેતી વખતે જે પગાર કહેવામાં આવે એના ત્રીસ ટકા તો તમને નિવૃત્ત થયા પછી પણ મળવાના હોતા નથી ને એને કોઈ પુરુષે પહેરેલા ગુલાબી ટીશર્ટ જેવા નામ એટલે કે પરફોર્મન્સ પે કહીને દુનિયાને ગલગલિયાં કરાવવામાં આવે છે. નોકરી લાગી ગયા પછી પરફોર્મન્સ એટલે લગ્ન કર્યાં પછી પોતાની જ પત્ની પટાવવી!!   સામાન્ય મિડલ ક્લાસ માણસ નોકરી મળે એટલે ઉમંગ, ઉત્સાહ, જોશ, જુસ્સા સાથે ગામમાં ગોકીરો કરવા નીકળે ત્યારે આ કકળાટ વિશે પૂછપરછ કરવામાં આવે ને ત્યારે ગગી કે ગગો ઉત્સાહમાં આવીને જે આંકડો બોલે એ કોઈપણ દેશના બજેટના આંકડા માફક લોકોની સમજની બહાર નીકળવાને બદલે મનમાં ફીટ થઇ જાય છે જેના પરથી એ મૂરતિયો/યી સમાજમાં ફીટ બેસે છે કે મિસ/મિસ્ટર/મિસિસ ફીટ એનો અંદાજ લગાવવામાં આવે છે.   પણ CTC નામના પ્રાણીને આટલું વગોવવું સારું પણ નથી. હું તો કહું છું કે આ સૌથી સારી સિસ્ટમ છે. આના આધારે કેટલાય છોકરાઓના લગ્ન લખાઈ જાય છે, લગ્ન લેવાઈ જાય છે ને પછી પોતે પણ લેવાઈ જાય છે. આના આધારે આપણને આપણી ઔકાત ખબર પડે છે. કંપની જે એપાઈન્ટમેન્ટ લેટરમાં લખીને આપે એના કરતા પચાસ ટકા આવક ગણી લેવી. એ પચાસ ટકા કોણ કાપે છે એ નહિ વિચારવાનું કેમકે એમાં કંપની અને સરકાર બન્નેએ લડવાનું હોય છે!   ચાલો હું તમને એક સરસ વાત કરું. જુઓ. પગાર ઓછા મળે છે કે પગાર કપાઈ જાય એ આપણા ફાયદાની વાત છે. ક્યારેક તમને ભલે એવું લાગે કે પગાર નામના શબ્દની શોધ આપવા માટે નહિ પણ કાપવા માટે થઈ છે, પણ એ યોગ્ય નથી. જો આપણને વધુ પગાર મળે તો આપણે વધુ ટેક્સ ભરવાપાત્ર થઈએ. અને સરકાર એવું ન ઈચ્છે કે એ આપણી કમાણી પર નિર્ભર રહે એટલે પગાર ઓછા મળે છે ને ખર્ચ વધુ થાય છે. વળી વધુ આવક થાય તો વધુ લાલચ થાય ને લાલચ બુરી આદત છે. જીવનમાં લાલચ વધે તો સંસાર પ્રત્યે માયા વધે ને આપણે એટલું મોક્ષથી દૂર રહેવું પડે છે. એટલે સીટીસી આપણને મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જાય છે.    જેટલું ઓછું કમાઈ શકીએ એટલું ઓછું વાપરી શકીએ અને જેટલું ઓછું વાપરી શકીએ એટલું ઓછું બચાવી શકીએ ને જેટલું ઓછું બચાવી શકીએ એટલું ઓછું કોઈને આપી શકીએ અને જેટલું ઓછું આગામી પેઢીને આપીએ એટલી વધુ મહેનત એ જાતે કમાવવામાં કરશે એટલે એ મહેનતુ બનશે અને ઓછું વારસામાં મળે એટલે એમનો પરિવાર માટેનો મોહ ઘટશે એટલે એમનો પણ મોક્ષ થશે એટલે મોક્ષ પ્રાપ્તિ પેઢીઓ સુધી ચાલી શકે. સમજાયું?   મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે, પગાર ડૂબી જતાં ને સીટીસી તરી જાય છે.   - સ્નેહલ તન્ના 

આ સમાચાર શેર કરો