શતરંગ / સડેલી સિસ્ટમ અને 'ભૂતિયા' સમાજના વાંકે ‘મરી પરવારતા’ એક પ્રતિભાશાળી ડૉક્ટરની કહાણી
- બિયૉન્ડ એન્ટરટેઈન્ટમેન્ટ ફિલ્મ : એક ડૉક્ટર કી મૌત કલાકાર : પ

- બિયૉન્ડ એન્ટરટેઈન્ટમેન્ટ
ફિલ્મ : એક ડૉક્ટર કી મૌત
કલાકાર : પંકજ કપૂર, ઈરફાન ખાન, શબાના આઝમી
ડિરેક્ટર : તપન સિંહા
મહાન ફિલ્મમેકર અને વાર્તાકાર સત્યજિત રેની એક વાર્તાના મુખ્ય પાત્રના વિધાનનો સાર કંઈક એવો છે કે, 'જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય કે સાધારણની બહારનું કશું કરવા જાય ત્યારે લોકો તે પાગલ ઠેરવી દે છે.' 1990માં રિલીઝ થયેલી ડિરેક્ટર તપન સિંહાની સોશિયો-પોલિટિકલ સટાયર ફિલ્મ 'એક ડૉક્ટર કી મૌત'ના નાયક ડૉક્ટર દીપાંકર રૉય (પંકજ કપૂર)ની સંઘર્ષકથા અને વત્તા-ઓછા પ્રમાણમાં 'મરણકથા'માં ઉપરનું વિધાન એકદમ સચોટ બેસે છે.
પંકજ કપૂર, શબાના આઝમી અને ઈરફાન ખાનની મુખ્ય ભૂમિકાઓથી સજ્જ આ ફિલ્મ એક સેવાભાવી, કર્મનિષ્ઠ અને પોતાના કામ પ્રત્યે પાગલપણાની હદ સુધી પહોંચી ગયેલા ડૉક્ટર દીપાંકર રૉયની આસપાસ ફરે છે. ડૉ. રૉય એક સરકારી દવાખાનામાં ડૉક્ટરની ફરજ બજાવે છે. રોજિંદા કામકાજ ઉપરાંત તે માનવ સમાજ માટે અભિશાપ ગણાતા રોગ લેપ્રેસી માટેની દવા પર સંશોધન કરે છે. રૉય આ કામમાં ઘણા-ખરા અંશે પ્રગતિ કરે છે પરંતુ સડેલી, ગંધ મારી ગયેલી સિસ્ટમ તેમના કામ માટે ન તેમને કોઈ ટેકો પૂરો પાડે છે કે ન તો તેની નોંધ લે છે. ઉલ્ટાનું તેમની ટ્રાન્સફર કરી તેમને એક અંતરિયાળ વિસ્તારમાં મોકલી દે છે. ડૉ. રૉયના સહકર્મીઓ પણ તેમને પાગલ અને તર્કવિહિન માણસ ગણાવવાનું કોઈ બહાનું છોડતા નથી. આ બધાની વચ્ચે પણ ડૉ. રૉય હિંમત નથી હારતા, દેવું કરીને, પોતાના લગ્નજીવનની બરબાદી નોંતરીને, આર્થિક, શારિરીક, માનસિક, સામાજિક રીતે અસંખ્ય મુશ્કેલીઓ વ્હોરીને પણ તે પોતાના કામમાં દિવસ-રાત ઝોંકી દે છે. આખી વાર્તામાં બસ ત્રણ જ વ્યક્તિઓને ડૉ.રૉયના સંશોધનમાં વિશ્વાસ છે... એક ન્યૂઝપેપરનો પત્રકાર (ઈરફાન ખાન), બીજી તેમની પત્ની (શબાના આઝમી) અને ત્રીજા પોતે ડૉ. દીપાંકર. ડૉ. રૉય જે સમાજના કલ્યાણ માટે નિ:સ્વાર્થભાવે અનેક પ્રતાડનાઓ સહીને કામ કરે રાખ્યે છે તે સમાજ માટે પણ આ ડૉક્ટર પાગલ અને હાસ્યાસ્પદ છે. ફિલ્મ તમારી આગળ ઘણા બધા સવાલો મૂકીને પૂરી થાય છે. ફિલ્મ આપણા તર્કોને તોડતી-મરોડતી ઘણી વ્યાખ્યાઓ બાંધે છે, ઘણી નવી વ્યાખ્યાઓને અવકાશ તથા બહુ બધા નિસાસા અને અવસાદને જન્મ પણ આપે છે.
એક્ટિંગ, ડિરેક્શન, સંવાદ અને સ્ક્રિનપ્લેની રીતે આ ખૂબ જ ઉત્કૃષ્ઠ ફિલ્મ છે. તપન સિંહાને ખૂબ ઓછી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે અને હંમેશાં કંઈક સમાજ ઉપયોગી પિરસવાનું કામ કર્યું છે. જોકે, બકૌલ જયપ્રકાશ ચોક્સે, 'આપણે અશુદ્ધતાથી એટલા ટેવાઈ ગયા છીએ કે આપણને કોઈ શુદ્ધ વસ્તુ પચવી હવે શક્ય નથી.' ખેર, પંકજ કપૂર, ઈરફાન અને શબાના જેવા દિગ્ગજોને એકસાથે સ્ક્રિન પર જોવા એ પણ બહુ મોટો લ્હાવો છે. ઈરફાનને પહેલીવાર કદાચ આ ફિલ્મમાં તેમની પ્રતિભા અનુસારનું કામ કરવા મળેલું. જાવેદ અખ્તર સહિતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ ત્યારે જ ભાંખેલું આ બંદો મોટું નામ કરશે અને ઈરફાને તેમાં કોઈ કચાશ રાખી પણ નહીં.
ફિલ્મ 'એક ડૉક્ટર કી મૌત'નું સદ્ભાગ્ય ગણો કે પછી કમનસીબી કે તેને ત્રણ નેશનલ એવોર્ડ્ઝ ઉપરાંત ઘણા બધા બહુમાન મળ્યા છે પરંતુ બૉક્સ ઑફિસ પર તેની કોઈ ખાસ નોંધ લેવાઈ નહોતી. આજે 32 વર્ષ પછી પણ આ ફિલ્મ ક્લાસિક અને પ્રાસંગિક છે. ફિલ્મનો નાયક સિસ્ટમથી પીડાતા દરેક માણસનું પ્રતિબિંબ છે.
આપણે ભણી-ગણીને ડૉલરમાં કમાણી કરવા, 'સેટ' થઈ જવા દેશ છોડી બહાર નીકળી જતા લોકોને હંમેશાંથી હીન નજરે જોઈએ છીએ. તેમના માટે મનમાં એક ધુત્કારભાવ રહે છે કે, દેશનું ખાધું પણ તેના માટે કંઈક કરવાનું આવ્યું ત્યારે આ લોકો છટકી ગયા! આવા અને બીજા વિચારો પર આ ફિલ્મ ફરીવાર વિચાર કરવા માટે પ્રેરે છે. યુ-ટ્યૂબ પર ફ્રીમાં અવેલેબેલ આ ફિલ્મ જોશો તો ચોક્કસથી ઘણું જાણવા મળશે.
- આગંતુક








