શતરંગ / આત્મનિર્ભર ભારતનો નારો એક મોટી છેતરપિંડી છે
- અર્થ અને તંત્ર સૂત્રોના ઉત્પાદનના બેતાજ બાદશાહ નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમ્યાન પહેલું લો

- અર્થ અને તંત્ર
સૂત્રોના ઉત્પાદનના બેતાજ બાદશાહ નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમ્યાન પહેલું લોકડાઉન ચાલુ હતું ત્યારે જ આત્મનિર્ભર ભારતનું એક સૂત્ર આપ્યું. આ મહાત્મા ગાંધીનું સ્વદેશી નહોતું. તે તો કોરોનાના સંદર્ભમાં સરકારની જે કોઈ નિષ્ફળતા હોય તે ઢાંકવા માટેનો એક કીમિયો હતો. શું ખરેખર ભારત આત્મનિર્ભર બન્યો છે કે પછી તે એ તરફ આગળ વધ્યો છે ખરો? કેટલાક માપદંડો સાથે આ નારાની હકીકતને તપાસવાની જરૂર છે.
કોઈ પણ દેશ સંપૂર્ણ આત્મનિર્ભર ત્યારે કહેવાય કે જ્યારે તે બિલકુલ આયાત કરતો જ ન હોય. પણ આજના વૈશ્વિકીકરણના અને પરસ્પરાવલંબનના જમાનામાં તો એ શક્ય જ નથી. છતાં સૂત્રશોખીન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમ્યાન આ નવો નારો આપ્યો: આત્મનિર્ભર ભારત. ભારતનો વિદેશ વ્યાપાર એ એક એવી વાસ્તવિકતા છે કે જેને અવગણી શકાય જ નહિ.
હકીકતમાં શું ભારતની આત્મનિર્ભરતા વધી કે આર્થિક ગુલામી વધી કે ઘટી? ભારતની નિકાસ આયાત કરતાં ૧૯૭૨-૭૩ અને ૧૯૭૬-૭૭નાં બે વર્ષને બાદ કરતાં હંમેશાં ઓછી જ રહી છે. આ ગાળો ઇન્દિરા ગાંધીના શાસનકાળનો હતો. પણ તેમણે આવો કોઈ નારો આપ્યો નહોતો. અગાઉ કોઈ પણ વડા પ્રધાને આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો નહોતો. છ વર્ષ વડા પ્રધાન રહેલા અટલબિહારી વાજપેયીએ પણ નહિ. નરેન્દ્ર મોદીએ આ નારો આપ્યો તે પછીનાં ત્રણ વર્ષમાં પણ ભારતની નિકાસ કરતાં આયાત જ વધારે રહી છે. તે એટલી હદ સુધી કે ગયા વર્ષે તે ૨૧.૧ લાખ કરોડ રૂ. જેટલી રહી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ સૌથી વધુ છે.
આયાત અને નિકાસ વચ્ચેની ખાધને વેપારના હિસાબમાં વેપાર ખાધ તરીકે ઓળખવામાં આવે છે. આ વેપાર ખાધ મોદીના દસ વર્ષના શાસનકાળમાં રિઝર્વ બેન્કના આંકડા મુજબ કુલ ૧૦૭ લાખ કરોડ રૂ. થઈ છે. આત્મનિર્ભર ભારતનો નારો અપાયો પછીનાં ત્રણ વર્ષમાં જ તે ૪૧.૪ લાખ કરોડ રૂ. રહી છે. આમ, ભારત વધુ આયાતો પર આધાર રાખતો થયો છે. તો એને આત્મનિર્ભરતા ક્યાંથી કહેવાય? વળી, ખાધ જેટલી વધારે તેટલા પ્રમાણમાં વિદેશી દેવું વધારે કરવું પડે. એટલે જેટલી આયાત વધે એટલી નિકાસ વધે નહિ તો વિદેશી દેવું વધે જ.
ક્રૂડ ઓઇલના ભાવ વૈશ્વિક બજારમાં છેલ્લાં દસ વર્ષમાં ખાસ્સા ઘટેલા રહ્યા તેમ છતાં આ સ્થિતિ રહી. જો એ ભાવ ઘટ્યા ન હોત તો તો આયાતની શી સ્થિતિ હોત તે કહેવું જ મુશ્કેલ છે. જો દેશની આયાત જંગી પ્રમાણમાં નિકાસ કરતાં વધારે હોય તો દેશ આત્મનિર્ભર કેવી રીતે કહેવાય? આયાત વધે તો દેશની આર્થિક ગુલામી વધે એમ જ કહેવાય. અને વાસ્તવમાં આ રીતે ભારતની આર્થિક ગુલામી મોદીના શાસનકાળ દરમ્યાન વધી છે. અને આરએસએસનો ‘સ્વદેશી જાગરણ મંચ’ બંધ આંખે આ તમાશો જોયા કરે છે એ પણ હકીકત છે.
આવો જ એક બીજો મુદ્દો વિદેશી રોકાણને લાગતો છે. નરેન્દ્ર મોદીના છેલ્લાં દસ વર્ષના શાસન દરમ્યાન એટલે કે ૨૦૧૪-૧૫થી ૨૦૨૩-૨૪ના ગાળામાં ભારતમાં લગભગ ૫૫૨ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. આ બધું ‘મેક ઇન ઇન્ડિયા’ના બીજા એક નારા હેઠળ વિદેશી કંપનીઓ દ્વારા થયું છે. દેશમાં અત્યારે ૪૮૦૦થી વધુ વિદેશી કંપનીઓ કામ કરે છે. આ તો જે કંપનીઓ સીધું વિદેશી રોકાણ કરે છે તે એફડીઆઈ છે. એટલે કે તેઓ ભારતમાં આવીને કોઈક વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે. ભારતના શેરબજારમાં જે વિદેશી કંપનીઓ રોકાણ કરે છે તે તો જુદી. તેમની સંખ્યા લગભગ ૭૦૦૦ છે.
યાદ હશે જ સૌને કે એક ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી ઇ.સ. ૧૬૦૦માં અને દેશ ગુલામ થઈ ગયો હતો. તેણે જહાંગીરના દરબારમાં વેપાર કરવા માટેનો પરવાનો માગ્યો હતો અને છેવટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજકીય અને આર્થિક નીતિઓને કારણે દેશ રાજકીય ગુલામીમાં ધકેલાઈ ગયો હતો. શું મોદીએ દેશને વિદેશી કંપનીઓને વધુ પ્રમાણમાં બોલાવીને આર્થિક રીતે વધુ ગુલામ બનાવ્યો ન કહેવાય? મનમોહનસિંહની સરકારે પણ આમ જ કર્યું હતું. પણ તેમણે કંઈ ‘આત્મનિર્ભર ભારત’ એવો નારો આપ્યો નહોતો. દુનિયામાં વિદેશી રોકાણ ક્ષેત્રે ભારતનો દસમો નંબર છે. આને જ શું આત્મનિર્ભર ભારત કહેવાય?
આરએસએસના દ્વારા કોંગ્રેસની નરસિંહરાવની અને મનમોહનસિંહની સરકારોની વિદેશી રોકાણને આકર્ષવાની નીતિઓ સામે લડવા ‘સ્વદેશી જાગરણ મંચ’ સ્થાપવામાં આવ્યો હતો. તે મનમોહનસિંહની ઉદારીકરણની અને વૈશ્વિકીકરણની નીતિઓ સામે સતત લડતો જ રહ્યો હતો. હવે ‘સ્વદેશી જાગરણ મંચ’ લગભગ "મૌની બાબા" બની ગયો છે, અથવા તેને નરેન્દ્ર મોદી દ્વારા મૌની બાબા બનાવી દેવામાં આવ્યો છે. તે તો લગભગ કશું જ હવે વિદેશી રોકાણ સામે બોલતો નથી. તે એમ પણ કહેતો હતો કે કોમ્પ્યુટર ચિપ્સનું રોકાણ કરનારી કંપનીઓ ભલે આવે,પણ પોટેટો ચિપ્સ એટલે કે બટાટાની વેફર બનાવનારી કંપનીઓની કોઈ જરૂર નથી. આજે શું થઈ રહ્યું છે તે તો જગજાહેર છે.
‘મેક ઇન ઇન્ડિયા’ને નામે વિદેશી કંપનીઓને ભારતમાં બોલાવવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે જે વિદેશી કંપનીઓ પાસેથી આપણે આયાત કરીએ છીએ એ જ કંપનીઓ જો ભારતમાં આવીને ઉત્પાદન કરે તો ભારતના ડોલર બચી જાય. આ વાત સાચી છે ખરી? જો એમ જ હોય તો આયાત વધી કેમ? વિદેશી કંપનીઓ દેશમાં ઉત્પાદન કરે છે પણ તેમનો ઘણોખરો કાચો માલ તેમના દેશમાંથી જ આવતો હોઈ શકે છે. વળી, આ વિદેશી કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે છે, ભારતીયોની સેવા કરવા આવતી નથી. એટલે તેઓ જે રોકાણ કરે છે તેના કરતાં વધારે તેઓ નફો, ડિવિડંડ તથા ટ્રાન્સફર પ્રાઈસિંગ દ્વારા ભારતમાંથી પોતાના દેશમાં લઈ જાય છે. પરિણામે ભારતનું વિદેશી દેવું ધીમે ધીમે વધ્યા જ કરે છે.
ઉપરાંત, ભારત જો ખરેખર આત્મનિર્ભર બનતું હોય તો તેનું વિદેશી દેવું ઘટતું જતું જવું જોઈએ. શું છેલ્લાં દસ વર્ષમાં ખરેખર એવું થયું છે ખરું? નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારે ૨૦૧૪માં ભારતનું વિદેશી દેવું ૪૬,૨૦૦ કરોડ ડોલર હતું અને તે ૨૦૨૪ સુધીમાં વધીને ૬૪,૦૦૦ કરોડ ડોલર થયું છે. આમ તેમાં ૩૮ ટકાનો વધારો થયો છે. આ રકમ આજના ડોલરના ભાવે રૂ. ૫૪.૪૦ લાખ કરોડ થાય. એ ભારત સરકારના ૪૭ લાખ કરોડ રૂપિયાના બજેટ કરતાં પણ વધારે થઈ! ભારતની કુલાવક એટલે કે જીડીપી આ વર્ષે ચાર ૩૫૦ લાખ કરોડ રૂ. થવાની ધારણા છે. એટલે વિદેશી દેવું તેના સાતમા ભાગ જેટલું તો થયું જ!
ભારત સરકાર પોતે પણ દર વર્ષે વિકાસ કરવા માટે વિશ્વ બેંક અને આઇએમએફ પાસેથી ઢગલો વિદેશી દેવું લે છે. ભારત સરકારનું વિદેશી દેવું ગયા વર્ષે એટલે કે ૨૦૨૩-૨૪માં ૭.૩ લાખ કરોડ રૂ. થયું હતું. મોદી સરકારે વિદેશી સરકારો પાસેથી પણ ઢગલો લોન લીધી છે અને હજુ તે લઈ રહી છે. જો આખા દેશનું અને કેન્દ્ર સરકારનું વિદેશી દેવું વધતું હોય તો દેશ આત્મનિર્ભર બની રહ્યો છે એવું કેવી રીતે કહેવાય?
આમ, ભારતમાં વિદેશી રોકાણ વધે છે, ભારતનું વિદેશી દેવું વધે છે અને આયાત કરતાં તો નિકાસ વધારે જ છે અને વધતી જ જઈ રહી છે તેવા સંજોગોમાં ભારત આત્મનિર્ભર ભારતનો નારો એ એક મોટી છેતરપિંડી સિવાય કશું નથી.
- હેમન્તકુમાર શાહ








