મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આખરી માસ્ટર સ્ટ્રોક જનતા જ છે!

- કરન્ટ કીક આજથી પાંચ છ મહિના પહેલાનું વાતાવરણ યાદ કરો. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન, ભવ્ય અયોધ્યા

શતરંગ / આખરી માસ્ટર સ્ટ્રોક જનતા જ છે!

- કરન્ટ કીક

આજથી પાંચ છ મહિના પહેલાનું વાતાવરણ યાદ કરો. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન, ભવ્ય અયોધ્યા નગરી, ગ્લોબલ સ્કેલ પર ગૂંજી ઉઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. કોઈ ઘોર મોદીના વિરોધીને પણ પૂછો કે શું લાગે છે ઇલેક્શનનું? તો જવાબ મળતો કે સવાલ જ નથી, નરેન્દ્ર મોદીને કોઈ પહોંચી શકે એમ જ નથી. પણ અંદરખાને કશુંક હતું જે ઉપરછલ્લી નજરે પકડાય એમ નહોતું. 

એક વાત સ્પષ્ટ હતી કે રામ મંદિર પછીના અમુક મહિનાઓમાં નરેન્દ્ર મોદીનું નેરેટિવ નબળું પડ્યું હતું. 2014ની જેમ કોંગ્રેસને હટાવી દેવા જેટલો સ્પષ્ટ વિરોધ કોઈનો ભલે ના હોય, પણ ધ્યાનથી વિચારતા ખ્યાલ આવે કે 2019ની જેમ પ્રચંડ દેશપ્રેમની ચિનગારીઓથી ઘેરાયેલા મોદી પણ 2024માં ન્હોતા. વિપક્ષ હંમેશની જેમ નબળો જ હતો. 

પણ રાજકીય પ્રવાહો કંઈક વિચિત્ર હતા. નીતીશ કુમારે ભયાનક પલટી મારીને ઇન્ડિયા ગઠબંધન જ લગભગ તોડી નાખેલું. બાલાસાહેબ ઠાકરેની શિવસેના તહસનહસ થઈ ગઈ, રાજકારણના વર્ષો જૂના ખિલાડી શરદ પવારની પાર્ટી ભુક્કો થઈ ગઈ. ઠાકરેનો જમણો હાથ મનાતા શિંદે મહારાષ્ટ્રમાં સીએમ બન્યા, તો સિનિયર પવારના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ગણાતા જુનિયર પવાર હાથ જોડીને મોદી-શાહના ખોળામાં આવી ચડ્યા. બલ્કે એમને ખોળામાં જબરદસ્તી બેસાડવામાં આવ્યા. બહેન માયાવતી ચૂપ થઈ ગયા ત્યારથી નક્કી હતું કે એ અમિત શાહના ઈશારે ચાલે છે. 

પણ આ બધી રમઝટથી નરેન્દ્ર મોદીનો ચહેરો અને અમિત શાહનું મેનેજમેન્ટ નબળું પડે? એક સન્નાટો તો હતો, હેમંત સોરેનથી માંડીને કેજરીવાલના જેલમાં જવાથી, તેજસ્વી યાદવ પર વારંવાર પડેલી રેઇડથી, રાહુલ ગાંધી પર થયેલા કેસથી. લગભગ બે ડઝન જેટલા વિપક્ષી નેતાઓને ભ્રષ્ટાચાર બાબતે હાથ જોડીને પાર્ટીમાં લાવવાથી અને બીજાઓને પોતાના રિમોટ કંટ્રોલ પર ચલાવ્યાથી. 

વાત તો પોતાની જ પાર્ટીમાં ચાલતી આંતરિક ધમાલની પણ હતી. વાત સાઈડલાઇન થયેલા એ નેતાઓની પણ હતી, જેમના નામના ક્યારેક સિક્કા પડતા હતા તો અમુક મહત્વાકાંક્ષી નેતાઓના ભવિષ્યમાં સિક્કા પડવાના હતા. વાત નરેન્દ્ર પછી દેવેન્દ્રની પણ હતી ને વાત મોદી પછી યોગીની પણ હતી. વાત એ નાગપુરના રાજાની પણ હતી જે લગભગ એક દસકો ચૂપ રહ્યા હતા અને ક્યારેક આંગળી ચીંધવાના પુણ્ય બદલ ભ્રષ્ટાચારના લિસ્ટમાં રંગાઈ ગયેલા પોતાના જ જુના વફાદાર માણસોની પણ હતી. 

વાત તો એ વોશિંગ મશીનની પણ હતી, જેમાં ધોવાઈને સાથે આવી જનારા નેતાઓ સાફ થઈ જતા હતા ને બીજાઓ રહેતા હતા નાપાક. વાત એ કાર્યકર્તાઓની હતી જેમણે વરસો સુધી તડકા વરસાદમાં મહેનત કરીને હિંદુત્વનો દીવડો પ્રગટાવેલો, વાત કપાઈ ગયેલી નારાજ ટિકિટોની પણ હતી ને વાત એ પદાધિકારીઓની પણ જતી જેમના ભોગે સવા સો બહારી નેતાઓ અચાનક લાવી દેવાયા હતા. જેમણે આખી જિંદગી કેસરિયાને ઘેરો કરવામાં રાતો ખર્ચી નાખ્યા એમના ભૂંસાઈ જવા આવેલા તેજની પણ વાત તો થવી જ જોઈએ. 

અને આ બધા પરિબળોની વચ્ચે તમાશો જોઈ રહેલી જનતા કોઈ વાત નથી, અસલમાં એ જ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ફેક્ટર હતું 2024નું. એના માટે સામે કોઈ નહોતું જે આ ચહેરાનો વિકલ્પ બની શકે. નોકરી હોય કે મોંઘવારી એ જનતા બોલતી નહોતી, પણ એના મનમાં એક થાક તો હતો જ. ઠીક મારા ભાઈ હવે, વૈશ્વિક યુદ્ધ રોકાવો, વિશ્વગુરુ બનો કે પાકિસ્તાનને સીધું કરો પણ પાંચ કિલો અનાજ સિવાય પણ અમારી સામે જુઓ. 

સમજાય નહિ એવા અઘરા ઇલેકટોરલ બોન્ડ હોય કે બે બિઝનેસ મેનો સાથેની સાંઠગાંઠના હળવા સમાચાર હોય, અગાઉની જેમ છાપાઓમાં કશું ય સ્પષ્ટ નહોતું લખાતું ને ટીવી ચેનલો નેતાઓને અરીસો બતાવવાને બદલે જનતાને મોંઘવારીની વાત કરવા બદલ તોડી નાંખતી, ખેડૂતોને ખાલીસ્તાની કહેતી, એને ફૂટી ગયેલા પેપરો બદલ આંદોલન કરનારા વિદ્યાર્થીઓમાં દેશ વિરોધી તત્વ દેખાતું. એને રોજગારી માંગનારા યુવાનોમાં "ભીખ" લાગતી. 

અને ઇલેક્શન આવ્યું. પહેલા ફેઝના નિરસ મતદાનમાં લાગ્યું કે ગરમી અસર કરે છે. પણ ત્રીજા તબક્કા સુધીમાં સાબિત થયું કે આ તો જનતા જ ઠંડી પડી ગઈ છે. એ હવે અગાઉની જેમ મોદી મોદી કરતી નથી. ભલે વિપક્ષ નબળો છે પણ હિંદુત્વનો ગઢ ગણાતા ભાજપીય સીટો પર આટલું ઓછું વોટિંગ? એક તબક્કે વિપક્ષે જ મેદાન મૂકી દીધેલું અને વિપક્ષના નેતાઓ જ કહેતા કે આ સરકાર 400 એ નહિ પહોંચે. મતલબ સરકાર તો બનાવશે ને? એ બાબતે સમર્થકો વિરોધીઓ એક મત હતા, કોઈ સવાલ જ નથી. મોદી નહિ તો કોણ? 

પણ ત્રીજા તબક્કા પછી કશુંક ગમતું ભાળી ગયેલા વિપક્ષને ટ્યુબલાઈટ થઈ કે જનતા તો મોટાપાયે નહિ પણ છૂટક છૂટક આપણી સાથે છે. અને શરૂ થયું એક તાંડવ! જેમાં જાણકારો કહેતા તો હતા કે આ ચહેરો હારી શકે છે. પણ અનુભવીઓ કહેતા કે કઈ રીતે હારે? મોદીને હરાવવા ખાવાના ખેલ છે? કોણ છે એવું સામે? પણ કદાચ સામે "જનતા" હતી. અને 2014 હોય કે 2019, એક જનમાન તો ફિક્સ હતું કે નરેન્દ્ર મોદીને 31 ટકા અને 37 ટકા વોટ જ મળેલા. અગાઉ નહેરુ કે ઈન્દિરાની જેમ 45 48 ટકા સુધી ઉત્તર-દક્ષિણમાં મળનારું પ્રચંડ સમર્થન તો ક્યારેય નહોતું. 

ખૈર, વાત એટલી હતી કે સોમાંથી બે પાંચ મતદાર આમતેમ ખસી જાય. અને એમ જ થયું. એક પગલું ખોટું ને ખોટો આખો દાખલો! અને વાત તો સરકાર બનાવી લેવાની નહોતી. વાત તો હતી કે એક મજબૂત ચહેરાની આસપાસ રમતું વિશાળ ભારતીય રાજકારણ, અને એમાંથી જરાક પીઠ પર ઘા કરી ગયેલ પોતાના એક થી ગયેલા દોસ્તો ને દુશ્મનો!

વાત બસ એટલી જ હતી, અને એટલી જ હોય છે, રાજકારણમાં!

- ડૉ. ભગીરથ જોગીયા

આ સમાચાર શેર કરો