મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આખરી માસ્ટર સ્ટ્રોક જનતાનો જ હોય છે! ભાગ 2

- જોગીજ્ઞાન 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ બહુમતીથી

શતરંગ / આખરી માસ્ટર સ્ટ્રોક જનતાનો જ હોય છે! ભાગ 2

- જોગીજ્ઞાન 

2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ બહુમતીથી જીત્યા, 2007, 2012 નું પણ એવું જ. અને પછી દિલ્હી પ્રસ્થાન કરી ગયેલા નરેન્દ્ર મોદી 2014 અને 2019નો જંગ પણ જંગી બહુમતીથી જીતી લીધો. પાંચ ઇલેક્શન પોતાના જ ચહેરા પર જીતવા એ કંઈ આ વૈવિધ્યસભર ભારતમાં બચ્ચાના ખેલ નથી. (2017 અને 2022ના ગુજરાત ઇલેક્શન ગણો તો સાત થાય. પણ એમ સરવાળો કરીએ તો ગુજરાત સહિતના ઘણા રાજ્યો એવા છે જ્યાં ચૂંટણીનો  એક જ વિજયી ચહેરો હોય- ધી નરેન્દ્ર મોદી...)

પણ આ વખતે 2024માં એ બ્રાન્ડ નબળી પડી એમ તો ના કહી શકાય, પણ ઝાંખી જરૂર પડી છે. મોદી-શાહ એન્ડ કંપની તો એ બાબતે મનોમંથન કરશે જ, પણ જે નજરે દેખાઈ આવી છે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની પાર્ટીના સભ્યો, મોદીના સમર્થકો અને ખાસ તો જાગૃત નાગરિકોએ જરૂર છે. એવા કયા મુદ્દા હતા જ્યાં આવડી મોટી મશીનરી, કાર્પેટ બોંમ્બિંગ અને સતત જમીની સ્તર પર કરાતા અનુમાનો પણ નિષ્ફળ ગયા?

ભારતનો બહુમતીવાદ આમ તો "હિંદુત્વ"ના વરખ નીચે સામુદાયિક વાદ છે, સીધા શબ્દોમાં કહો કે જ્ઞાતિવાદ છે. એટલે સનાતની છત્રી નીચે બધી જ જ્ઞાતિઓ એક થઈને વોટ આપે એ 2014 પહેલાં પણ શક્ય નહોતું. હિંદુત્વ જો મોસ્ટ ઈમ્પેક્ટિવ ફેક્ટર છેલ્લા દસ વર્ષમાં જરૂર હતું જ. પણ ભારતીય હિંદુઓમાં એક નેચરલ સેક્યુલરીઝમ ઇનબિલ્ટ છે એટલે ધાર્મિકતાનો સેચ્યુરેશન પોઇન્ટ આવી જવો સ્વભાવિક છે. એક થ્રેશોલ્ડ ક્રોસ કરી જાય અને એ પણ વરસોનાં વરસ સુધી એ ક્યારેય શક્ય નથી બન્યું. 

એટલે જ જન્માનસ ઓળખવામાં કાબિલ નરેન્દ્ર મોદીએ હિંદુત્વની સમાંતરમાં "વિકાસ"નો મુદ્દો સ્માર્ટલી જનતાના મગજમાં ઇન્સ્ટોલ કરી દીધો. એટલે જ જ્યારે મોટાભાગના લોકોને લાગતું હતું કે રામ મંદિર 2024નો મોટો મુદ્દો બની રહેશે ત્યારે બહુ થોડા લોકો જાણતા હતા અને ખોંખારો ખાઈને કહેતા હતા કે, જાન્યુઆરીમાં મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું. ભવ્ય અને દિવ્ય. આખું ભારત એક ભગવા રંગે રંગાયું પણ ખરું. પણ પછી વરસો સુધી એ જ મુદ્દો જનમાનસમાં હાવી રહે એ જરૂરી નથી. અને આ કોઈ રોકેટ સાયન્સ નથી. સામાન્ય માણસની કોમન સાયકોલોજી છે. હા, ઇલેક્શનના મહિના બે મહિના પહેલા ઉદ્ઘાટન થયું હોત તો પરિણામ અલગ હોત!

એટલે જ જેવો જ મંદિરનો મુદ્દો હળવો થયો, ત્યારે 2014 કે 2019ની જેમ કોઈ જબરદસ્ત રાષ્ટ્રવાદી મુદ્દો હતો નહિ. આમ તો મંદિર ઇલેક્શનનો મુદ્દો ના હોવો જોઈએ એ દેખીતા આદર્શની વાત છે, પણ એવી ડાહી ડમરી વાતો રાજકારણમાં ચાલતી નથી. ભાજપ 1980થી રામ મંદિર બાબતે સ્પષ્ટ જ છે અને એનો કોર વોટર પણ સ્પષ્ટ છે. અને લોકશાહીમાં દરેક પાર્ટી અને એના મતદારોને પોતપોતાને અનુકૂળ મુદ્દાઓ પસંદ કરવાની છૂટ હોય જ! પણ તો પછી ભાજપ કહેતા બ્રાન્ડ મોદી જરાક ઝાંખી ક્યાં પડી? 

ઉપરનું વરખ જરાક ઉતરતા જ જનતાને પોતાની સમસ્યાઓ દેખાવા લાગી. મોંઘવારી, બેરોજગારી, અગ્નિવીર વગેરે વગેરે. રાજપૂત-જાટની નારાજગી ખુલીને સામે આવી. અને સામુદાયિક બહુમતી જ્યારે નારાજ થાય ત્યારે એ કોઈ એકાદ શહેર કે પ્રદેશ પૂરતી મર્યાદિત નથી રહેતી. એ આગની જેમ આખાને આખા બેલ્ટ પકડી લે છે. જે ઉત્તર ભારત ભાજપાનો ગઢ ગણાય છે ત્યાં જ જુઓ પશ્ચિમ યુપીથી વાયા હરિયાણા થઈને છેક રાજસ્થાન સુધી ભાજપને સળંગ પટ્ટામાં મોટું નુકસાન થયું. પંજાબમાં તો આમેય કશું હતું નહીં, પણ જે બે સીટ હતી એ પણ ગઈ. વળી, એની સામે વિપક્ષે સીટ શેરિંગમાં જ્ઞાતિના સમીકરણો પ્રમાણે માસ્ટર સ્ટ્રોક રમી લીધા. 

વાત ખાસ યુપીની કરીએ તો પ્રદેશ સંગઠન અને દિલ્હી વચ્ચે ટિકિટ બાબતે સમરસતા નહોતી એમ કહેવાય છે. મહારાષ્ટ્રમાં શિંદે કે પવાર જેવા લેટરલ એન્ટ્રીવાળા નેતાઓ નહોતા જનતાને પસંદ કે નહોતા પાર્ટીના જુના કાર્યકર્તાઓને. અને સંઘની અમુક જગ્યાએ નિષ્ક્રિયતા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું વિવાદિત સ્ટેટમેન્ટ એ હવે કોઈ બંધ બારણાં પાછળની વાતો રહી નથી. રાજસ્થાન અને હરિયાણામાં તો વાતો ઉડી છે કે મુખ્યમંત્રીઓને કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા બાબતે પત્ર પણ લખાયા છે. 

ખૈર, એક વાત છે કે અયોધ્યા મંડળ જેવી હોટ ફેવરિટ સીટ પર હારી ગયા બાબતે સોશિયલ મીડિયામાં ભલે હિંદુ મતદાતાઓની આકરી ટીકા થતી હોય, પણ હકીકત તો એ છે કે હારનાર પણ હિંદુ છે ને જીતનાર પણ હિંદુ છે! જે અવધપ્રસાદ જીતી ગયા એ દલિત સમાજના પ્રચંડ નેતા છે. તો શું એમને કાયદેસર જીતી જવાનો હક નથી? કે એમને વોટ આપનાર ભારતીયોને એ પણ હક નથી? 

અગાઉ મોદી જીતે ત્યારે અમુક કુ-બૌદ્ધિક તત્વો ઇવીએમને ગાળો આપતા, ભારતીય પ્રજાને ધર્મના અફીણમાં જીવનારી પ્રજા કહેતા. પણ હવે અયોધ્યા, રામેશ્વરમ મોદી હારે કે બનારસમાં થોડા નબળા પડે તો આ દેશના કરોડો હિંદુઓ મૂર્ખ કે દેશદ્રોહી થઇ ગયા? જરાક પોતાની અંદર ડોકિયું કરો એટલે સમસ્યાનું નિવારણ સમજાઈ જશે!

- ડૉ. ભગીરથ જોગિયા 

આ સમાચાર શેર કરો