શતરંગ / ખમીરવંતા ગુજરાતની સમૃદ્ધિ સદીઓથી આકર્ષતી રહી છે
- ચલ કહીં દૂર... ગુજરાતના સુવર્ણયુગ એવા ક્ષત્રપ કાળમાં ભરૂચ મિન્સ ભૃગુકચ્છ

- ચલ કહીં દૂર...
ગુજરાતના સુવર્ણયુગ એવા ક્ષત્રપ કાળમાં ભરૂચ મિન્સ ભૃગુકચ્છ સૌથી મોટું પોર્ટ હતું. ભરૂચ સિવાય પણ આશરે બે હજાર વર્ષ પહેલાં દ્વારકા, માંગરોળ, વલભીપુર, પ્રભાસ વગેરે વેપારી કેન્દ્ર ધમધમતા રહેતા. ગુગળ, હાથીદાંત, અકીક, પન્ના, સુતરાઉ સહિત વિવિધ પ્રકારના કપડાંની નિકાસ થતી. સામા પક્ષે ઇટાલિયન દારૂ, તાંબુ, પોખરાજ, જાડા કાચ, મેક અપનો સામાન આવતો. ક્ષત્રપ રાજ્યના સિક્કાઓનું ચલણ રહેતું. એ ચલણ કાર્ષાપણ તરીકે જાણીતું હતું અને કેટલીક વ્યાપારી પેઢીઓ આશરે આઠ નવ ટકા જેટલું વ્યાજ આપતી હતી.
સરેરાશ ગુજરાતી ખેતી કરતો, ખેતીમાં ઘઉં, ચોખા, તલ, મગફળી, બાજરો, શેરડી સહિત પશુપાલન વ્યાપક રીતે થતું હતું. ઉત્તમ ખેતી અને સમૃદ્ધ વ્યાપારે હજારો વર્ષથી ગુજરાતીઓને ભોજનના શોખીન બનાવ્યા છે. બે હજાર વર્ષ પહેલાં એ યુગ મુજબ સુપ અને શરબતની પ્રથા હતી. સમૃદ્ધ ગુજરાતમાં અસંખ્ય શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પણ હતી.
કથાનો સાર એટલો જ કે મૂળે ગુજરાત ધંધા રોજગારનો પ્રદેશ. અંગ્રેજ શાસન દરમિયાન અસંખ્ય અગવડો વચ્ચે પણ વેપાર કરવાનું ખમીર ગુજરાતીઓ પાસે અકબંધ હતું. સોલંકીયુગમાં ખંભાતનો વિકાસ થયો. ખંભાતમાં પારસીઓ અને મુસ્લિમ પ્રજા પણ વસતી હતી. ખંભાતથી ઇરાન, આફ્રિકા તથા પૂર્વમાં છેક ચીન સુધી વ્યાપાર થતો હતો. સલ્તનત યુગમાં પણ ખંભાતનો દબદબો યથાવત રહ્યો. જેમ જેમ સમય જતાં બીજા નાનામોટા વ્યાપારી કેન્દ્ર બનવા લાગ્યા, દીવમાં ફિરંગી સત્તા સ્થાપિત થતાં ગુજરાતના વ્યાપારને ફટકો પડ્યો.
વેપારની દ્રષ્ટિએ દેશ આઝાદ થયો તે અગાઉ ગુજરાતીઓના ખમીરનો અભ્યાસ કરવા માટે કાપડ મીલોનો અભ્યાસ થવો જોઈએ. વર્ષ ૧૯૩૧મા પાંત્રીસ લાખ વ્યાવસાયિકોમાંથી છવ્વીસ લાખ ખેતી સાથે સંકળાયેલા હતા. અંદાજે ૭૩% ખેતી પર આધારિત હતાં. આઝાદીના પ્રથમ દાયકામાં એક કરોડ તેર લાખ વ્યાવસાયિકોમાંથી ઈકોતેર લાખ એટલે કે ૬૨% લોકો ખેતી સાથે જોડાયેલા હતાં. આઝાદીના પ્રથમ દાયકામાં જ પાણીના અભાવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દેશમા બીજા ક્રમે સૌથી વધુ શહેરીકરણ થવા લાગ્યું હતું. ઓછા પિયતવાળી જમીન, નબળા ઢોર અને અચોક્કસ ચોમાસું, જેણે ખેતીની કેડ તોડી પણ ગુજરાતના ખમીરે ઉદ્યોગમાં ભારે વિકાસ કર્યો. આઝાદીના પ્રથમ દાયકામાં પંજાબમાં ૫૪% સિંચાઇ હતી, ત્યારે ગુજરાત માંડ 3% પર હતું. આ સમયે અમૂલ હજી મજબૂત ન હતું, મહીથી માંડીને અનેક નદીઓ પર ડેમ બનતા હતા, આઝાદીના પ્રથમ દાયકામાં અસંખ્ય નાની યોજનાઓ અમલમાં આવતા સિંચાઇ વધવા લાગી હતી, પણ આ સંઘર્ષમાં ગુજરાતી નવા માર્ગે જવા તૈયાર હતા. આઝાદીના પહેલા દાયકામાં દેશનાં કુલ ઉત્પાદનનું 30% કપડું ગુજરાતમાં બનતું હતું. ભારતમાં પ્રથમ મીલ કલકત્તામાં 1817મા શરૂ થઈ, પણ 1854મા મુંબઈમાં પારસીઓએ સાહસ કર્યું. ગુજરાતમાં મીલ નાખવાં માટે યોગ્ય વાતાવરણ છે એવો પ્રથમ અંદાજ ટોમસ જેમ્સને આવ્યો હતો. અમદાવાદમાં રણછોડલાલ જેમ્સ લેન્ડલ સાથે પ્રારંભ કર્યો, પણ સફળતા મળી નહીં. આ જ લેન્ડલે ભરુચમા 1853મા ધ ભરૂચ કોટન મીલ શરુ કરી. અંગ્રેજ અધિકારી પ્રથમ સાહસ કર્યું. રણછોડલાલ શેઠે અમદાવાદમાં સાહસ કરવા પ્રયત્ન કર્યો. મશીન ડુબી ગયા, અંગ્રેજ મેનેજર કોલેરામાં મરી ગયો. રણછોડલાલ સાહસ ચાલું રાખ્યું, 1859મા અમદાવાદને એક નવો યુગ આપ્યો. અમદાવાદને સફળતા મળે તો સૌરાષ્ટ્ર પાછું રહે? વર્ષ ૧૮૭૩માં ભાવનગરના ગગા ઓઝા અને પર્સીવેલ મીલ નાખી, નુકશાનમાં જતાં ૧૮૮૧ માં ફરી પ્રારંભ થયો. વિકાસના પ્રારંભિક સમયમાં ૧૮૮૦ના દાયકામાં અમદાવાદમાં ચાર, સુરતમાં બે, વડોદરા તથા ભાવનગરમાં એક મીલ હતી. અંગ્રેજ સરકારના કડક કાયદા તથા ટેક્સ વધારે પડતો હોવા છતાં વર્ષ ૧૮૯૪માં એકલા અમદાવાદમાં બાર મીલો હતી. છ વર્ષ પછી ૧૯૦૦મા ૨૭ અને ગાંધી ગુજરાત આવ્યા તે સમયે વર્ષ ૧૯૧૫માં ૪૯ મીલો એકલા અમદાવાદમાં ચાલતી હતી. સ્વદેશી ચળવળ મીલને પ્રોત્સાહન મળતાં ૧૯૩૪મા પંચોતેર હજાર કામદારો સાથે ૬૨ મીલો અમદાવાદમાં ધમધમતી હતી. આઝાદીના પ્રથમ દાયકામાં આંકડો મીલોનો આંક ૭૪ પર પહોંચી ગયો હતો. દેશમાં કાનપુર, મુંબઈ, મદ્રાસ જેવા અનેક સ્થળોએ મીલો શરૂ થઈ હતી, પણ આ બધી મીલો વિદેશી સાહસોને કારણે શરુ થઇ હતી. માત્ર ગુજરાત જ એવો પ્રદેશ હતો, જ્યાં પોતીકું સાહસ હતું. આ જ કારણે મહાત્મા ગાંધીની મજૂર મહાજન ચળવળ ગુજરાતમાં જ પ્રારંભ થઇ હતી. બે.હજાર વર્ષથી ઉદ્યોગ શબ્દનો પર્યાય જ ગુજરાતી છે. બંને વિશ્વયુધ્ધ અગાઉ અંડર ગાર્મેન્ટ વિદેશી મળતા હતાં. ગુજરાતીઓએ પ્રથમવાર દેશી ગારમેન્ટ બનાવવાના લઘુ ઉદ્યોગ શરૂ કર્યો. જે વ્યવસાયમાં પ્રગતિની તક લાગે એ તરફ ગુજરાતી લાભ લેવામાં કચાશ રાખે નહીં. ધોળકા ખાતે જરીની કિનારીવાળી સાડી તૈયાર થતી હતી, આજે તો કારીગરોના પણ અસ્તિત્વ નથી. ભરૂચનો સુજની કાપડનો ઉદ્યોગ અજાયબઘર જેવો હતો. એક પણ ટાંકો લીધા સિવાય કાપડની બનાવટ થતી, આજની જનરેશન માટે કાપડ ગૃહ ઉદ્યોગ હોઇ શકે તે પણ કલ્પના બહારનું છે. ગુજરાતમાં અનેક સ્થળોએ પિતાંબર બનતું, તો સુરતમાં તણછોઇ નામનું રેશમી કપડું બનતું. તણછોઇમા વાઘ સિંહના ચિત્રો દોરવામાં આવતાં હતાં. આઝાદીના પ્રથમ દાયકામાં ખાંડ જેવી જરૂરીયાતના બે ત્રણ કારખાના હતાં. આ જ ગાળામાં અમૂલ વિકાસ પામવાની વાર હતી. ખેડા જિલ્લામાં દૂધના કુલ ઉત્પાદનમાં ૬૦% માત્ર ઘી જ બનતું. પ્રથમ દાયકામાં ખેડા જિલ્લાના નાર ગામમાં પહેલીવાર દૂધમાંથી ક્રીમ બનાવવા આવ્યું, આણંદ જિલ્લામાં પનીર બનાવવાની શરૂઆત થઈ હતી. અમૂલ પહેલાં પણ મુંબઈ શહેરને આણંદ આસપાસના ગામોમાંથી પોલસન ડેરી થકી દૂધ પુરૂં પાડવામાં આવતું હતું. સૌરાષ્ટ્રમાં આજે લાખો લોકો માછીમારી કરીને કરોડોની કમાણી કરે છે, વર્ષ 1955માં 1350 બોટ પાસે લાયસન્સ હતું, આજે તો સૌરાષ્ટ્રમાં સાવ છેવાડાના નાના ગામ પાસે વધારે બોટ હશે. ગુજરાતમાં મેટલ ઉદ્યોગનો પ્રારંભ થયો હતો. ઇમિટેશન જ્વેલરી પ્રથમ દાયકામાં શરૂ થઈ હતી, જેનો ઉપયોગ માત્ર ગરીબો માટે જ હતો. ધનિક વર્ગ ઢોળ ચડાવેલ ઘરેણાં પહેરે તો સમાજમા ચર્ચાનો વિષય બનતો. એક સમયે ધનિક વર્ગ માટે ભરુચમાં સિગારેટ બનાવવામાં આવી હતી. કપડવંજ કાચના ઉદ્યોગ માટે પ્રસિદ્ધ હતું. પોરબંદરમાં ઓગ્લે નામની કંપનીએ ગ્લાસ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સફળતા મોરબીની મહેન્દ્ર ગ્લાસ નામની કંપનીને મળી હતી. સાબુથી સિમેન્ટ ઉધોગનો પ્રારંભ હતો. દીવાસળી, પેપર, દવાઓ, પાર્ટસનો પ્રારંભ હતો. આ માહિતી આપવાનો હેતુ એટલો જ છે કે ગુજરાત વ્યવસાયમાં આગવું સ્થાન મેળવવા સદાય સંઘર્ષ કર્યો છે. ગાંધી સરદાર હોય કે નેહરુ કે પછી દરેક ચુંટણી પ્રચારનો અંબાજીથી પ્રારંભ કરતાં ઇન્દિરા ગાંધી હોય કે મોદીસાહેબ, દરેકનું યોગદાન છે. રાજકીય ચર્ચા બાજુ પર મૂકીએ, ગુજરાતીઓએ કુદરતનો સામનો કરીને છેલ્લા દોઢસો વર્ષના ઈતિહાસમાં સમૃદ્ધિ માટે સખત સંઘર્ષ કર્યો છે. દરેક રાજકીય તથા સામાજિક સંગઠનોએ યોગદાન આપતા સમૃદ્ધ ગુજરાત બન્યું છે. આગામી પચાસ વર્ષમાં ગુજરાતને નવી ઉંચાઈઓ પર લઈ જવાનું છે. મોકો છે, નેતૃત્વ પણ છે. જ્ઞાતિ, ધર્મના વાડા દૂર કરી સમાનતા તરફ ગતિ કરવાની છે, ગરવી અને ગૌરવની ગુજરાતી ભૂમિ આપણુું સ્વપ્ન છે..... આજે પણ ગુજરાત સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલું છે, પણ ખમીર અને જુસ્સો અકબંધ છે. અને હા, ગાંધીજીને 1917માં બળવંતરાય ઠાકોરે અંગ્રેજીમાં પત્ર લખ્યો હતો. પત્રના જવાબમાં ગાંધીજી એ લખ્યું હતું કે, સ્થાનિક ભાષાના જાણકાર હોવા છતાં જો અંગ્રેજી પત્રવ્યવહાર થાય તો દેશ આઝાદ થાય પછી ત્રણ મહીના જેલની સજા થાય એવા કાયદાની જોગવાઈ થવી જોઈએ.... અંગવિજ્જા નામના પૌરાણિક પુસ્તકમાં ક્ષત્રપ યુગમાં સરકારી નોકરીઓ હતી. નાવ બનાવવાનો વ્યવસાય વિકસ્યો હતો. સમૃદ્ધ સમાજ હોય એટલે સોનીકામ અને કન્સ્ટ્રકશન વિકાસ પામે. - દેવલ શાસ્ત્રી







