મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / વૈજ્ઞાનિક સંશોધનોની પ્રક્રિયા: પિઅર રીવ્યુનો રીવ્યુ

- વિજ્ઞાન વિહાર બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયનો ધોરણ 8-ક નો કલાસ હતો. 1993ના જૂન મહિન

શતરંગ / વૈજ્ઞાનિક સંશોધનોની પ્રક્રિયા: પિઅર રીવ્યુનો રીવ્યુ

- વિજ્ઞાન વિહાર

બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયનો ધોરણ 8-ક નો કલાસ હતો. 1993ના જૂન મહિનાના લગભગ છેલ્લા અઠવાડિયાનો કોઈ એક દિવસ હતો. મને બરાબર યાદ છે એ દિવસ. બહાર ખુબ વરસાદ હતો અને વિજ્ઞાનના પિરિયડમાં ભરાડ સાહેબે અમારી નવી બેચમાં બધા વિદ્યાર્થીઓને ઉભા થઈને પોતાનું નામ અને આગળ શું બનવું છે એ વારા ફરતી બોલવા કહ્યું. મારો વારો આવ્યો એટલે મેં મારું નામ કહ્યા પછી જરા પણ અચકાયા વગર કહ્યું કે મારે મોટા થઈને વૈજ્ઞાનિક બનવું છે. 

મૂળ વૈજ્ઞાનિક બનવાના અભરખા પહેલા સ્કોપ અને ત્યાર  બાદ એ સમયે નવું નવું શરુ થયેલું સફારી વાંચીને જાગેલા. ટ્વીન પેરાડોક્સ, બ્લેક હોલ, બિગ બેંગ, એવું બધું વાંચીને અને આઈન્સટાઈન, ડાર્વિન કે હાઈઝનબર્ગની વાતો જાણીને વિજ્ઞાનની દુનિયાથી અંજાયેલો હતો. પણ હકીકતમાં એ સમયે મારું અજ્ઞાન કહો કે નાદાની, મને માત્ર વૈજ્ઞાનિક બનવું હતું એ જ ખબર હતી, વૈજ્ઞાનિક બનવા માટે શું કરવાનું હોય એ વિશે જરા પણ આઈડિયા ન હતો! વૈજ્ઞાનિક કેવી રીતે બની શકાય એ વિશે કદી જાણવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. બસ એટલી ખબર હતી કે વિજ્ઞાન ભણવું પડે એટલે અગિયારમા ધોરણમાં સાયન્સ લેવાનું છે એટલું નક્કી હતું. એ સિવાય એવા ખાસ કોઈ પ્રયત્નો પણ નહોતા કર્યા. બસ ભણતા ભણતા અનાયાસે જ નસીબ જોગે વિજ્ઞાનની આ દુનિયામાં આવી ગયો. 

આજે પાછું વાળીને જોઉં તો લાગે કે વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવી હોય તો શું કરવું એ બાબતે ત્યારે કોઈ માર્ગદર્શન ઉપલબ્ધ ન હતું. મેં તો પ્રયત્ન જ નહોતો કર્યો પણ કર્યો હોત તો પણ માર્ગદર્શન મળ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. કારણકે આપણે ત્યાં વૈજ્ઞાનિક તરીકે એવી કોઈ સ્પષ્ટ અલગ કારકિર્દી ખાસ પોપ્યુલર નથી અને જે તકો છે તે પણ ખુબ દુર્લભ અને ઓછી જાણીતી છે. એટલે મને થયું કે એ વિશે લખવું જોઈએ. મૂળ તો ભારતમાં પ્રાઇવેટ કંપની કે ઈન્ડસ્ટ્રીનું આર એન્ડ ડી નહિવત થાય છે એટલે રિસર્ચમાં સત્તાવાર રીતે વૈજ્ઞાનિકનો હોદ્દો મળે એવી પ્રાઇવેટ જોબ લગભગ છે જ નહિ. સરકારી નેશનલ લેબ્સમાં આવા સાયન્ટિસ્ટનો હોદ્દો ધરાવતા પદ હોય છે પરંતુ એ સંખ્યા ભારતની વસ્તીના પ્રમાણમાં નહિવત છે એટલે કારકિર્દીની તક તરીકે એ તરફ જોવું લગભગ અર્થહીન છે. ભારત સરકાર અંતર્ગત CSIRની કેટલીક અદભુત લેબ્સ છે. એ સિવાય ભારતના પરમાણુ ઉર્જા વિભાગ (DAE) પાસે આવી અનેક લેબોરેટરીઝનું માળખું છે. સંરક્ષણ ક્ષેત્રે સંશોધનો માટે DRDOની અમુક લેબ્સ છે. ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત ISRO અને તેને સંલગ્ન લેબ્સ તથા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની પોતાની કેટલી પ્રયોગશાળાઓ પણ ખરી. આ દરેક રાષ્ટ્રીય લેબ્સમાં ઔપચારિક રીતે સાયન્ટિસ્ટની પોસ્ટ્સ હોય છે અને તેમાં નોકરી મેળવી શકાય પરંતુ આવી પોસ્ટ્સની સંખ્યા પ્રમાણમાં ઓછી અને કોમ્પિટિશન ખુબ વધારે હોય છે. ભારતની આવી દરેક રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અને તેમાં વૈજ્ઞાનિક બનવા માટેની પ્રક્રિયા વિશે એક વિગતવાર લેખ જલ્દી લખીશ. પરંતુ આજે વિજ્ઞાન આગળ કેવી રીતે વધે અને સંશોધનોને માન્યતા કેવી રીતે મળે એ વિશે જણાવવું છે. ટૂંકમાં સંશોધનોની પ્રક્રિયા વિશે વાત કરવી છે. આ પ્રક્રિયા વિશે સામાન્ય રીતે જે લોકો એકેડેમિક્સમાં ન હોય તેમને જાણ હોતી નથી. એટલે સામાન્ય જ્ઞાન તરીકે પણ આ વાત કામની છે. 

વૈજ્ઞાનિક સંશોધનોની પ્રક્રિયા વિશે જાણતા પહેલા એ સમજી લઈએ કે આવા સંશોધનો કરવા એટલે કે વૈજ્ઞાનિક બનવા માટે શું ભણવું જોઈએ? જેવી રીતે ડોક્ટર બનવા માટે MBBS, વકીલ બનવા માટે LLB કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે CA ની ડિગ્રી મેળવવી પડે એવી રીતે વૈજ્ઞાનિક બનવા માટે કોઈ ખાસ ડિગ્રી હોય? હા અને ના. ઉપર લખ્યું તેમ સરકારી રાષ્ટ્રીય લેબ્સમાં સાયન્ટિસ્ટ બનવા માટે ચોક્કસ અલગ અલગ લેવલ અને હોદ્દા પ્રમાણે જે તે વિષયમાં અનુસ્નાતક અને મોટા ભાગે PhD ડિગ્રીની જરૂર પડે. પરંતુ સંશોધનો કરવા માટે, નવી શોધ કરવા માટે અને એ રીતે વૈજ્ઞાનિક બનવા માટે, ઇવન નોબેલ પ્રાઈઝ જીતવા માટે પણ કોઈ ડિગ્રી કે હોદ્દાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે સંશોધનો કરી શકે, અને એને મુખ્ય ધારામાં અન્ય વૈજ્ઞાનિકો માટે જાહેર પણ કરી જ શકે. જો કે આવા કિસ્સા અને વ્યક્તિ જૂજ હોય. નેશનલ લેબ્સમાં વૈજ્ઞાનિક તરીકે નોકરી કરતા લોકો સિવાય વૈજ્ઞાનિક સંશોધનોની ફોર્મલ જવાબદારી મારા જેવા વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રોફેસરોની હોય. ઈન ફેક્ટ, મોટા ભાગના સંશોધનો અને ક્રાંતિકારી શોધો અમારી જેવા યુનિવર્સિટીમાં ભણાવતા પ્રોફેસર્સ જ કરતા હોય. તમે નોબેલ પ્રાઈઝ વિજેતાઓના લિસ્ટ્સ જોશો તો મોટા ભાગે તેમાં વિવિધ યુનિવર્સીટીના પ્રોફેસર્સ જ હશે. વિજ્ઞાન જ નહિ, અન્ય વિષયોમાં પણ નવા જ્ઞાનના સર્જનની પ્રક્રિયા સરખી જ હોય અને એ કામ પ્રોફેસર્સ જ કરતા હોય પરંતુ અહીંયા આપણે માત્ર વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંદર્ભમાં વાત કરીશું.  

ઘણી વખત આપણે વાંચતા હોઈએ કે ફલાણી શોધ માટે એક વૈજ્ઞાનિકને ફિઝિક્સનો કે કેમિસ્ટ્રીનો કે મેડિસીનનો નોબેલ પ્રાઈઝ મળ્યો પણ એ શોધ વિશે જે તે વૈજ્ઞાનિકે પહેલા જાહેર કેવી રીતે કર્યું હશે? દુનિયાને ખબર કેવી રીતે પડે કે જે તે વૈજ્ઞાનિકે એ શોધ કરી છે? વળી ઘણી વખત તો કોઈ એક ક્ષેત્રમાં ખુબ કિંમતી યોગદાન આપવા માટે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઈઝ મળ્યું હોય. તો એ કિંમતી યોગદાન આપ્યું એ કેવી રીતે ખબર પડે? જેમ કે 2023નો મેડિસિનનો નોબેલ પુરસ્કાર mRNA આધારિત રસી બનાવવા માટે ઉપયોગી એવી ન્યુક્લીઓસાઈડ બેઝના રૂપાંતરણની પ્રક્રિયા માટે મળ્યો. તો ફિઝિક્સનો નોબેલ લેઝરના એત્તોસેકન્ડ પલ્સ જનરેટ કરવાની પ્રક્રિયા શોધવા માટે મળ્યો. તો એ લોકોએ આ પ્રક્રિયા શોધી તે દુનિયાને કેવી રીતે જણાવ્યું?   

માત્ર નોબેલ પ્રાઈઝની જ વાત નથી. નોર્મલી હું કઈંક રિસર્ચ કરું ત્યારે પ્રયોગો કરું, અવલોકનો નોંધું, એ અવલોકનો અને તર્કની મદદથી કોઈ રસપ્રદ તારણ ઉપર આવું. પછી શું? એ તારણો માન્ય કે ગેરમાન્ય એ કોણ નક્કી કરે અને દુનિયાને ખબર કેવી રીતે પડે? આ પ્રશ્ન નો ઉત્તર મારી પાસે પણ છેક PhD શરુ કર્યું ત્યાં સુધી ન હતો. કારણકે ત્યાં સુધી આ પ્રક્રિયા વિશે મને કૈં ખબર જ ન હતી. અને ઉત્તર સરળ પણ નથી કારણકે કોઈ એક ઉત્તર નથી.

પહેલા મને લાગતું કે કોઈ વૈજ્ઞાનિક રિસર્ચ કરે અને કોઈ નવી શોધ કરે એટલે એની પેટન્ટ નોંધાવે. પેટન્ટ મળી જાય એટલે શોધ તે વૈજ્ઞાનિકના નામે થઇ જાય. વાત સાચી પણ છે પરંતુ આ જ એક રસ્તો નથી. વળી પેટન્ટ તો કોઈ એક પ્રોડક્ટ કે પ્રોસેસ સંપૂર્ણ થઇ જાય ત્યારે રજીસ્ટર થાય. નાના નાના પ્રયોગો અને એના તારણો કે કોઈ તાર્કિક પૃથ્થકરણો માટે નહિ. વળી એ સંપૂર્ણ પ્રોડક્ટ કે પ્રોસેસની શોધ માટેની પેટન્ટ પણ એક રીતે માત્ર ઇન્વેન્ટરે કરેલી શોધને તે શોધકર્તાની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તરીકે માન્યતા આપી તેને કાયદાકીય રીતે રક્ષણ આપે. પેટન્ટ એ દુનિયાને શોધ વિશે જણાવવાનો મુખ્ય રસ્તો નથી. તો એ મુખ્ય રસ્તો શું છે?

એ રસ્તો એટલે સંશોધન પત્રો, રિસર્ચ પેપર્સ. કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ નવો પ્રયોગ કરે, કે કોઈ ગણિતીય પૃથ્થકરણ કરે કે પછી કોઈ કુદરતી ઘટનાના અવલોકનો ઉપરથી કોઈ વૈજ્ઞાનિક તારણ મેળવે ત્યારે એ પરિણામો કે તારણોને જે તે વૈજ્ઞાનિક રિસર્ચ પેપર તરીકે પ્રકાશિત કરવા પ્રયત્ન કરે જેથી એ વિષય ઉપર કામ કરતા અન્ય વૈજ્ઞાનિકોને અને બાકીની આખી દુનિયાને જે તે વૈજ્ઞાનિકે મેળવેલા પરિણામો વિશે ખબર પડે. હા, પ્રકાશિત કરવા 'પ્રયત્ન' કરે. કારણકે પેપરનું પ્રકાશન એક સિસ્ટમ પ્રમાણે થાય. અત્યારે જે વ્યાપક અને સર્વસ્વીકૃત સિસ્ટમ છે તે છે પિઅર રીવ્યુ સિસ્ટમ. ચાલો આ આખી સિસ્ટમને સમજીએ.

ધારો કે મે કોઈ પ્રક્રિયાને સમજવા માટે એક પ્રયોગ પ્લાન કર્યો. એ પ્રયોગ મે મારી લેબોરેટરીમાં કર્યો અને અવલોકનો લીધા. આ અવલોકનોનું તર્ક, ગણિત અને અગાઉની અન્ય જાણકારીને આધારે પૃથ્થકરણ કર્યું અને જે પ્રક્રિયાને સમજવા માટે પ્રયોગ કરેલો એ પ્રક્રિયા વિશે ઉપલબ્ધ જાણકારીમાં મારા તરફથી કઈંક વધારો કર્યો. હવે હું આ બધી વિગતો એક સંશોધન પત્ર સ્વરૂપે લખીશ અને તેને કોઈ સંબંધિત જર્નલમાં પ્રકાશન માટે મોકલી આપીશ. 

વિજ્ઞાનની અને આમ તો એકેડેમિક્સની દુનિયામાં અલગ અલગ વિષય અને ક્ષેત્રની આવી અસંખ્ય જર્નલ્સ હોય જે અલગ અલગ પ્રકાશનો દ્વારા પ્રકાશિત થતી હોય. વિજ્ઞાનના ક્ષેત્રમાં નેચર કે એલ્સેવીયર જેવી અમુક જુની અને ખુબ જ નામાંકિત પ્રકાશન કંપનીઓ છે. એ સિવાય પણ AIP, IOP, સ્પ્રિન્જર, ટેઈલર એન્ડ ફ્રાન્સિસ કે વાઈલી જેવી બીજી પણ અનેક કંપનીઝ પ્રકાશનના બિઝનેસમાં છે. હા, આ પ્યોર બિઝનેસ જ છે. અને આ કંપનીઝનું બિઝનેસ મોડેલ ખુબ રસપ્રદ છે. ખેર, અત્યારે આપણે પ્રક્રિયા સમજીએ. બિઝનેસ મોડેલ વિશે પછી ક્યારેક. 

હા તો હું મારા પ્રયોગો અને તારણો વિશે વિગતે પેપર લખી જે મારા સંશોધનના વિષયની સૌથી નજીક હોય તે જર્નલમાં પ્રકાશિત કરવા માટે મોકલી આપું. એ પેપર તે જર્નલના એડિટર પાસે જાય જે પણ મારી જેમ જ કોઈ પ્રોફેસર કે વૈજ્ઞાનિક હોય. પરંતુ સામાન્ય રીતે થોડા સિનિયર અને અનુભવી હોય. એડિટર મારા પેપરને ઉપર ઉપરથી વાંચી તેના વિષય વસ્તુને થોડું ઘણું સમજી તે પ્રમાણે મારા જ ફિલ્ડમાં કામ કરતા મારા જેવા ત્રણ કે ચાર અન્ય પ્રોફેસર્સ કે વૈજ્ઞાનિકો (એટલે કે અંગ્રેજીમાં 'peers')ને એ પેપર રીવ્યુ માટે મોકલે. આ પ્રોફેસર્સ કે વૈજ્ઞાનિકો દુનિયાની કોઈ પણ યુનિવર્સીટી કે દેશના હોઈ શકે. વિજ્ઞાનને દેશોની સરહદ સામાન્ય રીતે નથી નડતી. કેટલીક જર્નલ રાષ્ટ્રીય પણ હોય છે જેમાં એડિટર અને રીવ્યુઅર આપણા દેશના જ હોય. જો કે મોટા ભાગે બધા જ પ્રોફેસર્સ કે વૈજ્ઞાનિક ઈચ્છે કે તેમના રિસર્ચને આંતરરાષ્ટ્રીય ઓડિયન્સ અને પ્લેટફોર્મ મળે. એટલે સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય જર્નલ્સ જ વધુ પસંદ કરવામાં આવે. 

તો જે ત્રણ કે ચાર વૈજ્ઞાનિકો/પ્રોફેસર્સને મારું પેપર રીવ્યુ કરવા મળે તે દરેક આપેલા સમયમાં (સામાન્ય રીતે એકાદ મહિનામાં જો કે એ સમય ફિક્સ ન હોય અને અમુક વખત ઇવન મહિનાઓ પણ થઇ જાય) પેપર રીવ્યુ કરે અને આ પ્રક્રિયા ખુબ ક્રિટિકલ હોય. તેઓ પણ મારા પિઅર્સ જ હોવાથી મારા ફિલ્ડ વિશે સારી એવી સમજ ધરાવતા હોય અને તેમનું કામ મારા પેપરમાં રહેલી તાર્કિક, પ્રાયોગિક કે અવલોકનોની ભૂલો શોધવાનું હોય. તેઓ શક્ય હોય તેટલી ચીવટથી મારું પેપર વાંચી એડિટરને જણાવે કે પેપરમાં શું શું ખામી છે, મારા તર્કોમાં ક્યાં ભૂલ છે, અને પ્રયોગ તથા અવલોકનોમાં ક્યાં કચાશ રહી ગઈ છે જે મારા તારણોને અસર કરી શકે છે. આ કૉમેન્ટ્સને આધારે એડિટર નિર્ણય લે કે પેપર પ્રકાશિત કરવા યોગ્ય છે કે નહિ? જો ભૂલો ખુબ વધારે હોય અને તારણો યોગ્ય ન લાગે તો મોટા ભાગે એડિટર પેપરને રિજેક્ટ કરી દે. પ્રકાશિત કરવા સ્પષ્ટ ના કહી દે. પરંતુ જો ભૂલો નાની હોય, સુધારી શકાય એવી હોય અને જો રિવ્યૂઅરે સુધારા સૂચવ્યા હોય તો એડિટર મને પેપર એ સૂચનો સાથે પાછું મોકલે. આ દરમિયાન મને રીવ્યુઅર્સના નામ ન ખબર હોય. કૉમેન્ટ્સ આવે તે પણ રીવ્યુઅરના નામ વગર અનામી આવે. એટલે કે મારા માટે એ બ્લાઇન્ડ રીવ્યુ હોય. અમુક જર્નલ્સ ડબલ બ્લાઇન્ડ રીવ્યુ પણ કરે એટલે કે રીવ્યુઅર્સને પણ પેપરના લેખક કોણ છે એ ન ખબર હોય. 

રીવ્યુઅર્સના સૂચનો મને મળ્યા પછી અમુક સમયમાં મારે એ સૂચનો પ્રમાણે સુધારા કરવાના હોય, રીવ્યુઅર્સે પ્રશ્નો પણ પૂછ્યા હોય જેના જવાબ આપવાના હોય અને ઘણી વખત જો રીવ્યુઅર્સને પ્રયોગના કોઈ અવલોકન કે રીત ઉપર શંકા જાય તો અલગ રીતે એ અવલોકન લેવા પણ કહે. એ દરેકનો અમલ કરી અથવા તો અમલ ન કરવો હોય તો એ માટેના કારણો લખી હું ફરી એ સુધારેલું પેપર એડિટરને મોકલું જે જરૂર લાગે તો ફરી એ રીવ્યુઅર્સને પાછું મોકલે. આ સૂચનો અને તેના જવાબ કે સંબંધિત સુધારાની આપ-લે અનેક વખત થઇ શકે. ત્યાર બાદ જો રીવ્યુઅર્સ અને એડિટરને લાગે કે હવે પેપરની ગુણવત્તા સારી છે અને તેમાં લખેલો પ્રયોગ અન્ય વૈજ્ઞાનિકોને મદદરૂપ થઇ શકે છે અથવા તો જ્ઞાનવૃદ્ધિ કરે છે તો જર્નલમાં એ પેપર પ્રકાશિત કરે. જો એડિટરને લાગે કે પેપર એ વિષયના જ્ઞાનમાં કોઈ ખાસ નવું યોગદાન નથી આપતું તો એ પેપર રિજેક્ટ થઇ જાય. આ પ્રક્રિયા પીઅર રીવ્યુ તરીકે ઓળખાય. જો કે વિજ્ઞાનની ખૂબી એ કે અહીંયા પણ એ સંશોધન કે પ્રયોગ માન્ય નથી થઇ જતો. પ્રકાશિત થયા પછી હવે એ મોટી સંખ્યામાં પીઅર્સની કસોટીના એરણે ચઢે. એ વિષયની આસપાસ કામ કરતો દરેક વૈજ્ઞાનિક/પ્રોફેસર પેપરમાં લખેલા પ્રયોગોને સમજે, તારણો ચકાસે, જરૂર લાગે તો પોતે પણ પ્રયોગ કરી જુએ અને જો કોઈ વિસંગતતા દેખાય તો ફરી એ જર્નલને લખે અથવા તો પોતે પોતાનું પેપર લખે. જો તારણમાં કોઈ મોટી વૈજ્ઞાનિક ભૂલ જણાય તો એ ભૂલ વિશે ખુલાસો પણ પેપર સાથે છપાય. અને આવી રીતે, જ્ઞાન અને વિજ્ઞાન આગળ વધતું રહે. ઉપર કહ્યું તેમ સામાન્ય રીતે યુનિવર્સીટીના પ્રોફેસર્સ આવી રીતે પેપર્સ લખીને જ્ઞાનને આગળ વધારવાનું કામ કરે. અને એ માટેની ટ્રેનિંગ PhD દરમિયાન લે. એટલે કે દરેક PhD વિદ્યાર્થી પણ આ પ્રક્રિયામાંથી પસાર થાય. પેપર કેટલા ઓથર્સ મળીને લખે એ માટે પણ સામાન્ય રીતે કોઈ નિયમ નથી હોતા. PhD કરતા વિદ્યાર્થી, તેમના માર્ગદર્શક પ્રોફેસર અને કામમાં સાથે રહેલા બીજા કોઈ પણ વ્યક્તિના નામ જે તે પેપરના લેખકોના લિસ્ટમાં હોઈ શકે. મોટા ભાગે આ રીતે પ્રકાશિત થયેલા પેપર્સ PhDના વિદ્યાર્થી માટે PhD ડિગ્રી મેળવવા માટે અને વૈજ્ઞાનિક/પ્રોફેસર્સને પ્રમોશન મેળવવા અનિવાર્ય હોય છે.    

સામાન્ય રીતે વિજ્ઞાનના સાધકો એટલે કે વૈજ્ઞાનિકો પાસે પ્રયોગો અને તેના રિપોર્ટ બાબતે સંપૂર્ણ પ્રામાણિકતાની અપેક્ષા રાખવામાં આવે પરંતુ ઘણી વખત કેટલાક પ્રોફેસર્સ કે વિદ્યાર્થીઓ તેમાં ડેટા કે પ્રયોગના વર્ણનમાં ગેરરીતિ કરતા હોય છે. શક્ય છે કે ઘણી વખત આવી ગેરરીતિ પીઅર્સ રીવ્યુ દરમિયાન પણ ધ્યાનમાં ન આવે પરંતુ પ્રકાશિત થયા પછી અને બહોળા ઓડિયન્સની કસોટીએ ચઢ્યા બાદ મોટા ભાગે આવી ગેરરીતિઓ પકડાઈ જ જતી હોય. એવા કેસમાં જર્નલ એ પેપર રિટ્રેક્ટ કરે એટલે કે પાછું ખેંચી લે. જો અનેક વૈજ્ઞાનિકો દ્વારા કસોટી બાદ પણ પેપરના પરિણામો અને તારણો સાચા અને વિશ્વસનીય જણાય તો તે તારણો માન્યતા મેળવે. જો કે વિજ્ઞાનમાં કોઈ જ માન્યતા શાશ્વત નથી હોતી. સદીઓ પછી પણ કોઈ આજે સર્વમાન્ય થિયરીને ખોટી સાબિત કરી શકે અને જો કરે તો તેનું સન્માન જ થાય. વિજ્ઞાનની મોટા ભાગની પ્રગતિ આવી જ રીતે પીઅર્સ રીવ્યુ દ્વારા પ્રકાશિત થતા પેપર્સથી થાય છે. મારા ક્ષેત્રના અન્ય વૈજ્ઞાનિકોના પેપર્સ મારા માટે પ્લેટફોર્મ તૈયાર કરે અને એ પ્લેટફોર્મ ઉપર કામ કરી હું પેપર પ્રકાશિત કરું જે અન્ય વૈજ્ઞાનિકો માટે પ્લેટફોર્મ બનાવે. આમ જ, અગાઉ લખ્યું તેમ, જાયન્ટ્સના ખભા ઉપર ચઢતા ચઢતા દૂર દેખાતું જાય અને જ્ઞાન વૃદ્ધિ થતી જાય. આવા એકેડેમિક પેપર્સને શોધવા માટે ગૂગલ એક ખાસ સર્ચ સર્વિસ આપે છે જેનું નામ છે ગુગલ સ્કોલર. અને યોગ્ય રીતે જ આ સર્વિસનો મુદ્રાલેખ છે "સ્ટેન્ડ ઓન દ સોલ્ડર્સ ઓફ જાયન્ટ્સ" (ઇમેજ 1).     

ઇમેજ 1: ગુગલ સ્કોલર સર્ચ પ્લેટફોર્મનું હોમ-પેજ

પીઅર રીવ્યુ એ પરફેક્ટ સિસ્ટમ નથી. તેમાં ઘણી ખામીઓ છે. જેમ કે ઘણી વખત પીઅર્સ એ જ ફિલ્ડમાં કામ કરતા હોવાથી હરીફ પણ હોય. એ કેસમાં મારુ કામ ઘણી વખત મારા હરીફ પાસે પબ્લિશ થયા પહેલા પહોંચી જાય તો મને નુકશાન થઇ શકે. જો કે કેટલીક જર્નલ્સ એ માટે પેપરના લેખક પાસે નેગેટિવ રીવ્યુઅર્સ લિસ્ટ મંગાવતી હોય છે. એવા નામ જેમની પાસે હું પેપર રીવ્યુ કરાવવા નથી માંગતો. એક અન્ય પ્રોબ્લેમ એ છે કે પીઅર્સ પણ એ જ લેવલે કામ કરે છે જે લેવલે હું કરું છું અને મોટા ભાગે પેપર ખુબ એડવાન્સ હોય. ઘણી વખત, ખાસ કરીને જ્યારે સંધોધન ખુબ નવું અને ક્રાંતિકારી હોય ત્યારે પીઅર્સ એ ન સમજી શકે. આવા કેસમાં ખુબ મહત્વની શોધો પ્રકાશિત ન થાય અથવા તો પ્રકાશિત થવામાં ખુબ મોડું થાય. આવા અનેક ઉદાહરણો છે. જેમ કે પોલિમરાઇઝડ ચેઇન રિએક્શનની પ્રક્રિયા જેના ઉપરથી આપણે RT-PCR મશીન બનાવ્યા જે કોરોના મહામારીમાં ખુબ ઉપયોગી સાબિત થયા અને જેના માટે પછીથી નોબેલ પ્રાઈઝ પણ મળ્યો તે પેપર અનેક વખત રિજેક્ટ થયેલું. એવી જ રીતે NMR મશીન માટેની શોધ સંબંધિત પેપર પણ રિજેક્ટ થયેલું. થિયોડોર માઇમેનનું દુનિયાના પહેલા લેઝરની શોધ વર્ણવતું પેપર પણ રિજેક્ટ થયેલું. આવા અનેક ઉદાહરણો છે અને પીઅર્સ રીવ્યુની આ એક મોટી ખામી પણ છે. તેમ છતાં ય અત્યારે ઉપલબ્ધ પદ્ધતિઓમાં પીઅર્સ રીવ્યુ જ સૌથી વધુ યોગ્ય છે અને વર્ષોથી વિજ્ઞાનને આગળ વધારી રહી છે. 

જર્નલ પ્રકાશનના બિઝનેસ મોડેલ વિશે વિગતે લખીશ પરંતુ એક રસપ્રદ વાત એ કે ઉપર જણાવ્યું તેમ જે વૈજ્ઞાનિક પ્રયોગો કરી, સંશોધનો કરી પેપર લખે તે ફ્રીમાં લખે છે, પેપર લખવા માટે કોઈ વળતર નથી હોતું. એડિટર પણ મોટા ભાગે કોઈ પ્રોફેસર જ હોય અને એ પણ કોઈ નાણાકીય વળતર વગર ઓનરરી પદ ઉપર કામ કરે છે. રીવ્યુઅર્સ પણ પ્રોફેસર્સ જ હોય અને તેઓને પણ પેપર રીવ્યુ કરવાનું કોઈ નાણાકિય વળતર ન મળે. ફ્રીમાં જ કરે. આ બધું કર્યા પછી જર્નલ એ પેપર પ્રકાશિત કરે અને તેને વાંચવા માટે જર્નલનું લવાજમ એટલે કે સબસ્ક્રિપ્શન ભરવું પડે. જર્નલ અને પ્રકાશન કંપની કમાય. મને હંમેશા આ મોડેલ રસપ્રદ અને થોડું વિચિત્ર લાગ્યું છે. સબસ્ક્રિપ્શન મોડેલનું સ્થાન હવે ધીરે ધીરે ઓપન એકસેસ મોડેલ લઇ રહ્યું છે જેમાં બાકી બધું સેમ જ રહે પરંતુ જર્નલ વાંચવા માટે કોઈ લવાજમની જરૂર ન પડે અને વાંચકો પેપર્સ ફ્રીમાં વાંચી શકે પરંતુ એ માટે લેખક પોતે પેપરનો પબ્લિકેશન ચાર્જ ભરી પ્રકાશનનો ખર્ચો ઉઠાવે. ધીરે ધીરે હવે બધી જર્નલ્સ આ મોડેલ અપનાવતી થઇ છે.  

- વિપુલ ખેરાજ

આ સમાચાર શેર કરો