શતરંગ / આ દેશના લોકોને ઘાત આગ કે પાણીથી નથી, મરી પરવારેલી માનવતાથી છે!
- નોન ફિલ્ટર્ડ મોરબીની ઘટના થઈ ત્યારે તંત્ર સામે આર્તનાદ નાખેલો કે

- નોન ફિલ્ટર્ડ
મોરબીની ઘટના થઈ ત્યારે તંત્ર સામે આર્તનાદ નાખેલો કે ભલે તમે કટકી લ્યો, તમારું ઘર ભરો, બસ એટલું ધ્યાન રાખો કે કોઈના પરિવારો ન વિખેરાય! બસ જીવતા રહેવા દો.
હરણી બોટકાંડ વખતે લખેલું:
ના, મારાથી પ્રાર્થના નથી થઈ શકતી!
"ઈશ્વર એમના આત્માને શાંતિ આપે" કહેવા માત્રથી ખરેખર એમના આત્માને શાંતિ મળશે?
સાંત્વનાના કયા શબ્દો એ માબાપ, પરિવારનું મન શાંત કરી શકશે?
કોઈનો દોષ નથી, સિવાય એ વિધાતાનો જેણે આ દેશની તકદીર લખી!
કોઈ પણ આવી દુર્ઘટના વિશે જાણીને હવે આઘાત કે આક્રોશ નથી અનુભવાતા, બસ ડર લાગે છે!
આજે રાજકોટમાં જે થયું એમાં તો લખવા માટે ય શું બચ્યું છે હવે? પરિવાર સાથે કોઈ બ્રિજ પર ફરવા, તળાવમાં બોટિંગ માટે કે ગેમ ઝોનમાં નહી જઈએ હવે! પણ ટ્યુશન ક્લાસ, સ્કૂલ, હોસ્પિટલ, જાહેર માર્ગો – કેટલું ને કેમનું અવોઈડ કરશું? આ દેશના લોકોને ઘાત આગ કે પાણીથી નથી, મરી પરવારેલી માનવતાથી છે! કદીક કોઈનું બેફામ ડ્રાઈવિંગ મારે છે તો કદીક કોઈની 'નાનકડી' બેદરકારી. બળાપા નીકળે બે-ચાર દિવસ સોશિયલ મીડિયા પર ને 'ન્યાય' ની બૂમાબૂમ થાય એકાદ મહિનો. દોષની ટોપી એકથી બીજા માથે ફર્યા કરે ને એકાદ સસ્તું માથું કપાઈ જાય એટલે કિસ્સો ખતમ. પછી થોડા સમયમાં નવો ખેલ નવો દાવ!
ભ્રષ્ટાચાર તો હવે કદાચ આપણા સહુના લોહીમાં વહે છે. તમે ખાતા નથી તો પણ ક્યારેક ને ક્યારેક ખવડાવો તો છો જ, એ નગ્ન હકીકત છે. ભલે, ખવડાવવું પડે છે. સિસ્ટમ એમ જ કામ કરે છે! પણ આપણે સ્ટોપ લોસ મૂકવાનું ભૂલી ગયા છીએ. દરેક ઘટનામાં એવું વિચારીએ કે આપણે તો બચી ગયા ને! સુરત સમયે મોરબીવાસીઓએ, મોરબી સમયે વડોદરાના રહીશોએ ને વડોદરા સમયે રાજકોટના લોકોએ એમ જ વિચાર્યું હશે ને? પણ આ જંગલનો એ દાવાનળ છે, જે વહેલો મોડો સહુનો વારો કાઢશે. તમે જ આપેલી લાંચમાંથી તમારા જ કોઈક વ્હાલસોયાના નામે સહાય ધરવામાં આવશે ને એના હત્યારાઓને સંરક્ષણ આપવામાં આવશે. कुर्सी की पेटी बांध लीजिए जनाब।
એક સમય હતો જ્યારે આતંકવાદી હુમલાના ડરને કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરતા. હવે કોને આતંકવાદી કહેવા? પોતે જ વિશ્વાસ મૂકીને ચૂંટેલા, પોતાની આસપાસ રહેતા જ લોકો છે. કોઈ હથિયાર કે બોમ્બ વગર પણ આટઆટલી ચિતાઓ સળગાવી શકાય એ જાણીને તો આતંકવાદીઓ પણ શરમાતા હશે ને?
- કૃતિ શાહ








