શતરંગ / નામ ગૂમ નહિ ઘૂમ જાયેગા!!
- વટથી, હકથી ને હુકમથી વાત ચાલતી હતી નામ બગડવાની, ના ના બગાડવાની. નામ થોડી મશીન છે કે જાતે

- વટથી, હકથી ને હુકમથી
વાત ચાલતી હતી નામ બગડવાની, ના ના બગાડવાની. નામ થોડી મશીન છે કે જાતે બગડી જાય!! એ તો બગાડવું પડે, બગાડવું જોઈએ ને બગડવું જ જોઈએ. એક જ જિંદગી છે ભાઈઓ, બહેનો એમાં જો તમારું નામ બગડ્યું નહિ, બદનામ થયું નહિ તો ખાખ જીવ્યા તમે!! એમાં ય તે બાળકોને શું એવું કહેવાનું કે તારા બાપા તનમનધનસુખદુઃખ ભાઈ નાનપણમાં ગિલ્લી દંડા રમતી વખતે ભપ થઈ ગયેલા ને એના દોસ્તો એલા તનમનધનસુખદુઃખ પડ્યો બોલીને હસતા હતા? એ મનીયો કેવો પડ્યો કહીને હસતા હતા એવું કહીએ તો કઈંક સાચી જીવન વાર્તા લાગે!!
કૃષ્ણને પણ એક કરતાં વધુ નામ હતા ને લોકો પોતપોતાની રીતે એના નામ બનાવીને, બગાડીને બોલાવે જ છે ને. કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે એવું તો ભજન/ગીત પણ છે. ત્યાંથી શરૂ કરીને કાનો, કાળિયો ઠાકોર સુધી પહોંચ્યું છે ને આ બધા નામથી એ દ્વારકા વાળો પણ રાજી જ થાય છે.
આ નામ બગાડવાના લેખનો બીજો ભાગ કરવાનું મુખ્ય કારણ એ હતું કે આ નામ બગડવાની પ્રક્રિયામાં હજુ એક ભાગ શામેલ છે ને એ છે નીક નેમ કે લાડથી પાડેલું નામ કે ઉપનામ કે ઉર્ફે સાથે લખાતું નામ. ના બહેન ઉર્ફી જાવેદની વાત નથી કરતી ભાઈસા'બ. છાપાની હેડલાઇન કેવી આવે કે અમરઅકબરએન્થની ઉર્ફે મુન્નો સાયકલમાંથી ગાભો ચોરતા પકડાયો!!
ઉપનામ કે તખલ્લુસ વાળી વાર્તા ફરી ક્યારેક પણ સૌથી વધુ રસપ્રદ કથા તો નવાસવા પરણેલા/સગાઈ કરેલા કે પ્રેમમાં ઉંધેકાંધ ને ચતેજાંઘ પડેલા પ્રજાજનોની છે, હોય છે ને રહેશે. ટીનું, સ્વીટી સાથે શરૂ થયેલી આ ગાથા હાલ બાબુ, દીકુ વાળી પ્રથા સુધી પહોંચી છે! આમાં સમાજના સુધરેલા લોકોથી માંડીને બગડેલા હર કોઈ રેસમાં છે. મોબાઈલમાં બગડેલા અને આજુબાજુ લાલ ગુલાબી દીલડા સાથે સેવ (મમરા વગરની) કરવામાં આવે ને પછી જેવું નોટીફિકેશન આવે ને આ પ્રેમલી/વેવલી/પ્રેમલો/વેવલો હરખાય એ જોઈને ઘરના લોકોનો જીવ જોખમાય!
તોતડાપણા સાથે શરૂ થાય નામ આપવાની ક્રિયા. અહીં નામ બગાડવું એવું નહિ કહી શકાય કેમકે પ્રેમમાં તો હંધીય આપવાની વાત જ હોય ને! ન રહી શકાય કે ન સહી શકાય એનું નામ પ્રેમ એમાં એક હજુ ઉમેરવું જોઈએ, ન લઈ શકાય. કશું લેવાય નહિ ને દેવાય એ પ્રેમ ને પછી પ્રેમમાં એવી દેવાય કે કોઈની મદદ પણ ન લેવાય. ટૂંકમાં ચક્કર અને ચકડોળ ફર્યા જ કરે ને જિંદગી ડામાડોળ થયા કરે.
પ્રેમમાં તો આંધળા હોય લોકો એટલે નામ વાંચી ન શકે ને ઉચ્ચારી પણ ન શકે એટલે બગાડે, એટલે કે પાડે; અરે બાબા નામ જ તે. ભક્તિને ભકુ ને બીજી ચાર બકુ, મયંકને મકુ ને એનો ભાઈ દકુ. છે ને રસપ્રદ?!! નથી? તે ન જ હોય, પ્રેમમાં પડેલા માટે છે આ બાકી આપણાં માટે અત્યારે રસપ્રદ ફક્ત કેરીનો રસ જ છે.
ઊંધેથી લગ્ન થવાના દિવસોની ગણતરી કરતા ગણતરીબાજહોલાકાગડાકોયલી માટે નામ ગુમાવવા ને નામ ઘુમાવવા બેઉ નવું નથી હોતું.
ઠીક છે કે તમે બકુલા નામની પત્નીને બકુ કહી જ શકો પણ સાર્થક નામના છોકરાને સાથિયો કેવી રીતે કહી શકાય? મારી સોનું કહીને સોનાલીને રાજી રાખવામાં ચાંદીના ભાવ આસમાને પહોંચી જાય એની જાણ અને ભાન પણ રહેવી જોઈએ કે નહિ?!
હુલામણાં નામ પાડવાની પ્રથા જેમણે પાડી એમણે નામ બગાડવાની દુનિયામાં જરૂર છે એવી ખબર પણ પાડી. અને હા, ઉપરોક્ત નામ અને ઉપનામ કે હુલામણાં નામનો આપણો સપોર્ટ અને મસ્તી કાયમ ચાલુ રહેશે એ પણ યાદ રાખવું. જેમને એવું થાય કે લે અમારું નામ જીએસટીવી ડિજીટલમાં છપાઈ ગયું ને એ પણ બગડેલા નામ સાથે એમણે પોતપોતાના બેબીને એક એક બોટલ છાશ પાઈને રાજી રહેવું બાપ!!
- સ્નેહલ તન્ના








