શતરંગ / ઓનલાઇન ફુડ ડિલિવરીની માયાજાળ, આળસ અને લાલચનો ભુખાળવો ખેલ!
- સ્લાઇઝ ઓફ લાઈફ 2008-2012 એ ભારતમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી બિઝનેસ માટે 'ઇન્ક્યુબે

- સ્લાઇઝ ઓફ લાઈફ
2008-2012 એ ભારતમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી બિઝનેસ માટે 'ઇન્ક્યુબેશન પિરિયડ' હતો! થયું એવું કે 2008 માં આઈઆઈટી સ્ટુડન્ટ દિપિન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢાને વિચાર આવ્યો કે અહીં ભારતમાં લોકો જે પણ રેસ્ટોરન્ટમાં જાય ત્યાંનાં મેનુ ભેગા કરી કરી ને ભલે ડૂચો થઇ જાય પણ સાચવી રાખે છે! પ્લસ વિકેન્ડ હોય કે વિક ડે, મહત્તમ રેસ્ટોરન્ટ હવે લોકોથી ભરેલા જ હોય છે! આ એક જ ધંધો એવો છે કે જેને મંદી નથી નડતી, તો કૈંક એવું કરીએ તો કે લોકોને અહીં સુધી લાંબુ જ ન થવું પડે અને ઘરે બેઠા સ્માર્ટફોનથી જ ઓર્ડર થઇ જાય અને ફુડ હાજરાહજૂર થઇ જાય. અને પછી જન્મ થયો એક એવી બ્રાન્ડનો જેની માર્કેટ વેલ્યુ અત્યારે 600 મિલિયન ડોલરથી પણ વધુ છે અને આ માર્કેટ આજે 2019 માં 17 બિલિયન ડોલર થી પણ વિશાળ થઇ ગયું છે! વેલકમ ટુ ધ બિગ બિગ બૅલી માર્કેટ ઓફ ઓનલાઇન ફૂડ ડિલિવરી ઇન્ડસ્ટ્રી!
ધીમે ધીમે એટલો અને એવો જુવાળ આવ્યો કે આજે માર્કેટમાં ઝોમેટો, સ્વિગી, ઉબર ઇટ્સ, ફૂડપાન્ડા જેવા પ્લેયર્સ આવતાં ફુડ ડિલિવરી માર્કેટ પણ ક્રાઉડેડ થતું ગયું. ડોમિનોઝ અને પિઝા હટ તો ઓલરેડી માર્કેટમાં હૉમ ડિલિવરી વર્ષોથી કરે જ છે! સાથે સાથે અમેઝોન પણ હવે ઉબર ઇટ્સ ખરીદીને આ બિઝનેસમાં જંપ લાવી રહ્યું હતું! એક તરફ ઉબર ઇટ્સ હતું જ તો બીજી તરફ ઑલા એ ફૂડપાન્ડા શરુ કરેલું! ફૂડપાન્ડા એ જર્મની બેઝડ કંપની છે જેની ભારતીય સબસિડરી ઑલા ચલાવતી હતી! આ ધંધાનું મૂળ છે લોજિસ્ટિક્સ એટલે કે ટ્રાન્સપોર્ટેશન! આઈસ્ક્રીમ હોય કે સિઝલર, આમલેટ હોય કે દાલ મખની, બધું એકદમ ચકાચક, ગરમાગરમ કે ઠંડુગાર ઈન્ટેકટ આવવું જોઈએ. આ બિઝનેસ ધીમે ધીમે ટેલિકોમ બિઝનેસ જેવો સ્ટિફ અને કટ્ટર બની ગયો!
ભારતનાં યુવા વર્ગને રાતોરાત એક નવી રોજગારીનો ઑપ્શન મળી ગયો! ઝોમેટો-સ્વિગી-ઉબર ઇટ્સ આ લોકોને મહિનાનાં 25 થી 255000 રૂપિયા પગાર અને પેટ્રોલ અલાઉન્સ અલગથી આપે છે, જે પ્રમાણમાં ઘણું રિસ્પેક્ટફુલ કહી શકાય! પછી તો સમગ્ર ભારતનાં મેટ્રોઝ, A અને નાનાં B કેટેગરીનાં શહેરો સુધી આ કંપનીઓનાં સ્કૂટર, ટીશર્ટ અને કેપ પહેરી ફરતાં જુવાનિયાઓ દેખાવા લાગ્યા!
એક એવું સુનામી આવ્યું કે ન પૂછો વાત! ઓફિસ હોય કે ઘર, લોકો ફૂડ આજે એવી રીતે ઓર્ડર કરે છે કે ઘરનું ખાવાનું લોકો અવોઇડ કરતા થઇ ગયા! આ પણ એક લત જ છે! વચ્ચે એક ઝોમેટો કર્મચારી એ ઓર્ડર કરેલું ગ્રાહકનું ફૂડ રસ્તામાં ખાતો વિડીયો વાઇરલ થયો એ પછી ઘણી ઉહાપોહ થઇ પણ થોડા જ મહિનામાં પેકીંગ અને પોલિસી વધુ સારી રીતે રિડિઝાઇન થઇ અને ઘી નાં ઠામમાં ઘી પડી ગયું! એ પછી વારો આવ્યો ઝોમેટો ગોલ્ડ નો!
ઝોમેટો ગોલ્ડ નામની એક એવી મેમ્બરશિપ આવી જેમાં તમે 1100-1200 (અને હવે તો 30-30 રૂપિયામાં ત્રણ મહિના) જેવા વાર્ષિક દરમાં મેમ્બરશિપ મળે અને એની જેટલી પણ પાર્ટનર રેસ્ટોરન્ટ હોય ત્યાં બે ડ્રિન્ક પર બે ડ્રિન્ક અને ટોટલ બિલમાં કોઈ પણ એક ડિશ ફ્રી થઇ જાય! શરૂઆતમાં તો બધું સરસ ચાલ્યું અને રિસ્પોન્સ પણ ગજબ મળ્યો પણ ધીમે ધીમે રેસ્ટોરન્ટ એસોશિયેશન ઓફ ઇન્ડિયા ભેગું થયું અને હોટલ વાળાઓને ચુંક આવવા માંડી, બધા એકઠા થયા અને કહેવા લાગ્યા કે એક તો ઘરે ઓર્ડર કરવાથી અમારે ત્યાં કાગડા ઉડે છે અને જે આવે છે એ પણ આટલા આકરા ડિસ્કાઉન્ટ માંગે છે તો અમે શું કમાઈએ? હેશટેગ લોગઆઉટ કેમપેઇન ચાલ્યા અને ઉહાપોહ થયો, પણ દિપિન્દર ગોયલ અડીખમ રહ્યા અને આજે જૂન 2024 માં પણ ઝોમેટો ગોલ્ડ મેમ્બરશિપ એવીને એવી જ હૉટ કેક છે! આજે ફર્ક એટલો જ છે કે માર્કેટમાં આ 'ક્વિક કૉમર્સ'ની બોલબાલા છે!
10 જ મિનિટમાં ઝોમેટોનું જ બ્લિન્કીટ, ટાટાનું બિગ બાસ્કેટ, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને ઝેપ્ટો જેવી બ્રાન્ડ્સ ઘર બેઠા દિવસે જ નહિ પણ રાત્રે ત્રણ વાગે પણ ડિલિવરી કરે છે! ફુડ ઉપરાંત હવે લોકો કરિયાણું પણ ઘરે બેઠા જ મંગાવતા થઇ ગયા! રવિવારે સવારે અડધો દિવસ સુપરમાર્કેટની લાઈનમાં કુરબાન કરી દેવો કોઈ પસંદ નથી કરતુ! બટ, આ ફુડ ડિલિવરીનાં ચક્કરમાં અતિશય બહારનું ખાવાનો ટ્રેન્ડ, છાશવારે ઘરે રસોઈ ન કરવાની આદત અને બીજી તરફ તરત જ ડિલિવર કરવાની લાયમાં ડિલિવરી બોય્ઝ આડેધડ જીવનાં જોખમે વાહનો ચલાવતા થયા છે!
એમ પણ ભારત દેશ અને સેફટી રુલ્સને દૂર દૂર સુધી ક્યાં કોઈ લેવા દેવા છે?
ડેઝર્ટ:
બાયોડેટામાં કુકિંગનો શોખ લખતી છોકરીઓમાં ઝોમેટો-સ્વિગી આવ્યા પછી નોંધપાત્ર ઘટાડો આવ્યો છે!
- ભાવિન અધ્યારુ






