શતરંગ / સંભોગનું જે સુખ છે એ બે ટુકડાં એક થઈ ગયાનો આનંદ છે!
- એય, સાંભળે છે? પ્રભુએ પોતાના દેહના બે ભાગ કર્યા, અર્ધો ભાગ પુરુષ બનાવ્યો અને અ

- એય, સાંભળે છે?
પ્રભુએ પોતાના દેહના બે ભાગ કર્યા, અર્ધો ભાગ પુરુષ બનાવ્યો અને અર્ધો ભાગ સ્ત્રી બનાવી.
છોકરી-છોકરા બાબતે શાયરો એવું કૈંક પણ લખતા હોય છે કે, ‘તુમ ઔર મેં જૈસે...એક આગ ઔર એક પાની...’ પણ ખરેખર તો જેમ ઑક્સીજન અને હાઈડ્રોજન ભેગા થાય તો જ પાણી બને, એમ નર અને માદા એક જ પદાર્થના છુટ્ટા પડેલા એવા બે ઘટકો છે જેનો સમાગમ થાય તો જ સૃષ્ટિ ચાલે. 2016માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી: ‘છોકરી વિનાનું ગામ’. થોડા સમય પહેલા આવેલી રણવીર સિંહ સ્ટારર ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મમાં પણ હરિયાણાના લાડોપૂર નામના એક ગામની વાત કહી છે, જ્યાં કોઈ સ્ત્રી જ નથી. આપણે છોકરી કે સ્ત્રી વિનાના ગામ તો શું? ઘરની કલ્પના કરવી પણ અઘરી પડે છે. એવી જ રીતે પુરુષ કે છોકરા વિનાના ઘરની કલ્પના ગમે એવી નથી જ હોતી. જયનારાયણ વ્યાસે લખેલું વાક્ય મને ખૂબ ગમેલું કે સ્ત્રીના ગયા પછી વિધુર થયેલો પુરુષ મણિ વગરના અશ્વત્થામા જેવો થઈ જાય છે. એવી જ રીતે પુરુષ ગુમાવ્યા પછી સ્ત્રી પણ અહલ્યા સમી શિલાવત્ત થઈ જાય છે.
સ્ત્રી અને પુરુષ ભલે બેઉ અલગ લાગે પણ માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે એને અનુભૂતિ થાય જ કે પોતે અલગ નથી, હું જેને પ્રેમ કરું એ જાણે મારુ અર્ધુ અંગ છે. વ્યાસ સંહિતામાં કહેવાયું છે કે બ્રહ્માએ એક દેહના બે ટુકડાં કરીને એક ટુકડો પુરુષ બનાવ્યો અને બીજો સ્ત્રી. બેઉ એકબીજા વિના અપૂર્ણ છે, વિવાહ બાદ એ પૂર્ણ થાય છે. ભારતીય પરંપરામાં ધર્મ, અર્થ,કામ મોક્ષ ચારેય પુરુષાર્થ માટે સ્ત્રી અને પુરુષ જોડાવું ખૂબ મહત્વનું છે. અબ્રાહમીક ધર્મોમાં પણ પહેલા આદમ અને અને પછી ઇવ (અથવા હવા) અને બેઉના સંસારથી જગત આગળ વધ્યું એવી વાત છે. ભારતમાં સ્મૃતિઓમા કહેવાયું કહે છે કે,
द्विधा कृत्वात्मनो देहमर्द्धैन पुरुषोऽभवत् ।
अर्धेन नारी तस्यां स विराजमसृजत् प्रभु: ।।
પ્રભુએ પોતાના દેહના બે ભાગ કર્યા, અર્ધો ભાગ પુરુષ બનાવ્યો અને અર્ધો ભાગ સ્ત્રી બનાવી.
ગ્રીક પુરાણોમાં એક કથા છે કે મનુષ્યની રચના પહેલા એવી હતી કે એને ચાર હાથ, ચાર પગ, બે ચહેરા સાથે મસ્તક વગેરે હતું. આ માણસની શક્તિઓ ધીમે ધીમે ખૂબ વિકસી રહી હતી, ત્યારે એક સમયે એનાથી ભય પામીને એક ગ્રીક દેવ ઝ્યુસએ પોતાના શસ્ત્રથી આ માણસને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યો. પછી માણસને બે હાથ, બે પગ, એક ચહેરો એમ જ રહ્યું...ત્યારથી મનુષ્ય આમ અડધા અંગો સાથે પોતાનું બધુ કામ ચલાવી શકે એમ તો જળવાય રહ્યો પણ એ અધૂરો થઈ ગયો.
હવે મનુષ્ય પોતાનો અડધો હિસ્સો શોધતો ફરે છે. જ્યારે એને એનો જ હતો એ અડધો હિસ્સો મળે છે ત્યારે એ પૂર્ણ થાય છે. નહીં તો અહીં આ અડધો હિસ્સો અને જ્યાં ક્યાય પણ એનો બીજો અડધો હિસ્સો છે, એ બેઉ બીજા કોઇની ય સાથે જોડાય ને તો પણ અધૂરપ જ અનુભવે છે. મનુષ્યના આ બે હિસ્સા એટલે જ એક સ્ત્રી અને એક પુરુષ...બેઉ એકબીજા વિના અધૂરા અને એકબીજાના પૂરક. જ્યારે એક હિસ્સાને એનો જ હતો એવો બીજો હિસ્સો મળી જાય છે ત્યારે એને આપણે soulmate કહીયે છીએ. એ માત્ર ‘પાર્ટનર’ નથી હોતો, એ ‘આત્મિય’ હોય છે.
આપણે ત્યાં પણ ‘અર્ધનારીશ્વર’ની કેટલી સુંદર અને ગહેરી વાત છે !
વિજ્ઞાનમાં ઉત્ક્રાંતિની એક થીયરી એવી પણ વાંચી કે સ્ત્રી અને પુરુષ એક જ અમીબાના બે ટુકડાઓ છે. જ્યારે બેઉ સંભોગમાં જોડાય છે, ત્યારે જે મથામણ છે એ બે ટુકડાંઓનો ફરી એક થઈ જવાનો પ્રયાસ છે. સંભોગનું જે સુખ છે એ થોડી ક્ષણો પૂરતા એક થઈ ગયાનું સુખ છે. એમાં ય જો સામેનો ટુકડો soulmate હશે તો એ ક્ષણો બેઉને જે ‘ડિવાઇન પ્લેઝર’થી ભર્યા ભર્યા કરી દે છે. ભલે આનંદ પ્રમોદ કે એન્ટરટેનમેંટ હજારો ઉપકરણો હોય પણ પોતાના પાત્ર સાથે સંભોગનો આનંદ છે એ irreplaceable સુખ છે. એ આનંદ અધૂરાંમાંથી પૂરાં થઈ જવાનો આનંદ છે. પણ હાં, પૂર્ણ થવા માટે સામે પોતાનો સાચો ટુકડો મળવો ખૂબ જરૂરી છે.
હોંકારો:
‘The Power Of Myth’માં જોસેફ કેમ્પબેલ લખે છે કે, “જ્યાં સુધી એડમને ઇવ નહોતી મળી ત્યાં સુધી સ્વર્ગ પણ એના માટે કાંટાનું ઘર હતું. દેવતાઓનું ગીત સંગીત, પક્ષીઓનો કલરવ, ફૂલોનું હાસ્ય, સવારની ઠંડી તાજી હવા જાણે બધુ જ એના માટે વ્યર્થ હતું. એ ઉદાસ ફર્યા કરતો. પણ જેવી એના જીવનમાં ઇવ આવી કે એનું જીવન આનંદ ભવન બની ગયું.”
- કાનજી મકવાણા








