શતરંગ / ધી ઈન્ટરનેશનલ અને કાર્લ માર્ક્સ
- ઇતિહાસ ગાથા “કામદાર વર્ગે પોતાની બેડીઓ સિવાય બીજું કશું ગુમાવવાનું નથી, અને જીતવા માટે આખી દુનિયા પડ

- ઇતિહાસ ગાથા
“કામદાર વર્ગે પોતાની બેડીઓ સિવાય બીજું કશું ગુમાવવાનું નથી, અને જીતવા માટે આખી દુનિયા પડી છે.....વિશ્વભરના કામદારો એક થાઓ.” આવી ક્રાંતિકારી ઘોષણા કરનાર અને શોષિત વર્ગની મુક્તિ તેમજ કલ્યાણ માટે આજીવન પ્રયત્નશીલ રહેનાર કાર્લ માર્કસનું ઇતિહાસમાં ઘણું અગત્યનું પ્રદાન રહ્યું છે. વિશ્વના ઇતિહાસના શ્રેષ્ઠ સામાજિક ચિંતકોમાં તેમની ગણના થાય છે. શોષિત વર્ગના કલ્યાણ માટે તેઓએ કરેલાં કાર્યોમાંનું એક એટલે ‘ધી ઈન્ટરનેશનલ’ નામના આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠનનું નેતૃત્વ.
કાર્લ માર્ક્સ અને તેમના મિત્ર એન્જલ્સનું એવું અનુમાન હતું કે, 1850-1860ના સમયગાળામાં યુરોપમાં આર્થિક કટોકટી સર્જાશે. જેના કારણે ક્રાંતિ થશે. પરંતુ ઈ.સ. 1857માં આર્થિક કટોકટી સર્જાવા છતાં ક્રાંતિ થવાના કોઈ જ લક્ષણો દેખાયા નહીં. તેથી તેઓએ આવી ક્રાંતિ થવાની રાહ જોવાનું માંડી વાળ્યું અને કામદાર વર્ગને સંગઠિત કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. યુરોપમાં કામદાર વર્ગ દ્વારા ચાલતું આંદોલન ઠપ્પ થઇ ગયું હતું. ફ્રાન્સના લોકો તેમને 1848માં મળેલી નિષ્ફળતામાંથી બહાર આવી શક્યા ન્હોતા અને ઇંગ્લેન્ડમાં ચાલતી કામદાર પ્રવૃત્તિઓના નેતાઓમાં સફળ નેતૃત્વનો અભાવ જોવા મળતો હતો. આવા સમયે ઈ.સ. 1863માં એક નવા પરિવર્તનનો અણસારો આવ્યો. ઔદ્યોગિક વિકાસનો અભ્યાસ કરવા અને પરસ્પરના દેશો વચ્ચે ઔદ્યોગિક સબંધો વિકસાવવા માટે લંડન મુકામે આધુનિક ઉદ્યોગોનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેવા માટે ફ્રાન્સના એક કામદાર પ્રતિનિધિ મંડળને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના માટે ફ્રાંસ અને ઇંગ્લેન્ડના કામદાર નેતાઓને એક સંગઠનની રચના કરવાની આવશ્યકતા જણાઈ. આ સંગઠનનું ધ્યેય શોષિત વર્ગનું કલ્યાણ, શોષિતોમાં એકતા લાવવાનું અને મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ કરીને સામ્યવાદી અર્થવ્યવસ્થા સ્થાપવાનું હતું.
ઈ.સ. 1864ના સપ્ટેમ્બર માસમાં લંડન મુકામે યુરોપના કામદાર પ્રતિનિધિઓનું એક સંમેલન યોજવામાં આવ્યું. જેમાં માર્ક્સે મહત્વની ભૂમિકા ભજવી. તેમણે એક પ્રતિનિધિ તરીકે પ્રથમ બેઠકમાં ભાગ લીધો અને નેતૃત્વ કર્યું. આ ઉપરાંત તેઓએ મનોમન આ ભાવી સંગઠનના માર્ગદર્શક બની રહેવાનો નિશ્ચય કર્યો હતો જે સફળ થયો અને સમગ્ર કાર્યભાર માર્ક્સે સંભાળ્યો. લંડનના સેન્ટ માર્ટિન હૉલમાં મળેલી બેઠકમાં ‘ધી ઈન્ટરનેશનલ’ નામથી આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠનની સ્થાપના કરવામાં આવી અને તેનું નેતૃત્વ પણ માર્ક્સ દ્વારા કરવામાં આવ્યું. માર્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉદ્ઘાટન સમયના ભાષણે લોકો પર વિશેષ પ્રભાવ પાડ્યો. જેમાં તેઓએ ઈ.સ 1848માં પ્રકાશિત થયેલી તેમની કૃતિ ‘સામ્યવાદી ઘોષણાપત્ર’માં લખેલી ઘણી બાબતો જેવી કે- સામ્યવાદની રૂપરેખા, ઉત્પાદનના સબંધો અને ઉત્પાદનના પરિબળો વચ્ચે રહેલી વિષમતા, ઉત્પાદનની માલિકી અને કટોકટીના કારણે ક્રાંતિ થવાની સંભાવના વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. અંતે ક્રાંતિના કારણે સંઘર્ષ નાબૂદ થશે અને એક નવી જ વ્યવસ્થાનો ઉદ્ભવ થશે એવી સંભાવના વ્યક્ત કરી હતી. જેના માટે તેમણે ભાષણના અંતે વિશ્વભરના તમામ કામદારોને એક થવા હાકલ કરી હતી.
‘ધી ઈન્ટરનેશનલ’ના દરેક રાષ્ટ્રીય એકમમાં અલગ અલગ વિચારસરણી ધરાવતા લોકોનું વર્ચસ્વ હતું. ફ્રાંસની શાખામાં પ્રુધોં અને બ્લેંકના અનુયાયીઓ, ઇંગ્લેન્ડમાં ઓવેન પંથીઓ, ઇટાલીમાં ઉદ્દામ લોકશાહીવાદીઓ અને મેઝિનીના અનુયાયીઓ, તો જર્મનીમાં લાસાલના અનુયાયીઓ નેતૃત્વ ધરાવતા હતા. માર્ક્સના શક્તિશાળી નેતૃત્વના પરિણામે અનેક વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ સંગઠને વિશાળ આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. સમગ્ર યુરોપમાં આ સંગઠનની શાખાઓ સ્થપાઈ ચુકી હતી. જેની કેન્દ્રીય સમિતિના વડા માર્ક્સ હતા અને તેમના આયોજન મુજબ સંગઠનો દ્વારા હડતાળો, તાળાબંધી અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવતા.
તેમના દ્વારા અન્ય પ્રદેશોમાંથી કામદારોની આયાત બાબતે, એક દિવસના કામના કલાક 8 રાખવા માટે, બાળ-મજૂરો માટે કામના કલાકો ઓછા રાખવા, કામદારોને તાલીમ આપવા અને તેઓને સંગઠિત કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા. આખા યુરોપમાં કામદાર સંઘો સ્થાપવા માટે માર્ક્સે પ્રયત્નો કાર્ય હતા. આ ઉપરાંત મૂડીની માલિકી ખાનગી મટીને સામાજિક બને તે માટે તેઓએ ખાણો, જમીન, વાહનવ્યવહાર વગેરે પરની ખાનગી માલિકી હટાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. ઈ.સ. 1871માં ‘પેરિસ કોમ્યુન’ની ઘટના બાદ ‘ધી ઈન્ટરનેશનલ’ના વડા બનવા માટે આંતરિક વિખવાદો થવા લાગ્યા. જેના પરિણામે ઈ.સ. 1876માં આ આંતરરાષ્ટ્રીય સંગઠનનો અંત આવ્યો.
‘ધી ઈન્ટરનેશનલ’નું સર્વહારા વર્ગના સંઘર્ષમાં અગત્યનું સ્થાન રહ્યું છે. શોષણમાંથી સંપૂર્ણ મુક્તિ, શોષિતોને સ્વતંત્ર કરવા અને સાફ હૃદયથી માત્ર સર્વહારા વર્ગના કલ્યાણ અને ઉત્કર્ષ માટે સમર્પિત રહેનાર એવું આ વિશ્વનું પ્રથમ કામદાર સંગઠન હતું. જેમાં માર્ક્સની અગત્યની ભૂમિકા રહી હતી.
- રક્ષા ત્રાપસિયા








