મેળવવાની માથાકૂટ અને ગુમાવવાનું દર્દ: જિંદગીની એક અનોખી કટોકટી
યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક ઓફિસમાં પાંચ વાગ્યે ચા પીધા પછી જે બીડી પીધી હતી, એ છેલ્

યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
ઓફિસમાં પાંચ વાગ્યે ચા પીધા પછી જે બીડી પીધી હતી, એ છેલ્લી હતી… ઘેર જતી વખતે યાદ રાખીને યાદ રાખીને બીડીની ગડી ખરીદવી પડશે… અશોકે વિચાર્યું. શાહીબાગની એક ઓફિસમાં એ પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ચા અને બીડી સિવાય એને કોઈ વ્યસન નહોતું. ઓફિસમાં શેઠને મળવા રોજ પાંચ-છ મુલાકાતી આવે ત્યારે શેઠના ઓર્ડર મુજબ કીટલી પરથી ચા લેવા જવું પડતું અને આમ દિવસમાં ચાર-પાંચ વખત ચા પીવા મળતી હતી. બીડી માટે પૈસા ખર્ચવા પડતા હતા. ઓફિસમાં બીડી પીવાની મનાઈ હતી એટલે એમાં કન્ટ્રોલ રહેતો હતો.
સાંજે સાત વાગ્યે છૂટયા પછી એણે સાઈકલની સીટ સાફ કરી. ટિફિનવાળી થેલી ગવર્નરમાં ભરાવી અને અન્ડરબ્રીજ તરફ સાઈકલ મારી મૂકી. એરપોર્ટ રોડ ઉપર આંબાવાડી વિસ્તારમાં એક રૂમ-રસોડાના ઘરમાં પત્ની સવિતા સાથે એ રહેતો હતો.
ઝળહળતી લાઈટોવાળી ચકચકિત કારો પૂરપાટ વેગથી એરપોર્ટ તરફ જતી હોય એ દ્રશ્ય અશોકને રોજ જોવા મળતું હતું.
બીડીની ગડી ખરીદવા માટે રોડની સાઈડમાં આવેલો એક ગલ્લો નિશ્ચિતહતો. દૂરથી એ ગલ્લો દેખાયો એટલે અશોકે સાઈકલ ધીમી પાડી. એરપોર્ટ જનારા શેઠિયાઓની બે કાર ત્યાં ઊભી હતી. ડ્રાઈવરો કારમાં હતા અને શેઠિયાઓ સિગારેટ કે ગુટકા ખરીદવા ગલ્લે ઊભા હતા. એવામાં એક ટેક્સી ત્યાં આવી અને એક સૂટેડબૂટેડ યુવાન એમાંથી ઊતરીને ગલ્લે પહોંચ્યો. રોજિંદા નિરીક્ષણ ઉપરથી અશોકને ખ્યાલ હતો કે ડ્રાઈવર ન રાખનારા શેઠિયાઓ પાર્કિંગના પૈસા બચાવવા માટે ઉબર કે ઓલા કરીને આવતા હતા.
એ યુવાન શેઠિયાએ ખિસ્સામાંથી પાકીટ કાઢીને એમાંથી ગલ્લાવાળાને પૈસા આપીને સિગારેટનું પેકેટ ખરીદ્યું. એક સિગારેટ કાઢીને સળગાવી. ત્યાં ઊભા રહીને એ સિગારેટ પીતો હતો ત્યારે અશોક ત્યાં પહોંચી ગયો હતો.
એ યુવાનનો મોબાઈલ રણક્યો એટલે સિગારેટ મોંમાં જ રાખીને એણે મોબાઈલ ઉઠાવ્યો. સામા છેડેથી જે કહેવાયું એ સાંભળીને સહેજ ચિડાઈને એણે જવાબ આપ્યો. એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં મોબાઈલ પકડીને એ ઝડપથી ટેક્સી પાસે પહોંચ્યો. ત્યાંથી બ્રીફકેસ લઈને એ પાછો ગલ્લા પાસે આવ્યો. બ્રીફકેસમાંથી કાગળો બહાર કાઢવા માટે ત્યાં ઊભેલી એક કારના ટેકે એણે બ્રીફકેસ ખોલી. એમાંથી કાગળોની થપ્પી બહાર કાઢીને એમાંથી કંઈક જોઈને ગુસ્સાથી સામેની વ્યક્તિને એ જવાબ આપતો હતો અને સિગારેટ હજુ હાથમાં હતી. ભયાનક ગુસ્સાથી સામેની વ્યક્તિને બે ગાળ બોલીને એણે ફટાફટ મોબાઈલ કોટના ખિસ્સામાં મૂક્યો. કારના ટેકે બ્રીફકેસ ત્રાંસી મૂકેલી હતી. અત્યંત ઝડપથી અને ગુસ્સાના આવેશમાં જ બધા કાગળ બ્રીફકેસમાં પાછા મૂકીને જોરથી બ્રીફકેસ બંધ કરીને એ તરફ નજર કર્યા વગર જ લગભગ દોડીને એ પાછો ટેક્સીમાં બેસી ગયો અને ટેક્સી એરપોર્ટની તરફ રવાના થઈ ગઈ.
અશોકની નજર એના નિરીક્ષણમાં જ રોકાયેલી હતી. પેલાને ખ્યાલ નહોતો રહ્યો, પણ અશોકે જોયું કે ગુસ્સે થઈને એણે બ્રીફકેસ બંધ કરી ત્યારે એમાંથી કંઈક નીચે પડી ગયું હતું. સાઈકલ સ્ટેન્ડ પર ચડાવીને એ પેલાને જાણ કરવા ત્યાં જાય એ પહેલાં ધૂંધવાયેલી દશામાં પેલો તો રવાના થઈ ગયો હતો. જે વસ્તુ પડી ગઈ હતી એ કારની પાછળ હતી એટલે ગલ્લાવાળાને કે બીજા કોઈને એની ખબર નહોતી. અશોક આગળ વધ્યો. ટિફિનવાળી થેલી હાથમાં રાખી હતી. મોબાઈલથી લગભગ દોઢી સાઈઝનું આકર્ષક પાઉચ જોઈને એની આંખ ચમકી. હાથમાંથી પોતાની થેલી સરકાવીને નીચે પાડી, પછી ઝૂકીને થેલી ઉપાડી અને સાથે પેલું પાઉચ પણ થેલીમાં સરકાવી દીધું ! બીડી ખરીદીને એણે સાઈકલ મારી મૂકી.
'ખીચડી થઈ ગઈ છે. સવારનું શાક ગરમ કરવા મૂક્યું છે…' એ ઘરમાં પ્રવેશ્યો કે સવિતાએ પૂછ્યું. 'તમારે જમવું છે કે વાર છે ?'
એને કંઈ જવાબ આપ્યા વગર અશોકે થેલીમાંથી ખાલી ટિફિન કાઢીને બહાર મૂક્યું અને એ પછી ધડકતા હૈયે પેલું પાઉચ બહાર કાઢીને હાથમાં લીધું. એ વખતે સવિતાપણ ત્યાં આવીને ઊભી રહી ગઈ હતી.
પાઉચ ઉપર સોનેરી અક્ષરે ઝવેરીના શોરૂમનું નામ કોતરેલું હતું. અશોક પાઉચ ખોલી રહ્યો હતો ત્યારે સવિતા પણ ઉત્સુકતાથી તાકી રહી હતી.
પાઉચમાં ઝગારા મારતા સોનાનો નેકલેસ હતો, સાથે નાનકડું સુગંધીદાર કવર અને એક વિઝિટિંગ કાર્ડ હતું ! સવિતા ફાટી આંખે નેકલેસ સામે જોઈ રહી હતી. અશોકે નેકલેસ હાથમાં લઈને વજનનો અંદાજ લગાવ્યો અને સવિતા સામે જોયું. 'પાંચ તોલા જેટલું વજન છે, સાડા-સાત લાખનો માલ છે !' કાર્ડ વાંચીને એણે ઉમેર્યું. 'સેટેલાઈટ રોડ ઉપરનો શેઠિયો ભૂલી ગયો છે. કાલે સવારે એના બંગલે જઈને આપી આવીશ.' આટલું કહીને એણે આ પાઉચ કઈ રીતે મળ્યું એની વિગતવાર વાત કહી.
'પાછું આપવાની કોઈ જરૂર ખરી?' સવિતાએ તરત પૂછ્યું. 'બંગલાવાળા શેઠિયાને સાત લાખની શું વિસાત ? આપણી દશા કેવી છે ? સારો સાડલોય મારી પાસે નથી, એ તો વિચારો.'
અશોક ગંભીર બની ગયો. 'સવુ, સોનું જડે એ પણ અપશુકન અને ખોવાય એ પણ અપશુકન. હું મેટ્રિકમાં હતો ત્યારે મારા બાપાને એક નાનકડી ચુની જડેલી. મારી બાએ બાપાને સમજાવ્યા કે આ ચુની તમે મંદિરમાં મૂકી આવો, આપણે નથી રાખવી. જડેલું સોનું ધનોતપનોત કાઢી નાખશે ! પણ બાપા ના માન્યા. ચુની વેચીને એમણે નવી સાઈકલ ખરીદી. પંદર દિવસ પછી ખટારાએ બાપાની સાઈકલને ટ્કકર મારી. સાઈકલનો કૂચડો થઈ ગયો અને બાપ મરી ગયા ! આગળ ભણવાનું મૂકીને મારે નોકરીમાં જોતરાઈ જવું પડયું…'
સવિતાના ચહેરાપરની નિરાશા પારખીને એણે ઉમેર્યું. 'કાલે આ દાગીનો પાછો આપીશ, ત્યારે શેઠાણી રાજી થઈને જે આપશે, એ પ્રેમથી લઈ લઈશ. શેઠ ખુશ થઈને સારા પગારની નોકરી પણ આપી શકે.. એ જે ખાય એ આપણા હકનું - બાકી આ તો પાછું આપવું જ પડે !'
કારણ સાંભળ્યા પછી સવિતાએ કોઈ દલીલ વગર પતિની વાત સ્વીકારી લીધી. બીજા દિવસે સવારે અશોક સાઈકલ લઈને સેટેલાઈટ રોડ પર પહોંચી ગયો. પાઉચમાં નેકલેસ સાથે સુગંધીદાર પ્રેમભરી કવર ઉપરાંત જે કાર્ડ હતું એમાં પૂરું સરનામું હતું. સામસામે આલિશાન બંગલાઓ હતા. ચાર નંબરના બંગલાના ગેટ પાસે એ ઊભો રહ્યો. બરાબર સામે સત્તર નંબરના બંગલાના ગેટ વચ્ચે ઊભેલો એ યુવાન છ ફૂટથી પણ વધુ ઊંચો હતો. એ લંબૂનું આ તરફ ધ્યાન નહોતું. અશોકે ડોરબેલ દબાવી. બંગલામાં કામ કરનાર પચાસેક વર્ષની સ્ત્રીએ બારણું ખોલ્યું.
'કોનું કામ છે, ભાઈ ?' એ સ્ત્રીએ પૂછ્યું
'આ બંગલો શ્રીકાંતભાઈનો જ છે ને ? એમનું ખાસ કામ છે…' અશોકે જવાબ આપ્યો એ વખતે અંદરથી રણકતા અવાજે પૂછાયું. 'ગંગાબેન, કોણ આવ્યું છે ?'
'રત્ના બા, કોઈ ભાઈ શેઠનું નામ લઈને આવ્યા છે.' ગંગાબહેને જવાબ આપ્યો કે તરત રત્નાએ બહાર આવીને અશોક સામે જોયું. અશોક એ યુવતીને પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે તાકી રહ્યો હતો. પચીસેક વર્ષની ઉંમર, તંદુરસ્તીથી ચમકતી ત્વચા, વિશાળ કપાળ, તીણું નાક અને વેધક આંખો… 'શેઠનું શું કામ હતું, ભાઈ?' રત્નાએ મીઠાશથી પૂછ્યું.
'શ્રીકાંતભાઈ સાંજે એરપોર્ટ તરફ જતા હતા ત્યારે પાનના ગલ્લે એમની બેગમાંથી એક વસ્તુ પડી ગઈ હતી…' અશોકે કહ્યું.
'એમનું તો એ તરફ ધ્યાન જ નહોતું. મેં એ જોયું. હું દોડીને આપવા જાઉં એ પહેલાં એ ટેક્સીમાં બેસીને રવાના થઈ ગયા. આ તો સારું હતું કે સાથે એમના સરનામાવાળું કાર્ડ હતું - એટલે હું એ આપવા આવ્યો છું.'
'આવો… અંદર આવો…' રત્નાએ કહ્યું અને અશોક એની પાછળ દોરાયો. ડ્રોઈંગરૂમ ખૂબ વિશાળ હતો. ત્યાં સોફા તરફ ઇશારો કરીને રત્નાએ અશોકને બેસવાનું કહ્યું. અશોક સંકોચ સાથે સોફા પર બેઠો. રત્નાએ ગંગાબહેન સામે જોયું. 'આ ભાઈ માટે એક પ્લેટમાં આઈસક્રિમ લાવો.'
'રત્નાબા, તમે લેશો ? તમારો પણ લાવું ?' ગંગાબહેને પૂછ્યું એટલે માથું હલાવીને રત્નાએ ના પાડી.
'તમે દરબાર છો ?…' અશોકે જિજ્ઞાસાથી પૂછ્યું. 'મોટી ઉંમરના આ ગંગાબેન તમને રત્નાબા કહે છે - એટલે પૂછ્યું…'
'જી…' રત્નાએ વિવેકથી કહ્યું. 'અમારા ઇન્ટરકાસ્ટ મેરેજ છે. હું તો જાડેજાની દીકરી છું…' એણે હસીને અશોક સામે જોયું.
સાહેબના સ્વભાવમાં જ બેદરકારી છે, એટલે ઘણીવાર ઘણું ખોઈને આવે છે. એમાંય ધંધાના કામે દર મહિને ત્રણ-ચાર દિવસ મુંબઈ જવું પડે છે. એ વખતે તો એ ખૂબ ઉતાવળમાં હોય છે.
એમણે શું પાડી દીધું છે, એ હવે બતાવો.'અશોકે થેલીમાં હાથ નાખ્યો એ જ વખતે ગંગાબહેન આઈસક્રીમ લઈને આવ્યાં. 'કોઈ ઉતાવળ નથી, ભાઈ ! પહેલા આઈસક્રીમ પતાવી દો.' રત્નાએ કહ્યું અને અશોકે આઈસક્રીમનો બાઉલ હાથમાં લીધો. હાફૂસ કેરીનો આઈસક્રીમ ખૂબ સ્વાદીષ્ટ હતો અને બાઉલ પણ ખાસ્સો મોટો હતો… એ ખાતી વખતે અશોકે વિચાર્યું કે આ રત્નાબાનો જીવ ખૂબ ઉદાર છે. બોલવામાં ખૂબ વિવેકી છે - એટલે હું નેકલેસ આપીશ ત્યારે ઇનામ આપવામાં આ રાજપૂતાણી વરસી પડશે ! ઇનામના વિચારમાં અશોકનું મન દ્વિધામાં હતું. રોકડ ઇનામને બદલા આ ખાનદાન શેઠાણીને વાત કરીને એમની પેઢી કે ઓફિસમાં સારી નોકરી માટેનું વચન જ લઈ લેવાય - કદાચ શેઠની ફેક્ટરી પણ હોય - તો એમાં પણ મારું સેટિંગ કરી આપશે… મારી ઇમાનદારી જોયાં પછી આ શેઠાણી શેઠને વાત કરશે તો સો ટકા નોકરીનો મેળપડી જશે !
ખાલી બાઉલ ટિપોઈ પર મૂકીને એણે થેલીમાં હાથ નાખ્યો અને ઉત્સાહભેર પેલું પાઉચ બહાર કાઢીને રત્નાબાના હાથમાં આપ્યું. ખાલી બાઉલ લેવા માટે આવેલા ગંગાબહેન પણ આ દ્રશ્ય જોવા ઊભા રહી ગયાં હતાં.
નેકલેસ અને પેલું કવર જોઈને રત્નાની આંખ ચમકી. સાત-સાડા સાત લાખ રૂપિયાની આ ચીજ પાછી આપવા આવેલ અશોકની સામે એ આશ્ચર્યથી તાકી રહી. ગંગાબહેન પણ આદરભાવથી અશોક સામે જોઈ રહ્યાં હતાં. નેકલેસ હાથમાં લઈને રત્નાએ મનોમન કંઈક ગણતરી કરીને અશોક સામે જોયું. 'ભાઈ ! આજના જમાનામાં તમારા જેવા માણસ તો ભાગ્યે જ જોવા મળે છે. ખરેખર, તમે ખૂબ મોટું કામ કર્યું છે. જરાયે સંકોચ વગર બોલો કે આ ઉપકારનો બદલો હું કઈ રીતે વાળું ? તમે રકમ બોલો…'
'રત્ના બા ! હું કોઈ ઇનામની લાલચે નથી આવ્યો…' અશોકે નિખાલસતાથી કહ્યું 'પ્રત્યક્ષ અનુભવ ઉપરથી માનું છું કે સોનું ખોવાય કે જડે એ અપશુકન કહેવાય. એને લીધે જ તમારી ચીજ આપવા આવ્યો છું. શક્ય હોય તો એક કામ કરજો. મારી અત્યારની નોકરીમાં પગાર ખૂબ ઓછો છે. સાહેબની પેઢી કે ફેક્ટરીમાં મહેનત કરવામાં પાછી પાની નહીં કરું. તમે સાહેબને મારી નોકરી માટે ભલામણ કરજો…'
નેકલેસ સામે અને એ પછી રમેશના ભોળિયા ચહેરા સામે જોઈને રત્નાએ કહ્યું. 'આજે શનિવાર થયો. સાહેબ સોમવારે રાત્રે પાછા આવવાના છે. હું કહીશ એટલે ના પાડવાની એમની તાકાત નથી. તમે ભૂલ્યા વગર મંગળવારે સવારે આઠેક વાગ્યે જ અહીં આવી જજો. સાચા અને પ્રમાણિક માણસ આજકાલ ક્યાં મળે છે ? મંગળવારે સવારે ચોક્કસ આવી જજો. તમને નોકરી મળી જશે.'
રત્નાબાને પ્રણામ કરીને રમેશે વિદાય લીધી. પેડલ મારતી વખતે સાઈકલ જાણે હવામાં ઊડતી હોય એટલો એને આનંદ થતો હતો.
(આવતા બુધવારે વાર્તા પૂરી થશે.)
(શીર્ષક પંક્તિ : લેખક)








