શતરંગ / ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ, ૨૦૨૦ બંધારણીય છે
- લીગલ પંડિત કબજાને સંચાલિત કરતું ભારતનું કાનૂની માળખું ખાસ કરીને જમીન ત

- લીગલ પંડિત
કબજાને સંચાલિત કરતું ભારતનું કાનૂની માળખું ખાસ કરીને જમીન તેમજ મકાન મિલકતનાં ગેરકાયદેસર કબ્જા પરત મેળવવા બાબત ઘણી જટિલ નબળાઈઓ દર્શાવે છે. આ ખામીઓનાં કારણે કાયદાના અમલીકરણની અસરકારકતા, ઝડપી ન્યાયિક પ્રક્રિયા અને વ્યક્તિગત અધિકારોના રક્ષણને અસર થાય છે.
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ ને બંધારણીય ઠરાવ્યો છે, જે જાહેર અને ખાનગી બંને મિલકતના "લેન્ડ ગ્રેબિંગ" ને ગુનાહિત બનાવે છે.
આ કાયદાને ડિસેમ્બર ૨૦૨૦ માં અમલમાં મૂકવામાં આવ્યો હતો અને તેનો હેતુ ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતોને રક્ષણ આપવાનો છે. ગુજરાત રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ અને જોડાયેલ બાબતો પર પ્રતિબંધ મૂકવાનો કાયદાનો ઉદ્દેશ્ય ફરિયાદોના સમય-બાઉન્ડ અને ઝડપી નિકાલની ખાતરી કરવાનો છે અને ખેડૂતો અને સામાન્ય માનવીના હિતોનું રક્ષણ કરવાનો છે, તેવું જે તે સમયનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
કાયદા હેઠળ, જમીન હડપના ગુના માટે ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની સજા અને જપ્ત કરાયેલી મિલકતનાં જંત્રી મૂલ્યનાં બરાબર દંડની જોગવાઈ છે પરંતુ ત્યારબાદ સદરહુ કાયદાને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગેરબંધારણીય હોઈ ને પડકારવામાં આવેલ અને સદરહુ કાયદા સામે મૂળ અરજીમાં સ્ટે આપવામાં આવેલ તેથી સદરહુ કાયદો પસાર થયેલ હોવા છતાં અસરકારક અમલ થઇ શકતો નહોતો.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, જમીન માફિયાઓ દ્વારા ઘણા ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવી હોવાના અહેવાલોને પગલે, જમીન હડપ કરવાને માત્ર ગેરકાયદેસર જાહેર કરવા માટે જ નહીં પરંતુ ગુના પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવામાં આવ્યો હતો.
કાયદાને નીચેના કારણે પડકારવામાં આવેલ.
આ કાયદાને એ કારણથી પડકારવામાં આવ્યો હતો કારણ કે તે રાષ્ટ્રપતિની સંમતિ મેળવ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો અને તે સ્પષ્ટ રીતે મનસ્વી હતો. તેમજ ભારતના બંધારણનાં મૂળભૂત હક્કો વિરુદ્ધનો હતો.
અરજદારોએ દલીલ કરી હતી કે, જાહેર જમીન પડાવી લેવા અંગેની ફરિયાદ અને ખાનગી જમીન અંગેની ફરિયાદોને એકસરખી ગણી શકાય નહીં કારણ કે આવી ખાનગી ફરિયાદો ઉત્તરાધિકાર અને પાર્ટીશન સ્યુટસ વગેરેથી ઉદ્ભવી શકે છે. અરજદારોએ દલીલ કરી હતી કે કાયદો બિન-સંવૈધાનિક છે કારણ કે તે કેન્દ્રીય કાયદાઓ સાથે વિરોધાભાસી છે.
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ એટલે કે જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું અને કાયદાને પડકારતી ૧૦૦ થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુધ્ધ પી માયી ની બે જજોની બેન્ચે ૯ મે ૨૦૨૪ ના રોજ કાયદાને પડકારતી અરજીઓની બેચને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે તમામ દલીલોને ફગાવી દીધી હતી અને ૪૧૨ પાનાનો ચુકાદો આપી જણાવ્યું હતું કે કાયદો બંધારણની મૂળભૂત રચનાનું ઉલ્લંઘન કરતો નથી.
Limitation Act, 1963; Civil Procedure Code (CPC), 1908; Criminal Procedure Code (CrPC), 1973; Transfer of Property Act, 1882; Specific Relief Act, 1963; Indian Evidence Act, 1872; and the Indian Contract Act, 1872,” કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, ઉપરોક્ત તમામ કાયદાની જોગવાઈઓથી હાલનો કાયદો "તર્કસંગત" છે અને તેનો હેતુ ગુજરાતમાં જમીન હડપની પ્રવૃત્તિઓને રોકવાનો છે.
કાયદો બંધારણની અનુચ્છેદ ૧૪ નું ઉલ્લંઘન કરતો નથી. અદાલતે નિરીક્ષણ કર્યું છે કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ ની વિવિધ જોગવાઈઓ, એક્ટના ઉદ્દેશ્ય અને હેતુ સાથે તર્ક ધરાવે છે જે ગુજરાતમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓને રોકવા માટે છે.
હાઈકોર્ટે કહ્યું કે, સજા નક્કી કરવી એ વિધાનમંડળનાં શાણપણ પર વધુ સારી રીતે છોડી દેવામાં આવે છે, "વિધાનમંડળના શાણપણને યોગ્ય માન અને આદર આપવું જોઈએ, લોકો માટે શું સારું, શું ખરાબ એ ધારાસભ્યો માટે છે, લોકોના પ્રતિનિધિ તરીકે, સારું ખરાબ તેમણે નક્કી કરવાનું છે. તેમના માટે કોર્ટ તેના શાણપણ પર બેસી શકે નહીં.
પરિણામે, ૨૦૨૦ અધિનિયમને અલ્ટ્રા વાઈરસ કહી શકાય નહીં. કઠોર અને અપ્રમાણસર સજાના આધારે કાયદાને પડકારી શકાય નહીં. અમે માનીએ છીએ કે આ કાયદો બંધારણની કલમ ૧૩, ૧૪, ૧૯ અને ૨૧ નું ઉલ્લંઘન કરતો નથી."
આ ચુકાદાનો અર્થ એ થયો કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ યથાવત રહેશે અને તેનો ઉપયોગ જમીન હડપના ગુનાઓના આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે થઈ શકશે.
કાયદાની કેટલીક મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:
- કાયદો જાહેર અને ખાનગી બંને મિલકતના " લેન્ડ ગ્રેબિંગ" ને ગુનાહિત બનાવે છે.
- જમીન હડપના ગુના માટે ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની સજા અને જપ્ત કરાયેલી મિલકતના જંત્રી મૂલ્યના બરાબર દંડની જોગવાઈ છે.
- કાયદો પુરાવાના બોજને ઉલટાવે છે, જેનો અર્થ એ છે કે આરોપીએ એ સાબિત કરવું પડશે કે તેમણે જમીન હડપી નથી. કાયદાની કલમ ૧૧ એ પુરાવાનો વિપરીત ભાર લાદે છે, જેનો અર્થ એ છે કે પ્રથમ પક્ષના આરોપ પર, વિશેષ અદાલત માની લેશે કે “જે વ્યક્તિએ જમીન પડાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે તે જમીન પડાવી લેનાર છે અને તે સાબિત કરવાનો ભાર છે કે જમીન તેના દ્વારા પડાવી લેવામાં આવી નથી તે આવા વ્યક્તિ પર રહેશે.
- કાયદામાં ખાસ અદાલતોની સ્થાપનાની જોગવાઈ છે જે જમીન હડપના ગુનાઓના ઝડપી નિકાલ માટે સત્તા ધરાવે છે.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ એ રાજ્યમાં જમીન હડપની સમસ્યાનો સામનો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
‘કાયદાનાં અમલથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને તેમની જમીન પરનાં અધિકારોનું રક્ષણ થશે.’
ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદે જમીન કબજો રોકવા માટે લાગુ કરાયેલા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ ની બંધારણીય માન્યતા જાળવી રાખી છે. આ અધિનિયમના હેતુઓમાં ગેરકાયદે જમીન કબજો અટકાવવાનો અને આવા કિસ્સાઓના ન્યાયિક ઉકેલ માટે વિશેષ કોર્ટો સ્થાપવાની વ્યવસ્થા શામેલ છે.
અધિનિયમમાં નોંધપાત્ર અને કડક શરતો છે, જેમ કે કબજો કરનારાઓને ૧૦ થી ૧૪ વર્ષની સજા અને જમીનની સરકારી કિંમતની બરોબર દંડની જોગવાઇ કરવી. કોર્ટના આ નિર્ણયને કારણે હવે આ અધિનિયમ રેટ્રોસ્પેક્ટિવ (પાશ્ચાત્ય) પ્રાવધાનો સાથે સંપૂર્ણ રીતે લાગુ રહેશે, જેનો અર્થ છે કે અગાઉના કેસો પર પણ આ કાયદો લાગુ થઈ શકે છે
અરજદારો વતી વકીલશ્રીઓએ હાજર રહીને ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, કાયદા હેઠળ નોંધાયેલી એફઆઈઆર પર આગળની કાર્યવાહી પર સ્ટે આપવામાં આવે અને વચગાળાની રાહત ૩૦ જુલાઈ સુધી લંબાવવામાં આવે કારણ કે સુપ્રીમ કોર્ટ ૮ જુલાઈના રોજ ફરી ખુલશે. જોકે, કોર્ટે આ અરજી પણ ફગાવી દીધી હતી. આ નિર્ણયથી રાજ્ય સરકારને ગેરકાયદે જમીન કબજો વિરોધી કાયદાનો અમલ કરવા માટે વધુ શક્તિ મળી છે, જે તે જરૂરી પગલાં માટે મહત્વપૂર્ણ છે.
- ભિષ્મક પંડિત (એડવોકેટ)








