મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જગનો આધાર એની આંગળી રે લોલ

- શબ્દ ઝણકાર जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ॥ અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ

શતરંગ / જગનો આધાર એની આંગળી રે લોલ

-  શબ્દ ઝણકાર 

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ॥

અર્થાત  જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. ‘માતા’ ફક્ત શબ્દ નથી, સમગ્ર બ્રહ્માંડનો સાક્ષાત્કાર કરાવતો જીવનમંત્ર છે. ઈશ્વરે જયારે બ્રહ્માંડની રચના કરી ત્યારે પોતાનો અંશ “માઁ” સ્વરૂપે મુક્યો. મા જન્મદાત્રી, સિદ્ધિદાત્રી, પાલનકર્ત, દુઃખહર્તા , સુખકર્તા છે. કોઈએ ખૂબ સરસ કહ્યું છે:

માંગુ રે હું તો મમતા નો પાલવડો

કે ભવ ભવ મળજો તમ જેવી માવલડી 

માતા સર્જનહાર છે. કદાચ મારા માટે ઈશ્વરથી પણ પર છે. બ્રહ્માં નું સર્જન કર્યું અને ઈશ્વરના આ જ અંશે જગતના તમામ મનુષ્યોનું સર્જન કર્યું . એટલે માઁ ઈશ્વરનું અનોખું સર્જન છે.  જે ખુદ પૃથ્વી પર સર્જન કરે છે અને બીજમાંથી વૃક્ષ બનાવે છે

માતા બાળકને જન્મ આપે છે ત્યારે સતત નવ મહિના પછી બાળક પેટમાં જ માતાના સંસ્કારો, તેણે  આપેલું જ્ઞાન , ગમ્મત. સંગીત સાહિત્ય કુશળતા, દક્ષતા આ તમામ ગુણોનું ગ્રહણ કરે છે. જેટલી પીડા માતા એક બાળકને જન્મ આપતી વખતે વેઠે છે તેટલી પીડા આખા જગતની પીડાઓ કરતા પણ વધારે હોય છે. માતાને સંતાનો માટે ફક્ત કરુણા, પ્રેમ, વાત્સલ્ય જ હોય છે. માતાની રાહ જોવાની આદત એ કદાચ જગતનો પવિત્ર પ્રેમ છે. બાળક ઘરે આવ્યું ન હોય તો માતાનો જીવ સાતમા આકાશથી પર હોય છે અને આવી ગયું હોય તો પણ એનો પ્રેમ એની રાહમાં જ  છલકાતો હોય છે. માતા એ  અનુભૂતિ કરાવતા ઈશ્વરનો સાક્ષાત્કાર છે.  જીવન જીવવાનો મંત્ર છે. 

“માઁ ને ગમતું નથી હોતું

માળો ખાલી થઈ જાય એ

તોય એ ઉડતા શીખવે છે

પોતાના બચ્ચાઓને.”

- હર્ષા દવે

મા પોતાના બાળકો માટે અનેક સંઘર્ષો વેઠીને, અસહ્ય પીડાને ઓગાળીને, બાળકના આવનારા ભવિષ્ય માટે બધું જ કરી છૂટે છે. પોતાની ઇરછાઓ, આશાઓ, સપનાઓને સામા કાંઠાના  કિનારે પધરાવી બાળકના ભવિષ્યનું ઘડતર કરવામાં મથે છે. 

બાળકો ગમે તેટલા મોટા થઈ જાય, વિદેશ વસતા હોય કે સહજ અંતરે, માતા ક્યારે ચિંતા કરવાનું મૂકતી નથી, બાળકો વગર એને ગમતું નથી. માતા પિતાને વૃદ્ધ ન થવા દેવા હોય તો આજીવન એમના સાથે રહેવું. બાળક  બીમાર પડે છે ત્યારે પોતે બધું ત્યજીને સેવા ચાકરી કરવા મંડે છે. અને પથારી માંથી ઉભો કરે છે. બાળકના જીવતરથી છેલ્લી ક્ષણ સુધી માતાએ ક્યારેય “ના” શબ્દ ઉચ્ચાર્યો નથી. તેના મુખે હંમેશા સ્મિતસભર “હા” પ્રેમપૂર્વક છલકાતું રહે છે. એટલે જ તો બેફામ સાહેબે ખરું કહ્યું છે:

“ઈશ્વર કેટલો મોટો કલાકાર છે, એટલા બધાં સર્જન કરે છે પણ એનું નામ નથી લખતો અને માતા; એનાથીય વિશેષ સર્જક છે. એ દીકરાનું સર્જન કરીને દીકરાની પાછળ એનું નામ ઓગાળી નાખે છે.“

હવે યુગ બદલાયો છે. સંસારમાં પરિવર્તનશીલ એવા આજના જમાનાનાં સંતાનો માતાનું નામ પણ પોતાનાં નામ સાથે જોડે છે. જે સારી વાત છે અને હોવું પણ જોઈએ. જેણે ખુદ પોતાના કુખે  જન્મ આપી ઘડતર કર્યું એનાં અસ્તિત્વમાં ફક્ત પિતાનું નામ જ શું કામ ? માતાનું પણ હોવું જ જોઈએ. માઁ પાલનહાર છે, સર્જનહાર છે. એને જોક, ખ્યાતિની જરૂર પણ નથી હોતી. કદાચ ‘માઁ’ શબ્દ માટે શબ્દકોશ કે જોડણીકોશ જ નહી, પરંતુ આખેઆખો જીવનકોશ પણ નાનો પડે છે. 

કવિ અંકિત ત્રિવેદીએ કેટલું સરસ લખ્યું છે:

“જેને આપણે મંદરીઓમાં પૂજીએ છીએ એ આપણા ઘરમાં જ છે. કદાચ એને પૂજીને, આપણી પૂંજીમાં વધારો થાય એવું બને.”

જગતની તમામ માતાઓનાં ઋણ ઉતારવા માટે સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા પણ ઓછી પડે. આજના સમયમાં ખાસ યુવા પેઢીને મારુ સૂચન છે, કે તમને જયારે સમય મળે કે  ન મળે, દિવસનો એક એક કલાક માતા સાથે વિતાવો. આખા દિવસનો થાક ઉતરી જશે. ખરેખર !

આ દિવસ “મધર્સ ડે” ખાલી એક જ દિવસ પૂરતો નથી, માતૃત્વની ઉજવણી આપણા શ્વાસ જ્યાં સુધી ચાલે છે, ત્યાર સુધી થવી જ જોઈએ. જગતની તમામ માતાઓને કોટી કોટી વંદન. અંતમાં માતા વિશે કેટલાક સાહિત્યિક અંશો મને ગમ્યાં છે જે અહીં ટાંકુ છું : 

~ न मातुः परदैवतम्

~ ઘરમાં દરેકનો જન્મદિવસ આવે પણ મમ્મી નો જન્મદિવસ દરેકમાં ઓગળી જાય.

- વિપિન પરીખ 

~ પિતાનો પ્રેમ સૂર્ય જેવો છે, અને માતાનો પ્રેમ ચંદ્ર જેવો. 

- સુરેશ દલાલ 

~ માતાનું ઋણ ચૂકવવા જાય, તો ભગવાન પણ દેવાળિયો થઇ જાય.

- ઉમાશંકર જોશી 

~ જગનો આધાર એની આંગળી રે લોલ,કાળજા માં કૈક ભર્યા કોડ રે 

 જનની ની જોડ સખી નહી જડે રે લોલ 

- દામોદર ખુશાલદાસ બોટાદકર  

- પાયલ અંતાણી 

આ સમાચાર શેર કરો