મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

લેખમાળા / કાગડો મરતો નથી...

'સર, સચિવાલયનું પાણી પીશો નહીં. ટાંકીમાં મરી ગયેલો કાગડો પડ્યો છે' મહેકમના સેકશન અધિકારીએ મને માહિતી આપી. એક તો કાગડો મરે

લેખમાળા / કાગડો મરતો નથી...

'સર, સચિવાલયનું પાણી પીશો નહીં. ટાંકીમાં મરી ગયેલો કાગડો પડ્યો છે' મહેકમના સેકશન અધિકારીએ મને માહિતી આપી.

એક તો કાગડો મરે નહિ. ચાલો માની લો કે મરે તો પણ એ એટલો સ્માર્ટ છે કે એની સ્માર્ટનેસ સાબિત કરવા તમારી સામે તો ન જ મરે. કાગડો મને એક એવા યોદ્ધા જેવો લાગે છે કે એ કાબર, કબૂતર ને ચકલીઓને ધીબી કાઢીને હિન્દી ફિલ્મોના નાયકની જેમ અજર અમર જ રહેતો હશે. અને ભોગ લાગ્યા છે એના કે સચિવાલયની ટાંકીમાં જઈ સુસાઈડ કરે.

'ના ના, એવું ન હોય. કુલર બગડી ગયું હશે' મેં સેકશન અધિકારીને જણાવ્યું.

જો કે સેકશન અધિકારીએ મને કન્વીન્સ કર્યો કે કાગડો મરી જ ગયો છે. વળી ઉપસચિવે પણ ટાંકીમાં ઝંપલાવ્યું એટલે કે વાતમાં જમ્પ મારીને જણાવ્યું કે સાહેબ કુવામાં હોય તો હવાડામાં આવે. એ શું કહેવા માંગતા હતા એ હું સમજી ન શક્યો પણ આખુ વાક્ય પ્રોપરલી વાંચીએ તો એવો અર્થ હતો કે જો ટાંકો ચોખ્ખો હોય તો કુલરમાં ચોખ્ખુ જ પાણી આવે. માટે પ્રથમ સાઈટ ઉપર જઈને મુલાકાત લેવી. આ મહેકમવાળા કદી સ્પષ્ટ લખે કે કહે જ નહીં (જુઓ સાવવિના વસુતાપ્રની કકાપ)

મહેકમનાં અધિકારી તરીકે મેં આગેવાની લીધી. અમે ટીમ મહેકમ સાથે ગાંધીનગરના ઉચ્ચત્તમ સ્થાને એટલે કે સચિવાલયના ધાબે વિઝીટ અર્થે જવાનું નક્કી કર્યું. ઊંચે લોગ-ઊંચી પસંદ. જી હા, સચિવાલયનું ધાબુ એ હાલ તો ટેકનિકલી ગાંધીનગરનું ઊંચામાં ઊંચું સ્થળ છે - જો ગિફ્ટ સીટી ન ગણીએ તો.

માર્ગ મકાન વિભાગે ધાબુ લોક કરી રાખેલું. સ્પેશિયલ ટુરિસ્ટ પરમિટ મેળવી અમે ધાબુ ખોલાવ્યું. એક ના.સે.અ. (ના.સે.અ. = સેકશન અધિકારી ન બની શકતા નાસીપાસ થયેલો અરધો પરધો અધિકારી) (હું ય આ નાસીપાસની કેટેગરીમાં હતો હોં કે) એ માહિતી આપી કે લોકો ધાબેથી પડીને સુસાઈડ કરતા હોઈ ધાબુ લોક હોય છે.

તો શું મરવા માટે કોઈ બીજું સ્થળ જ નહીં હોય ! કેનાલમાં પડીને ય ઘણા સુસાઈડ કરે છે. આમાંય બસ સચિવાલયને જ બદનામ કરવાનું!

સચિવાલયના ધક્કા ખાઈને હતાશ, નિરાશ અને પરાસ્ત થઇ ગયેલ માણસ સુસાઈડ કરવા જેવો ય બચ્યો નથી હોતો. એટલે સમગ્ર મામલાની તહકીકાત (કે પેલું ઉર્દુમાં તશખીશ કે તપસીસ જે કાંઈ કહેવાતું હોય એ) કરવા ઇન્સ્પેક્શન ટીમ ધાબે ચડી. ધાબે ચડનાર સચિવાલયના પ્રથમ સંયુક્ત સચિવનું ગૌરવ મને પ્રાપ્ત થયું (બીજા કોઈ અગાઉ ગયા હોય તો સુધારો કરજો).

અગાઉ સચિવાલયના ધાબે જુગાર ને દારૂની મહેફિલો થયાના બનાવ ચોપડે નોંધાયેલા છે એટલે અમે ખુબ તકેદારી રાખીને ધાબે ચડવાનું નક્કી કર્યું. જો તમારા ઈરાદા નેક હોય તો કૃત્ય ગૌણ છે. એટલે કે અમારો ઈરાદો ટાંકી ચેક કરવાનો હોઈ અમે બિન્દાસ્ત ધાબે ચડ્યા.

પ્રથમ ટાંકીનું ઇન્સ્પેકશન કર્યું. કાગડો તો દૂરની વાત છે એક કીડી પણ દેખાઈ નહીં. ચોખ્ખુ ચણક પાણી હતું. મને થયું કે આ સચિવાલયનું પાણી પી ને કર્માચારીઓ હોશિયાર થઇ ગયા છે. બોર, નદી અને કેનાલના ત્રિવેણી સંગમના ભાતભાતના પાણી પી-પીને જાતજાતની ક્વેરી કાઢતા થઇ ગયા છે.

દૂર દૂર ગિફ્ટ સીટી દેખાયું. અક્ષરધામ દેખાયું. મેટ્રો ટ્રેઈનનો સાપની કાંચળી જેવો લિસોટો પણ દેખાયો. ફોટાય પાડ્યા. મને થયું કે માણસ જેમ જેમ ઊંચે ચઢે એમ એમ એની દ્રષ્ટિ વિસ્તરે. સાદા અર્થમાં ભાઈને દૂર દુરનું દેખાય. બાકી બીજો કશો ફેર પડતો નથી. માણસ એ નો એ ને એવો ને એવો જ રહે છે. આ બધી સુફિયાણી વાતો છે.

કવિ હોવાના નાતે એક ગઝલ પણ ઘસી નાખી (હાલ તો તમારી દયા ખાઈને એક શેર જ પ્રસ્તુત છે)

હોય જો કિસ્મત તો મનુષ્ય ઊંચાઈ આંબે
આજે કવિ પહોંચ્યા છે સચિવાલયના ધાબે

જામ્યું નહીં, ખરું ને… તો ક્યાંથી જામે. સેકશન અધિકારી અને ઉપસચિવે ખોટો વ્હેમ ઉભો કરીને બધાને છેક ધાબે ચડાવ્યા. તડકે તપાવ્યા. મનમાં ડાઉટ ઉભો કરીને ફાઇલને એવી અંટાવી કે છેલ્લે તે ક્લિયર કરવા ઉચ્ચસ્થાને જવુ પડ્યું. જો કે ઘણી વાર ઉચ્ચ સ્થાનેથી પણ માત્ર સહી કરીને ફાઈલ પાછી આવે એમ અમે પણ કોરાધાકોર પરત આવ્યા ચેમ્બરમાં.

ચેમ્બરમાં હજી બેઠા જ હતા ને ઉપસચિવ સંકલને માહિતી આપી કે સાહેબ પાણીનો સ્વાદ બગડ્યો છે. કુલરનું પાણી પીશો નહીં. ધાબાની ટાંકીમાં કબૂતર મરી ગયું છે. જો કે હવે હું હિમાલયના સાધકની જેમ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી ચુક્યો હોઈ પર્વતારોહણ માટે બીજી ટીમને તૈનાત કરી.

ટીમ સંકલન ધાબે જઈને બીજો ટાંકો અને સ્થળસ્થિતિનું જાત નિરીક્ષણ કરીને આવી અને જણાવ્યું કે ટાંકો તો ક્લીન જ હતો. ખોટો ધક્કો પડ્યો ને થાકી ગયા. હું પેલા સર્વજ્ઞાની લુચ્ચા કાગડાની જેમ મનમાં હસ્યો.

સાંજે સ્ટોરનો સેકશન અધિકારી લેપટોપમાં PPT બતાવતાં બતાવતાં મારા કાનમાં ગણગણ્યો :

'સાહેબ એક વાત કહું?'

'હા બોલ ને'

'આ કુલરના પાણીનો સ્વાદ બગડ્યો છે. સાંભળ્યું છે કે ધાબાની ટાંકીમાં……….

'કશું જ મરી ગયું નથી. કાગડો હેમખેમ છે, કબૂતર અકબંધ છે અને કાબર તો હજુ માળાની બહાર નીકળી જ નથી. ખબરદાર જો હવે ધાબે જવાની વાત કરી છે તો……..' હું મનમાં બરાડ્યો.

સારું છે કે, આ માર્ગ મકાનવાળા ધાબુ લોક કરીને રાખે છે.

આ સમાચાર શેર કરો